ભૂમિ પેડનેકરની કરીયરમાં તેણે અત્યાર સુધીમાં સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો કરી છે અને મોટાભાગની ફિલ્મો સફળ રહી છે. હાલમાં જ રિલીઝ ફિલ્મ બાલા પણ સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ હતી. જે સફળ રહી. ભૂમિ પેડનેકરે આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. સોશિયલ ઈસ્યુ બેઝ્ડ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ માં ભૂમિએ ઓડિશન આપ્યું અને ત્યાર પછી તે ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે પસંદ થઈ. ત્યારબાદ ભૂમિએ સોશિયલ ઇસ્યુ બેઝ્ડ ત્રણ ફિલ્મો કરી. હાલમાં તેની ફિલ્મ ‘બાલા’ રિલીઝ થઈ છે. જેણે સો કરોડ ક્લબમાં પોતાની એન્ટ્રી નોંધાવી છે. ડિસેમ્બરના પહેલા વિકમાં તેની અન્ય ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ પણ રીલીઝ થવા જઇ રહી છે. જે એક લાઇટ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે. હવે ભૂમિને બધા એક પરફેક્ટ કલાકાર ગણવા લાગ્યા છે. પરંતુ ભૂમિ કહે છે કે હજી તે પરફેક્ટ કલાકાર નથી. ભૂમિ પોતાની એક્ટિંગ કરિયરથી કેટલી સંતુષ્ટ છે અને શું તે પોતાને પરફેક્ટ કલાકાર માને છે. તેમજ હવે ઈન્ડસ્ટ્રીમાં કોની સાથે કામ કરવાની ઈચ્છા છે, આ બધી વાતો ભૂમિ પાસેથી જાણીએ.

તમારી મોટાભાગની ફિલ્મો સફળ રહી છે અને દરેક પાત્રને દર્શકોએ પસંદ કર્યા છે. તમે પોતે તમારા કામ થી કેટલા સંતુષ્ટ છો.

હું મારી કરિયર ગ્રોથને લઈને ખૂબ ખુશ છું કારણ કે ઘણા ઓછા કલાકારો હોય છે કે જેમને પોતાની કરિયરની શરૂઆતમાં જ પડકાર જનક પાત્રો ભજવવાની તક મળતી હોય છે. તેથી મારા માટે મારી દરેક ફિલ્મ અને તેના પાત્રો મને સંતોષ આપનારા રહ્યા છે.

શું તમે પોતાને એક પરફેક્ટ કલાકાર માનો છો.

પરફેક્ટ કોઈ હોતું નથી કારણકે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી જગ્યા છે, જ્યાં રોજ કંઈક નવું નવું શીખવા મળે છે. હજી તો મારી શરૂઆત છે. તેથી હજી મારે ઘણા નવા અને અલગ પ્રકારના પાત્ર ભજવવાની જરૂર છે તેવું મને લાગે છે. મારું નસીબ હંમેશા સારું રહ્યું હોય તેવું લાગે છે. જેના કારણે મને જે ફિલ્મો મળી તે દર્શકોને પસંદ આવી છે.

હાલમાં એક્ટ્રેસીસ વચ્ચે એક પ્રકારની સ્પર્ધા જોવા મળે છે તેના માટે તમે શું કહેશો.

પહેલી વાત તો એ કે અહીં દરેક કલાકારની પોતાની એક અલગ ઓળખાણ છે. કોઈપણ વ્યક્તિ કોઈ બીજાની જગ્યા લઇ શકે નહીં. બીજું કે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલા બધા ઓપ્શન છે કે દરેક વ્યક્તિ પાસે કામ છે. દરેક વ્યક્તિ પોતાનું કામ કરી રહ્યું છે. કોઈની પાસે પણ સ્પર્ધામાં ઉતરવા માટે સમય જ નથી, અને દર્શકોને જેનું કામ ગમે છે તેમજ તેમને જે પ્રકારની ફિલ્મો ગમે છે તે જોવા માટે તે જવાના જ છે. તેથી અત્યારે સ્પર્ધા જેવું કોઈ વાતાવરણ જોવા મળતું નથી. હવે કલાકાર માટે ઘણા બધા પ્લેટફોર્મ છે. તેથી દરેકને તક અને મનગમતું કામ મળી રહે છે.

તમને જ્યારે કોઈ પડકારજનક પાત્ર ભજવવાની ઓફર મળે છે ત્યારે તમારું રિએક્શન કેવું હોય છે.

હું પોતાને એક એવરેજ એક્ટ્રેસ ગણું છું, પરંતુ જ્યારે પણ મને કોઈ પડકારજનક પાત્ર ભજવવાની તક મળે છે ત્યારે તે પાત્રને પર્ફેક્ટ બનાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહું છું. પછી તે ફિલ્મ દમ લગા કે હૈસા માટે શરીર વધારવા નું કામ હોય કે પછી સાંઢ કી આંખે ફિલ્મ માટે વૃદ્ધ દાદા-દાદી બનવાનું પાત્ર હોય. મારા માટે મારું દરેક પાત્ર દર્શકો સુધી કનેક્ટ થાય તે પ્રકારનું હોય તે જરૂરી છે.

તમને તમારા કો એક્ટર્સ સાથે કામ કરવાના અનુભવ કેવા રહ્યા.

ટચવૂડ, અત્યાર સુધીમાં મેં જે પણ કલાકાર સાથે કામ કર્યું છે, તેમની સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે. જેમકે આયુષ્માન ખુરાના ની સાથે કરિયરની પહેલી ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ કરી. પછી બીજી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ અને હાલમાં જ આવેલી ત્રીજી ફિલ્મ ‘બાલા’ પણ કરી. આ દરેક ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે અને અમારી જોડીને પણ લોકોએ ફિલ્મી પડદા પર ખૂબ પસંદ કરી છે. આયુષ્માન ની સાથે કામ કરવાનો અનુભવ હંમેશા કમાલનો રહ્યો છે. એ જ રીતે તાપસી પન્નુ ની સાથે ફિલ્મ ‘સાંઢ કિ આંખ’ કર્યા પછી અમે ખુબ સારા મિત્રો બની ગયા છીએ.

તમે ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છો તમને અહીં પ્લસ અને માઇનસ પોઇન્ટ કયા લાગે છે.

પ્લસ પોઇન્ટ તો ઘણા બધા છે. જેમકે કોઈ કલાકાર એક વખત અહિયાં પોતાનું સ્થાન જમાવી લે અને પોતાની અલગ ઓળખ ઊભી કરી લે, તો તે કલાકારને આખી જિંદગી યાદ રાખવામાં આવે છે. બીજું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારની કોઇ ઉંમર હોતી નથી. તમે અહીં અંતિમ ક્ષણ સુધી કામ કરી શકો છો. સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ છે કે તમે જ્યારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાવો છો, ત્યારે તમારી પર્સનલ લાઇફ પણ પર્સનલ રહેતી નથી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કયા કલાકાર સાથે કામ કરવાની ઈચ્છા છે.

આમ જોઈએ તો બોલિવૂડના દરેક સારા અને મહેનતી કલાકાર સાથે કામ કરવાની ઈચ્છા છે. પરંતુ અમિતાભ બચ્ચન સર સાથે એક ફિલ્મ કરવાની દિલથી ઈચ્છા છે.

જે યુવતીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે તેના માટે શું સલાહ આપશો.

હું એટલું જ કહીશ કે યે ઇશ્ક નહીં આશા બસ ઇતના સમજ લીજે, એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ… કહેવાનો અર્થ એ છે કે એક કલાકાર બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. જો તમારામાં મહેનત કરવાની શક્તિ હોય તો તમારે તમારી કિસ્મત ને એક તક જરૂર આપવી જોઈએ.

કાર્તિક આર્યન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

કાર્તિક ખૂબ જ ઉમદા કલાકાર છે અને તેની સાથે પતિ પત્ની ઔર વો ફિલ્મ કરવાની ખૂબ જ મજા આવી. ખુબ જ કોમેડી અને હસાવે તેવી ફિલ્મ છે. સાથે જ અનન્યા પણ ખૂબ જ મહેનતુ અને એક સારી કલાકાર છે. આ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રીમેક છે પરંતુ તેમાં એક મોડર્ન ટચ આપવામાં આવ્યો છે. જે અત્યારના સમયના લોકોને વધારે કનેક્ટ કરશે.

આ સિવાય આવનારી ફિલ્મો કઈ.

‘પતિ પત્ની ઓર વો’ પછી હાલમાં જ મેં ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ નું શૂટિંગ પૂરું કર્યું છે. જેમાં હું કોંકણા સેન સાથે સ્ક્રીન શેર કરી રહી છું. આ ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવા છે જેણે ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા બનાવી હતી.

Spread the love

Leave a Comment