બોલિવૂડમાં મોટાભાગના કલાકારોને પોતાના તાલ પર નચાવનાર અને બોલિવૂડના એકથી એક ચડિયાતા ગીતો પર ઝૂમાવી દે તેવો ડાન્સ આપનાર બેમિસાલ નૂત્યના માસ્ટરજી એવા સરોજ ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમદાવાદમાં ડાન્સના ક્લાસિસની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી. તેમની સાથે વાતો કરવામાં એક સરળ વ્યક્તિત્વના દર્શન થયા હતા. તે સમયે મેં સેલિબ્રીટીના ઇન્ટરવ્યૂની શરૂઆત નહોતી કરી પણ તેમના ડાન્સની હું પણ દિવાની હતી. માધુરીને લોકપ્રિયતા મળી હોય તો તેમાં સરોજ ખાનજીનો ફાળો જરૂર છે, તેમ કહી શકાય. કેટલીય હિરોઇનોને તેમણે રડાવી દીધી છે તે પણ તેમણે જણાવ્યું હતું. જોકે અહીં તે વાતો નથી કરતા પણ તેમના જીવન વિશે જાણીયે.
નાનપણમાં ભજીયા અને પાંવ ખાઇને મોટા થયેલા, રૂપેરી પડદે લોકોને દિવાના કરી દેતી અભિનેત્રીઓ વૈજંતીમાલા, સાધના, કુમકુમ, શર્મિલા, હેલન, માલા સિન્હા, વહીદા રહેમાન, પરવીન બાબી, ઝીન્નત અમાન, રેખા, શ્રીદેવી, માધુરી દિક્ષિત, ઐશ્વર્યા, ગ્રેસી સિંહ, આલીયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી તેમજ અભિનેતાઓમાં આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને સંજય દત્તને પોતાના ડાન્સ દ્વારા બેસ્ટ ડાન્સર બનાવનાર લીજેન્ડ્રી કોરીયોગ્રાફર સરોજ ખાનને ભારતની ઇઝાડોરા ડંકન કહીએ તો જરાપણ અતિશયોક્તિ નથી.
પોતાની ડાન્સ અને કોરીયોગ્રાફી દ્વારા દરેકના દિલમાં સ્થાન મેળવનાર સરોજ ખાન છેલ્લા સાત દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહ્યા હતા. અનેક સુપરહિટ ગીતો ઉપરાંત લગભગ 2000 જેટલા ગીતોને કોરીયોગ્રાફ કરી ચૂકેલા સરોજ ખાને પોતાના કરિયરની શરૂઆત 1974માં આવેલી ફિલ્મ ‘ગીતા મેરા નામ’થી કરી હતી. 22 નવેમ્બર 1974ના રોજ હિન્દુ પરિવારમાં જન્મેલા સરોજ ખાનનું નામ નિર્મલા નાગપાલ હતું. તેમના પિતાનું નામ કિશનચંદ સંધુ સિંહ અને માતાનું નામ નોની સિંહ હતું. માતા-પિતાના પાંચ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. ત્રણ બહેનો અને એક ભાઇ તેમનાથી નાના હતા.
બોલિવૂડમાં જ્યારે પણ કોઇ હિરોઇન કે હિરો સારો ડાન્સ કરે છે, તો દરેક વ્યક્તિ તેમની જેમ ડાન્સ કરવા ઇચ્છે છે. દર્શકો કે સામાન્ય વ્યક્તિ એ નથી જાણતું કે કલાકારોને પોતાના ઇશારે નચાવનારા કોરીયોગ્રાફરના જીવનમાં પણ તકલીફો અને દર્દ હોઇ શકે છે. માસ્ટર સરોજ ખાન સાથે પણ આવું જ થયું હતું. તેમનું જીવન ઘણાબધા ઊતાર-ચડાવોમાંથી પસાર થયેલું રહ્યું હતું. તેમના પર બનેલી એક ડોક્યુમેન્ટરીમાં સરોજ ખાને પોતે પોતાના જીવનના એ પાસાઓને પણ રજૂ કર્યા હતા જેને લોકો જાણતા નથી. તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતા કરાંચીના સૌથી મોટા પૈસાદાર વ્યક્તિ હતા, પણ વિભાજને તેમને કંગાળ બનાવી દીધા. ભાગલામાં પાકિસ્તાન અને હિન્દુસ્તાને તેમને એક ચટાઇ સિવાય કંઇ જ આપ્યું નહીં. મારા પિતા પાકિસ્તાનથી એક ચટાઇ લઇને મુંબઇના માહિમમાં આવ્યા. મારો જન્મ આઝાદી પછી થયો. માહિમ પોલીસ સ્ટેશનની પાસે પીડબલ્યુડીની ચાલીમાં એક રૂમ રસોડાના ઘરમાં અમે પરિવારના સાત લોકો રહેતા હતા. જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે ઘરમાં મારો પડછાયો જોઇને હાથ હલાવતી હતી. મારી મમ્મીને લાગતુ કે હું પાગલ છું. તે મને ડોક્ટરની પાસે લઇ ગઇ. ડોક્ટરે કહ્યું કે આના હાવભાવ પરથી લાગે છે કે આ ફિલ્મોમાં જશે.’
પૈસાની તંગીના લીધે ફક્ત 3 વર્ષની ઉંમરમાં સરોજ ખાને કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. ચાઇલ્ડ આટીસ્ટ તરીકે તેમણે પોતાના કરીયરની શરૂઆત ફિલ્મ ‘નઝરાના’થી કરી હતી. 50ના દાયકામાં તેમણે અનેક ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું. તે પછી તેમણે ફિલ્મ કોરીયોગ્રાફર બી.સોહનલાલ પાસે ડાન્સની વિધિવત્ ટ્રેનિંગ પણ લીધી હતી અને આધુનિક નૃત્યની જનની તરીકે ઓળખાતી ઇઝાડોરા ડંકનની જેમ નૃત્યની દરેક વિદ્યામાં નિપૂણતા મેળવી.
સરોજ ખાન કહે છે, ‘ત્રણ વર્ષની ઉંમરે મને ફિલ્મ ‘નઝરાના’માં ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે મારી કરિયરની શરૂઆત કરવાની તક મળી હતી. તે પછી હું ઘરમાં જ નૃત્ય શીખતી હતી અને ડાન્સમાં પારંગત થઇ. હું જ્યારે ચાર કે પાંચ વર્ષની હતી ત્યારે મારો ડાન્સ જોઇને બેબી નાઝની સાથે કામ કરવા મળ્યું. રાધાના રૂપે ડાન્સ કરવાની તક મળી. મારે શ્યામાનો નાનપણનો રોલ કરવાનો હતો. તે સપનામાં ચાંદ પર બેસીને ગીત ગાતી હોય છે. તે માટે પહેલા બેબી નાઝને પસંદ કરવામાં આવી હતી પણ તેને ડાન્સ નહોતો આવડતો, જ્યારે હું તો એક્સપર્ટ ડાન્સર બની ગઇ હતી. મને અને બેબીને ‘આગોશ’ (1953)માં બોલાવવામાં આવ્યા. તે કૃષ્ણ બની અને હું રાધા બની. અમે બંનેએ મેકઅપ કર્યો હતો અને તે જ સમયે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા અને અમને બંનેને પગે લાગ્યા. તેમને લાગ્યું હતું કે અમે સાચા અર્થમાં રાધ-કૃષ્ણ છીએ.’
‘મારા ઘરમાં મમ્મી પછી હું સૌથી મોટી હતી અને ભાઇ સૌથી નાનો હતો. ભાઇ એક વર્ષનો થાય તે પહેલા જ પિતાની છત્રછાયા અમે ગૂમાવી દીધી. માતા માટે બાળકોનું પાલનપોષણની જવાબદારી ગંભીર સમસ્યા હતી. તે સમયે ફિલ્મી દુનિયામાં નિયમિત રીતે કામ મળી રહે તેવું નહોતું. તેથી ઘરમાં તંગી રહેતી. અમે એટલા બધા ગરીબ હતા કે ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહીં. હું વાસણોમાં ચમચા હલાવીને ખાવાનું બનાવવાનું બહાનું કરતી. તે સમયે અમારી બાજુમાં રહેતા પાડોશીએ અમારી મદદ કરી હતી, તે પોતે ભજીયા વેચવાની લારી ચલાવતા. સાંજે જે ભજીયા બચી જાય તેમાં તે પાંઉ નાખીને અમને આપી જતા. પહેલીવાર તો મા એ લેવાની ના પાડી હતી પણ તેમણે કહ્યું કે તમે ભલે ન ખાવ પણ બાળકોને ખાવા દો. તે પછી તે પાંઉ સાથે ભજીયા અમને આપતા રહેતા. આ રીતે અમે પાંચ ભાઇ બહેનોએ પાંવ અને ડુંગળીના ભજીયા ખાઇને અમારું બાળપણ પસાર કર્યું હતું.’
‘તે સમયે મને ગ્રુપ ડાન્સમાં મધુબાલા સાથે કામ કરવાની તક મળી. એકવાર હું શશિ કપૂરને મળી અને તેમને મેં કહ્યું કે મને ગ્રુપ ડાન્સ કરવાની તક આપો. તેમાંથી મારા ઘરને ચલાવવું સરળ થઇ જશે. તે સમયે ગ્રુપ ડાન્સમાં રહેનારા લોકોને એક અઠવાડિયા પછી મહેનતાણું મળતું હતું. દિવાળીનો સમય હતો અને ઘરમાં હંમેશાની જેમ કંઇ જ નહોતું. તે સમયે હું શશિ કપૂર પાસે હિંમત કરીને ગઇ અને તેમને મેં કહ્યું કે, મારા ઘરમાં કંઇ જ નથી. ઘરમાં ખાવાનો કોઇ સામાન નથી અને કાલે દિવાળી છે. ડાન્સનું પેમેન્ટ સાત દિવસ પછી મળશે. મારી પાસે બિલકુલ પૈસા નથી. તે સમયે શશિ કપૂરે મને 200 રૂપિયા આપતા કહ્યું હતું કે હાલમાં મારી પાસે આટલા જ છે. મેં તેમને એ 200 રૂપિયા ક્યારેય પાછા આપ્યા જ નહી.’
‘ફિલ્મી દુનિયા મોટા લોકો માટે હતી. મારી જેવી આથિક રીતે કમજોર યુવતી માટે ફક્ત નૃત્ય કરીને જ ઘરની જવાબદારી પૂરી કરવી શક્ય નહોતું. તેથી મેં છ મહિનાનો નર્સિંગનો અભ્યાસ પણ કર્યો અને કે.ઇ.એમ. હોસ્પિટલમાં નોકરી પણ કરવા લાગી. તે સમય દરમિયાન નૃત્યની તક મળી, તેથી મેં નોકરી છોડી દીધી. તે પછી મેં ટાઇપરાઇટીંગ અને શોર્ટહેન્ડનો કોર્સ પણ કર્યો. ગ્લૈક્સો કંપનીમાં ટેલિફોન રરીસેપ્સનિસ્ટની નોકરી કરવા માટે તેની વરલી ઓફિસે પણ ગઇ. તે પછીથી હું કલાકારોનો મેકઅપ પણ કરતી.’
સરોજ ખાનના લગ્નજીવન વિશે કહેવાય છે કે તેમના લગ્ન થયા તે સમયે તે સ્કુલમાં ભણતા હતા અને સોહનલાલ તેમના ડાન્સ માસ્ટર હતા. તેમણે સરોજના ગળામાં એક કાળો દોરો બાંધી દીધો. તેમના ઘરના લોકો એ કહ્યું કે હવે તારા લગ્ન થઇ ગયા અને તારે સોહનલાલ સાથે જ રહેવું પડશે. તેથી તે કાળા દોરાને લગ્નનો દોરો માની લેવામાં આવ્યો. સોહનલાલ પહેલાથી જ પરણિત હતા અને તેમના ચાર બાળકો પણ હતા. આ રીતે 1961માં સરોજી એમના બીજા પત્ની બની ગયા. જાણકારી મુજબ કહેવામાં આવે છે કે સરોજજીને સોહનલાલના પહેલા લગ્નની ખબર ત્યારે પડી જ્યારે એમને પહેલા સંતાનમાં દિકરા રાજુનો જન્મ થયો અને તે વખતે સોહનલાલે તેમના સંતાન રાજુને પોતાનું નામ આપવાની ના પાડી દીધી. તે પછી બંને વચ્ચે વિવાદો ચાલતા રહ્યા. તે સમય દરમિયા સરોજજીએ 1965માં બીજા બાળકને જન્મ આપ્યો જે આઠ મહિનામાં મૃત્યુ પામ્યો. તે પછી એક દિકરી સુકન્યાનો જન્મ થયો. તે પછી ચાર વર્ષના સંક્ષિપ્ત વૈવાહિક જીવન બાદ સરોજજી સોહનલાલથી અલગ થઇ ગયા. બંને બાળકોનો ઉછેર જાતે જ કર્યો. સોહનલાલથી અલગ થયા બાદ તેમણે સરદાર રોશન ખાન સાથે લગ્ન કરી લીધા અને પોતાના નામની આગળ ખાન લગાવ્યું. બંનેની એક દિકરી પણ જન્મી જેનું નામ હિના ખાન રાખ્યું.
સરોજજી કહે છે, ‘હું ખૂબ નાની ઉંમરમાં કલાના નૃત્ય માસ્ટર, કથકના નૃત્ય સમ્રાટ બી. સોહનલાલના સંપર્કમાં આવી હતી. સાધના અને વૈજંતીમાલાને નૃત્ય શીખવાડનાર સોહનલાલે પહેલા મને મહત્વ નહોતું આપ્યું, પણ ધીમે ધીમે તેમણે મારી નૃત્યશૈલીને નોટીસ કરી. તેમણે જોયું કે હું નૃત્યમાં સંપૂર્ણપણે ડૂબી ગઇ છું. તેથી તેમણે મને તેમની શિષ્યા બનાવી લીધી. તેમણે મને નૃત્યની દરેક વિદ્યામાં પરિપૂર્ણ બનાવી. તેમણે મને આંખ મટકાવવાનું શીખવાડ્યું, ભંવોની મુવમેન્ટ શીખવાડી. તેમના સાનિધ્યમાં હું એક પરિપૂર્ણ ડાન્સર બની ગઇ. સ્ટૂડિયો મારા માટે મંદિર અને સોહનલાલ ભગવાન બની ગયા.’
‘જોકે સોહનલાલ લિજેન્ડરી ડાન્સ માસ્ટર હતા. તેમણે 4 વર્ષની ઉંમરથી જ કથકની નૃત્યશૈલી શીખવાનું શરૂ કર્યું હતું. તે કથકના મહાન નર્તક હતા. 11 વર્ષની ઉંમરથી હું પણ તેમની પાસે ડાન્સ શીખવા લાગી. સોહનલાલે મને કથક, મણિપૂરી, કથકલી, ભરતનાટ્યમ્ વગેરે નૃત્યકલાનું પ્રશિક્ષણ આપ્યું. ધીમે ધીમે હું મારી અંદર પણ તેમને જ જોવા લાગી. મને લાગવા લાગ્યું કે તેઓ મારી અંદર વસી ગયા છે. તેથી જ્યારે હું માસ્ટરજીને બીજા કલાકારો સાથે કંમ્પોઝ કરીને જોતી તો મને ખૂબ ઇર્ષ્યા થતી. હું તેમના પર ફક્ત મારો જ અધિકાર સમજતી હતી. આધ્યાત્મિક રૂપે તે મારા દિલો-દિમાગ પર છવાયેલા રહેતા. તેમની પાસે ડાન્સ શીખતા શીખતા ક્યારે તેમને પ્રેમ કરવા લાગી તે મને જ ખબર ન પડી. મને લાગવા લાગ્યું કે જાણે મારા નૃત્ય અને મારી માટે તે ઓક્સિજન જેવા બની ગયા છે. સોહનલાલજી પોતે પણ મારા ડાન્સને પસંદ કરતા હતા. તેથી ફક્ત 13 વર્ષની ઉંમરમાં મેં 43 વર્ષના સોહનલાલ સાથે ફેરા ફરી લીધા. હું મારવાડી શૈલીમાં 24-24 ચૂડીઓ પહેરતી હતી.’
‘ગીતા મેરા નામ’ પછી કેટલીક અન્ય ફિલ્મો કર્યા પછી સરોજજીને કેટલીક ફિલ્મો દ્વારા ઓળખાણ મળી, જેમાં ગુલઝારની ફિલ્મ ‘માસુમ’ (1975), અને સુભાષધાઇની ફિલ્મ ‘હિરો’ (1983)થી નામના મળી. તે પછી તો ‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મે તેમને સ્થાપિત કરી દીધા. 1989 માં આવેલી ફિલ્મ ‘તેજાબ’ના સુપરહિટ ગીત ‘એક…દો…તીન’ને કોરીયોગ્રાફ કર્યા પછી ફિલ્મફેરમાં પણ બેસ્ટ કોરીયોગ્રાફરની એક અલગ કેટેગરી બનાવવામાં આવી. જેમાં તેમને સૌથી પહેલો એવોર્ડ આપવામાં આવ્યો. સરોજજીને શ્રેષ્ઠ કોરીયોગ્રાફી માટે આઠવાર ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ કોરીયોગ્રાફી પુરસ્કાર મળ્યા. ‘તેજાબ’ સિવાય અન્ય ફિલ્મોમાં ‘ચાલબાઝ’ (1990), ‘સૈલાબ’ (1991), ‘બેટા’ (1993), ‘ખલનાયક’ (1994), ‘હમ દિલ દે ચૂકે સનમ’ (2000), ‘દેવદાસ’ (2003) અને ‘ગુરુ’ (2008). ‘દેવદાસ’ના ડોલા રે ડોલા, ફિલ્મ ‘જબ વી મેટ’ના યે ઇશ્ક હાય…. અને ફિલ્મ ‘શ્રૃંગારમ્’ના બધા જ ગીતો માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2002માં ‘લગાન’ ફિલ્મ માટે તેમને અમેરિકી કોરીયોગ્રાફી એવોર્ડ આપવામાં આવ્યો.
સરોજ ખાનજી બોલિવૂડના સૌથી લોકપ્રિય ડાન્સ ડિરેક્ટર હતા. તેમની એક ડાન્સ એકેડમી પણ છે. રાઉડી રાઠોડ, એજન્ટ વિનોદ, ખટ્ટામીઠા, દિલ્હી 6, નમસ્તે લંડન, સાંવરીયા, ડોન-ધ ચેસ બિગિન્સ અગેન, ફના, વીરઝારા, સ્વદેશ, કુછ ના કહો, સાથિયા, ફિઝા, તાલ, મૈં ઓર પ્યાર હો ગયા, પરદેશ, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, યારાના, મોહરા, અંજામ, બાઝીગર, આઇના, ડર, આવારગી, ચાંદની, નગીના અને હિરો સહિત અનેકગણી ફિલ્મોમાં તેમણે કોરીયોગ્રાફી કરી છે. જોકે છેલ્લા વર્ષોમાં તેમણે 2019માં ફરી કમબેક કર્યું. મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક અને કંગનાની ફિલ્મ મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસીમાં એક-એક ગીતની કોરીયોગ્રાફી કરી. સરોજખાન બર્હુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે 12 ફિલ્મોમાં રાઇટર તરીકે પણ કામ કર્યું છે.
સરોજ ખાનને જરાપણ પસંદ નહોતું કે કોઇ એમની મિમિક્રી કરે કે તેમને મજાકપાત્ર બનાવે. છેલ્લા કેટલાય સમયથી તેમણે ડાન્સ શીખવાડવાનું છોડી દીધું હતું. કોઇ રીયાલીટી શોમાં ક્યારેક ક્યારેક વારંવાર આમંત્રણને લઇને તેઓ જોવા મળતા હતા. તેઓ પોતાના બોલવાના બિન્દાસ સ્વભાવને લઇને પણ જાણીતા હતા. થોડા સમય પહેલા જ તેમણે કાસ્ટિંગ કાઉચ વિશેની વાતમાં પોતાનો પ્રતિભાવ આપીને પોતાને જ ફસાવી લીધા હતા. તેમણે કહ્યું હતું કે કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. બાબા આદમના સમયથી ચાલ્યું આવે છે. અહીં કોઇની સાથે ખોટું કર્યા પછી તેને છોડી દેવામાં આવતા નથી. તેના માટે રોટી, કપડાં અને મકાનની સુવિધા ઊભી કરી દેવામાં આવે છે. આ બાબતમાં બોલિવૂડમાં લોકો ઇન્સાનિયત રાખે છે. 2012માં નિધી તુલીના નિર્દેશન હેઠળ બનેલી ‘ધ સરોજ ખા સ્ટોરી’ નામથી પીએસબી અને ભારતીય ફિલ્મ ડિવિઝનની તરફથી એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી. જોકે તેઓ પોતાના ઠુમકાથી દુનિયાને જીતીને હવે તો ચાલ્યા ગયા છે. જ્યાંથી કોઇ ક્યારેય પાછું ફરતું નથી.