આજે રીલીઝ થયેલી ફિલ્મ ‘ગુજરાત 11’ માં બોલિવૂડની કલાકારા ડેઇઝી શાહ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળી છે. તેની સાથે પ્રતિક ગાંધી, કેવીન દવે અને ચેતન દૈયાનું પાત્ર મુખ્ય છે. બોલિવૂડની કલાકાર હોવાના કારણે ડેઇઝી શાહને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય તેવું ફિલ્મ જોતા લાગે છે. સંપૂર્ણ ફિલ્મનું ફોકસ તેના પર જ છે. ફિલ્મમાં દબંગ પોલીસ ઓફિસર તરીકે વધારે જામતી નથી. તો બીજી તરફ કહું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના નંબર વન અને થિયેટરમાં લોકપ્રિય ગણાતા એક્ટર પ્રતિક ગાંધીની એક્ટિંગનો અહીં કોઇ ખાસ ઉપયોગ થયો નથી. કેવીન દવેનું પાત્ર ફિલ્મને બાંધી રાખે છે, તો ચેતન દૈયાનું પાત્ર ક્યાંકને ક્યાંક ફિલ્મમાં નેગેટીવિટીની સાથે સાથે વિચારવા પર મજબૂર કરે છે. એવું કહી શકાય કે જો કેવિન અને ચેતનનું આ બંને પાત્ર ન હોત તો ફિલ્મમાં શું થઇ રહ્યું છે, તે સમજવું અઘરું બની જાત.
જો તમને શાહરૂખ ખાનની ‘ચક દે’ ગમી હશે, તો આ ફિલ્મ જોવાની થોડીઘણી મજા આવશે. ફિલ્મમાં શરૂઆતમાં વાર્તામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે પણ મોટાભાગે ‘ચક દે’ જોતા હો તેવી ફિલીંગ સો ટકા આવી શકે ખરી. અહીં ફિલ્મનો બોલિવૂડ સાથે કોઇ મુકાબલો છે જ નહીં. ફિલ્મનું મહત્વનું પાસુ અને એક સારો સંદેશો એ છે કે બાળ ગૂનેગારોમાં છૂપાયેલી સારી આવડતને બહાર લાવવાનો પ્રયત્ન થવો જોઇએ. તે સ્પોર્ટ્સ દ્વારા પણ હોઇ શકે છે. ગૂનો કરીને આવેલ બાળક પણ તેનામાં છૂપાયેલી આવડત દ્વારા ઝડપથી સારો વ્યક્તિ બની શકે છે. તેને સારી દિશા તરફ વાળી શકાય છે, તે ખાસ નોંધનીય છે. ફિલ્મની વાર્તામા નવો વિષય નથી. હા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ્સ પર અત્યાર સુધીમાં ફિલ્મ આવી નથી, તેથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે નવો વિષય કહી શકાય. એકવાર જોવા જઇ શકો તેવી ફિલ્મ છે.
સુરત શહેરનો માહોલ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆત રૂપ કુમાર રાઠોડના ગરબાથી થાય છે, જેમાં ડેઇઝી શાહ ગરબે રમતી જોવા મળે છે. અચાનક એક યુવતી આવીને મેસેજ આપે છે અને તે ડ્રગ્સની હેરાફેરી કરનારને પકડી લે છે. જે કોઇ રાજકારણીનો ભત્રીજો હોય છે. ડેઇઝી શાહ દબંગ પોલીસ ઓફિસર દિવ્યા ચૌહાણના પાત્રમાં છે અને એક રાજકારણીના ભત્રીજાને ડ્રગ્સની હેરાફેરીના કેસમાં અંદર કરી દે છે. રાજકારણી તેને કમિશ્નરની ઓફિસમાં બોલાવે છે અને ધમકીઓ આપે છે. આ વાર્તાલાપ દરમિયાન કમિશ્નર ચૂપ રહે છે. અંતે દિવ્યાની ટ્રાન્સફર બાળ સુધાર કેન્દ્રમાં કરવામાં આવે છે. અહીં એવું લાગે છે કે શું ગુજરાતમાં રાજકારણીઓનો આટલો મોટો દબદબો છે કે ડ્ર્ગ્સ જેવા ગુનાહમાં પણ કમિશ્નર દ્વારા આંખ આડા કાન કરાય છે.
ટ્રાન્સફર બાદ બાળસુધાર કેન્દ્રમાં અચાનક એક ફાઇલ જોતા દિવ્યા ચૌહાણને સ્પોર્ટ્સ એકેડમી દ્વારા રમાડવામાં આવતી રમતોમાં બાળસુધાર કેન્દ્રની ફૂટબોલ ટીમ ઉતારવાનો વિચાર આવે છે અને તે ગુજરાતના જાણીતા શહેર સુરત, અમદાવાદ, રાજકોટ અને બરોડામાં આવેલા બાળસુધાર કેન્દ્રમાં સજા કાપી રહેલા બાળકોને ફૂટબોલની ટીમ માટે સિલેક્ટ કરે છે. આ બાળકો કોઇ ને કોઇ ગૂનાહમાં જેલમાં હોય છે. બાળકોની પસંદગી થયા પછી તો મેચ માટે ફૂટબોલની પ્રેક્ટિશ ચાલું થાય છે. જૂદા જૂદા શહેરોના બાળસુધાર કેન્દ્રના બાળકોને એકબીજા સાથે શરૂઆતમાં બનતું નથી પણ પછીથી બધા સાથે હળીમળીને રહે છે. બે બાળકો કેન્દ્રમાંથી ભાગ જાય છે અને પાછા પકડાઇ જતાં ઇન્સ્પેક્ટર દિવ્યા સાથે ઉગ્ર ચર્ચાઓ કરે છે. દિવ્યાની સાચી હકીકત જાણતા ખૂબ શરમ અનુભવે છે. બધા એકજૂથ બની જાય છે અને ફિલ્મના અંતમાં આ સત્તર વર્ષની અંદરના બાળકો જૂદા જૂદા રાજ્યની ટીમો સાથે ફૂટબોલ મેચ રમે છે અને ફાઇનલ જીતી જાય છે.
‘ચક દે’ માં હોકી હતી અને અહીં ફૂટબોલ જોવા મળે છે. ફિલ્મમાં દિવ્યા ચૌહાણ પોતે ફૂટબોલની નેશનલ ટીમની ચેમ્પિયન રહી ચૂકેલી હોય છે અને નેશનલ મેચ દરમિયાન ઘાયલ થવાના લીધે આજીવન મેચ રમી શકશે નહીં તેવી ગંભીર ઇજા પામે છે. તેને સ્પોર્ટ્સ કોટામાંથી પોલીસની જોબની ઓફર થાય છે. બાકી પ્રતિક ગાંધી અને ડેઇઝી બાળપણના સ્કુલ ફ્રેન્ડ્સ બતાવ્યા છે અને તે સિવાય તેનું પાત્ર જાણે કોફી પિવડાવવા અને લંચ-ડિનર કરાવવા માટે કે પછી એક સફળ બિઝનેસમેન હોવાના કારણે ફૂટબોલ મેચને સ્પોન્સર કરવા માટે રાખવામાં આવ્યું હોય તેવું લાગે છે. કેવિન દવે ડેઇઝીનો જૂનિયર હોય છે અને ફિલ્મને ક્યાંકને ક્યાંક આગળ લઇ જવામાં તેમજ પોતાના પાત્ર દ્વારા દર્શકોને બાંધી રાખવામાં સફળ રહ્યો છે. તો વળી ચેતન દૈયાનું સુપ્રિટેન્ડનનું પાત્ર પણ આકર્ષણ ઊભું કરે છે. ફિલ્મમાં તમામ બાળકોનો અભિનય સારો છે. એકંદરે ફિલ્મ તમને આનંદ કરાવશે જરૂર. એકવાર થિયેટરમાં જઇને ફિલ્મને માણી શકશો.