યુવક અને યુવતી વચ્ચે માત્ર એક જ પ્રકારનો સંબંધ હોઇ શકે એ વાત આપણા સમાજમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઇ છે કે ક્યારેય વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધને સારી નજરે જોવાતો નથી. એવું કોણે કહ્યું કે બે વિજાતીય વ્યક્તિ સારાં મિત્રો ન હોઇ શકે?
મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.
મિત્રતા માટે અનેક પંક્તિઓ અને કહેવતો લખાઇ છે. આ ઉપરાંત અનેક ફિલ્મો પણ બની અને તેમાં ગીતો પણ લખાયા છે. આવી મિત્રતાની વાત આવે એટલે બે યુવક અથવા તો બે યુવતીઓની મિત્રતા જ ધ્યાનમાં આવે પણ કોઇ ક્યારેય એમ વિચારી નથી શકતું કે એક યુવક અને યુવતી પણ એક સારા અને સાચા મિત્ર હોય શકે છે. યુવક અને યુવતી સારા મિત્ર હોય એવું સમાજ પહેલાં સ્વીકારી જ નહોતો શકતો. જે આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ભાઇ કે બહેન સિવાયના કોઇ અન્ય બહારના અજાણ્યા સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધને એક મિત્રતાનું નામ આપવામાં આવે છે.
આ લાગણીથી જોડાયેલા મિત્રતાના બંધનો મજબૂત બની જતાં તે ક્યારેક પ્રણયમાં પરિણમી જાય છે અને એક મિત્ર જીવનસાથી બની જાય છે, પણ દરેક યુવક-યુવતીની મિત્રતામાં આવું હોતું નથી. એક સાચો, સારો અને મજબૂત એવો મિત્રતાનો સંબંધ ઘણાં લોકો જીવનભર ટકાવી રાખે છે. શાળા-કોલેજમાં બંધાયેલી મિત્રતાને સાચા અર્થમાં ટકાવી રાખવા માટે મનની નિખાલસતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને સાથે જ ઘરનાં વડીલોનો સહકાર અને તેમની સમજણ પણ મિત્રતાને આગળ વધવા દેવામાં એટલી જ જરૂરી બની રહે છે.
રોહન અને સાક્ષી આઠમા ધોરણથી સાથે હતાં. બંને એક જ શાળા અને કોલેજમાં ભણ્યા. એકબીજાના ઘરે આવવા-જવાથી એકબીજાના કુટુંબનો પરિચય પણ હતો અને તેમનાં ઘરના વડીલો પણ તે બંનેની મિત્રતાના કારણે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતાં હતાં. રોહન અને સાક્ષી ઘણી વાર સાથે ફરવા જતાં પણ તેમનાં કુટુંબીજનોને તેમનાં પર વિશ્વાસ હતો અને તે બંનેએ પણ વડીલોના વિશ્વાસને જાળવી રાખ્યો હતો. તેમના વડીલોને બંનેની મિત્રતા પર ગર્વ હતો. એટલું જ નહીં તેમના મિત્રવર્તુળમાં પણ બંનેની મિત્રતાને માનથી જોવામાં આવતી હતી. સાક્ષી માટે લગ્નની બાબત હોય કે પછી તેને કોઇ વાતમાં રાજી કરવી હોય તો સાક્ષીના મમ્મી-પપ્પા રોહનને જ કહેતાં અને રોહનના ઘરમાં પણ આવું જ હતું.
સાક્ષીના લગ્ન માટે યુવકની પસંદગી કરવા રોહન તેના કુટુંબીજનો સાથે એક મિત્ર તરીકે જતો અને સાક્ષી પણ રોહન માટે યુવતી પસંદ કરવા જતી. રોહનના દાદાનું હાર્ટએટેકના કારણે અવસાન થયું તે સમયે તે ખૂબ દુ:ખી થઇ ગયો હતો કારણ કે તે એના દાદાની સૌથી વધુ નજીક અને લાડકો હતો. રોહન દાદાજીનો ખાલીપો જીરવી શકતો નહોતો. ઘણા દિવસ સુધી તે એકલો એકલો રહેતો, કોઇને મળતો નહીં. આવા સમયે સાક્ષીએ એક મિત્ર તરીકે એને સાચી સમજ આપી ફરીથી જીવન તરફ વાળ્યો હતો. મિત્ર ફક્ત સુખમાં જ નહીં, દુ:ખમાં પણ પડખે ઊભો રહે અને સાચવી લે છે, તે જ સાચી મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એકબીજાને જીવનના ઘણા તબક્કે બંને મદદરૂપ થતાં. બંનેના લગ્ન બાદ પણ તેમના સંબંધને લોકોએ સ્વીકાર્યો કારણ કે તેમની મિત્રતા ખૂબ નિખાલસ અને પારદર્શક હતી.
આ પ્રકારની મિત્રતા જીવનભર ટકી રહે છે અને આવી મિત્રતા માટે ગર્વ પણ થાય છે. ‘એક લડકા-લડકી કભી દોસ્ત નહીં હોતે.’ જેવા ફિલ્મી ડાયલોગ આવી મિત્રતા સામે ઝાંખા પડી જાય છે. દરેક વખતે યુવક-યુવતી વચ્ચેના સંબંધને એક જ દ્રષ્ટિથી જોવા એવું જરૂરી નથી. એક સ્ત્રીને એક અજાણ્યા પુરુષ સાથે એક જ પ્રકારનો સંબંધ હોય અને તે પ્રણયસંબંધ જ હોય તે જરૂરી નથી. તેમના મનની પારદર્શકતા અને તેમની એકબીજા પ્રત્યેની લાગણી જ તેમના સંબંધને સ્પષ્ટ કરતી હોય છે.
બે વ્યક્તિ એકબીજા સાથે માત્ર ને માત્ર એક જ લાગણીથી જોડાઇ શકે એવું નથી. લાગણી માત્ર પ્રેમની જ હોતી નથી. તે માન, મહત્વ, ચિંતા, કાળજી અને સાથ માટેની પણ હોય છે. જે રીતે બે પુરુષો મિત્ર હોય શકે એ જ રીતે એક સ્ત્રી અને પુરુષ પણ મિત્ર હોઇ જ શકે છે. જરૂર છે ફક્ત લોકોએ તેને સાચા મનથી અને સારી રીતે સ્વીકારવાની. જો સમાજમાં એમની મિત્રતાને પહેલેથી જ નકારાત્મક રીતે લેવા લાગે, તો એક સારો સંબંધ ક્યારેક વધારે મજબૂત બની જઇને પ્રેમમાં પરિણમે છે અથવા તો એનું ખૂબ માઠું પરિણામ આવે છે, પણ જો પહેલેથી જ તેમના મિત્રતાના સંબંધની પારદર્શકતાને પિછાણી તેમને સરળતાથી સ્વીકારી લેવામાં આવે તો તમે પણ આવા સંબંધ પર ગર્વ કરી શકો છો.
જે રીતે સાક્ષી અને રોહનના કુટુંબીજનોએ બંનેના મિત્રતાના સંબંધને સાચી રીતે સમજીને સ્વીકાર્યો તે રીતે આપણે પણ તેને સ્વીકારી શકીએ છીએ. બે વિજાતીય વ્યક્તિ વચ્ચે બંધાતી મૈત્રીની પાતળી રેખાને સમાજ મોટા ભાગે અલગ દ્રષ્ટિથી જ જુએ છે.
એક યુવતી જો કોઇ યુવક સાથે હરતી-ફરતી જોવા મળે કે મોડી રાત સુધી તેની સાથે બહાર ફરવા જતી હોય અને તેમના સંબંધને શરૂઆતથી જ ખોટી રીતનો વળાંક આપવામાં આવે તો તે અજાણતામાં જ તે દિશા તરફ વળી જશે. જો તેને સરળતાથી લઇ આવી મિત્રતાના મર્મને સમજવામાં આવે તો આવા ઘણાં મિત્રતાના કિસ્સાઓના ઉદાહરણો ટાંકી શકાય અને સમાજમાં આવી મિત્રતાને સન્માનીય રીતે જોઇ શકાય.