સુંદર અને સદાબહાર અભિનેત્રી મધુરા નાઈક હાલમાં સોની સબ પર તેનાલી રામામાં શ્રીલંકન રાણી મૂનમૂનની ભૂમિકામાં જોવા મળી હતી. મૂનમૂન સુંદર અને પ્રતિભાશાળી રાણી છે, જેને ઘણા બધા વ્યક્તિત્વ વિકારો છે. આને કારણે તે જ્યારે ત્યારે પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. આ મજેદાર પાત્ર વિશે તેણે રસપ્રદ વાતો કરી.

તેનાલી રામા સોની સબ પર અત્યંત લોકપ્રિય શો હોઈ તેમાં કામ કરવાનું કેવું લાગ્યુ?

તેનાલી રામા ભારતીય ટેલિવિઝન પર અત્યંત લોકપ્રિય શોમાંનો એક છે અને શોમાં કામ કરવાની મજા આવી રહી છે. હું બ્રેક પછી ટેલિવિઝન પર કમબેક કરી રહી છું. શૂટિંગ ક્યારે શરૂ થાય છે તે બાબતે હું ભારે ઉત્સુક હતી અને હવે હું રોજ શૂટ કરી રહી છું, જે નવું સાહસ ખેડી રહી હોઉં એવી લાગણી કરાવે છે.

તારા પાત્રનું વિવરણ કરીશ?

રાણી મૂનમૂન મૂળ શ્રીલંકન છે, જે વિજયનગરમાં પતિ ધરમપાલ સાથે આવે છે. મૂનમૂન સુંદર અને પ્રતિભાશાળી છે, જેને ઘણા બધા વ્યક્તિત્વ વિકારો છે, જેને લીધે તે અલગ અલગ અવતારો ધારણ કરે છે. મૂનમૂન અત્યંત મહત્ત્વાકાંક્ષી છે અને તેના વિકારોને લીધે રાજા પણ તેને વશમાં રાખી શકતો નથી. તેની બીમારી ઊથલો મારતાં તે વિચિત્ર વર્તન કરે છે અને અલગ અલગ અવતારમાં આવી જાય છે.

આ ભૂમિકા માટે તેં કેવી તૈયારીઓ કરી? તેમાં પડકારજનક શું હતું?

મૂનમૂન મીઠી અને નિખાલસ રાણી છે, જેને ભરપૂર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. રાણી શુદ્ધ હિંદીમાં બોલે છે, જે મારે માટે અત્યંત પડકારજનક છે. મને હિંદી વાંચવામાં બોલવામાં થોડી તકલીફ પડતી હોવાથી મારે માટે થોડું પડકારજનક રહ્યું, પરંતુ અન્યથા પાત્રની વાત આવે ત્યારે હું તેમાં પરોવાઈ જાઉં છું.

દર્શકોને કોઈ વિશેષ વાત કહેવા માગે છે?

શૂટ દરમિયાન ઘણી બધી યાદગાર ઘટનાઓ બની છે. તેમાંથી એક શોના એક સ્ટંટ દરમિયાન હું ઈજા પામી તે છે. દરેક કલાકાર શૂટ સમયે ઈજાગ્રસ્ત થઈ શકે છે અને મારી સાથે પણ તેવું થયું છતાં મેં કામ ચાલુ રાખ્યું. આ સિવાય અન્ય રાણીઓ સાથે મને સારું બને છે અને શૂટ દરમિયાન અમે બહુ મજા કરી.

દર્શકોને આ શોમાં નવું શું જોવા મળશે?

મારા ચાહકો લાંબા સમય પછી મને ટેલિવિઝન પર જોવાના છે. તેઓ મને નવા પાત્ર અને કોમિક ભૂમિકામાં જોશે. આ નવો અવતાર મારા બધા દર્શકોને પેટ પકડાવીને હસાવશે.

તારા સહકલાકારો સાથે તને કેવું બને છે?

મારા સહકલાકારો સાથે મને બહુ સારું બને છે. અમે એક પરિવાર જેવા છીએ અને રાણીઓની ભૂમિકા ભજવનાર સહિત બધા કલાકારો સાથે મને સારું બને છે. અમે એકત્ર જમીએ છીએ અને શૂટ દરમિયાન બહુ મજા કરીએ છીએ.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment