ભૂમિ પેડનેકરની હાલમાં બે ફિલ્મો રીલીઝ થઇ છે, જેમાં પહેલી તો ટોયલેટ – એક પ્રેમ કથા અને બીજી શુભ મંગલ સાવધાન છે. બોલિવૂડમાં હિરોઇન બનવા માટે જ આવેલી ભૂમિએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયરની શરૂઆત યશ રાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કરી હતી. છ વર્ષની મહેનત પછી ભૂમિને પહેલી ફિલ્મ 2015માં દમ લગા કે હઇસા મળી. જેમાં તેના કાર્યને લોકોએ વખાણ્યું અને ભૂમિને તે ફિલ્મ માટે ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. બે વર્ષ પછી ભૂમિ અક્ષય કુમાર સાથે તેમજ ફરીથી આયુષમાન ખુરાના સાથે જોવા મળી છે. ભૂમિ સાથે થયેલી તેની ફિલ્મો અને કરિયર અંગેની રૂબરૂ વાતચિત.

શુભ મંગલ સાવધાન ફિલ્મ વિશે જણાવો.

આ ફિલ્મમાં જે વાત જોવા મળશે તે જીવનમાં કેટલી જરૂરી છે તે ફિલ્મ જોયા પછી લોકોને સમજાશે. જીવનમાં શારીરિક સંબંધ સિવાય પણ એક વ્યક્તિમાં ઘણીબધી સારી બાબતો હોય છે, તે દેખાડવામાં આવ્યું છે. પ્રેમ એ અન્ય બાબતો કરતા વધારે મહત્વનો છે. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ ફક્ત શારીરિક જ હોય તેવું નથી પણ માનસિક રીતે પણ બે વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ ફિલ્મમાં અમે ખાસ કરીને મોડર્ન જનરેશનનની જે તકલીફો છે, તેને લઇને આવ્યા છીએ. જેમાં બે વ્યક્તિઓ તે અંગે ચર્ચા કરે છે. શારીરિક ખામી અંગે પાર્ટનર સાથે મુક્ત મને ચર્ચા કરવી જોઇએ. તે પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની સૌથી સુંદર બાબત એ છે કે એક વ્યક્તિની તકલીફમાં પણ બીજી વ્યક્તિ તેની સાથે રહે છે. દરેક વ્યક્તિને તેનો પાર્ટનર ફિઝીકલી અને મેન્ટલી સેટીસફાઇટ કરે તે જોઇએ છે, પણ ન કરી શકે તો તમે તેને છોડી દેશો. પ્રેમ એ પ્રેમ છે અને તે જ આ ફિલ્મમાં જોવા મળે છે. જો પતિ બિમાર હોય તો તેની પત્ની તેને હોસ્પિટલમાં દાખલ કરીને છોડી નથી દેતી, એજ રીતે પતિ પણ તેની પત્નીને છોડી દેતો નથી.

ફિલ્મના વિષયને લઇને શું કહેશો.

સાચું કહું તો સેક્સના વિષયને લઇને આપણા દેશમાં ખોટો ઊહાપોહ કરી દેવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને પુરુષના સેક્સ્યુઅલ પરર્ફોમન્સને લઇને આપણા જે વિચારો છે, તે એકદમ ખોટા છે. એક સંપૂર્ણ પુરુષ હોવાની વ્યાખ્યા ફક્ત એ જ નથી કે તે પથારીમાં સારો હોવો જોઇએ. જે મહિલાઓની રીસપેક્ટ કરે, ફેમીલીને સાચવે, તેના કામમાં સફળ હોય, સોસાયટીમાં તેનું નામ હોય આવી ઘણી બધી અન્ય બાબતો છે, જે એક પુરુષને સંપૂર્ણ બનાવે છે. મારું પાત્ર આ જ બધી બાબતોને મહત્વ આપે છે. તે ફિલ્મમાં તેના ભાવિ પતિને છોડતી નથી.

ડિરેક્શન બાદ એક્ટિંગમાં આવવાનું કઇ રીતે પસંદ કર્યું.

