અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે 28 વર્ષથી મિત્રતા છે. તેમ છતાંય બંનેને એકસાથે કામ કરવાની તક અત્યાર સુધી મળી નહોતી. સૂર્યવંશી ફિલ્મમાં રોહિત શેટ્ટીએ અક્ષય કુમારને લીધા છે. ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા પણ અક્ષય કુમાર આ પ્રકારના પાત્રોમાં જોવા મળ્યા છે પણ આ ફિલ્મમાં તેમનું પાત્ર અલગ છે. સાથે જ અક્ષય એક્શન હિરો તરીકે પણ ઓળખાય છે, ત્યારે રોહિત શેટ્ટીની ફિલ્મમાં ફરીથી અલગ પ્રકારની અને નવી એક્શન્સ સાથે તે જા મળશે. અક્ષય કુમાર સાથે થયેલી ટેલિફોનિક વાતચિત.

— હવે કઇ નવી એક્શન સાથે જોવા મળશો.

છેલ્લે મેં ફિલ્મ કેસરીમાં એક્શન સીન કર્યા હતા. જે એક પિરીયડ ફિલ્મ હતી અને તે પ્રમાણેની એક્શન પણ તેમાં હતી. તલવાર અને તે સમય મુજબના સાધનો સાથે એક્શન કરવાની હતી. હવે ફિલ્મ સૂર્યવંશીમાં ટીપિકલ, વિશુદ્ધ કમર્શિયલ એક્શન છે. આ પ્રકારની એક્શન ઘણા લાંબા સમય પછી કરી રહ્યો છું.

— બેલિકોપ્ટરમાં એક્શન સીન આ પહેલા પણ તમે કર્યા છે. કેટલી મુશ્કેલીઓ પડે છે.

તેના માટે કોઇ પ્રકારની તૈયારીઓ કરવી પડતી નથી પરંતુ શારીરિક રીતે ફિટ રહેવું વધારે જરૂરી છે. વજન પણ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડે છે. રોજ કસરત કરવી પડે છે અને લટકવાની પ્રેક્ટીશ પણ કરવી પડે છે. તમારે તમારી ગ્રીપનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. કોઇપણ એક્શન કરવી સહેલી હોતી નથી. હેલિકોપ્ટરવાળા સ્ટંટ કરતી વખતે ઉપર પંખાનું ખૂબ પ્રેશર રહે છે. તે સતત ચાલું જ હોય છે. દરેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેમાં થોડીક પણ ચૂંક થાય તો તે ચલાવી શકાય નહીં. તમે જે પણ એક્શન કરો તેમાં પાયલટની ભૂમિકા પણ ખૂબ મહત્વની રહેલી છે. જો તમે તેની એકદમ નીચે આવો તો તે હેલિકોપ્ટર ડાબી કે જમણી તરફ લઇ જઇ શકે નહીં. તે નીચેની તરફ તમારા પર પ્રેશર નાખી શકે નહીં. હું ફક્ત એટલું જ કહીશ કે આ એક પ્રકારનું ટીમવર્ક હોય છે. રોહિત શેટ્ટી પોતાના એક્શન ડિરેક્ટર સાથે જુએ છે કે સીન યોગ્ય રીતે થઇ રહ્યો છે કે નહીં. તે ઉપરાંત યોગ્ય પ્રકારની સુરક્ષાની પણ વ્યસ્થા કરવામાં આવે છે. આ પ્રકારના એક્શન સીન કરતી વખતે ઘણીબધી સાવધાની રાખવામાં આવે છે. આ ફિલ્મ માટે મેં મારું નવ કિલો વજન ઓછું કર્યું છે. એક આઇપીએસ ઓફિસર જેવો દેખાવો જોઇએ તે પ્રકારે પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો.

— રોહિત શેટ્ટી તમને એક્શન માટે ચેલેન્જ કરતા હતા.

હું રોહિત શેટ્ટીને 28 વર્ષથી ઓળખું છું. અમે ઘણા જૂના મિત્રો છીએ. પણ અહીં આખુ સ્ક્રીનપ્લે નવો છે. હું એ પણ કહીશ કે જે એક્શન સીન મેં કર્યા છે. તે લગભગ 20 વર્ષ પછી કર્યા છે. તેનો અંદાજ નવો છે. હવે ટેક્નોલોજી ઘણી બદલાઇ ગઇ છે.

— ફિલ્મ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ પર આધારીત છે.

મને યાદ છે કે તે સમયે તોફાન અને બોમ્બબ્લાસ્ટ થયા હતા. વાતાવરણ ખૂબ અશાંત હતું. સિરિઝ ઓફ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે સમયે મુંબઇ પોલીસે પરિસ્થિતીને ખૂબ સરી રીતે સાચવી લીધી હતી.

— એક એટીએસ ઓફિસરના કાર્યને કેટલું સમજી શક્યા છો

એટીએસની કાર્ય કરવાની પદ્ધતિ ઘણી અલગ હોય છે. તેથી શક્ય હોય તેટલી સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું એમ નથી કહેતો કે મને તેમના કાર્યની સંપૂર્ણ સમજણ છે. હું કેટલાક એટીએસ ઓફિસર્સને ઓળખુ છું. તેઓ પોતાના સિક્રેટ મિશન પર કોઇની સાથે વાત કરતા નથી.

— એક અનુભવી એક્ટર તરીકે હવે ફિલ્મોમાં કેટલા શોટ આપવા પડે છે.

મને નથી લાગતું કે આ ફિલ્મમાં પણ કોઇ સીન કરવા માટે અમે બે કે ત્રણથી વધારે શોટ આપ્યા હશે. ફિલ્મનું શૂટીંગ અમે લગભગ 60 દિવસમાં પૂરું કરી લીધુ હતું. જોકે મેં ફિલ્મના શૂટીંગ માટે 80 દિવસનો સમય આપ્યો હતો. મારા નિર્દેશકો પહેલેથી તૈયાર રહે છે અને હું તેમના મુજબ જ કામ કરવાનું પસંદ કરું છું.

— પોલીસની છબીને બદલવામાં ફિલ્મોનું કેટલું યોગદાન રહ્યું છે.

સારી અને ખરાબ બંને છબી દેખાડવામાં યોગદાન રહેલું છે. એવું નથી કે ફિલ્મોમાં ભ્રષ્ટ પોલીસને દેખાડતા નથી. દરેક પ્રકારના પોલીસ ઓફિસરને દેખાડવામાં આવે છે. સુર્યવંશીમાં મારું પાત્ર લાર્જર ધેન લાઇફ છે. તે વધારે સાહસીક છે.

— ખિલાડી નામ હવે હંમેશા માટે જોડાઇ ગયું છે.

મારા કરિયરની દ્રષ્ટિએ મારા માટે ખિલાડી નામ ખૂબ લકી રહ્યું છે. મારી પહેલી સુપરહિટ ફિલ્મ ખિલાડી જ હતી અને ત્યારપછી આજદીન સુધી તે નામ મારી સાથે જોડાયેલું રહ્યું છે. હું કોઇપણ પ્રોગ્રામમાં જાઉં તો મારો પરિચય આપતા પહેલા કહેવામાં આવે છે કે તમારી વચ્ચે હવે આવશે ખિલાડી કુમાર. હવે આ નામ મારી સાથે હંમેશા રહેશે. જો આ નામ સાથે જોડાયેલી કોઇ ફિલ્મ આવશે તો હું તે કરવા ઇચ્છીશ.

 804 total views,  1 views today

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Comment