લાઇનિંગની ફેશન હવે ફરી લોકપ્રિય બની છે. લેડિઝ અને જેન્ટ્સના દરેક આઉટફિટ અને એક્સેસરિમાં લાઇનિંગને પ્રાધાન્ય મળવા લાગ્યું છે. લાઇનિંગની ડિઝાઈન હાલમાં સૌથી વધુ પ્રચલિત છે. ડ્રેસ, ટ્યુનિક, મેકસી, ફ્રોક, ગાઉન, કુર્તી, ટોપ અને ટી-શર્ટ્સ જ નહીં, સાડીમાં પણ લાઇનિંગની ડિઝાઈન વધારે લોકપ્રિય છે. લાઇનિંગ દરેક પ્રકારના આઉટફિટમાં ખૂબ જ આકર્ષક લાગે છે. માત્ર કપડાંમાં જ નહીં, પણ એક્સેસરીઝ જેવી કે પર્સ, સેન્ડલ, બૂટ, હેન્ડબેગમાં પણ આ ડિઝાઈન ખૂબ જ પ્રચલિત છે.
લાઇનિંગની ડિઝાઈન સૌપ્રથમ ૧૯૨૦માં જોવા મળી હતી. તે સમયે લોન્ગ ટોપ અને મેકસીમાં ગ્લેમરસ લુક આપવા માટે આ ડિઝાઈન પસંદ કરવામાં આવતી હતી. હવે સમય પ્રમાણે આઉટફિટમાં લાઇનિંગની ડિઝાઈનનો ઉપયોગ ફ્રેશ લુક મળી રહે તે માટે કરવામાં આવે છે. એંસી વર્ષ પછી પાછી ફરેલી આ લાઇનિંગની ડિઝાઈ હવે ફેશન જગતમાં ફરી લોકપ્રિય બની છે. લાઇનિંગમાં પણ ઘણા પ્રકાર છે. લેડિઝ શર્ટ્સમાં ઊભી અને આડી લાઇનિંગ તો આપણે જોતાં જ હતાં પણ નવી ફેશન પ્રમાણે તેમાં વર્ટિકલ લાઇનિંગ વધારે પસંદગીમાં છે. તેમાં પણ થિક લાઇનિંગવાળા શર્ટ્સ એલિગન્ટ લુક આપે છે.
વળી, વર્ટિકલ લાઇનિંગનો ઉપયોગ સ્કર્ટમાં પણ કરવામાં આવે છે. સ્કર્ટમાં મોટા ભાગે ડાર્ક રંગનો ઉપયોગ થતો હોય છે પણ હવે તો જો સ્કર્ટ પિંક રંગનું હોય અને તેમાં વ્હાઇટ લાઇનિંગ હોય તો તમે તેની સાથે સફેદ ટી-શર્ટ કે ટોપ પહેરી શકો. આ રીતે લાઇનિંગમાં લાઇટ અને ડાર્ક રંગનું જ કોમ્બિનેશન વધારે જોવા મળશે.
સૌથી લોકપ્રિય અને એવરગ્રીન લાઇનિંગમાં સ્થાન ધરાવતા બે જ રંગ છે – બ્લેક અને વ્હાઇટ. લાઇનિંગવાળા આઉટફિટમાં સૌથી વધુ આ રંગે પોતાનું સ્થાન છેલ્લા એસી વર્ષથી જાળવી રાખ્યું છે અને આજે પણ તે દરેક પ્રકારના આઉટફિટમાં જેમ કે, પાર્ટીવેર ફ્રોક, ગાઉન, ટોપ, મેકસી, સ્કર્ટ-ટોપ વગેરેમાં તે જોવા મળે છે. આ બે રંગ લાઇનિંગની ફેશનમાંથી ક્યારેય જશે જ નહીં.
પોલો લોરેને એંસી વર્ષ પહેલાં દુનિયામાં પ્રથમ વાર રજુ કરેલી આ ફેશને આજે દરેક એક્સેસરિમાં સ્થાન જમાવી દીધું છે. માથાની કેપથી લઇને પગની મોજડી સુધી પ્રચલિત બની ગયેલી લાઇનિંગ નાના બાળકોથી લઇને લેડિઝ અને જેન્ટ્સના દરેક આઉટફિટમાં વપરાય છે.
લાઇનિંગને ફેશનવર્લ્ડમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેને ખાસ કરીને સ્ટ્રિપ સ્ટાઇલનું નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેના પ્રકાર પણ પાડી દેવામાં આવ્યા છે. આ પ્રકારમાં પહેલો મોનોક્રોમેટિક ડ્રેસ છે, જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગવાળા આઉટફિટને સ્થાન આપવામાં આવ્યું છે જે ક્યારેય બંધ થવાનું નથી અને તેમાં વિવિધ ડિઝાઈનો આવતી જ રહે છે. બીજી છે લોન્ગ લાઇનિંગ, આ પ્રકાર મેકસી, સ્કર્ટ અને શર્ટ્સમાં જોઇ શકાય છે. તે ખૂબ હોટ લુક આપે છે.
ત્રીજો પ્રકાર છે, ફની સ્ટ્રિપ, જે તમને શોર્ટ્સ અને ફ્રોકમાં વધારે જોવા મળે છે અને તે કયુટ લુક આપે છે. અન્ય પ્રકાર એનિમલ સ્ટ્રિપ છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ જ. આ ડિઝાઈન મોટા ભાગે લેડિઝના ઇનરવેરમાં ઉપયોગમાં લેવાય છે અને તે સિવાય ટ્યુનિકમાં તમે જોઇ શકો છો. આ ઉપરાંત સિંગલેટ સ્ટ્રિપ પણ નવી ફેશન પ્રમાણે વધારે લોકપ્રિય બની છે, જેનો ઉપયોગ ફેશન શોના આઉટફિટમાં વધારે થતો જોઇ શકાય છે.
સાડી, ફ્રોક, ગાઉન, સ્કર્ટ-ટોપ, મેકસી, પાર્ટીડ્રેસ, ટ્યુનિક, ટી-શર્ટ્સ અને કેÍયુઅલમાં તમે ઊભી અને આડી તેમ જ ડિઝાઈન પ્રમાણે અનઇવન કે વર્ટિકલ લાઇનિંગ જોવા મળે છે. તમે જો લાઇનિંગવાળા કલોથ પસંદ કરતાં હો, તો તમારી હાઇટ અને શરીર પ્રમાણે એની પસંદગી કરવી પડે છે. જે યુવતીઓની હાઇટ વધારે હોય તેમણે આડી લાઇનિંગવાળા આઉટફિટ પહેરવા જોઇએ, જ્યારે ઓછી હાઇટ અને સ્થૂળ કાયા ધરાવતી યુવતીઓએ ઊભી લાઇનિંગવાળા આઉટફિટ પહેરવા જોઇએ. અલબત્ત, હવે તો લાઇનિંગની અવનવી સ્ટાઇલના અને વિવિધ પ્રકારના પોશાક બજારમાં મળે છે અને ફેશન ડિઝાઈનર પણ લાઇનિંગવાળા ડ્રેસ ડિઝાઈન કરે છે. તો તમે પણ લઇ આવો અને નવી ફેશનને ધ્યાનમાં રાખીને બની જાવ ફેશનેબલ.
મેધા પંડ્યા ભટ્ટ