દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે ઘરમાં રંગ કરાવવો હોય ત્યારે તેની સાચી ઓળખ શું છે, તે આપણે જાણી શકીએ છીએ. લિવિંગ રૂમ માટે જ્યા પીળો અને ગુલાબી રંગ પરફેક્ટ ગણવામાં આવે છે, ત્યાં જ બાથરૂમ માટે બ્લ્યૂ કલરને અને સ્કાય કે લેમન કલરને વધારે યોગ્ય ગણવામાં આવે છે. જો આવું હોય તો બેડરૂમ અને સ્ટડી માટે સાચો વિકલ્પ શું હોઇ શકે.

ઘરમાં લગ્નપ્રસંગ હોય અને તેવા સમયે તમે ઘરનો કલર બદલવા ઇચ્છતા હો, જેમાં દિવાલો અને દરવાજાની સાથે વિન્ડો પર પણ કલર કરાવવાનું વિચારી રહ્યા હો. જોકે રંગોની દુનિયા પણ ગજબની છે, દિવાલો પર નવો રંગ કરીયે કે તરત જ આખા ઘરનું ઇન્ટિરીયર પણ નવું લાગવા લાગે છે. રંગોની પોતાની પણ ખાસ વિશેષતા છે એટલે જ્યારે પણ તેની પસંદગી કરો ત્યારે તમારા વિચારો પણ બદલાતા રહે છે.

લાલ

લાલ રંગનો ઉપયોગ હવે લિવિંગરૂમમાં વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. તેની ખાસિયત એ છે કે તે ડાયનેમિક હોવાની સાથે તેને ઉમંગ અને પ્રેમની નિશાની રૂપ પણ ગણવામાં આવે છે. તેથી જ ખાસ કરીને મોટી હોટલોમાં આ રંગનો ઉપયોગ હવે વધી રહ્યો છે. આ જ રીતે દરેક રંગની પોતાની વિશેષતા છે. જો તમે ઘરમાં નવો જ રંગ કરાવવા ઇચ્છતા હો, તો રંગોના મૂડ વિશે પણ વિચારવાનું ભૂલશો નહી. દરેક રંગ ક્યા અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની વિશે જાણકારી હોવી જરૂરી છે.

 

યલો

ધન અને સંપત્તિના પ્રતીકરૂપે જોવામાં આવતો યલો કલર મોટાભાગે દુનિયામાં ખાસ કરીને દિવાલોને રંગવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પીળા રંગને કુદરતી પ્રકાશ તરીકે પણ જોવામાં આવે છે. જો તમારા ઘરમાં રૂમ નાના હોય તો યલો કલર સૌથી બેસ્ટ રહેશે.

 

ગ્રીન

દરેક વ્યક્તિ જાણે છે કે કુદરતના સાનિધ્યનો સાચો આનંદ આ રંગમાં જ મેળવી શકાય છે. આશા અને ઉમંગનો પ્રતીક ગણાતો લીલો રંગ જોતા જ મનને શાંતિ મળે છે. આ રંગને તમે લિવિંગરૂમ કે સ્ટડીરૂમની દિવલો પર કરાવી શકો છો.

બ્લ્યૂ

આકાશ હોય કે સમુદ્ર હોય બંનેનો અનુભવ તમે બ્લ્યૂ રંગમાં જ અનુભવી શકો છો. બ્લ્યૂ રંગને પણ તમે તમારા ઘર માટે પસંદ કરી શકો છો. પાણીને જો દૂરથી જોઇએ તો તેનો રંગ આપણને બ્લ્યૂ જ દેખાય છે, તેવામાં ઇન્ટીરીયર ડિઝાઇનર તેનો ઉપયોગ બાથરૂમમાં વધારે પસંદ કરે છે. તે સિવાય બેડરૂમ માટે પણ તેને યોગ્ય ગણવામાં આવે છે.

 

ઓરેન્જ

ઓરેન્જ, સંતરા કલર કે નારંગી રંગને જ્ઞાનના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. આનંદ આપનારા આ રંગને કારણે તન મનને આરામ મળી રહે છે. આ રંગનો ઉપયોગ તમે લિવિંગ રૂમ સિવાય ડાઇનિંગ એરીયામાં પણ કરી જ શકો છો. લિવિંગ અને ડાઇનિંગ એરિયા જો ઘરમાં એકસાથે હોય, તો ડાઇનિંગ એરિયા તરફની દિવાલ પર ઓરેન્જ કલરની દિવાલનો ઉપયોગ કરી શકાય છે.  લિવિંગ એરીયાની દિવાલ પર નારંગી કે તેને મળતો ગોલ્ડન ટચવાળો ઓરેન્જ કલર લાઇટ કે ડાર્ક શેડમાં ઉપયોગમાં લઇ શકાય છે.

 

પર્પલ

આ રંગને રાજવી ઠાઠવાળા રંગ તરીકે ઓળખવામાં આવે છે. આ રંગમાં ક્યાંકને ક્યાંક કઇક ઉમંગ છૂપાયાનો અહેસાસ થાય છે. આ રંગનો ઉપયોગ બેડરૂમને વધારે આકર્ષક બનાવવા માટે કરી શકાય છે.

પિંક

આ રંગ દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની સાચી ઓળખ જાણવા મળે છે. ખાસ કરીને લિવિંગ રૂમ માટે યલો પછી પિંક કલરનો જ ઉપયોગ વધારે થતો જોવા મળે છે. ખાસ કરીને ઘરમાં આ રંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં થયેલો જોવા મળે છે.

 

જોકે તમે ક્યાં રંગનો ઉપયોગ ઘરની કઇ દિવાલ પર કરવા ઇચ્છો છો, તે તમારી પોતાની પસંદગી પર આધારીત છે. તેમ છતાંય રંગોના મૂડ અને સ્થાનને અનુરૂપ તેનો ઉપયોગ ક્યાં કરવો તે ખાસ ધ્યાન રાખીને જો રંગ કરશો તો ઘરનું ઇન્ટીરીયર આપોઆપ દિપી ઉઠશે. તેમાં કંઇક નવો અંદાજ જોવા મળશે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment