તમે સાંભળ્યું હશે કે ફેશનનું થોડા થોડા સમયાંતરે પુનરાવર્તન થાય છે. જેમાં અત્યારે રેટ્રો ફેશનનો જમાનો છે, જેની પાછળ આજની પેઢી ક્રેઝી બની છે.

જૂની ફેશનને મળ્યો મોર્ડન ટચ

સિત્તેરના દાયકામાં બ્રાઇટ કલર્સની ફેશન અને આઉટફિટ્સના બે પ્રકાર હતા. એક તરફ લોકો સ્કિન ટાઇટ આઉટફિટ્સ પર પસંદગી ઉતારતા, તો ઘણાને વળી, લુઝ આઉટફિટ્સ વધારે પસંદ પડતા હતા. સ્કિન ટાઇટ આઉટફિટ્સ એટલે સિગારેટ પેન્ટ, સ્લેક્સ, ટાઇટ પેન્ટ અને તેની સાથે બોબી સ્ટાઇલનું આગળ ગાંઠ વાળવાનું ટોપ અથવા ટાઇટ શોર્ટ ટી-શર્ટ ઘણી યુવતીઓ પહેરતી. જ્યારે લુઝ આઉટફિટ્સમાં એ વખતે બેલ બોટમની ફેશન પિક પર હતી. એમાંય એ વખતે યુવક હોય કે યુવતી દરેકના વોર્ડરોબમાં તમને એક સફારી ડ્રેસ તો અચૂક જોવા મળે. જેમાં ડબલ કોલર અને ફ્રન્ટમાં પોકેટ્સ તો હોય જ, તે સાથે એ સમયની માંગ અનુસાર શર્ટ પર બેલ્ટ પણ બાંધવાનો. આજકાલ એ જ ફેશન ટ્રેન્ડમાં છે, જોકે તેમાં થોડુંઘણું પરિવર્તન આવ્યું છે અને તેની સ્ટાઇલને મોડર્ન ટચ મળ્યો છે.

સ્કિન ટાઇટ કુર્તી સાથે સલવાર અને શિફોનનો લહેરાતો દુપટ્ટો આજે પણ એટલા જ લોકપ્રિય છે અને યુવતીઓ હોંશભેર તે પહેરે પણ છે. ટાઇટ વ્હાઇટ પેન્ટ, કે પહોળી મોરી ધરાવતા બેલ બોટમ અથવા ફ્લેર્ડ પેન્ટ્સ સાથે નોટેડ એટલે કે ફ્રન્ટમાં ગાંઠ વાળેલા ટોપ અત્યારે પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. સિત્તેરના દાયકાની ફેશનમાં એક અનોખો ગ્લેમર હતો, જે એંસીના દાયકામાં ક્યાંક ખોવાઇ ગયો પણ હવે એ ગ્લેમર ફરી ફેશનમાં પ્રવેશીને યંગ જનરેશનનું પેશન બની ગયો છે.

બોલિવૂડમાં લોકપ્રિય

એક વાત તમે માનો કે ન માનો, પણ રેટ્રો સ્ટાઇલને પાછી લાવવામાં બોલિવૂડનો ફાળો પણ ઘણો છે. મુમતાઝ, આશા પારેખ, ઝીન્નત અમાન, રાખી, રેખા જેવી અનેક હિરોઇનોને આ ફેશન અપનાવતા જોઇ છે. તમે ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં દીપિકાને જોઇ હશે. એમાં દીપિકા વાળમાં મોટા મોટા ફૂલ અને લોંગ ફ્લેયર્ડ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. તે ઉપરાંત ઐશ્વર્યા બચ્ચન, કંગના રનૌત, સોનમ કપૂર, જેવી અત્યારની આધુનિકાઓ જેને ફોલો કરે છે, તો આજની યુવતીઓ પણ તેને જ ફોલો કરવાની ને? એક વાત તો સ્યોર કે ચેક્સ ઇઝ ફોર ઓલવેઝ એન્ડ એવરગ્રીન. ચેક્સ સ્ટાઇલનો ટ્રેન્ડ આજે કુર્તીથી લઇને શોર્ટ ટોપ, પેન્ટ્સ કે ની-લેન્થ કુર્તી અથવા શર્ટમાં પણ એટલી જ લોકપ્રિય છે. મેન્સ વેરમાં ચેક્સની સાથે સ્ટ્રાઇપ્સ પણ ટ્રેન્ડમાં છે. ફિટ શર્ટ્ની સાથે ટુ-બટન ધરાવતા જેકેટથી આજના યુવાનોને સ્પોર્ટ્સ લુક પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રાઇટ કલર્સ અને આગળની તરફ લગાવેલી ઝિપ રફ એન્ડ ટફ દર્શાવે છે.

 

એક્સેસરીઝ આર મસ્ટ

સિત્તેરના દાયકાની એક્સેસરીઝને પણ અત્યારે ફરી એટલી જ પસંદ કરવામાં આવે છે. પેસ્ટલ કલર્સ અથવા બ્રાઇટ કલર્સની એક્સેસરીઝ ટ્રેન્માં છે. જે સિત્તેરના દાયકામાં ટ્રેન્ડમાં હતા એ જ કલર્સની એક્સેસરીઝ પર્પલ, ગ્રીન, યલો, ઓરેન્જ જેવા બ્રાઇટ કલર્સ આજની આધુનિકાઓને બોલ્ડ લુક પ્રદાન કરનારા લાગે છે આ જ કલર્સની વિવિધ એક્સેસરીઝ સાથે પીચ, પિંકિશ રેડ, સી-ગ્રીન અથવા રેડિશ ઓરેન્જ જેવા કલર્સની એક્સેસરીઝની અત્યારે બોલબાલા છે. તે સાથે ફ્લોરલ, એનિમલ અને ડિજિટલ પ્રિન્ટ સાથે આ એક્સેસરીઝ વધારે સારો ગેટઅપ આપતી હોવાની આજની જનરેશનને ખ્યાલ હોવાથી તેઓ આ યુનિક કલર્સની સાથે અનોખી પ્રિન્ટ્સનું કોમ્બિનેશન કરી પોતાને સૌથી અલગ દર્શાવી શકે છે.

 

કલર-સાઇઝ-પ્રિન્ટ્સ

રેટ્રો ફેશનમાં બિગ સાઇઝ સ્પેશિયાલિટી હતી. આમાં હેન્ડબેગથી લઇને સનગ્લાસીસ, જુડેલિ વગેરે મોટા અને ફંકી સ્ટાઇલના જોવા મળતા હતા. કાનમાં મોટી રિંગ્સ જેવી બાલી, સ્ટોન સ્ટડેડ બેંગલ્સ, કડાં કે બ્રેસલેટ રેટ્રો લુક પ્રદાન કરે છે. મોટા મોટા ફ્લોરલ પ્રિન્ટનું શર્ટ, મેટલ ફ્રેમના ગોગલ્સ, સ્ટાઇલિશ જીન્સ આ બધું જ સિત્તેરના દાયકાની દેણ છે. ફરક માત્ર એટલો છે કે એ સમયે જીન્સ સિમ્પલ પહેરવામાં આવતા હતા, અત્યારે તેને રિપ્ડ, મોટિફવાળા, એમ્બ્રોઇડરી કરેલા કે મોટિફ લગાવેલા હોય એવા પહેરવામાં આવે છે.

અલબત્ત, જીન્સની સાથોસાથ હવે બ્રાઇટ કલર્સ પણ યંગ જનરેશનની પસંદગી બનવા લાગ્યાં છે. તે સાથે આઉટફિટ્સમાં પણ શાઇનિંગ અને શિમરને પ્રાધાન્ય મળી રહ્યું છે. આજની જનરેશન પોતાના લુક અને બોડી અંગે ખૂબ સાવધ રહે છે. આથી જ એ જાતજાતના એક્સપરિમેન્ટ કરવાની સાથે રેટ્રો ટ્રેન્ડને પણ ફોલો કરે છે. યુવાનોમાં આજકાલ જીન્સ, ટી-શર્ટ્સની સાથોસાથ સોશિયલ ફંક્શન કે પાર્ટીમાં જોધપુરી સ્ટાઇલના પેન્ટ્સ અથવા કાર્ગો સ્ટાઇલના લોઅર્સનો પણ ખૂબ ક્રેઝ છે.

 

શિફોન દુપટ્ટા

રેટ્રો ફેશનની એક ખાસિયત એ છે કે તેમાં યુવતીઓને પરફેક્ટ ફેમિનાઇન લુક મળે છે. અલબત્ત, રફ એન્ડ ટફ લુક પસંદ કરનારી આધુનિકાઓ શોર્ટ કુર્તી સાથે ટાઇટ લેગિંગ્સ કે જેગિંગ્સ પહેરે છે. તેમ છતાં જ્યારે ડ્રેસ પહેરે ત્યારે ગમે એટલા મોડર્ન વિચારો ધરાવનારી યુવતી કેમ ન હોય, એ દુપટ્ટો તો ખભા પર નાખવાની જ છે. હવે આ દુપટ્ટાને એ રેગ્યુલર સ્ટાઇલમાં બંને ખભા પર નાખે કે પછી માથાના વાળ ખરાબ ન થાય એ માટે સ્ટાઇલથી ઓઢીને ગળાની આસપાસ વીંટાળે તો પણ આકર્ષક લાગે છે. સેવન્ટીઝની માફક અત્યારે પણ એમ્બ્રોઇડરી કરેલા અને કટ્સ ધરાવતા ડ્રેસીસ તથા એલિગન્ટ અને ફેમિનાઇન લુક પ્રદાન કરતાં સ્કર્ટ અને ફ્રોક પણ આધુનિકાને પહેરવાનાં ગમે છે. બોલિવૂડની હિરોઇન્સમાં પણ આ ટ્રેન્ડ અત્યારે હોટ છે.

હવે વેડિંગમાં પણ રેટ્રો થીમ

ફેશન અને એક્સેસરીઝની વાત સુધી તો સમજ્યા, પણ આજકાલ વેડિંગ થીમ પણ રેટ્રો રાખવામાં આવે છે અને પાર્ટી માટે એ જ સમય અનુસાર ઇન્વિટેશન આપવાનો ટ્રેન્ડ ચાલે છે. આ બધું જોઇને ડિઝાઇનર્સ પણ પોતાના કલેક્શનને રેટ્રો લુક આપવા લાગ્યા છે. તેમનું માનવું છે કે આવા રેટ્રો સ્ટાઇલના ડિઝાઇનર ડ્રેસીસ વધારે લોકપ્રિય એટલા માટે છે કેમ કે તે અફોર્ડેબલ, કમ્ફર્ટેબલ અને કોઇ પણ પ્રસંગે વેરેબલ છે. તેમાં અનેક એક્સપરિમેન્ટ કરવામાં આવે છે. ઓરિજિનલ સ્ટાઇલને અત્યારના જમાના અનુસાર ટચ આપવામાં આવે છે. જેમ કે, સ્કિન ટાઇટ અને લો-વેસ્ટ ટ્રાઉઝર્સને બ્રોડ અને હાઇ વેસ્ટ બનાવવામાં આવે છે, તો ડ્રેસની કુર્તીની લેન્થ ગોઠણ સુધીની રાખવામાં આવે છે. કટ્સમાં પણ શાર્પનેસનો ખ્યાલ રાખવામાં આવે છે.

મિક્સ એન્ડ મેચના એ જમાનાનું પુનરાવર્તન થતું આજે જોવા મળે છે. જેને ફેશનમાં અત્યારની જનરેશન ફોલો કરી રહી છે. ફ્લેર્ડ અને ફોલ પડતો હોય એવા ડ્રેસીસની માગ અત્યારે વધારે છે. ફ્લોરલ પ્રિન્ટની ડીમાન્ડ પણ વધારે રહે છે. એક્સેસરીઝમાં પણ રેટ્રો સ્ટાઇલની બીડ્સની લોંગ માળા જેની સાથે સિરામિક અથવા વુડન બીડ્સનો પણ સમાવેશ થાય છે, તે અત્યારની યુવતીઓમાં હોટ ફેવરિટ છે.

લોકપ્રિય રહેલી રેટ્રો સ્ટાઇલ

હિપ્પી લુકઃ

ઝીનત અમાનના સોંગ દમ મારો દમ…. માં એણે પહેરેલા ફ્લોરલ પ્રિન્ટના ટોપ અને બેલ બોટમ સાથે મોટા ગોગલ્સ જો તમે પણ ધારણ કરો, તો તમે પણ એનાથી કંઇ કમ નહીં લાગો. હા, અત્યારની ડિજિટલ અને એનિમલ પ્રિન્ટની સાથે ફ્લેર્ડ પેન્ટ અને લુઝ ટોપ પહેરી શકો. તેની સાથે માથા પર સ્કાર્ફ બાંધો જેથી વાળનું રક્ષણ થવા સાથે હિપ્પી લુક પણ પ્રાપ્ત થાય છે.

કન્ટેમ્પરરી ટ્રેડિશનલઃ

સાડીની ક્રેઝી યુવતીઓને ખ્યાલ હશે કે સાદી ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ,સાડી ભારતીય પરંપરા દર્શાવે છે, પણ હવે કોઇ ખાસ પ્રસંગે જ આવી સ્ટાઇલમાં સાડી પહેરવામાં આવે છે. હવે તો શોર્ટ શર્ટ સ્ટાઇલના બ્લાઉઝની સાથે સિમ્પ સાડી પણ ગ્રેસફુલ લાગે છે. આ શર્ટ જેવા બ્લાઉઝમાં જો કોલર હોય અને સાડીનો પલ્લુ આગળ કે પાછળ નાખવા સાથે તેના પર બેલ્ટ અથવા કંદોરો બાંધ્યો હોય તો ટ્રેડિશનલ સાડી પણ કન્ટેમ્પરરી લાગે છે. ફેમિલી ફંક્શનમાં આ રીતે પહેરેલી સાડીથી તમે એકદમ અલગ તરી આવશો.

 

ગ્લેમરસ ડ્રેસઃ

પહેલાં ગ્લેમરસ ડ્રેસીસ પહેરવામાં આવતા હતાં તેને હવે ફરી પાછી પોપ્યુલારિટી મળવા લાગી છે. આમાં લેયર્ડ નેટ સ્કર્ટ અથવા મેક્સીની સાથે થ્રીડી ઇફેક્ટ ધરાવતું શર્ટ ટોપ અને કર્લી હેરસ્ટાઇલ રેટ્રો લુકને પરફેક્ટલી પ્રેઝન્ટ કરે છે.

સાધના સ્ટાઇલઃ

સાધના એવી પહેલી હિરોઇન હતી, જેના નામની હેરકટ ટ્રેન્ડી બની હતી. આજે એ જ હેરકટ પિક્સી કટ નામથી પોપ્યુલર બની છે. આની સાથોસાથ મોટા ઇયરિંગ્સ અને રેડ કલરની લિપસ્ટિક પણ એટલી જ પોપ્યુલર છે. જે અપનાવીને તમે પણ બની જશો સૌના સેન્ટર ઓફ અટ્રેક્શન.

મુમતાઝ સ્ટાઇલઃ

હા, સિત્તેરના દાયકાની મુમતાઝની ફિલ્મો તમે જોશો તો તેમાં એ લુઝ ટોપ સાથે લુઝ પેન્ટ અને ફ્લેટ ફૂટવેરમાં જોવા મળશે. આવા આઉટફિટ્સ અને ફૂટવેરને અપનાવી તમે પણ ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ માટે જઇ શકો છો. દિવસભર ફ્રેશ લુક લાગવાની સાથે ગ્લેમરસ પણ લાગશો અને હેરસ્ટાઇલમાં તમારા વાળને ખુલ્લી હવામાં લહેરાવા દો. પછી જુઓ, તમારી અદા પર સૌ ફિદા થઇ જશે.

રોયલ ટચઃ

વેલવેટમાંથી બનાવેલ ટ્રેન્ચ કોટ અને વેસ્ટ કોટ તમને રોયલ લુક પ્રદાન કરે છે. તમે પણ આ આઉટફિટ અપનાવી તમારા ફ્રેન્ડ્સને સરપ્રાઇઝ આપી શકો છો.

ફોર્મલ લુકઃ

સેવન્ટીઝમાં લાઇનિંગવાળા ટ્રાઉઝરની સાથે બંધ ગળાનું બટન શર્ટ તમને ફોર્મલ લુક પ્રદાન કરશે. તેની સાથે ગળામાં લપેટેલ બ્લેક સ્ટોલ તમને આજની ફેશનમાં અગ્રેસર દર્શાવે છે.

ચેક્સ ઇઝ ફોરએવરઃ

ચેક્સ પ્રિન્ટ ધરાવતું પેન્ટ અને તેની સાથે ફુલ સ્લીવનું શર્ટ. આની સાથે ગળામાં સ્કાર્ફ બાંધ્યો હોય તો કોઇ પણ ફંક્શનમાં તમે જ છવાઇ જશો એમાં બે મત નહીં.

તો, આ છે રિટર્ન ઓફ રેટ્રો ફેશન. જે અપનાવો અને તમારી પર્સનાલિટીને બનાવો પરફેક્ટ ફોર રેટ્રો સ્ટાઇલ.

 

Loading

Spread the love

Leave a Comment