દરેક વ્યક્તિ લાગણીશીલ હોય છે અને તેનામાં કેટલી લાગણી અને પ્રેમ છૂપાયેલો હોય છે, તે હૃદયભંગ થાય ત્યારે અથવા તો તેના પ્રિય પાત્રને કોઇ નૂકસાન થયું હોય ત્યારે ખબર પડે છે. જોકે ઘણા તો પથ્થર દિલ ધરાવનારને લાગણીનો અર્થ પણ ખબર હોતી નથી. તેથી આવા લોકો આ શબ્દ કે તેની વ્યાખ્યા માટે અપવાદ છે. પ્રેમ શબ્દ દરેક વ્યક્તિ સાથે જોડાયેલો છે. જન્મતાની સાથે જ આ શબ્દ પ્રેમ અને લાગણી જાણે જીવન સાથે વણાઇ જતા હોય છે. લાગણીઓ ક્યાંય વેચાતી નથી કે ખરીદાતી પણ નથી. તે તો હૃદયમાંથી ઉત્પન્ન થતી કોમળ બાબત છે. તે જ્યારે છલકાય છે, ત્યારે પ્રેમનો જાણે સાગર વહી જતો હોય છે, પણ જ્યારે ખરડાય છે, ત્યારે એ જ પ્રેમના સાગરમાં તોફાન આવી જાય છે.

અહીં લાગણી સાથે જોડાયેલી બાબતોને અત્યારના સમાજમાં સમજવાની ખૂબ જરૂર છે. જે વ્યક્તિ લાગણીશીલ છે, જે સામેવાળા તેના પ્રિય પાત્ર માટે અતિશય લાગણી ધરાવે છે, તો તેની લાગણીની સામેવાળાને કેટલી કિંમત છે. તેની લાગણીને સમજી શકનાર કે તેની સાચી કિંમત સામેવાળી વ્યક્તિને છે કે નહીં તે જાણવું જરૂરી છે. એકતરફી લાગણી અને પ્રેમ હંમેશા ખરાબ પરિસ્થિતીનું સર્જન કરે છે.

 

જ્યારે પ્રેમ થાય છે, કે લાગણીના સંબંધથી કોઇની સાથે જોડાઇએ છીએ ત્યારે કેટલીક વાતો જીવનમાં અને મન હૃદયમાં આજીવન સંભારણુ બનીને રહી જતી હોય છે. કેટલીક વાતો જીવનમાં અને મન-હૃદયમાં આજીવન સંભારણુ બનીને રહી જતી હોય છે. કેટલીક વાતો મીઠી યાદોમા ફેરવાઇ જતી હોય છે, તો કેટલીક શૂળ બનીને હંમેશા પીડા આપનાર બની જાય છે. જોકે જીવનમાં મીઠી યાદો કરતા કડવી યાદો વધારે હોય, તેવું વધારે બને છે. પણ તેને જીવનમાં કેટલી હકારાત્મકતાથી લેવી તે આપણા ઉપર છે. કહેવાય છે કે નકારાત્મક ઊર્જાને દૂર કરવા પોતાનામાં હકારાત્મકતાનો સંચાર કરવો જોઇએ. જીવનમાં હંમેશા તડકો છાંયો તો રહે જ છે અને મન-હૃદય પણ તૂટે અને જોડાય જ છે. જે રીતે સમાજ આગળ વધી રહ્યો છે, દરેક વ્યક્તિએ પણ પોતાના કડવા ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સફળ પ્રયત્ન કરવો જોઇએ.

યાદ ક્યારેય પીછો છોડતી નથી પણ એક વાત એના જેટલી જ સાચી છે કે જૂની યાદોને ભૂલાવવા માટે નવી વાતોને અને યાદોનો જીવનમાં પ્રવેશ થવો પણ જરૂરી છે. જીવનમાં નવી વ્યક્તિઓ, પરિવર્તનો, નવા કાર્ય, નવા સંબંધો કેળવશો નહીં તો ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં. અધોગતિ તરફ જવાના બદલે જીવનને પ્રગતિના પંથે લઇ જવું વધારે હિતાવહ છે. ક્યારેક તે આ અજાણતામાં ફાયદાકારક પણ બની જતું હોય છે.

દરેક વ્યક્તિએ પોતાના મનમાં એક ગાંઠ બાંધી લેવી જોઇએ કે હવેનો સમય સાચી લાગણી કે પ્રેમને સમજી શકે તેવો રહ્યો નથી. ક્યાંક કશુંક મેળવવા માટે કશુંક ગૂમાવવું પડે છે. કઇક લેવા માટે કઇક આપવું પડે છે. હવે તો લાગણીનો પણ લોકો વેપાર કરે તેવો સમય છે, લાગણીને લોકો પડીકામાં વેચતા થાય તો નવાઇ નહીં. કોઇપણ વ્યક્તિ સ્વાર્થ વિના કોઇની સાથે જોડાતો નથી. લાગણી હશે તો કોઇ અપેક્ષા કે સ્વાર્થ નહીં હોય પણ જ્યાં માગણી હશે ત્યાં લાગણીનું પડીકું બાંધીને ઉપર મૂકી દેવું.

પ્રેમમાં ખરાબ અનુભવો બાદ, લાગણીના જ્યા છેદ ઊડી ગયા હોય તે પછી, વ્યક્તિ ખરાબ સમયમાંથી, કડવી યાદોમાંથી, દિલને ચીરી નાખે તેવી પીડામાંથી પસાર થયો જ હશે અને થઇ રહ્યો હશે. અતિશય લાગણીશીલ વ્યક્તિ કદાચ તેમાંથી બહાર નીકળવામાં સફળ થઇ શકતો નથી, તો વળી, કઠણ કાળજાવાળી વ્યક્તિ મૌન બની જતી હોય છે. અલગ અલગ વ્યક્તિના જીવનમાં આ યાદો કેટલી અને કેવી અસર કરે છે, તે કોઇને ખબર હોતી નથી. પણ જ્યારે તેના વર્તનમાં પરિવર્તન આવે ત્યારે તેના નજીકના લોકો તેની નોંધ લેતા હોય છે. જે રીતે આંખમાં આંસુ આવે છે અને ગાલનો સહારો લઇને તે વહી જાય છે, તે જ રીતે જો આ દરેક યાદો, જે ક્યારેક પીડા આપનાર બની જતી હોય છે, તે પણ જીવનમાંથી આ અશ્રુની જેમ જ વહી જતી હોય તો કેટલું સારું. તેનો સંગ્રહ કરીને દુખી તો ન થવું પડે ને. યાદોનો સંગ્રહ કરીને દુખી થવું છે કે તેને અશ્રુરૂપે વહાવી દઇને સુખી થવું છે તે આપણા પોતાના હાથમાં છે. તો નક્કી કરી લો કે હવે ખુશ રહીશુ.

 

Loading

Spread the love

Leave a Comment