વરસાદની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. આ એક જ એવી ઋતુ છે, જેની રાહ દરેક વ્યક્તિ જોતું હોય છે. ખાસ કરીને બાળકો આ ઋતુને ખૂબ એન્જોય કરતા હોય છે. તેમાં પણ બાળપણમાં વરસાદમાં ન્હાવાની અને મિત્રો સાથે મસ્તી કરવાની યાદ જીવનભર સંભારણું બની રહે છે. આપણા જાણતા ટીવી કલાકારોએ પણ બાળપણમાં ખૂબ જ મસ્તી કરી છે. વરસાદ સાથે અને મસ્તી સાથે જોડાયેલી તેમની બાળપણની યાદો કેટલાક ટીવી કલાકાર અહીં જણાવી રહ્યા છે.

શ્રિતિ ઝા (કુમકુમ ભાગ્યની મુખ્ય અભિનેત્રી)

બાલિકા વધુમાં ગંગાના પાત્રથી જાણીતી બનેલી શ્રિતીને 2014માં કુમકુમ ભાગ્ય સિરિયલમાં મુખ્ય રોલમાં પસંદ કરવામાં આવી. આ સિરિયલમાં છેલ્લા ચાર વર્ષથી તે લોકપ્રિય બની ચૂકી છે. શ્રિતિને વરસાદ ખૂબ જ ગમે છે. તે કહે છે કે, કાળઝાળ ગરમી પછી જ્યારે ઠંડકનો અનુભવ થાય તો ખૂબ સારું લાગે છે. પણ વરસાદમાં ન્હાવાની અને મસ્તી કરવાની મજા તો નાનપણમાં જ આવે છે. વરસાદ આવે તે દરેકને ગમે છે. નાનપણમાં ભીના થવાની કે કપડાં બગડવાની કે માંદા પડવાની ચિંતા હોતી નથી. પેરન્ટ્સ ખીજાશે તે બીક રહે છે પણ તે સમયે તો એવું જ લાગે છે કે પહેલા વરસાદને માણી લઇએ પછી તેમનું સાંભળી લઇશું. મને પણ બાળકોની જેમ જ વરસાદમાં ભીંજાવું ખૂબ ગમતું હતું અને આજેપણ ગમે છે.  હવે નાનપણમાં કરતા હતા તેવી મસ્તી કરવી શક્ય નથી. જોકે વરસાદમાં મળતા ખાસ ફરસાણની મજા પણ માણવાનું ચૂકતી નથી.

 

અદા ખાન (નાગિન 1 અને 2ની મુખ્ય કલાકાર)

બહેને, અમૃતમંથન, પિયા બસંતી સૌથી લોકપ્રિય સિરિયલ નાગિન 1 અને 2માં લીડ રોલ કરી ચૂકેલી અદાને પણ વરસાદની ઋતુ ખૂબ જ પસંદ છે. તેને વરસાદમાં પલળવું પસંદ છે. તે કહે છે કે, મને આજેપણ યાદ છે કે હું નાની હતી ત્યારે જ્યારે પણ વરસાદ શરૂ થાય તો રેઇનકોટ પહેરીને મારા પપ્પાનો હાથ પકડીને બિલ્ડીંગની નીચે વરસાદમાં રમવા જતી રહેતી. મને વરસાદના છાંટાને સ્પર્શ કરવો ખૂબ જ ગમે છે. નાની હતી ત્યારે મારી બંને હથેળીઓને ભેગી કરીને તેમાં વરસાદને પકડવાનો પ્રયત્ન કરતી હતી. મને આજેપણ વરાદમાં પલળવું ગમે છે. હવે ફરીથી નાનપણની જેમ વરસાદમાં પલળી નથી શકતી પણ હું મારી ગાડી લઇને વરસાદમાં લોંગ ડ્રાઇવ પર નીકળી જાઉં છું. ટ્રાફીકથી દૂર ખુલ્લા આકાશ અને લીલોતરીવાળી જગ્યાએ જવું મને ગમે છે. મને રોમેન્ટિક મ્યુઝીક સાંભળતા સાંભળતા વરસાદી વાતાવરણમાં ગાડીમાં ફરવાનું ખૂબ ગમે છે.

શક્તિ અરોરા (સીલસીલા બદલતે રીશ્તો કાના મુખ્ય કલાકાર)

પવિત્ર રીશ્તા, સંસ્કાર લક્ષ્મી, મેરી આશિકી તુમસે હૈ અને સીલસીલા બદલતે રીશ્તો કામાં મુખ્ય પાત્રમાં જોવા મળેલ શક્તિ અરોરાને પણ વરસાદની ઋતુ ખૂબ આકર્ષે છે. તે કહે છે કે, હવે વરસાદની ઋતુમાં થી પહેલો મનમાં વિચાર એ જ આવે છે કે કપડાં કેટલા બગડશે. નાના હતા ત્યારે વરસાદ પડતાની સાથે જ રમવા માટે ભાગી જતા હતા. હવે તો વરસાદને બારીની બહાર જોતા જ રહેવા જેવું થઇ ગયું છે. કપડાં અને શૂઝની સૌથી પહેલા ચિંતા થાય છે અને પછી વરસાદમાં પલળવું કે નહીં તે વિચાર આવે છે. બાળપણમાં આવી કોઇ જ વાતની ખટપટ નહોતી. નાનપણમાં મેં વરસાદમાં ખૂબ મસ્તી કરી છે. તે દિવસોને યાદ કરું છું તો ઘણીવાર ખૂબ હસવું આવી જાય છે. વરસાદ પડતાની સાથે જ અમે બધા મિત્રો ઘરમાંથી બહાર આવી જતા. ગાર્ડનમાં નાના નાના ખાડાઓમાં પાણી ભરાઇ જતું અને અમે બધા મિત્રો વારાફરતી ખાડામાં કૂદકા મારતા. કોઇના ઘરના છાપરા પરથી પાણી પડતું હોય તો નીચે ઊભા રહીને હથેળીમાં પાણી ભરીને મિત્રોની ઉપર ઉડાડતા. સાથે સાથે પોતે પણ ખૂબ જ ભીંજાતા. જોકે હવે આ બધુ કરવું ક્ય નથી. બસ ક્યારેક વરસાદ પડતો હોય તો ગાડી લઇને ફરવા નીકળી જાઉં છું.

મૃણાલ જૈન (લાલ ઇશ્ક સિરિયલમાં મુખ્ય પાત્રમાં)

બંદીની, લુટેરી દુલ્હન, હિટલર દીદી, ઉતરન, બંધન, નાગાર્જુન એક યોદ્ધા, લાલ ઇશ્ક જેવી સિરિયલોમાં લીડ રોલ કરનાર મૃણાલને પણ વરસાદની ઋતુ ખૂબ જ પસંદ છે. તે કહે છે કે, નાનપણમાં વરસાદમાં ભીંજાવાની અને મસ્તી કરવાની ખૂબ મજા આવતી હતી. મને મમ્મીનો ખૂબ ડર લાગતો એટલે નાનપણમાં રેઇનકોટ પહેરીને વરસાદમાં પલળવા જવું પડતું હતું. તોપણ અમે બધા મિત્રો મળીને ખૂબ જ મસ્તી કરતા હતા. અમે બધા મિત્રો જ્યાં વધારે પાણી ભરાયું હોય કે નાના ખાબોચિયા જેવું થયું હોય ત્યાં પહોંચી જતા અને એકસાથે ખાબોચિયામાં કૂદીકૂદીને બધા પાણી ઊડાડતા. સૌથી વધારે પાણી કોના કૂદવાથી ઊડે છે, તેવી મસ્તી કરતા. રજાના દિવસે અમે ઘરની નજીક આવેલા તળાવમાં કાગળની હોડી બનાવીને તરાવવા જતા. તે સમયે પાણીથી ભરેલું તળાવ અને ઉપરથી પડતો વરસાદ ખરેખર આવી મજા તો ફક્ત બાળપણમાં જ આવી શકે. હું તે દિવસોને ખૂબ જ યાદ કરું છું. આજેપણ જ્યારે રસ્તા પર પાણી ભરાય જાય અને ગાડીમાં બેસીને પસાર થતો હોઉં તો મને હોડીને તરાવવાની ઘટના ખૂબ યાદ આવે છે. જેવું હવે કરી શકાતું નથી.

 

Loading

Spread the love

Leave a Comment