જીવનમાં ફક્ત કોઇ જગ્યા કે સ્થળમાં જ સંકળામણ થતી હોય તેવું નથી બે વ્યક્તિ વચ્ચે બંધાયેલા સંબંધમાં પણ સંકળામણ થતી જોવા મળે છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે દાંમ્પત્ય જીવનમાં ખટાશ આવે કે બંને એકબીજાને સમય ન આપી શકતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. બંનેના મનમાં એકબીજાને કહેવા માટે અનેક વાતો હોય છે. પતિ તેની નોકરી-ધંધામાંથી ક્યારેય ફ્રી થઇ શકતો નથી અને પત્ની ઘરની જવાબદારી અને બાળકોમાંથી ક્યારેય ફ્રી થઇ શકતી નથી. લગ્નજીવનની શરૂઆતમાં બંને વચ્ચે જે પ્રેમ અને વિશ્વાસ જોડાયેલો હોય તેમાં સમય જતાં વિશ્વાસ તો જળવાઇ રહેતો હોય છે, પણ બંને પોતાની જવાબદારીના કારણે એકબીજા પ્રત્યેના પ્રેમને પહેલાની જેમ વ્યક્ત કરી શકતા નથી. આવા સમયે એકબીજા પ્રત્યે મનમાંને મનમાં ગુસ્સો આવવા લાગે છે. બંને વચ્ચેના સંબંધમાં પ્રેમને શોધવો અને તેને કેવી રીતે વ્યક્ત કરવો તેની સંકડાશ ઊભી થાય છે.

દરેક વ્યક્તિ તેના કામ અને પરિવારમાં વ્યસ્ત હોય જ છે, પણ તેમાંથી જો થોડો સમય પણ પરિવાર માટે કે પત્ની માટે કે પછી પત્નીએ પણ પતિ માટે કાઢવો હોય તો તે કોઇ મુશ્કેલ કામ નથી. પતિ પત્ની પહેલાની જેમ સાથે સમય વિતાવી ન શકે તેવું બની શકે પણ બંને એકબીજા સાથે સમય વિતાવવાના અનેક માર્ગ તો શોધી જ શકે છે. પતિના પોતાના મનમાં પત્ની માટે રહેલી વાતો કે પ્રેમને તેને વ્યક્ત કરવા ઇચ્છતો હોય અને પત્ની માટે પણ આવું જ હોય પણ ક્યારેક સમયનો અભાવ બંનેને એકબીજાથી દૂર કરી દે છે. સંબંધમાં સંકડામણ આવી જાય છે. સાથે જ તેનાથી તાણ ઊભી થાય છે. તેથી સંબંધમાં અને મનમાં ઊભા થનારા આ તણાવથી બચવા માટે દરેક પ્રકારનો સંભવિત પ્રયાસ કરવો જોઇએ. તણાવને દૂર કરવા માટે તેને દૂર કરવાના ઉપાય શોધવા જોઇએ. તેનું કારણ શોધીને તેનું નિવારણ તરત જ કરવું જોઇએ.

પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં તણાવને બને તેટલી એન્ટ્રી ઓછી મળે તેવા પ્રયત્ન કરવા જોઇએ. જ્યારે પણ લાગે કે હવે આ વાત મન પર હાવી થવા લાગી છે અને તેનાથી સામેવાળી વ્યક્તિ પ્રત્યે નિરસતા ઊભી થવા લાગે છે, તો તરત જ તે વિષયની ચર્ચા કરો અને સંબંધમાં આવું શા માટે થઇ રહ્યું છે, તે શોધીને તેને દૂર કરો. જો તણાવ વધવા લાગશે તો બંને વચ્ચેના સંબંધમાં જે સંકડામણ ઊભી થશે, તેનાથી બંને વચ્ચે એક દિવાલ ઊભી થવા લાગશે. આ પ્રકારની દિવાલો સંબંધમાં ઊભી થાય તો લાંબા ગાળે તે સંબંધ અકળામણ આપવા લાગે લાગે છે. જોકે તણાવ કોઇપણ સંબંધમાં આવી શકે છે, પણ પતિ-પત્નીના સંબંધમાં તેની અસર બંનેની સાથે પરિવાર પર પણ પડે છે. તેથી જ કેટલોક સમય એકબીજા માટે કાઢવો ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાથી બચવા માટે અને સંબંધને સંકળામણનો સહારો લેવો ન પડે તે માટે કેટલીક બાબતોનું જીવનમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

— મનને શાંત રાખો, મેડીટેશન કરો અને સાથે યોગા પણ કરો. તેનાથી થોડો સમય એકબીજા સાથે વિતાવવાની તક મળશે.

— તણાવનું કારણ શોધો અને તેને દૂર કરો.

— બંને સાથે બેસીને એકબીજાને મનગમતા ગીતો સાંભળી શકો છો. મ્યુઝીકથી ખૂબ શાંતિ મળે છે. તે સિવાય જ્યારે પણ એકબીજા માટે તણાવ હોવાનો અનુભવ થાય ત્યારે પણ ગીતો સાંભળીને તમે તમારા મૂડને બદલી શકો છો. તેનાથી પોઝીટીવીટી આવશે. જીવનસાથી પ્રત્યે તણાવની શરૂઆત થાય ત્યારથી જ તમારું મન કોઇ સારા અને મનગમતા કામ તરફ વાળી દેવું.

— બંને સાથે ડાન્સ, જીમ કે કોઇ સ્પોર્ટસ ક્લાસિસમાં સાથે જઇ શકો છો. બે માંથી કોઇ એકને રુચિ હોય તો સાથી સાથે સમય વિતાવવાના બહાને પણ તેમની સાથે જઇ શકો છો.

— બની શકે તો રોજ સાંજે અડધો કલાક કે કલાક સાથે ચાલવા જાઓ.

— વિચારોમાં હંમેશા પોઝીટીવીટી જળવાઇ રહે તેવા પ્રયત્ન કરો.

— ખોરાક પર ખાય ધ્યાન આપો તેનાથી મન ફ્રેશ ફીલ કરે છે.

— રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો યોગ્ય સમય નક્કી કરો. આ બંને સમયે પણ તમે અડધો કલાક એકબીજા સાથે પસાર કરી શકો તેવી અનુકૂળતા ગોઠવી શકાય છે.

— જો જોઇન ફેમીલીમાં રહેતા હો તો પરિવારના અન્ય સભ્યોને પણ તમારી સાથે તમારા કામમાં સામેલ કરી શકો છો.

— રોજ કસરત અને પ્રાણાયામ કરો.

— અઠવાડિયામાં એકવાર સાથે બહાર જઇ શકો છો.

— બની શકે  તો તણાવની વચ્ચે શારીરીક સંબંધથી દૂર રહેવું. લાગણી વગરની માગણી ક્યારેક મનમાં વધારે પ્રમાણમાં નકારાત્મકતા ઊભી કરવા લાગે છે.

— બંનેએ એકબીજાનો આદર અને સન્માન કરવું જોઇએ.

— ક્યારેક શક્ય હોય તો ડેટીંગ પર પણ જઇ શકો છો. તેનાથી એક નવી પ્રકારની લાગણીનો સંચાર કરી શકશો.

કહેવાય છે કે પોતાની રુચિ પ્રમાણે કામ કરવાથી ખૂબ ફ્રેશનેસનો અનુભવ થાય છે, તણાવ દૂર થાય છે. જો તમને વાંચનનો શોખ હોય તો તે પણ પૂરો કરી શકો છો. તેનાથી તમને વધારે આરામ મળશે. તે સિવાય પણ એક શ્રેષ્ઠ ઉપાય છે, તમારા મનમાં ઊભા થયેલા તણાવને તમે ડાયરીમાં લખીને પણ દૂર કરી શકો છો. પરિવારની સાથે સમય વિતાવવાથી તણાવ મુક્ત બની શકાય છે, તે વાતમાં બે મત નથી. આવા સમયે તમે તમારા સાથી સાથે બને તેટલી વધારે એક્ટીવીટીઝ કરો તો તણાવને દૂર કરવાનો પણ પ્રયત્ન કરી શકશો અને જે પ્રેમની સંકડામણ ઊભી થઇ છે, તે ફરીથી એકબીજાના મનમાં જગ્યા શોધી લેશે. તમે તણાવને દૂર પણ કરી શકશો અને સાથે જ પોતાના સંબંધને સુમધુર પણ બનાવી શકશો.

 

 

Loading

Spread the love

Leave a Comment