સાચી લાગણી અને પ્રેમની એક કથા, જે તમને ફિલ્મના પાત્રો અને તેની લાગણી સાથે સતત બાંધીને રાખે..
નિર્દોષ પ્રેમ, નિર્દોષ સમજણ, નિર્દોષ લાગણી, નિર્દોષ સ્વભાવ, નિર્દોષ વ્યક્તિત્વ, નિર્દોષ વાર્તા.
દરેક વ્યક્તિના જીવનમાં એક પ્રેમકથા હોય છે. પહેલી નજરનો પ્રેમ થાય અને બંનેની નજરો એકબીજાનો પ્રેમ સ્વીકારી લે અને પછી થાય એકબીજા પ્રત્યે લાગણીની શરૂઆત. ફિલ્મનો નાયક હરિ જ્યારે ફિલ્મની નાયિકા લીલાના પહેલી નજરના પ્રેમમાં પડે છે ત્યારે એ ફક્ત એના ચહેરાને જ નહીં એના પગના ઘાવને પણ જુએ છે. પહેલી નજરના પ્રેમમાં જ્યારે પ્રિય પાત્રના ઘાવ અને પીડાની જે અનુભૂતિ નાયકને થાય છે અને પછી પ્રેમની રજૂઆત અને કબૂલાતના સીનને જે રીતે એક ચંપલની જોડી દ્વારા દર્શાવવામાં આવ્યો છે, તે અદ્ભૂત છે. એ જ ચંપલની જોડી ફિલ્મમાં કેટલી મહત્વની કડી બની રહે છે તે ફિલ્મમાં જોવા મળશે. આવા સમયે મનમાં વિચાર આવે કે આજના સમયમાં પ્રેમમાં લાખો ખર્ચી નાખનાર પણ રોતા જોવા મળે છે ત્યારે ફક્ત એક ચંપલની જોડીથી પ્રેમની રજૂઆત અને કબૂલાતની વાત તો ફક્ત લાગણીને પામનાર જ જાણી શકે, તેને માપનારા ક્યારેય સમજી ન શકે..
ફિલ્મના ગીતોમાં ગામડાંના એક મિત્રના લગ્નના ગરબામાં ‘મનડાં લીધા મોહી રાજ’ ગીત આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે. ફિલ્મમાં પણ નાયક અને નાયિકાના પ્રેમને પરવાને ચડાવનાર આ ગીત તમને થિયેટરમાં બેસીને ફિલ્મ જોતી વખતે પણ પગ હલાવવા પર મજબૂર કરી દેશે. ફિલ્મનું અન્ય ગીત સૈયર મોરી રે…તમને મનથી પણ ભીંજવી દેશે.
અડધી રાત્રે ચાંદો સાથે જોવાની જીદ કરતો નાયક જ્યારે નાયિકા તરફથી રાત્રે નહી આવી શકું નો જવાબ સાંભળે છે, ત્યારે સામે જવાબમાં કહે છે કે ભલે આપણે ચાંદો સાથે ન જોઇએ, કાલે સવારે સુરજ સાથે જોઇશું. મીઠી-નટખટ, નારાજગીની વાતોમાં પણ પ્રેમ તમને ફિલ્મ દરમિયાન જોવા મળશે. સાથે ચાંદો જોવાના સીનમાં પણ જ્યારે નાયકને વળગીને સૂતેલી નાયિકા તેના સાનિધ્યમાં એક હૂંફનો અનુભવ કરે છે, ત્યારે બાળક બની જતી હોય છે. નાયિકાને પોતાની માની સોડમાં જે હૂંફ, લાગણી અને પ્રેમની સલામત અનુભૂતિ થઇ હોય છે, તે નાયક સાથે હોવાથી અનુભવે છે. હું આટલા વ્હાલથી મારી મા સાથે છેલ્લે સૂતેલી. આ એક વાક્યમાં નાયિકા તેના નાયકને કેટકેટલૂંય કહી દે છે.
વિલનની ભૂમિકા વિના ફિલ્મ કેમ કરી આગળ વધે. પ્રેમમાં વિધ્ન આવે અને પંખીડાઓને તડપવાનો વારો આવે છે. બંને એકબીજા વિના તડપે છે. ફિલ્મમાં નાયક હરિના ફઇબા સતત તેના પ્રેમના સાક્ષી રહ્યા છે. તેના હાસ્ય, આંસુ, તડપ અને પીડાને તેઓ જુએ છે. હરિને લીલાના પ્રેમમાં તડપ પણ મંજુર છે પણ લીલાની બદનામી મંજૂર નથી. ફિલ્મના અંતે હરિલીલા એક થાય છે કે નહી તે માટે તો થિયેટરમાં જ જવું પડશે.
ફિલ્મનો મુખ્ય નાયક મયૂર તો હરહંમેશથી મને તેની એક્ટિંગના લીધે ગમે છે. તેની એક્ટિંગમાં તે હંમેશા મેદાન મારી જાય છે. એક કલાકાર તેના દરેક પાત્રમાં સો ટકા ખરો ઊતરે તેવા કલાકારોમાનો મયુર એક છે. કલાકાર એ જ સાચો જે તેના પાત્રમાં દર્શકોને પણ મોહિ લે, જે મયુર કરી શકે છે. સાથે જ નાયિકા તરીકે યુક્તી રાંદેરીયાની આ પહેલી ફિલ્મ હોવા છતાં તેની એક્ટિંગના વખાણ કરવા જ રહ્યા. ફિલ્મમાં તેને જોઇને લાગે જ નહીં કે તેની આ પ્રથમ ફિલ્મ છે. આશ્રમના સાધુના પાત્રમાં બાપુજી તરીકે મયુર સોનેજી, ફઇબાના પાત્રમાં મેહુલ દેસાઇએ પણ અદ્ભૂત ભૂમિકા ભજવી છે. ભીખાના પાત્રમાં ગૌરાંગ આનંદ અને તમામ પાત્રો પરફેક્ટ છે. ફિલ્મના ડિરેક્ટર વિશાલ વડા વાલાની આ પહેલા રઘુ સીએનજી ફિલ્મ પણ એક અલગ જ વિષયવસ્તુ પર આધારીત હતી. સૈયર મોરી રે દ્વારા ફરી તેમણે પોતાના વિચારોને સુંદર આકાર આપીને દર્શકો સમક્ષ રજૂ કર્યા છે. ફિલ્મની આખી ટીમને તેમની મહેનત બદલ આવી સુંદર ફિલ્મ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન.
દરેક ગુજરાતીએ ખરેખર આ ફિલ્મ જોવા જવી જ જોઇએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાચા અર્થમાં, સાચા કલાકારોની ભૂમિકાને ઊજાગર કરતી બહુ ઓછી ફિલ્મો બને છે. હૃદય સ્પર્શી જતી ફિલ્મો બહુ ઓછી બને છે, ત્યારે સૈયર મોરી રે,,,,જેવી ફિલ્મ જોવાનું ચૂકી ન જવાય અને ન જોયાનો અફસોસ ન થાય તે માટે જરૂરથી જોવા જવી જોઇએ.