ઘણીવાર મનની મનમાં રહી જાય તેવું વધારે થતું હોય તેવો અનુભવ દરેક વ્યક્તિને થયો જ હશે. તેમાં પણ જો પ્રિયપાત્રને કહેવાની વાત મનમાં રહી જાય તો મન બેચેન બની જાય તે સ્વાભાવિક ઘટના છે. વ્યક્તિને જ્યારે એકબીજાને મનની વાત કહેવા માટે કે એકબીજા સાથે સંવાદ કરવા માટે સમય ન મળે તે બહું મોટી અને ગંભીર ઘટના કહેવાય છે. ઘણીવાર મનની વાત મનમાં જ રહી જાય તો તેની સંખ્યા વધતી જાય છે અને તેનું ગંભીર શારીરિક પરિણામ ભોગવવાનો વારો જે – તે વ્યક્તિને આવતો હોય છે. ઘણા લોકોને ડાયરી લખવાની આદત હોય છે. સામેવાળી વ્યક્તિને તે કશુંય કહી ન શકે તેથી તે ડાયરીમાં તેના પ્રત્યેની કે પોતાના જીવન સાથે સંકળાયેલી વાતો લખતી હોય છે. એકરીતે તે સારી બાબત છે. જોકે જે વ્યક્તિને સંબોધીને તમે તમારા મનની વાત ડાયરીમાં લખતા હો છો, તે વ્યક્તિ જો સાથે કે પાસે જ હોય તો તેને રૂબરૂમાં કહી દેવામાં વધારે મજા છે. ભવિષ્યમાં તમારી ગેરહાજરીમાં તે વ્યક્તિ જ્યારે તમારી ડાયરીમાં કંડારાયેલી તમારી તેના પ્રત્યેની લાગણીઓ વાંચશે તો એકવાર તેના મનમાંથી જરૂર નીકળશે કે તે મને આ વાત સામે રહીને કહી હોત તો……
આવી ઘટના તમારા જીવનમાં ન બને અને તમને જીવનમાં તમારી લાગણીને જાહેર કરવાની તક નથી મળી કે તમને હિંમત થઇ નથી તેવી બાબતોને મનમાં ઘર ન કરવા દો. લાગણી વ્યક્ત કરવા માટે ક્યારેય વિચારવાની જરૂર હોતી નથી. વધારે વિચારોના કારણે ઘણીવાર લાગણીઓની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. જેમાં ક્યારેય પ્રેમના બદલે હક, અધિકાર જેવી બાબાતોનો સમાવેશ થવા લાગે છે. તમારી પ્રિય વ્યક્તિ માટે જ્યારે અને જે સમયે તમે જે ફિલ કરો તે તેને અનુકૂળતા પ્રમાણે જણાવો તે વધારે સારું છે. તેના માટે લાંબો સમય રાહ જોવાની કે તમારી લાગણીને મનમાં દબાવી રાખવાની જરૂર નથી. અતિશય વિચારો ક્યારેય વમળ બની જાય છે અને તેમાં જો લાગણીઓ વિચારોના વાદળો પાછળ છૂપાઇ ગઇ તો તે વાદળો ક્યારે દૂર થાય અને ક્યારે તમે તમારી મનની વાત કરો તે વિચારતા જ કરી દે છે.
આજના સમયમાં બે સાથે રહેતી વ્યક્તિને એક જ બાબત સામે વિરોધ હોય છે કે એકબીજાને સમય આપી શકતા નથી. જેના કારણે લાગણી પણ વ્યક્ત થઇ શકતી નથી. ધીમે ધીમે સાથે રહેતી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તો એક્ટીવ રહે છે પણ લાગણીઓ પથ્થર થવા લાગે છે. તેવામાં જો તેના પણ લાગણીની ભીનાશ રેડતા રહેશું નહીં તો તે લાગણીનો પથ્થર નક્કર બની જશે. તમારા જીવનમાં લાગણીને સમય સમયે વ્યક્ત કરતા રહેશો તો તે લીલીછમ બનીને રહેશે. નક્કર મન માણસને જડ બનાવી દે છે. તેથી તમે પણ જડ ન બનો અને તમારામાં છૂપાયેલી લાગણીને પણ નક્કર ન બનવા દો. પોતાની વ્યક્તિને તેની પ્રત્યેની લાગણી જણાવવામાં ક્યારેય શરમ રાખવી જોઇએ નહીં. તે તમારી પોતાની જ છે અને તમને તેને પ્રેમ કરવાનો પૂરતો હક છે. આ બાબત કદાચ તે પણ ઇચ્છતો કે ઇચ્છતી હશે.
કહેવાય છે ને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ…… તો જ્યારે જે સમયે પ્રેમ, લાગણીનો જન્મ તમારા પ્રિય વ્યક્તિ માટે થાય તો તેને કહેવામાં ક્યારેય કચાસ કરશો નહીં. નહીંતર પછી તમારા એવી પણ કહેવતનો સામનો કરવાનો વારો આવી શકે છે કે અબ પછતાવે ક્યા હોવે, જબ ચિડીયા ચુગ ગઇ ખેત…… તો લાગણીને વાચા આપો, મનમાં દબાવી રાખો નહીં અને બિન્દાસ બનીને વ્યક્ત કરતા થઇ જાવ.