મને ક્યારેય ડિરેક્શનમાં રસ જ નહોતો. મારે પહેલેથી જ એક્ટિંગમાં આવવું હતું. ફિલ્મ સ્કુલમાં પણ હું એક્ટિંગ માટે જ જોડાઇ હતી. 17 વર્ષની ઉંમરે મેં યશ રાજ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે મને દરેક વસ્તુ શીખવા અને જાણવા મળી. મને જે શીખવા મળ્યું તે હું શીખતી હતી કારણકે મને નહોતી ખબર કે મને એક્ટિંગનો ચાન્સ ક્યારે અને કેવી રીતે મળશે.

તમારી ફેમીલીમાથી કોઇ એક્ટિંગ ફિલ્ડમાં છે.

ના, મારી ફેમીલીમાંથી દૂર દૂર સુધી કોઇ એક્ટિંગ સાથે જોડાયેલું નથી.

એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરવાનું કોઇ ખાસ કારણ.

આનો સ્પષ્ટ જવાબ તો હું નહીં આપી શકું કારણકે જે રીતે લોકો ડોક્ટર, એન્જિનિયર કે અન્ય ક્ષેત્રમાં જવાનું પસંદ કરે છે, તે રીતે મેં મારી કરિયર તરીકે એક્ટિંગ પસંદ કરી છે. મને આ પ્રેરણા ક્યાંથી મળી તે પણ મને ખબર નથી. હું જ્યારે ટીવી જોતી તો હું એક એક્ટ્રેસ બની શકું છું, તેવું મને લાગતું. હું મારા તે ડ્રીમ માટે ખૂબ જ ગાંડી હતી.

પહેલી જ ફિલ્મથી તે દર્શકોના મનમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે.

મને ખૂબ આનંદ થયો હતો કે બોલિવૂડમાં જ્યાં લોકો ઝીરો ફિગર અને સ્લીમ હિરોઇનોને પસંદ કરતા હોય છે, તેવામાં મારા દમ લગાકે હઇસાના સ્થૂળ કાયા ધરાવતા પાત્રને લોકોએ ખૂબ જ પસંદ કર્યું. તે મારી પહેલી ફિલ્મ હતી અને મને તેમાં યશ રાજની સાથે બ્રેક મળી રહ્યો હતો. બીજી વાત એ કે તેની સ્ક્રિપ્ટ ખૂબ જ સરસ હતી. મને તેની સ્ટોરી ખબર હતી કારણકે હું પોતે તે ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહી હતી. જ્યારે દમ લગાકે હઇસા આવી ત્યારે મને ખબર નહોતી કે આ ફિલ્મને લોકો કેટલી પસંદ કરશે. મારી ઇમેજ બદલાશે. તે સમયે હું ફિલ્મ કરવા માટે ખૂબ જ ગાંડી હતી અને તેથી જ વધારે વિચાર કર્યા વિના મેં તે ફિલ્મ કરી હતી. આવી ઘણી ઓછી સ્ક્રિપ્ટ અને વાર્તા આવે છે. તે સમયે મને ફક્ત એટલી જ ખબર હતી કે આ ફિલ્મની અસર લોકોમાં જોવા મળશે. લોકોને ફિલ્મ પસંદ આવશે.

દમ લગાકે હઇસાના પાત્ર માટે તે સમયે વજન વધાર્યું હતું તો તે પછી કેટલું વજન ઊતાર્યું.

હા, તે સમયે મેં 27 થી 30 કિલો જેટલું મારું વજન વધાર્યું હતું અને હું ફિલ્મમાં 90 કિલો વજનની હતી. ફિલ્મ પછી મને વજન ઊતારવામાં ઘણો સમય લાગ્યો હતો કારણકે હું તરત જ નહીં પણ પ્રોપર રીતે વજન ઊતારવા માગતી હતી. ફિલ્મ બાદ ખૂબ જ સખત ડાયટ અને વર્કઆઉટ મેં ફોલો કર્યા છે. મારું ફક્ત એક જ મિશન હતું કે મારે મારુ વજન પહેલા જેવું કરી દેવું. તે મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું.

