ફોર્સ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનાર વિદ્યુતમાં છૂપાયેલું ટેલેન્ટ દેખાઇ ગયું અને વિપુલ શાહે વિદ્યુત જામવાલને લઇને કમાન્ડો ફિલ્મ બનાવી હતી. બોલિવૂડમાં કમાન્ડો ફિલ્મથી પોતાની એક અલગ એક્શન હિરો તરીકેની છબી ઊભી કરી છે. એક્શનમાં તે અન્ય હિરો કરતા ખૂબ જ અલગ છે. તેણે પોતે માર્શલ આર્ટ શીખેલું છે, તેથી તે પોતાની ફિલ્મમાં એક્શન સ્ટંટ જાતે જ કરવા માટે વધારે લોકપ્રિય છે. કમાન્ડો ફિલ્મ દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તે ઘણીબધી સાઉથની ફિલ્મોમાં પણ વ્યસ્ત રહ્યો. હવે ફરીથી વિપુલ શાહ સાથે જ તે કમાન્ડો 2માં અનેક નવી જ એક્શન અને નવા જ સ્ટંટ સાથે જોવા મળશે. વિદ્યુતની ખાસિયત એ છે કે તે તેની ફિલ્મોમાં સ્ટંટ સીન જાતે જ કરે છે. વિદ્યુત સાથે થયેલી ખાસ મુલાકાતમાં ફિલ્મ વિશેની રસપ્રદ વાતો.

કમાન્ડો ખૂબ હિટ રહી હતી તો કમાન્ડો 2 માટે કેટલું પ્રેશર ફિલ કરે છે.
પ્રેશર જરાપણ નથી પણ જવાબદારી વધારે લાગી રહી છે કારણકે કમાન્ડો લોકોને ખૂબ પસંદ આવી હતી. હું જ્યારે પણ લોકોને એરપોર્ટ પર કે અન્ય સ્થળે મળું છું તો લોકો મને પૂછે છે કે તમે કમાન્ડો ફિલ્મમાં ખૂબ સારી એક્શન કરી હતી તો હવે તેના પછી શું બેસ્ટ કરશો. તમે પહેલી ફિલ્મમાં જ ઘણુબધુ દેખાડી દીધુ છે. તેના કારણે જવાબદારી વધી ગઇ હોય તેવું લાગતું હતું. કમાન્ડો 2 લઇને આવવામાં થોડો સમય લાગ્યો. હવે જે લઇને આવ્યા છીએ તેમાં તમને જૂનું કઇ જ જોવા મળશે નહીં. બધુ જ નવું છે. તેનું લેવલ ઘણુ ઊંચુ બનાવી દીધુ છે.

આ ફિલ્મમાં દર્શકોને શું નવું જોવા મળશે.
આ વખતે ફિલ્મમાં દરેક બાબત નવી જોવા મળશે. કમાન્ડો ફિલ્મ કરી ત્યારે એક બેન્ચ માર્ક ક્રીએટ કરી દીધુ હતું. તે પહેલા હિન્દી સિનેમામાં જ્યારે હિરો ફાઇટ કરે તો દસ લોકો ઉડતા હોય, કેબલ્સ ઉડતા જોવા મળતા હતા અને દર્શકો તેની મજા લેતા હતા. જોકે તેમાં થોડો ચેન્જ લાવવાની જરૂર હતી. કમાન્ડો આવ્યા પછી ઘણો ચેન્જ જોવા મળ્યો. પંચાણુ ટકા ફિલ્મોમાં આ પ્રકારના સીન આવવાના બંધ થઇ ગયા. જેમાં જૂના ફાઇટ સીન આવતા હતા તે પ્રકારની ફિલ્મો ઓછી ચાલી રહી હતી. કમાન્ડો 2 માં અમે 22 થી 25 ફાઇટર સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો કે જો ફાઇટ કરીશું અને મારીશું તો રીયલમાં મારીશું. તે લોકો મને મારશે તો તે પણ રીયલમાં જ મારશે. આ ફિલ્મમાં બધી જ બાબતો હકીકતમાં થયેલી જોવા મળશે. કેબલ્સ, વાયર્સ, સ્ટંટ્સ ડબલ્સનો જરાપણ ઉપયોગ કર્યો નથી. તેથી અલગ છે. પહેલામાં પણ અમે પ્રયત્ન કર્યો કે ઇન્ટરનેશનલી લોકો અમને બેન્ચમાર્ક માને અને બીજી ફિલ્મમાં પણ તેનાથી વધારે સારો પ્રયત્ન કર્યો છે.

સ્ટંટ ડબલ્સ વિના ફાઇટીંગ વખતે કોઇ મોટી ઇજા થઇ છે.
ઇજા તો થતી રહે છે. તમે જો પાણીમાં પડશો તો ભીના તો થવાના જ છો. તે રીતે જો ફાઇટ સીન કરશો તો ઇજા તો થવાની જ છે. જોકે તે વિશે હું વધારે વિચારતો નથી કારણકે આ બધુ મારા કામનો એક ભાગ છે. એવું કઇ બન્યું નથી કે હું પોતે અટકી ગયો હોઉ કે મને અટકાવી દેવામાં આવ્યો હોય.

કમાન્ડોમાં બારીનો સીન લોકોએ ખૂબ વખાણ્યો હતો. આ ફિલ્મમાં શું નવું કરીશ.
ટ્રેલરમાં એક બિલ્ડીંગની નાની બારીમાંથી હું નીકળતો જોવા મળીશ. હું જ્યારે લોકોને મળું છું અને લોકો તે સ્ટંટ યાદ કરીને કહે છે, ત્યારે ખૂબ આનંદ થાય છે. ટ્રેલરમાં જે નાની બારી છે, સેટ નથી. રીયલ બિલ્ડીંગ છે અને રીયલ બારી છે. લોકો સ્ટંટ યાદ રાખે છે, તે ગમે છે કારણકે સ્ટંટ કરવામાં ખૂબ મહેનત જતી હોય છે. વિપુલ સરે કહ્યું કે આજેપણ લોકોના મનમાં તે સ્ટંટ છે, તો તેવો સ્ટંટ ફરીથી કરવો જોઇએ. મેં કહ્યું કે કઇક અલગ પ્રકારનું કરીએ. અમે જ્યારે સેટ પર જઇને લોકેશન જોઇ રહ્યા હતા, ત્યારે મને તે બારી દેખાઇ. મારી હાઇટ પ્રમાણે તે થોડી મુશ્કેલ હતી. મેં જ્યારે પહેલીવાર રીહર્સલ કર્યું, તો પહેલા દિવસે મારાથી થયું નહીં. પછી બીજે દિવસે શૂટીંગ પર ગયા અને ત્રણ કલાકમાં મારાથી તે સીન ઓકે થઇ ગયો. તે સીન દરમિયાન દાઢી ભટકાવાનો સૌથી વધારે ડર હતો. હું માનું છું કે જો રાત્રે તમે મનમાં કોઇપણ કામ પૂરું કરવાનું ધારીને સૂઇ જાઓ તો બીજે દિવસે સવારે તે તમારાથી થઇ જ જાય.

વિદ્યુત માટે ક્યારેય કોઇ સ્ટંટ મુશ્કેલ રહ્યો છે.
મારા માટે દરેક સ્ટંટ મુશ્કેલ હોય છે. મને ઘણીવાર ખૂબ ડર પણ લાગે છે. હું માનું છું કે નોર્મલ વ્યક્તિને ડર લાગવો જ જોઇએ. સ્ટંટ પહેલા ડર લાગે છે જ્યારે થઇ જાય છે અને જોઉં છો, લાગે છે કે વાઉં મેં સારું કર્યું છે.

સાઉથની ફિલ્મો પણ કરો છો. શું તફાવત લાગે છે.
મને કોઇ જ ફરક લાગતો નથી. અહીંના સ્ટાર્સ ત્યાં કામ કરવા માટે જાય છે અને ત્યાંના અહીં આવે છે.

એક્શન ફિલ્મના કારણે જોનર ફિક્સ થઇ ગયું હોય તેવું લાગે છે.
તમે જો કોઇ એક બાબતમાં નિપુણ હો તો તમારે એમાં જ કામ કરવું જોઇએ, એવું હું માનું છું. મને હજી ઇન્ડસ્ટ્રીમાં વધારે સમય થયો નથી પણ જ્યારે લોકો મને એક્શન સ્ટાર કહીને બોલાવે છે, ત્યારે હું તે વાતનો ખૂબ ગર્વ અનુભવુ છું. મને જે પણ ટેગ મળે તે ગમે છે. કમાન્ડો 2 એક સંપૂર્ણ કમર્શિયલ ફિલ્મ છે. જે મારા માટે પણ પહેલીવાર છે. જેમાં હું ફૂલ એક્શન, ડ્રામા, રોમાન્સ, કોમેડી બધું જ કરી રહ્યો છું. તેનાથી મને થોડું એક્સાઇટમેન્ટ છે કારણકે આ પ્રકારની ફિલ્મ પહેલીવાર કરી રહ્યો છું.

વિપુલ સર સાથેનો અનુભવ કહો અને તેમની કઇ બાબત ગમે છે.
તેમના કારણે મને દરેક ગુજરાતી ડિશ વિશેની માહિતી મળી ગઇ છે. તેમના ઘરનું ખાવાનું પણ ખૂબ સરસ હોય છે. ભારતમાં હું માનું છું કે વિપુલ શાહ એકમાત્ર એવા ડિરેક્ટર છે, જેને એક્શન વિશેનું સંપૂર્ણ નોલેજ છે. તમે જે પણ કઇ કરો તે અંગે તમને બધી જાણકારી હોવી જરૂરી છે. તમે એક માર્શલ આર્ટીસ્ટને તે સમયે જ બધુ જણાવી શકો છો. તે પોતે જ એક્શનને સમજી શકે છે. હું પોતે તેમને ઘણીવાર એક્શન કોરીયોગ્રાફ કરીને રાત્રે વિડીયો મોકલતો હતો. તો તે તરત જ કહેતા કે તે એક્શનમાં મારે શું વધારે ઉમેરવાની જરૂર છે. તે પ્રકારનું વિઝન હોવું ખૂબ જરૂરી છે.

ફિલ્મમાં મનોરંજનની સાથે બ્લેક મનીનો મેસેજ પણ મળશે.
હા, ખૂબ જોરદાર મેસેજ ફિલ્મમાં છે. હું તમને એક વાત કહીશ કે જ્યારે પણ અમદાવાદ આવું છું તો મને અહીં ચેન્જ જોવા મળે છે. કઇક સારો ફેરફાર થઇ રહ્યો છે. એક અન્ય શહેરમાં ગયો હતો ત્યાની સ્થિતી જોઇને દુખ થયું. ફિલ્મના વિષયની વાત કરું તો બેલ્ક મનીની વાત છે, પણ તેને ડિમોનેટાઇઝેશન સાથે કઇજ લેવા દેવા નથી. તે શરૂ થયું ત્યાં સુધીમાં તો અમારી ફિલ્મ પૂરી થઇ ચૂકી હતી.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment