હાસ્ય કલાકારોની યાદીમાં રાકેશ બેદીનું નામ પણ મોખરે છે. ફારૂક શેખ સાથેની ફિલ્મોમાં તેમને અનેકવાર જોયા છે. તેમની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ અને ટેલિવિઝન બંને ક્ષેત્રમાં તેમણે પોતાની હાસ્યશૈલી દ્વારા સૌનું મનોરંજન કર્યું છે અને લોકપ્રિયતા મેળવી છે. તેમના અલગ અલગ પાત્રો દ્વારા તેમણે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. હિન્દી ફિલ્મો, ટેલિવિઝન, થિયેટર, મરાઠી તેમજ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી ચૂકેલા રાકેશ બેદી હવે થોડા સમયમાં જ વેબ સિરિઝીમાં પણ જોવા મળશે. રાકેશ બેદી સાથે થયેલી ટેલિફોનિક વાતચિતના કેટલાક અંશ.
— હાલમાં તમે ફિલ્મ સબ કુછ મંગલમાં જોવા મળ્યા. તેમાં તમારું પાત્ર અલગ હતું. શું કોમેડીથી દૂર થઇ રહ્યા છો.
ના, મેં ક્યારેય કોમેડીથી દૂર થવાનું વિચાર્યું નથી. મને તે ફિલ્મનું પાત્ર પસંદ આવ્યું તેથી તે સ્વીકાર્યું. વળી, કંઇક અલગ કરવાની તક મળી રહી છે તેમ વિચારીને હા પાડી. હું હંમેશા કોમેડી પસંદ કરતો આવ્યો છું અને મારી પ્રથમ શ્રેણીમાં તે હંમેશા રહેશે.
— તમને હિરો તરીકે ફિલ્મોમાં આવવાની ક્યારેય ઇચ્છા નહોતી થઇ.
મેં જે સમયે ફિલ્મોમાં એન્ટ્રી કરી તે વખતે ફોર્મુલા ફિલ્મો વધારે બનતી હતી. જેમાં હિરો, હિરોઇન, વિલન અને કોમેડિયન આ ચારની ખાસ જરૂર રહેતી. તેમાં મને લાગ્યું કે હું કોમેડી સૌથી સારી રીતે કરી શકું એમ છું તેથી તે સમયે જ તે પસંદ કર્યું. મેં કોમેડી ક્યારેય કોઇ મજબૂરીના કારણે કરવાનું પસંદ કર્યું નથી. તમે એક સારા કલાકાર છો તે સાબિત કરવા માટે તમારે કામ તો કરવું જ પડે છે. મારું નસીબ સારું હતું કે મને કોમેડી ફિલ્મોમાં સારા રોલ કરવાની તક મળી હતી.
— તમારામાં છૂપાયેલી કોમેડીની પ્રતિભાને કોણે ઓળખી હતી.
નાનપણથી જ મને કોમેડી પસંદ રહી છે. પરિવારના પ્રસંગો, સ્કુલ-કોલેજ, સોસાયટીના પ્રોગ્રામ્સમાં લોકોનું મનોરંજન કરવા માટે હું હંમેશા કોમેડી કરતો હતો. કોમેડી તમે તમારું મન મારીને ક્યારેય કરી શકો નહીં.
— તમે હંમેશા થિયેટર સાથે જોડાયેલા રહ્યા છો.
હું ખૂબ ગર્વથી કહી શકું છું કે મારી સિવાય કેટલાક ગણતરીના કલાકારો થિયેટર હજીપણ કરી રહ્યા છે. થિયેટરના કારણે કલાકાર દેશની હાલની પરિસ્થિતી, નવા વિચારો અને આજના સમયમાં કલાકાર તરફથી દર્શકોને કેવી અપેક્ષા છે, તે સરળતાથી જાણી શકે છે. ફિલ્મ અને ટીવીના શૂટીંગમાં કલાકાર ચાર દિવાલોની વચ્ચે કેદ થઇને રહી જાય છે. કલાકાર તરીકે વિકસિત થવા માટે થિયેટર કરતા રહેવું જોઇએ.
— એક સારી કોમેડી ફિલ્મ બનાવવાની સૌથી બેસ્ટ બાબત કઇ હોઇ શકે.
કોમેડી ફિલ્મો માટે સૌથી બેસ્ટ બાબત એક સારો લેખક હોવો જરૂરી છે. પછી તેના પાત્રને ભજવવા માટે સારા કલાકાર હોવા જરૂરી છે. તે પછી નિર્દેશકનો નંબર આવે છે. લોકોને રડાવવું ખૂબ સહેલું છે. જો કોઇ ટીવીના 20 મિનિટના ડ્રામાની સ્ક્રિપ્ટ સાત કે આઠ પાનાની હોય છે, તો તેની સામે તે જ 20-22 મિનિટમાં કોમેડીની સ્ક્રિપ્ટ 25 પાનાની હોય છે.
— હવે તો સાઇડ રોલના કલાકારો પણ મુખ્ય પાત્રમાં જોવા મળે છે. તમારા શરૂઆતના સમયે કેવું વાતાવરણ હતું.
તે સમયે મેકર્સ આ પ્રકારનું રીસ્ક લેતા નહોતા. ફિલ્મમાં દરેક પાત્રો નક્કી રહેતા હતા. હિરોના પિતા, વિલન, કોમેડિયન, પોલીસ ઓફિસર દરેક પાત્રના લુક્સનો એક પ્રકાર રહેતો હતો. તે જ સમય પ્રમાણેની વાર્તાઓ બનતી હતી અને તે મુજબ જ કાસ્ટિંગ કરવામાં આવતું હતું. હવે અનેક રસ્તાઓ ખુલી ગયા છે. પહેલા ફિલ્મો ગીતને કારણે પણ ચાલી જતી હતી પણ હવેના દર્શકોને કંઇક નવું કન્ટેન્ટ જોઇએ છે.
— તમારું ઇન્સપિરેશન કોણ રહ્યું છે.
દરેક વ્યક્તિ કોઇનાથી પ્રેરીત થાય છે પણ મેં મારા જીવનમાં કે મારા કરિયરમાં ક્યારેય કોઇની નકલ કરવાનો પ્રયત્ન કર્યો નથી. જો તમારે લાંબા સમય સુધી ટકી રહેવું હોય તો તમારા પાત્રમાં કંઇકને કંઇક નવું પિરસતા રહેવું પડશે.
— તમારી પહેલી ફિલ્મ હમારે તુમ્હારે એ 41 વર્ષ પૂરા કર્યા છે. તે ફિલ્મ સાથે જોડાયેલી યાદો જણાવશો.
મને તે વાતનો ખૂબ ગર્વ છે કે તે ફિલ્મમાં મેં સંજીવ કુમાર સાથે કામ કર્યું હતું. તે ફિલ્મમાં તેઓ મારા પિતાના પાત્રમાં હતા. મેં તેમની પાસેથી એક ત શીખી છે કે તમારા અભિનયનો ભાર ક્યારેય તમારા ખભા પર લઇને ચાલશો નહીં. સેટ પર ક્યારેય કોઇને એવો અનુભવ ન કરાવવો કે ખૂબ ગંભીર સીન ચાલી રહ્યો છે. તેઓ પોતાની જાતને ખૂબ ઝડપથી પાત્રમાંથી ઓન અને ઓફ કરી લેતા હતા.
— તમારા માટે અભિનય શું છે.
હું અભિનયને કરતી વખતે તેને શીખું પણ છું અને સમજુ પણ છું. મારે જે કહેવું હોય તેના વિશે વધારે વિચારતો નથી. મારા પાત્રને સમજાનો પ્રયત્ન હોય છે કે તે ક્યાંથી આવી રહ્યો છે, તેની તકલીફો શું છે, મુશ્કેલીઓ શું છે, માનસિક સ્થિતી કેવી છે. આટલું કર્યા પછી અભિનય તમારી અંદરથી આપોઆપ નીકળવા લાગે છે. તમારે તમારા પાત્રને સંપૂર્ણ રીતે સમજવું જરૂરી છે.