આયુષમાન સાથે બીજી ફિલ્મ છે. એકબીજા વિશે કેટલું જાણી અને સમજી શક્યા છો.

પહેલી ફિલ્મ અને બીજી ફિલ્મ વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે મેં 35 કિલો વજન ઘટાડ્યું છે. દમ લગાકે હઇસા વખતે અમે સાથે કામ કરનારા કલાકારો હતા. હવે અમે આ ફિલ્મ વખતે સારા મિત્રો બની ગયા છીએ. જેના કારણે એક કમ્ફર્ટ આવી જતું હોય છે. તે પહેલા પણ સારો કલાકાર હતો અને હવે તે વધારે સારો કલાકાર બની ગયો છે. એકબીજા સાથે કામ કરવાની મજા આવે છે કારણકે અમે કામ દરમિયાન એકબીજાને ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ. મિત્રો છીએ તો એક કમ્ફર્ટ લેવલ આવી જાય છે, જેના કારણે ઘણીવાર સીન દરમિયાન કઇ વર્કઆઉટ ન થઇ રહ્યું હોય, તો તેના પર ચર્ચા પણ કરીયે છીએ. જેના કારણે એકબીજાના કામમાં ક્વોલીટી દેખાઇ આવે છે.

તમારી ત્રણેય ફિલ્મોના વિષય ફેમીલીના વિષયો છે, તો શું પોતે આ વિષય પસંદગી કરો છો, કે આ પાત્ર માટે તમને પસંદ કરવામાં આવે છે.

મારી પાસે ઘણી બધી સ્ક્રિપ્ટ્સ આવે છે, પણ હું પોતે આ પ્રકારના વિષયો પસંદ કરું છું. આ તમામ ફિલ્મો મનોરંજનવાળી છે પણ સાથે જ એક શીખ પણ આપે છે. આ ફિલ્મ સરળ કૌટુંબિક ફિલ્મ કહી શકાય. મને પોતાને પણ આ પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ છે. મારી પાસે જ્યારે પણ કોઇ સ્ક્રિપ્ટ આવે ત્યારે તે વાંચીને પહેલા હું એમ વિચારું છું કે શું આ ફિલ્મ હું થિયેટરમાં જોવા જઇશ. જો હું પોતાની જાતને હા જવાબ આપી શકું તો તેમાં આગળ વધુ છું.

મહિલા કેન્દ્રીત ફિલ્મોમાં મહિલાઓની તકલીફોને હવે સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી રહી છે, તો શું પુરુષોની પણ તકલીફો પર ફિલ્મો બનવી જોઇએ એવું લાગે છે.

હા, આવી વિષયો ફિલ્મો દ્વારા બહાર આવવા જ જોઇએ. મેં ઘણીવાર જોયું છે કે કપલ્સના ડિવોર્સ થાય છે, જેમાં કારણ કઇ ખાસ હોતું જ નથી. ઘણાબધા કારણો હોય છે અને તેઓ એકબીજા સાથે મુક્તપણે ચર્ચા પણ કરતા નથી. જ્યારે મહિલાઓ આ પ્રકારના વિષયો પર વાત કરવાનું વિચારે છે, તો તેમના મનમાં પહેલા એ વિચાર આવે છે કે જો ચર્ચા કરશે તો તેમના સંબંધ બગડી જશે. મહિલાઓ પોતે કોમ્પલેક્સ ફિલ કરતી હોય છે. મુખ્ય બાબત એ છે કે બે વ્યક્તિઓ વચ્ચે વાતચિત જ થતી નથી.

બોલિવૂડમાં તમને કઇ એક્ટ્રેસ વધારે પસંદ છે.

મને રાની મુખર્જી, કરીશ્મા કપૂર અને વિદ્યા બાલન ખૂબ જ ગમે છે અને હું હંમેશા પ્રિયંકા ચોપરા માટે મને ખૂબ જ માન છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment