મારી વેબસાઇટની પહેલી જ  ટ્રુ સ્ટોરી વાંચીને મને એક મેઇલ મળ્યો. જેમાં ફક્ત એક નંબર હતો અને સાથે ‘કોલ મી’ કહીને મેસેજ લખવામાં આવ્યો હતો. નવસારીની એક મહિલાએ મને આ મેઇલ કર્યો હતો. જેમાં ફક્ત એક કોન્ટેક્ટ નંબર અને સાથે લખાયેલા ટૂંકા ટચ ફક્ત ‘કોલ મી’ શબ્દને લઇને કુતુહલ થયુ અને મેં ફોન કર્યો. મારી ઓળખાણ આપતાની સાથે જ તેમણે મને કહ્યું કે મારી સાથેની વાતચિત લાંબી ચાલશે, તમને વાધો નથી ને?  મેં ફક્ત ‘હા’ માં જ જવાબ આપ્યો અને તેમની વાત સાંભળી. તેમની વાતોમાંથી મને જે લખવા જેવી  વિગત લાગી તે આપની સમક્ષ રજૂ કરું છું.

એક એકલી સ્ત્રી ક્યાં સુધી જીવનમાં સંઘર્ષ કરે તે પ્રશ્ન વારંવાર મનમાં ઉદભવે છે. તેમ છતાંય સંઘર્ષ કર્યા વિના જીવન જીવી શકાય એમ નથી. આજે હું અને મારી બાર વર્ષની દીકરી એકબીજાનો સહારો બની ગયા છીએ. એના ચહેરા પર સ્મિત જોઇને જ હું ખુશ છું. આ સ્મિત આમ જ જળવાઇ રહે એવો પ્રયત્ન કરતી રહું છું.

આજથી વીસ વર્ષ પહેલાં મારા લગ્ન અમારી જ્ઞાતિના મોભાદાર કુટુંબમાં મયંક સાથે થયાં. તે સમયે મારી ઉંમર વીસ વર્ષની હતી.  ત્રણ બહેનો વચ્ચે મારા પતિ એક જ ભાઇ હતા. સસરા ગુજરી ગયા હતા અને સાસુનો સ્વભાવ શાંત હતો. બધી નણંદો પરિણીત હોવા છતાંય અમારા ઘરમાં નણંદોનું વધારે ચાલતું હતું. મારા પતિ પણ એમની જ બધી વાતો માનતા હતા. એક જ શહેરમાં રહેતાં હોવાથી તે બધી મોટા ભાગે અહીં જ હોય. મને ધીમે ધીમે ઘરના વાતાવરણનો ખ્યાલ આવવા લાગ્યો. એક દિવસ મને ખબર પડી કે મારા પતિને એક અન્ય યુવતી સાથે સંબંધ છે. મયંકને પૂછતાં તેમણે કહ્યું કે તેમની પ્રેમિકા છે અને તેમણે મારી સાથે પરિવારના કહેવાથી લગ્ન કર્યા હતા.

અમારા સંબંધો પતિ-પત્નીના હતા, તે મને પ્રેમ પણ કરતા હતા, પણ મારાથી આ વાત સહી શકાય તેમ નહોતી. મેં એ વખતે મારા પિયર જવાનું વિચાયું. એ સમયે હું ગર્ભવતી હતી એટલે હિંમત ન કરી શકી. મારા પ્રેમ અને બાળકના જન્મ પછી એ સુધરી જશે એમ વિચાયું, પણ પુરુષ લાગણીને શું સમજે. એક દિવસ નાની અમથી વાતમાં મયંકે રુદ્ર સ્વરૂપ ઘારણ કર્યું. પરિણામે પાંચમા મહિને મને ગર્ભપાત થઇ ગયો. સસરાની તમામ મિલકતનો એકમાત્ર વારસદાર મયંક હોવાથી તેની ત્રણેય બહેનો પણ એને જ સાથ આપતી. ધીમે ધીમે મયંક એની પ્રેમિકાને ઘરે લાવતો અને એ બંને અમારા રૂમમાં જ સમય વિતાવતા.

આ બધું મારી આંખ સામે બનતા હું કકળી ઊઠી. મેં વિરોધ કર્યો. હવે તો મારી નણંદો પણ મને મારવા લાગી. આમ આ નરકમાં પાંચ વર્ષ પસાર થઇ ગયા અને આ સમય દરમિયાન મયંક મારું છ વાર એબોર્શન કરાવી ચૂકયો હતો. એક વાર તો તેમણે મને બાળી નાખવાનો પ્રયત્ન પણ કર્યો. મારા શરીર પર તમે આજેપણ મને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો તે નિશાન જોઇ શકો છો. મારા માટે હવે આ ઘરમાં રહેવું જોખમી હતું. સાતમી વખત હું ગર્ભવતી થઇ અને આ વખતે મને એ જ બીક હતી કે આ બાળકને પણ તે દુનિયામાં આવવા જ નહી દે. એટલે જ હું પિયર જતી રહી. મયંકને આ જ જોઇતું હતું. એ ખુલ્લેઆમ એની પ્રેમિકા સાથે ફરવા લાગ્યો.

લોક લાજે છઠ્ઠા મહિને મારું સીમંત ભરાયું. હું પાછી મારા પિયર આવી ગઇ. હું ખુશ હતી કે મારું બાળક હવે આ દુનિયામાં આંખ ખોલશે. સાતમા મહિને મયંક મને મળવા આવ્યો અને એણે મારા હાથમાં ડિવોર્સના કાગળ પકડાવી દીધા. હું કંઇ જ બોલી ન શકી. ગર્ભમાં જે પતિનું  સંતાન હતું, તેણે જ મને હાથમાં ડિવોર્સના કાગળ પકડાવી દીધા. મારી પરિસ્થીતી ખૂબ કઠીન હતી. બાળકની સાથે હવે જીવન એકલવાયું જ જીવવાનું હતું. બે મહિના પછી મેં દિકરીને જન્મ આપ્યો. તે સમયે મનથી સ્વીકારી લીધુ કે હવે આ મારી એકલીનું જ સંતાન છે અને દિકરીની જવાબદારી એકલપંડે જ ઉપાડી. હું વધારે ભણી નહોતી તેથી અંગ્રેજી અને ગુજરાતી ટાઇપિંગ શીખી નોકરી મેળવી. દીકરીને મોટી કરવા લાગી. મારા પિતા તો વર્ષો પહેલા ગુજરી ગયા હતા. માતા મને જોઇને જીવ બાળતી. હું બેન્કમાં જોડાઇ. મારી દિકરીને મોટી કરતી રહી. માતાનો સાથ મળતો રહ્યો.

દિકરીના જન્મના સાત વર્ષ બાદ મને મયંકથી કાયદેસર છૂટા થવાની ફરજ પડી. એણે એની દીકરીનો પણ વિચાર ન કર્યો. હું સુરતની સેમી ગવન્ર્મેન્ટ કંપનીમાં જોડાઇ. દીકરીના નસીબે હું આગળ વધતી ગઇ. આ સાત વર્ષ દરમિયાનના સમયમાં નોકરીની સાથે મેં એક્સ્ટર્નલ પરીક્ષા આપી કોમર્સ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી અને આજે એક સારી કંપનીમાં નોકરી કરું છું. મારી દીકરી ઝીલ હવે મોટી થઇ ગઇ છે. હું તેને ખૂબ ભણાવવા માંગુ છું. હું એના ચહેરા પરના હાસ્યને જાળવી રાખવાના જ પ્રયત્નમાં છું. સાત ફેરાનું બંધન, સાતમું સંતાન અને સાત વર્ષનો સંઘર્ષ મારા જીવનમાં જાણે વણાઇ ગયો છે. જીવનમાં જે સાત વર્ષ મેં સંઘર્ષ કર્યો છે, તે મારું મન જાણે છે. જોકે આજીવન સંઘર્ષ જ રહેશે પણ હવે જીવનમાં હસતા શીખી છું અને તે હાસ્ય મને મારી દિકરીએ આપ્યું છે.

( સત્યઘટના પર આધારીત હોવાથી પાત્રના નામ બદલ્યા છે. )

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment