ઘર બનાવતી વખતે આપણે વાસ્તુના નિયમોનું પાલન કરીયે છીએ. જેના કારણે પરિવારમાં સુખ શાંતિ અને સલામતી જળવાઇ રહે. પરંતુ ઘરમાં ફૂલ છોડ રાખતી વખતે પણ વાસ્તુના નિ.મોનું પાલન કરવું જરૂરી છે. તેના કારણે ઘરમાં આનંદ રહેશે અને વાતાવરણ પણ શુદ્ધ રહેશે.
લીલા ફૂલછોડ, જીવંત શક્તિથી ભરપૂર કુદરતના અણમોલ ઉપહાર છે, જે દરેકને ઓક્સીજન તો પૂરું પાડે જ છે, સાથે જ પર્યાવરણને પણ શુદ્ધ અને સંતુલિત રાખે છે. એટલું જ નહીં વાસ્તુદોષ નિવારણમાં, રોગને દૂર કરવામાં અને ઉત્તમ સ્વાસ્થ્ય સંરક્ષણમાં વૃક્ષ અને વનસ્પતિઓનું યોગદાન શ્રેષ્ઠ ગણાય છે. વાસ્તુવિજ્ઞાન મુજબ જો ફૂલછોડને દિશાઓ, તેના આકાર અને ફૂલોના રંગોના અનુરૂપ યોગ્ય સ્થળે રાખવામાં આવે તો જીવનમાં અનેક લાભ મળે છે.
નાના છોડ રાખવાનું સ્થળ
ઘરના બગીચા કે બાલ્કનીમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાં નાના છોડ જેવાકે તુલસી, ગલગોટા, લીલી, દરોઇ, ફૂદીનો, હળદર વગેરે લગાવવા જોઇએ. આ દિશાઓમાં નાના છોડ હોવાના કારણે ઊગતા સૂરજની સ્વાસ્થ્યવર્ધક કિરણો ઘરમાં પ્રવેશ કરે છે. જેના કારણે પરિવારના સભ્યોની તંદુરસ્તી સારી રહે છે. તેમજ સામાજીક સંબંધો પણ મજબૂત બને છે. ઓષધિયગુણવાળી તુલસીનો છોડ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરે છે. તેથી તેને ઘરમાં જરૂરથી રાખવો જોઇએ. એકવાતનું ખાસ ધ્યાન રાખો કે ઉત્તર અને પૂર્વમાં ઓછા ઘટ્ટ અને નાના છોડ જ લગાવવા. જેનાથી હકારાત્મક ઊર્જાના પ્રવાહમાં કોઇ અવરોધ ન આવે.
વૃક્ષનું સ્થાન
વાસ્તુ સિદ્ધાંતના પ્રમાણે હકારાત્મક ઊર્જાના તરંગો હંમેશા પૂર્વથી પશ્વિમ અને ઉત્તરથી દક્ષિણ તથા પૂર્વોત્તર (ઇશાન)થી દક્ષિણકોણ (નૈઋત્વ) તરફ વહે છે. તેથી ઊંચા ઝાડને હંમેશા ઘરના દક્ષિણ કે પશ્વિમ દિશામાં લગાવવા યોગ્ય ગણાય છે. એન્ટીબેક્ટેરીયલ ગુણોથી ભરપૂર લીમડો દૂષિત વાયુમંડળને શુદ્ધ કરીને પર્યાવરણને સ્વચ્છ બનાવે છે. રોગોને દૂર રાખનાર લીમડાને વાયવ્ય ખૂણામાં લગાવવાથી સારું પરિણામ આપે છે.
પીપળાને ઘરથી યોગ્ય અંતરે અને ક્યાંક ખૂલ્લા સ્થળે પશ્ચિમ દિશામાં રાખવું શુભ ફળ આપે છે. પીપળાની વિશેષતા એ છે કે તે 24 કલાક ઓક્સિજન પૂરો પાડે છે. વાતાવરણને શુદ્ધ કરનાર આ વૃક્ષ અનેક અસાધ્ય રોગોમાં લાભકારી સાબિત થાય છે. એ જ રીતે શિવજીનું પ્રિય બીલીનું વૃક્ષ ઘરની ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય કોણમાં લગાવવું ખૂબ શુભ ગણાય છે. દાડમ હૃદયરોગ, સંગ્રહણી, વમનમાં લાભકારી તેમજ શક્તિવર્ધક છે. તેને ઘરની બહાર દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં લગાવવાથી સુખ-શોભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
ફળોનું સ્થાન
ઉત્તર દિશામાં વાદળી રંગના ફૂલોના છોડ રાખવા જોઇએ. જે જીવનમાં સમૃદ્ધિ લાવે છે. સફેદ રંગના ફૂલોના છોડ, જેમકે ચાંદની, મોગરો, ચમેલી ને પશ્ચિમ દિશામાં લગાવવાથી લાભ થવાની શક્યતાઓ વધી જાય છે. બાળકોમાં રચનાત્મક શક્તિનો વિકાસ થાય છે. લાલ રંગના ફૂલ જીવનમાં ઉર્જા અને ખ્યાતિ આપે છે. લાલ રંગના ફૂલ આપનાર છોડ દક્ષિણ દિશામાં લગાવવા જોઇએ.