બોલિવૂડના કલાકારો આપણને જૂદા જૂદા પાત્રમાં પડદા ઉપર જોવા મળે છે પણ તે દરેકમાં એક બાબત તો હંમેશા કોમન રહે છે અને તે પોતાના વ્હીકલ સાથેનો પ્રેમ છે. કલાકારો પોતાના વ્હીકલને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાના એક સાથીની જેમ તેની સારસંભાળ રાખે છે. સેલિબ્રીટીને ફક્ત મોંધી કિંમતના વાહનો ખરીદવાનો જ શોખ નથી પણ સાથે જ તેની કાળજીપૂર્વકની તકેદારી રાખવાની પણ જાણકારી હોય છે. તેઓ જેટલું ધ્યાન પોતાની ગર્લફ્રેન્ડનું નહીં રાખતા હોય તેટલું ધ્યાન પોતાના વ્હીકલ્સનું રાખે છે.
બોલિવૂડના કેટલાક અભિનેતા એવા છે કે જેમને કાર્સ અને બાઇક સાથે ખૂબ પ્રેમ છે. તેમના વાહન અને સ્ટાઇલની ત્યારે જ ખબર પડે છે કે તેઓ થોડા લાગણીશીલ બનીને તેના વિશે વાત કરવા લાગે છે. શાહિદ કપૂર જગુઆર એક્સકેઆરએની સવારી કરતો જોવા મળે છે. જોકે શાહિદ પાસે રેન્જરોવર અને મર્સિડીઝ બેન્ઝ પણ છે. સાથે તે બાઇક લવર પણ છે. તેની પાસે હાર્લી ડેવિનસન ફેટ બોય અને યામાહા એમટી 01 છે. જોકે શાહિદ પાસે જે જગુઆર કાર છે, તેવી કરણ જોહર, એકતા કપૂર, રિતીક રોશન અને બિપાશા બસુ પાસે પણ છે. તો વળી, યુવાનોની ધડકન ગણાતા રણબીર કપૂરને એક મર્સીડીઝ બેન્ઝ ઝી ક્લાસ ખરીદ્યાને ઘણો સમય થયો. તે સિવાય રણબીર પાસે બે સીટવાળી આઉડી આર-8 પણ છે. જેમાં તે ઘણીવાર ફરતો જોવા મળે છે. ઇમરાન ખાને ફરારી એફ 430 ખરીદી છે. તે પહેલા તેની પાસે પોર્શ કેયન અને એક બીએમડબલ્યુ સ્પોર્ટ્સ કાર પણ છે. સલમાન ખાનની વાત કરીયે તો તે કાર અને બાઇક બંનેનો ગજબનો શોખ ધરાવે છે. તેની પાસે આઉડી આર-8, આઉડી ક્યુ-7, લેન્ડ રોવર, રેન્જ રોવર વોગ અને બીએમ ડબલ્યુ એક્સ 6 કાર છે. હાલમાં જ તેણે સફેદ કલરની લેક્સસ એલએક્સ 570 ખરીદી. જ્યારે બાઇકમાં બ્લ્યુ સુઝીકી ઇન્ટ્રુડર એમ1800 આરઝેડ અને સુઝુકી હયબુસા છે.
જાણીતા ચહેરા હોવાના લીધે આ કલાકારો ઘણીવાર મોડી રાત્રે પોતાના ફ્રેન્ડ્સની સાથે કાર કે બાઇક લઇને ફરવા નીકળે છે. મોડી રાત્રે જવાનું ખાસ કારણ એ કે તેમની કિંમતી કાર્સ ધીમી સ્પીડે ચલાવવાની મજા આવતી નથી. દિવસે તો મુંબઇના રસ્તાઓ પર ભીડ ખૂબ જ હોય છે. તેથી રાત્રે અને મોડી રાત્રે જ આ બધી ગાડીઓમાં ફરવાનો અને આનંદ માણવાનો તેઓ પસંદ કરે છે. તે સિવાય વહેલી સવારે પરોઢના પહોરમાં સવારની ઠંડી હવામાં પણ ખાલી રસ્તાઓ પર ગાડી દોડાવવાનો આ સ્ટાર્સનો પ્રિય શોખ રહ્યો છે.
સંજય દત્તે તેની પત્નીને બ્રાઇટ રેડ ફરારી 599 ગિફ્ટ કરી હતી. તે સિવાય તેની પાસે આઇડી આર 8, આઉડી એ 7, ટોયોટા લેન્ડ ક્રૂઝર, મર્સિડીઝ એમક્લાસ, પોર્શે એસયુવી અને રોલ્ય રોય ઘોસ્ટ છે. ટ્વીન્કલ ખન્નાને પણ તેના પતિએ તેની બર્થડે પર બેન્ટલે કાર ગિફ્ટ કરી હતી. અક્ષય પાસે પણ પોર્શ, બેન્ટલી, ફરારી અને મર્સિડિઝ છે. તો વળી, સુનિલ શેટ્ટીને હમર કાર જ પસંદ છે. તેની પાસે હમરનું એક-3 વર્ઝન છે. આ કાર યુ.એસ. મિલિટ્રી યુઝ કરે છે. આવા સમયે અમિતાભ બચ્ચનને કેમ કરીને ભૂલી શકાય. તેમની પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી, મર્સિડીઝ એસએલ 500, રેન્જ રોવર, લેક્સેસ એલએક્સ 470, મર્સિડીઝ ઇ-240, બીએમડબલ્યુ એક્સ 5, બીએમડબલ્યુ 7 સિરિઝ, મર્સિડીઝ એસ 320 છે. વિધુ વિનોદ ચોપરા તરફથી તેમને રોલ્સ રોય ફેન્ટમ ગિફ્ટમાં મળી છે. અમિતાભ બચ્ચને તેમના દિકરા અભિષેક બચ્ચનને બેન્ટલી કોન્ટિનેન્ટલ જેન્ટલી કાર ગિફ્ટ કરી છે.
અજય દેવગન પાસે તો કારનું કલેક્શન જોવા મળે છે. તે કાર કલેક્શન માટે ખૂબ જ પેશનેટ ગણાય છે. તેની પાસે બીએમડબલ્યુ ઝેડ 4, એ મસેરતી, રેન્જ રોવર, ટોયોટો સેલિકા, ફરારી, ઓડી ક્યુ 7, ધ વિન્ટેજ 1967 અને મર્સિડીઝ ઝેડ ક્લાસ છે. તો વળી, શાહરૂખ ખાન પાસે પણ કલેક્શન જોવા મળે છે. જેમાં બીએમ ડબલ્યુ 18, બગાતી વેયરોન, બીએમ ડબલ્યુ કન્વર્ટેબલ, રોલ્સ રોય ફેન્ટમ, બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી, મીસ્યુબીસી પજેરો, લેન્ડ ક્રુઝર, બીએમડબલ્યુ 6, આઉડી ક્યુ 6 અને બીએમડબલ્યુ 7 છે.
કારની વાત થઇ પણ બોલિવૂડના કલાકારો મોટરબાઇકના પણ એટલા જ દિવાના છે. તેમાં સૌથી પહેલું નામ જોન અબ્રાહમનું આવે છે. તેની પાસે એક સુઝુકી હયાબુસા જીએસએક્સ 1300 આરઆર બાઇક છે. તો બીજી મોટરબાઇક યામાહા વીમેક્સ 1700 છે. જ્હોન પોતાની બંને બાઇક માટે ખૂબ જ લાગણીશીલ છે. જ્યારે તેણે હયબુસા ખરીદી ત્યારે તેની પહેલી શરત એ હતી કે તેના ઉપર કોઇપણ વ્યક્તિ બેઠેલી હોવી જોઇએ નહીં. તેના કારણે જાપાનથી આખા પેકીંગની સાથે બાઇક સીધી તેના ઘરે પહોંચી હતી. તેને કવરમાંથી કાઢીને તેનું ઓઇલિંગ પણ જાતે જ કર્યું હતું. તેને લેવા માટે જ્હોન હૈદરાબાદમાં તેની ફિલ્મનું શૂટીંગ છોડીને સ્પેશિયલ મુંબઇ આવ્યો હતો. જોન બાઇક દોડાવવાનો પણ શોખ ધરાવે છે. તે જ્યારે પણ બાઇક ચલાવે ત્યારે ઓળખાઇ ન જાય તે માટે ખાસ હેલમેટ પહેરીને નીકળે છે. મુંબઇની નજીક કરજતમાં એક સમયે તેની ફિલ્મની શૂટીંગ દરમિયાન તે રોજ 100 કિમી બાઇક ચલાવીને જતો અને આવતો હતો. તેને પીઆઇજીઓ તરફથી આરએસવી4 આરએપીઆરસી બાઇક ગિફ્ટમાં મળી છે. તેની પાસે મોડીફાઇ કરેલી મારૂતી જીપ્સી અને બેલ્ક કલરની લમ્બોરઘીની ગેલાર્ડો છે.
સેલિબ્રીટીના શોખ સારા અને તેટલા જ ખર્ચાળ હોય છે. તેથી લાખોની કિંમતથી શરૂ થતી આ તમામ કાર અને બાઇક કરોડોની કિંમત ધરાવે છે. તેથી તેને સાચવીને રાખવી અને પસંદગીની કારને વધારે પ્રેમ કરવો તે સેલિબ્રીટીની પસંદગીની બાબત પણ બની રહે છે.