ઘરને વ્યવસ્થિત રાખતી વખતે દરેક ગૃહિણીની એક જ ઇચ્છા અને પ્રયત્ન હોય છે કે તેનું ઘર સૌથી સુંદર દેખાય. ઘરની સજાવટ માટે હવે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં એક્વેરીયમ પણ એક છે. જો ઘરમાં એક્વેરીયમ રાખતી વખતે તમે વાસ્તુશાસ્ત્ર અને મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશો તો તેનાથી તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. એક્વેરીયમ હવે દરેક ઘરમાં જોવા મળતું હોય છે પણ તેને કઇ રીતે અને કઇ દિશામાં રાખવું તે દરેકને જાણકારી હોતી નથી. એક્વેરીયમ સજાવટ માટે હવે સૌથી મહત્વનું ગણવામાં આવે છે, તેથી તેના વિશે થોડી માહિતી પણ જાણી લેવી જરૂરી છે. તો તમે ઘરમાં એક્વેરીયમ ક્યા સ્થળે કેવી રીતે રાખશો અને તેની કેવી કાળજી રાખશો તે વિશે થોડી જાણકારી મેળવી લઇએ.
- જો તમે તમારા ઘર અને પરિવારની આર્થિક સમૃદ્ધિ ઇચ્છતા હો તો ઘરના ઉત્તર દિશા તરફ એક્વેરીયમ રાખવું.
- એક્વેરીયમમાં સજાવટ માટે રંગબેરંગી સ્ટોન પણ રાખવામાં આવે છે. જે સુંદર સજાવટ ઊભી કરે છે.
- બાળકોમાં સારા સંસ્કાર, ભણતર તેમજ કરીયરમાં સુધારો થાય તે માટે ઘરના પૂર્વ દિશામાં એક્વેરીયમ મૂકવું.
- એક્વેરીયમને હંમેશા ડ્રોઇંગરૂમ, લોબી કે કોઇ એવી જગ્યાએ રાખવું જોઇએ કે ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ પહેલા તે જોવા મળે.
- તમારા બેડરૂમમાં ક્યારેય એક્વેરીયમ રાખવું નહીં. તેનાથી માનસિક અસ્થિરતા અને ઊંઘમાં ખલેલ પહોંચે છે.
- એક્વેરીયમમાં ઓછામાં ઓછી નવ માછલીઓ હોવી જોઇએ. જેમાં આઠ ગોલ્ડ ફિશ અને એક કાળી માછલી રાખવી જોઇએ. કાળી માછલીને માસ્ટર ફિશ પણ કહેવામાં આવે છે. જે એક્વેરીયમના પાણીને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેંગશૂઇની માન્યતા મુજબ જો કોઇ કારણસર એક્વેરીયમમાં કોઇ માછલી મરી જાય તો તમારે સમજવું કે તે તમાકા કોઇ દુખને સાથે લઇને ગઇ છે.
- કેટલાક લોકો એક્વેરીયમમાં કાચબો પણ રાખે છે. તેમાં કોઇ જ વાંધો નથી. ફક્ત એક વાતનું ધ્યાન રાખવું કે કાચબો વધારે મોટો ન હોવો જોઇએ. નહીંતર માછલીના રહેવાના સ્થાન અને ભોજનમાં એક મોટા ભાગ પર તે કબ્જો કરી લે છે. જેનાથી માછલીઓ સહજ રહી શકશે નહીં. એટલું જ નહીં મોટો કાચબો ક્યારેક ક્યારેક નાની માછલીઓને નૂકસાન પણ પહોંચાડી શકે છે. તેથી કાચબો મોટો થાય તો તેને કોઇ નદી કે તળાવમાં મૂકી આવવો જોઇએ.
- ક્યારેક માછલીઓમાં પણ કોઇ મોટી માછલી નાની માછલી હિંસક બની જાય છે. તેવી માછલીને પણ નદીમાં કે તળાવમાં મૂકી આવવી જોઇએ. તેના બદલે એક નવી માછલી એક્વેરીયમમાં મૂકી દેવી જોઇએ.
- જો તમારે લાંબા સમય માટે બહાર જવાનું હોય તો એક્વેરીયમમાં પાલકના એક-બે પાન બાફીને મૂકી દેવા જોઇએ. તેનાથી માછલીઓને ખોરાક મળતો રહેશે.
- એક્વેરીયમનું પાણી ગંદુ થઇ જાય તો તરત જ બદલવાની વ્યવસ્થા કરો. વાસ્તુ મુજબ કોઇપણ ભાગમાં રહેલું ગંદુ પાણી અશુભ ગણવામાં આવે છે.
- વાતાવરણમાં થતા ફેરફાર મુજબ ગરમી કે ઠંડીના સમયમાં એક્વેરીયમમાં પાણીનું તાપમાન સામાન્ય જાળવી રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.
- હિંદુ ધર્મની માન્યતા મુજબ માછલીને મત્સ્ય અવતારની સંજ્ઞા આપવામાં આવી છે. જે ભગવાન વિષ્ણુના દશાવતારમાના એક છે. આ દ્રષ્ટિકોણથી પણ માછલીને ખૂબ શુભ ગણવામાં આવે છે.
- જ્યાં એક્વેરીયમ રાખવામાં આવે છે, તેની આજુબાજુ તીવ્ર વિદ્યુત ચુંબકીય કિરણોના ઉત્સર્જન કરનારા ઉપકરણો જેવા કે ટીવી, મોબાઇલ, ચાર્જર, સ્ટેબલાઇઝર, સ્ટીરીયો સિસ્ટમ, યૂપીએસ વગેરે ન રાખો. નહીંતર તેનાથી માછલીઓના મૃત્યુદરમાં વુદ્ધિ થઇ શકે છે.
- સવારે ઊઠીને પરિવારના દરેક વ્યક્તિએ એક્વેરીયમમાં રાખેલી માછલીને જોવી જોઇએ. તેનાથી હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને દિવસભરના કાર્યોમાં સફળતા મળે છે.
- એક્વેરીયમને ક્યારેય દક્ષિણ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તરની દિશાઓમાં રાખવું જોઇએ નહીં.
- તમારી પાસે જો એક્વેરીયમ રાખવાની જગ્યા ન હોય તો હવે તો તેના વિકલ્પના રૂપે આજકાલ બજારમાં ક્રિસ્ટલ તેમજ કાચની ડોલ્ફિન તેમજ જમ્પિંગ ફિશની આકૃતિઓ પણ મળે છે. તેના શો પીસને પણ તમે તમારા ડ્રોઇંગ રૂમ, લોબી, સ્ટડી કે લાઇબ્રેરી વગેરે સ્થળોએ ઉત્તર દિશામાં રાખી શકો છો.
- એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમા ખાલી એક્વેરીયમ એકલાપણુ અને ઉદાસી ઊભી કરે છે. આવું એક્વેરીયમ તમારા ઘર કે કાર્યસ્થળે પણ ક્યારેય રાખવું જોઇએ નહીં.
મેધા પંડ્યા ભટ્ટ