ક્રિકેટર્સ પર બાયોપિક બનવી હવે સામાન્ય બાબત બની ગઇ છે. જોકે ક્રિકેટર્સ પર ઘણીબધી ફિલ્મો બની છે. જેમાં અઝરુદ્દીનની બાયોપિક, ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક જેણે દર્શકોની વચ્ચે પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધુ અને કમાણીના રેકોર્ડ પણ તોડ્યા હતા. તે લોકોને ખૂબ પસંદ આવી હતી. તે સિવાય અન્ય સમાચાર એવા પણ છે કે ક્રિકેટર વિવિયન રીર્ચડનના જીવન પરની પણ એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આ બધાની સાથે જ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પરની ફિલ્મ બનીને તૈયાર છે. જેની દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનુરાગ કશ્યપ પણ કપિલદેવ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જોકે ગમે તે હોય પણ આ ઉનાળામાં તમે સચિનની ફિલ્મ જોઇને ક્રિકેટની પૂરી મજા માણી શકશો. આ ફિલ્મ દ્વારા સચિનના દરેક ચાહકને સચિનના ક્રિકેટના એ દરેક પાસા મોટા પડદા પર જોવા મળશે, જે તેમણે ટીવી સ્ક્રીન પર રમત દરમિયાન જોયા છે. જે તેમના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી ડ્રામા છે. આ ફિલ્મ અલગ અલગ પાંચ ભાષાઓમાં રીલીઝ થવા જઇ રહી છે.
ક્રિકેટના મહાનાયક કહેવાતા સચિન તેંડુલકરની ક્રિકેટ દરમિયાનની પણ કેટલીક ખાસ બાબતો નોંધનીય છે. સચિનની સફળતા પાછળ તેમના આ વિશ્વાસનો પણ મોટો હાથ રહેલો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હંમેશા તૈયાર થતી વખતે પોતાના ડાબા પગનું પેડ પહેલા પહેરતા હતા અને સાથે જ પોતાના ડાબા પગના બૂટ પણ પહેલા પહેરતા હતા. ત્યારપછી જ તેઓ મેદાનમાં રમવા માટે ઉતરતા. હવે તે પોતાના જીવનને ફિલ્મના પડદે ઉતારવા જઇ રહ્યા છે, તો જાણીયે કેટલીક રસપ્રદ વાતો. વધારે નહીં લખુ નહીંતર ફિલ્મ જોવાની મજા નહીં આવે.
એપ્રિલ મહિનો ખાસ
— દુનિયાના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં ક્રિકેટના બદલે પોતાના પર બનેલી ફિલ્મ સચિન-અ બિલિયન ડ્રીમ્સના ટ્રેલરને લઇને સોશિયલ મીડીયા પર છવાયેલા જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર જે મહિનામાં રીલીઝ થયું છે, તેને લઇને એક ખાસ સંયોગ જોવા મળી રહ્યો છે. તમે જો થોડું વધારે ધ્યાન આપશો તો જોવા મળશે કે સચિન તેંડુલકરને એપ્રિલ મહિનો વધારે પસંદ છે. નહીંતર એમ પણ કહી શકો કે માસ્ટર બ્લાસ્ટરને એપ્રિલ મહિના સાથે પ્રેમ થઇ ગયો છે.
— એપ્રિલમાં સચિને જોયુ કે એક ક્રિકેટર માટે કે કોઇપણ ખેલાડી માટે સૌથી સારી પળ વિશ્વકપનો ખિતાબ જીત્યાની જ હોય છે. તેનાથી વધારે આનંદ કઇ જ નથી. 24 વર્ષના ક્રિકેટ કરિયર દરમિયાન સચિન તેંડુલકરને સૌથી સારું પહેલું વર્ષ 2011 ના એપ્રિલ મહિનામાં જ જોવા મળ્યું.
— એપ્રિલ મહિનામાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ વિશ્વકપનો ખિતાબ પોતાને નામ કર્યો. ક્રિકેટમાં લાંબા સમય સુધી આપેલા યોગદાન બદલ આખી ટીમ ઇન્ડિયાએ વિશ્વકપની ટ્રોફી સચિન તેંડુલકરને ભેંટ આપી દીધી.
— સચિન તેંડુલકરનો જન્મ પણ એપ્રિલમાં જ થયો છે. આ મહાન ક્રિકેટરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ થયો હતો. એટલે એમ કહી શકાય કે, એપ્રિલ જ એ મહિનો છે, જ્યારે મહાન ક્રિકેટર સચિન આ દુનિયામાં આવ્યો હતો.
— સચિન તેંડુલકર પર બનેલી ફિલ્મનું ટીઝર પણ એપ્રિલ મહિનામાં જ લોન્ચ કરવામાં આવ્યું. જે ખૂબ જ લોકપ્રિય થયું હતું અને અનેક લોકોએ સોશિયલ મિડીયા પર તેને શેર પણ કર્યું હતું. પોતાના પર બનેલી ફિલ્મનું ટ્રેલર પણ એપ્રિલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. અહીં પણ સચિનની ખાસ બાબત કામ લાગી ગઇ. ફક્ત સચિનના ફેસબુક પેજ પરથી જ ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધીમાં 1,09,093 લોકો શેર કરી ચૂક્યા છે.
સમાજને ધણુ પાછુ આપવાની સચિનની ઇચ્છા
સચિનની ફિલ્મ 26 મેના રોજ રિલિઝ થવાની છે. તેને ઇન્ટનેશનલ ફિલ્મ મેકર James Erskine એ ડિરેક્ટ કરી છે. સચિનના જીવન પર બનેલી આ ફિલ્મમાં તેના જીવનની અજાણી વાતોને દુનિયાની સમક્ષ રજૂ કરવામાં આવશે. સચિને કહ્યું કે, ‘હું ખૂબ આંતમૃખી વ્યકિત રહ્યો છું, પણ મને અહેસાસ થયો કે મારા જીવન અને કરિયરમાં જેમણે મહત્વનો ભાગ ભજવ્યો છે, તે વ્યક્તિઓને મેં ઘણુબધુ જણાવ્યું નથી. તેમાં પણ ખાસ કરીને મારા ફેન્સ મારા વિશે ઘણુ ઓછું જાણે છે. મને આશા છે કે આ ફિલ્મ મારા તે તમામ ફેન્સ માટે મને જાણવાની એક તક છે, જેમણે મને સતત 24 વર્ષ સુધી પ્રેમ આપ્યો છે.’
લગભગ ચાર વર્ષ પહેલા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું, પણ રમત તેમની આત્મા સાથે એ પ્રકારે જોડાઇ ગઇ છે કે તે આજેપણ તેમના જીવનમાં ફક્ત ક્રિકેટની જ વાત કરે છે, તેમજ સન્યાસ પછીના જીવનને બીજી ઇનિંગ કહે છે. બીજી ઇનિંગમાં સચિન પોતાના મનને સંતોષ મળે તે પ્રકારના કાર્ય કરી રહ્યા છે. તેમાં પછી પોતાને ચેરીટીના કાર્યક્રમો સાથે જોડાયેલા રાખવાનું હોય કે પછી તેની નજીકની બાબતોનું સમર્થન કરવાનું હોય. સચિન આ સમાજને ઘણુબધુ પાછુ આપવા ઇચ્છે છે. સચિને આઇએએનએસ એજન્સિ સાથે પોતાની ભાવનાત્મક છબીને સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘મારા જીવનની પહેલી ઇનિંગ મેદાનની વચ્ચે હતી, જેમાં સતત વિરોધીયો દ્વારા રાખવામાં આવેલા લક્ષ્યોની પાછળ ભાગવું રહ્યું, પણ મારી બીજી ઇનિંગમાં મને સંતોષ મળે તેવા કામ કરવાનો મારો પ્રયત્ન રહ્યો છે.’
કાર્યકાળ અને વ્યક્તિગત જીવનની પળો કેમેરામાં કેદ
દિગ્ગજ બલ્લેબાજે કહ્યું છે કે, ‘આ એક અલગ જ સફર છે, મારા જીવનનો એક અન્ય ભાગ છે. આપણે બધા જ બીજા માટે કઇ કરવા ઇચ્છીયે છીએ અને તેના માટે જ ઘણુબધુ કરીયે છીએ. આ બધી બાબતો જ મને સંતોષ આપે છે. હું કોઇપણ પરિસ્થિતીમાં તે કાર્ય કરવાનું ચાલું જ રાખીશ, કારણકે તે એક ખૂબ લાંબી સફર છે.’
સચિનનું માનવું છે કે હવે તેમની પાસે સમય છે. જીવનમાં તેમને જીંદગી પાસેથી તેમને શું મળ્યું છે અને તેમણે કઇ રીતે જીંદગી જીવી છે તે વાતોને આરામથી બેસીને વિચારી શકે છે. પોતાના આ જ સફરને તેઓ વિશ્વભરમાં ફેલાયેલા પોતાના પ્રશંસકોની સાથે વહેંચવા માંગે છે. તેના માટે થઇને સચિને ‘સચિન-અ બિલિયન ડ્રીમ્સ’ નો માર્ગ પસંદ કર્યો છે. જે તેમના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી ડ્રામા છે. આ ફિલ્મમાં સચિનની રમત અને તેના વ્યક્તિગત જીવનના વિડીયો ફુટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ફિલ્મ 26 મેના રોજ રીલીઝ થઇ રહી છે, ત્યારે એકવાર ફરીથી તેના ખભા પર અરબો લોકોની આશાનો ભાર જોવા મળશે. સચિનનું કહેવું છે કે તેમને ફરીથી એકવાર સ્ટેડિયમમાં જતા પહેલા થતો હતો એવો અનુભવ થઇ રહ્યો છે. તે સમયે આખુ સ્ટોડિયમ સચિન…સચિનની બૂમોથી ગૂંજવા લાગતુ હતું.
પિતાને ગૂમાવ્યાનો વસવસો જીવનભર રહેશે
ક્રિકેટના આ દિગ્ગજ રેકોર્ડધારીએ કહ્યું કે, ‘લોકો તેની પાસેથી આશા રાખે છે, તે સારી વાત છે. હું જેવો અનુભવ મેદાન પર કરતો હતો તેવો જ અનુભવ મને અત્યારે થઇ રહ્યો છે. શું તમને લાગે છે કે હું સ્ટેડીયમમાં ઉતરું અને સ્ટેડિયમમાં બેઠેલામાંથી કોઇપણ મારી પાસેથી આશા ન રાખે તો તે મારા માટે તે ખોટી જગ્યા હશે. ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બલ્લેબાજ સચિન કહે છે કે, મેચ પહેલા હું મારી બધી જ તૈયારીઓ પૂરી કરી લેતો હતો. તે પછી હું કાચની સામે જઇને ઊભો રહી જતો અને પોતાને જ કહેતો કે હવે હું તૈયાર છું. ફિલ્મ માટે હું કહી શકું છું કે મેં મારું 100 ટકા આપ્યું છે. ક્રિકેટની ભાષામાં મેં મારી પહેલી ઇનિંગ રમી લીધી છે અને હવે મારા પ્રિય ચાહકોએ તેને જોઇને બીજી ઇનિંગ રમવાની છે’. દરેકના જીવનમાં લાગણી ખૂબ મહત્વનો ભાગ હોય છે. તેના વિશે જ્યારે સચિનને પૂછવામાં આવ્યું તો થોડો સમય તેણે અટક્યા પછી કહ્યું કે, ‘ આપણે જીવનના ઉતાર-ચડાવની વાત કરી રહ્યા છીએ તો મારા માટે સૌથી ખરાબ સમય મેં મારા પિતાજીને ગૂમાવ્યા તે રહ્યો છે. તે મારા માટે ક્યારેય ન ભરી શકાય તે નૂકસાન હતું. 1999 પછી મારા જીવનમાં જે થયું, તે જોવા માટે તે હાજર રહી શક્યા નહીં.’
ફિલ્મ પહેલા જ શુભકામનાઓનો વરસાદ
— સચિન – અ બિલિયન ડ્રીમ્સને લઇને દેશના ક્રિકેટ પ્રેમીઓના મનમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. તે ખૂબ જ આતુરતાથી દેશના ક્રિકેટના ભગવાન કહેવામાં આવતા સચિન રમેશ તેંડુલકર પર બનેલી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.
— લોકપ્રિય હસ્તીઓ આ મહાન ક્રિકેટરને ટ્વીટર પર શુભકામનાઓ પાઠવી રહી છે. કિંગ ખાન શાહરૂખે સચિન તેંડુલકરને તેમની ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે. શાહરૂખે કહ્યું છે કે, ‘જ્યારે તમે સારું પ્રદર્શન કર્યું તો મેં પણ કર્યું અને જ્યારે તમે સારું ન કરી શક્યા તો હું પણ નિષ્ફળ રહ્યો. અન્ય કરોડો લોકોની જેમ મને પણ મારા પ્રેરણાસ્ત્રોતની ખોટ સાલશે. ફિલ્મની માટે ઓલ ધ બેસ્ટ.’ તેના જવાબમાં તેંડુલકરે શાહરૂખની પોસ્ટને ટેગ કરીને જવાબ આપ્યો કે, ‘જો જીવનમાં હાર ન હોય, તો કોઇ જીતી જ ન શકે અને કઇ શીખી પણ ન શકે. કરોડો લોકોની જેમ તમારા શબ્દો પણ મને સ્પર્શી ગયા, લવ યુ.’
— ગાયિકા લતા મંગેશકરે પણ ક્રિકેટના યોદ્ધા સચિન તેંડુલકરને તેમની અપકમિંગ ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી. તેમણે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું કે, ‘સચિન નમસ્કાર, તમારી જે ફિલ્મ આવી રહી છે, તેમાં પણ તમે ચોક્કા અને છક્કા મારીને ધૂમ મચાવી દેશો તેવી જ પ્રાર્થના છે.’
મેધા પંડ્યા ભટ્ટ