જ્યાં સફળતા હોય ત્યાં ચર્ચાઓ પણ થતી જ રહે છે. જ્યારે સોનાક્ષી સિન્હાની વાત થતી હોય તો ચર્ચા ન થાય તે નવાઇની વાત લાગે. ઘણા ઓછા સમયમાં તેણે પોતાના પિતા કરતા એક અલગ જ ઓળખ ઊભી કરી લીધી છે. લોકો કહે છે કે તેને સલમાન ખાનની મહેરબાનીઓથી સ્ટારડમ મળ્યો છે, પણ તેણે પોતાની એક્ટિંગથી એક બાબત સાબિત કરી દીધી કે ફક્ત મહેરબાનીઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી શકાતું નથી. જો એવું હોત તો બધા જ સ્ટાર્સના બાળકો આજે સફળતાના શીખરે પહોચ્યા હોત. આ બધી બાબતોની વચ્ચે એક પછી એક પોતાનાથી બમણી ઉંમરના સ્ટાર્સ જોડે વારંવાર ફિલ્મોમાં કામ કરીને સોનાક્ષી સતત ચર્ચામાં રહી છે. જોકે તેનો આના માટેનો દ્રષ્ટિકોણ ખૂબ પોઝીટીવ છે. ફિલ્મની સફળતા તેની એક્ટિંગ અને દેશી લુકને આભારી છે.

સતત એક પછી એક ફિલ્મોમાં જોવા મળતી સોનાક્ષી પોતાના કામથી ખુશ છે અને પોતાની જાતને વ્યસ્ત રાખવામાં માને છે. તાજેતરમાં એ એની ફિલ્મ હેપી ફિર ભાગ જાયેગીનું પ્રોમોશન કરી રહી છે. તે સિવાય દબંગ 3માં અને કલંક નામની ફિલ્મમાં જોવા મળશે. એના વજનના મુદ્દાથી લઇને સરેરાશ અભિનયક્ષમતા અને જ્યારે ફિલ્મોની વાત આવે ત્યારે એની પસંદગી, સોનાક્ષી સિંહાની સતત ટીકા થતી રહી છે. જોકે તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવીને લોકોને એની નોંધ લેતાં તો કરી જ દીધા છે. ફિલ્મો સફળ રહેશે કે નિષ્ફળ તેની તેને ચિંતા નથી પણ તે સતત કામ કરવામાં અને વ્યસ્ત રહેવામાં માને છે. તેણે સતત ફિલ્મો કરીને એના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. સોનાક્ષીએ સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીમાં અલગ જ વળાંક લીધો છે.

આત્મવિશ્વાસથી સભર અને પ્રામાણિક સોનાક્ષી અર્થસભર રોલ કરવા ઇચ્છે છે, પણ તેના માટે તે બીજી ભૂમિકાઓ જતી નથી કરતી. એ એકસાથે ત્રણ મસાલા ફિલ્મો કરે છે, ધ દબંગ ગર્લ એક પછી બીજી ફિલ્મના પ્રોમોશનમાં વ્યસ્ત રહે છે. તેણે તમિલમાં ડેબ્યુ ફિલ્મ લિંગા પણ કરી છે, જેમાં તે રજનીકાંતની સાથે હતી, તે ફિલ્મને સાઉથમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. સોનાક્ષીએ પોતાની કરિયર અને ફિલ્મોના અનુભવ વિશે ચર્ચા કરી.

બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી ચૂક્યા છો અને અનેક આવી રહી છે, તો અચાનક સાઉથ તરફ વળાંક લેવાનું કોઇ ખાસ કારણ હતું. 

લિંગા એ મારી પ્રથમ તામિલ ફિલ્મ હતી, જોકે મને ભૂતકાળમાં સાઉથમાંથી કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી. એ વખતે મારે મારી હિંદી ફિલ્મોના કમિટમેન્ટ્સ પૂરા કરવાના હોવાથી હું તે સ્વીકારી શકી નહોતી. જ્યારે મને લિંગાની ઓફર મળી ત્યારે આ તક મળતાં જ હું કૂદી પડી. આ ફિલ્મ માટે મને મારી પ્રથમ ફિલ્મ દબંગ જેવી જ લાગણી હતી કારણ કે હવે પરિસ્થિતિ કેવો વળાંક લેશે તેની મને ખબર નથી. મને લાગ્યું કે મારે આ ફિલ્મમાં કામ કરવું જોઇએ અને હું તેમાં શોટ આપવા ઇચ્છતી હતી. મને આની સામે જે પ્રતિભાવ મળ્યો તે ખરેખરે અદભુત હતો. હું ખુશ છું કે આમાં હું રજનીકાંત સાથે હતી.

પ્રભુ સાથે ત્રણવાર કામ કર્યું કેવો અનુભવ રહ્યો.

પ્રભુ (દેવા)સર આવા પ્રકારની મનોરંજક ફિલ્મો સારી રીતે બનાવે છે, જે ભારતીય ફિલ્મોનો એક ભાગ છે. હું માનું છું કે મસાલા ફિલ્મો કાયમ ચાલે છે અને મને આવી ફિલ્મોનો ભાગ બનવાનું ગમે છે. દરેક ફિલ્મ સાથે કંઇક ને કંઇક સારું બનતું હોય છે. અમે પહેલી ફિલ્મ સાથે કરી ત્યારથી એ હંમેશાં મારી સાથે હતા. આથી પ્રભુસર સાથે કામ કરવાની કાયમ ખૂબ મજા આવે છે. હું તો સેટ પર તેમની માફક વાતો પણ કરવા લાગી છું.

તમને ડાન્સ કરવાનું પણ ખૂબ ગમે છે.

એક્શન જેક્શન ફિલ્મનું કીડા સોંગ પછી મને મસ્ત પંજાબી ડાન્સ ખૂબ ગમે છે. એ ઉપરાંત, છિછોરા પિયા પણ એક ગીત છે છે અમે ઘણા વર્ષ પહેલાં શૂટ કર્યું હતું. પ્રભુ દેવા ખૂબ સારા કોરિયોગ્રાફર છે અને એ દરેક વસ્તુને અત્યંત સારી રીતે પ્રસ્તુત કરે છે. જે પ્રકારના સ્ટેપ્સ એ અમને અમારા આઉટફિટ્સ સાથે લેવડાવે છે, તેનાથી લાગેછે કે અમે જે પહેર્યું છે તે ખૂબ સારી રીતે દર્શાવાય છે. મેં જ્યારે આ ગીત જોયું ત્યારે મને યાદ છે કે આના પર પરફોર્મ કરવાનું કેટલું મુશ્કેલ લાગતું હતું. હવે જ્યારે હું ફાઇનલ પરિણામ જોઉં છું ત્યારે લાગે છે કે અમારો પ્રયત્ન ખૂબ સારો છે.

તમારાથી બમણી ઉંમરના સ્ટાર્સ સાથે જ ફિલ્મો કરીને સતત ચર્ચામાં રહ્યા છો. તેના જવાબમાં શું કહેશો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું પહેલી હિરોઇન નથી કે તેણે પોતાનાથી બમણી ઉંમરના સ્ટાર્સ સાથે કામ કર્યું હોય. પહેલાના સમયમાં રાજકપૂરજી સાથે ઘણી હિરોઇનો કામ કરી ચૂકી છે. તે સિવાય રાજેશ ખન્નાએ ટીના મૂનિમજી, પદ્મિનિજી સાથે કામ કર્યું જ છે. દેવાનંદ સાહેબે પણ ટીના મુનિમજી અને ઝીનત સાથે કામ કર્યું છે. તે સમયે આ બધા વચ્ચે એ જ ફરક હતો, જે મારા હિરો સાથેનો મારે રહ્યો છે. આ દરેક હિરોઇનો ખૂબ પ્રસિદ્ધ હતી અને તેમના ટેલેન્ટને લોકો વખાણે છે. હું માનું છું કે અનુભવી એક્ટર પાસેથી હંમેશા તમને શીખવા મળે છે.

તમે બે લોકોની સરખામણી ન કરી શકો કેમ કે એ બધા જ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે, અલગ કાર્યશૈલી ધરાવતા હોય છે. આથી કલાકારોની સરખામણી ક્યારેય ન કરી શકો. હા, જ્યાં સુધી સીનિયર્સની વાત છે, એ મારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો. જ્યારે મારાથી નાનાં હોય તેમની સાથે કામ કરવાની મજા આવે. હું મારી રીતે કામ કરું છું અને અમે સાથે ઘણું શીખીએ છીએ. એથી વાતચીત કરવાનું સરળ રહે છે અને વાતાવરણ પણ હળવાશભર્યું રહે છે. તો પણ મને અક્ષય, શાહિદ અને અર્જુન સાથે કામ કરવામાં વધારે મજા આવી છે. જોકે મારે દરેક કલાકાર સાથે સારું બોન્ડીંગ જ રહ્યું છે.

ફિલ્મની સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે ગણો છો.

મારા માટે ફિલ્મનો અર્થ બને ત્યાં સુધી લોકોનું મનોરંજન કરવાનો છે. આથી જો મારી ફિલ્મો વધુ ને વધુ લોકો જુએ તો તેનાથી મને વધારે આનંદ થાય છે. અલબત્ત, કોમર્શિયલી સફળ ફિલ્મોથી પણ હું ખુશ થાઉં છું. જો લોકો લૂટેરા જેવી ફિલ્મોમાં મારા અભિનયના વખાણ કરે તો તેથી પણ મને આનંદ થાય છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમારા ઘણા ફોલોઅર્સ છે. જ્યારે ફેશન અને બોડી ઇમેજની વાત આવે ત્યારે તમારા વિશે વાત થાય છે.

મેં શરૂઆતથી જ મારી કારકિર્દીમાં આ બંને બાબતોનું ધ્યાન રાખ્યું છે. સાચું કહું તો મને લાગે છે કે મારી સાથે કંઇક ખોટું થયું છે. મારું નાક કેટલું મોટું છે, કાન મોટા છે. એવી ઘણી બાબતો છે જેના તરફ લોકોનું ધ્યાન દોરાય છે, પણ લોકોને તેમાંથી જે બાબત પકડવી હોય તેને જ પકડે છે. શું મારું વજન વધારે છે એ મુદ્દો નહોતો ચર્ચાસ્પદ બન્યો. મારો કહેવાનો અર્થ એ છે કે હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં છું. મેં સારું કામ કર્યું છે. હું એવી ફિલ્મોનો હિસ્સો નથી બની જ્યાં ઓછા વજન અથવા ઝીરો સાઇઝની જરૂર હોય. ભારતમાં લોકો જુદા જુદા વજન અને આકાર ધરાવે છે. હા, તમે કુદરતી રીતે જ સુંદર અને સ્વસ્થ શરીર ધરાવતાં હો, તો પછી શરીર વધારવાની કે ઘટાડવાની શી જરૂર છે, વધારે કસરત કરવાની કે વધારે પડતું ડાયટિંગ કરવાની શી જરૂર છે. જીવન જેમ જીવાતું હોય એમ જીવાય તેની જ ખરી મજા છે.

સોનાક્ષીનું પાત્ર હંમેશા થોડું સ્ટ્રોંગ જ જોવા મળે છે, તેનું શું કારણ છે.

લોકો મારી પર્સનાલિટીને જોઇને કદાચ મને વીક કેરેક્ટર આપતા જ નથી. દરેક માટે અલગ પ્રકારના પાત્ર બનતા હોય છે. વાર્તામાં જે રીતે કેરેક્ટર ફિટ કરવામાં આવે તે પ્રમાણે જ પસંદગી થતી હોય છે. લૂટેરામાં પણ હું સ્ટ્રોંગ કેરેક્ટરમાં હતી. કદાચ લોકોને પણ મારા આવા પાત્ર પસંદ છે.

સોનાક્ષી સતત કાર્યરત રહે છે, આગળ વધી રહી છે. વર્ષમાં બે-ત્રણ ફિલ્મોમાં સોનાક્ષી હોય જ છે.

હું આઠ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને અત્યાર સુધી 22 ફિલ્મો કરી ચૂકી છું. મને આ વાતનો ખૂબ આનંદ છે. મને લાગ્યું કે મારે આ ફિલ્મોમાં કામ કરવું જોઇતું હતું તો તેમાં મેં કામ કર્યું છે. હું કોઇ કોમ્પિટીશનમાં માનતી નથી. શરૂઆતમાં હું એકસાથે બે-ત્રણ ફિલ્મોનું શૂટીંગ કરતી હતી એટલે કદાચ આટલા ઓછા સમયમાં વધારે કામ કરી શકી.

હાલમાં જાણીતી અભિનેત્રીઓમાં સ્થાન મેળવી ચૂક્યા છો. ટૂંક સમયમાં મેળવેલું આ સ્થાન, કેવું લાગે છે.

તેના માટે હું મારા નસીબને અને મારી મહેનતને આભારી છું. તે સિવાય મને શરૂઆતના સમયમાં જ મોટા સ્ટાર્સ સાથે કામ કરવાની જે તક મળી અને સાથે જ સફળતા મળી તે દર્શકોને આભારી છે. જો દર્શકોએ મને પહેલી ફિલ્મમાં પસંદ ન કરી હોત, તો હું આજે આ સ્થાને ન પહોંચી શકી હોત. એક હિરોઇન તરીકે મને મારી દરેક ફિલ્મમાં પસંદ કરીને દર્શકોએ જ મને અહીં સુધી પહોંચાડી છે. તેમની હું આભારી છું.

મોટાભાગની ફિલ્મોમાં તમારા દેશી લુકને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છો.

લોકોનું માનવું છે કે મારો લુક કોઇ એક્ટ્રેસ જેવો નહીં પણ એક સામાન્ય યુવતી જેવો છે. પણ હું એક દેશી ટ્રેડમાર્ક સાથે ખૂબ ખુશ છું. મારા આ જ લુકના કારણે આજે ઘરે ઘરે લોકો મને ઓળખતા થયા છે. ગામના લોકો પણ મને ઓળખે છે. એક સામાન્ય યુવતી જેવી દેખાઉં તો તેમા ખોટું શું છે. લુક કોઇપણ હોય પણ તમારામાં છૂપાયેલી ટેલેન્ટ જ તમને કામ લાગે છે. મારા આ લુકના કારણે જ મને અઢી વર્ષમાં 10 ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. એક ન્યુકમર માટે આનાથી સારી વાત બીજી કઇ હોઇ શકે.

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment