આજકાલ શાહિદ કપૂરનું નામ વધારે સાંભળવા નથી મળતું. એ પોતાની ફેમિલી લાઇફને એન્જોય કરી રહ્યા છે. પોતાની પંદર વર્ષથી પણ લાંબી ફિલ્મી સફરમાં શાહિદ કપૂરે અનેક ઉત્કૃષ્ટ ફિલ્મો આપણને આપી છે. કરિયરમાં એમને ઇચ્છિત સફળતા મળી. શાહિદની પર્સનલ લાઇફમાં પણ હવે સ્થિરતા આવી ગઇ છે. 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા પછી એમના જીવનમાં અપાર ખુશીઓ આવી ગઇ. એમના બે પ્રેમાળ બાળકો મિશા અને ઝેન કપૂર છે. આજકાલ શાહિદ પોતાના પરિવાર સાથે ટાઇમને એન્જોય કરી રહ્યા છે. શાહિદનું એવું પણ કહેવું છે કે લગ્ન પછી એ પોતાની પત્ની મીરાં અને બાળકોમાં ખોવાઇ ગયા છે. એક સારા એક્ટર હોવા છતાં પણ એ ઓછી ફિલ્મો કેમ કરે છે? શું શાહિદ પોતાને એક પરફેક્ટ એક્ટર માને છે? કરિયર અને પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી વાતો શેર કરી રહ્યા છે શાહિદ કપૂર.

તમે તમારી પંદર વર્ષની એક્ટિંગ કરિયરમાં અનેક સારી ફિલ્મો આપી છે. શું તમે તમારી જાતને પરફેક્ટ એક્ટર માનો છો?

બિલકુલ નહીં. જો હું મારી જાતને પરફેક્ટ માનતો હોત, તો મારી દરેક ફિલ્મની રીલિઝ વખતે નર્વસ ન થઇ જતો હોત. હું આજે પણ મારી ફિલ્મ રીલિઝ થવાની હોય એ દિવસે ખૂબ ટેન્શનમાં રહું છું.

તમારી છેલ્લી ફિલ્મ `પદ્માવત હિટ રહી, પણ તેની સફળતાની ક્રેડિટ તમારા બદલે રણવીર સિંહ અને દીપિકાને વધારે મળી?

એવું નથી. `પદ્માવત’ની સફળતાથી સૌને લાભ થયો. જ્યારે કોઇ મલ્ટિસ્ટારર ફિલ્મ હિટ નીવડે ત્યારે ક્રેડિટ સૌને મળે છે.

રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સાથે તમારા સંબંધો કેવા છે?

બંને સાથે મારા પ્રોફેશનલ સંબંધો રહ્યા છે. બંને સારા કલાકાર છે. તે સાથે જ બંને સારો સ્વભાવ ધરાવતા માણસો છે.

તમારા લગ્નને ઘણો સમય થઇ ગયો છે. તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે?

લગ્ન પછી હું મારા ફેમિલી એટલે કે મીરા અને બાળકોમાં જ એટલો બિઝી થઇ ગયો છું કે મારી પાસે પાર્ટી અથવા ગેટ-ટુગેધર માટે સમય જ નથી.

લગ્ન પછી તમે વધારે પડતા રીઝર્વ્ડ થઇ ગયા છો?

એવું પણ નથી. ખરેખર તો મને મારા બંને બાળકો મિશા અને ઝેન સાથે સમય પસાર કરવાનું ગમે છે. એક પિતાને પોતાના સંતાનો માટે જે પ્રેમ હોય છે, તે હવે મને સમજાય છે. આ જ કારણસર જેવું શૂટિંગ પૂરું થાય કે હું સીધો ઘરે આવતો રહું છું. હવે મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારો પરિવાર છે.

એક્ટર તરીકે તમારા કામની કાયમ પ્રશંસા થઇ, પણ એ પછી પણ તમે ખૂબ ઓછી ફિલ્મો કરો છો. આનું શું કારણ?

કારણ તો એવું કોઇ ખાસ નથી. જ્યારે મારી પાસે કોઇ સારો સબ્જેક્ટ આવે, ત્યારે ફિલ્મ સાઇન કરું છું. જો મને વાર્તા કે મારું પાત્ર ન ગમે તો ના કહી દઉં છું. મને લાગે છે કે સાવ વાહિયાત ફિલ્મોમાં અભિનય કરવા કરતાં સારું એ રહેશે કે હું ઓછી ફિલ્મો કરું.

તમારા ભાઇ ઇશાન ખટ્ટરની ફિલ્મ `ધ઼ડક પણ સારો બિઝનેસ કરી શકી. છતાં એ અન્ય કોઇ ફિલ્મમાં જોવા ન મળ્યા?

એની કરિયરની હજી તો શરૂઆત છે. એણે કેટલીક ફિલ્મો સાઇન કરી છે. કેટલીક ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ ઇશાન અન્ય ફિલ્મોમાં જોવા મળશે.

ઇશાનનું નામ ફિલ્મ `ધડકની અભિનેત્રી જાન્હવી કપૂર સાથે બોલાય છે. જાન્હવી અને તમારા ભાઇ વચ્ચે અફેર ચાલે છે?

મને ખબર છે, ત્યાં સુધી ઇશાન અને જાન્હવી બંને સારા મિત્રો છે. `ધડક’ના શૂટિંગ દરમિયાન શ્રીદેવીજીનું અવસાન થયું. એ કારણસર ઇશાન અને જાન્હવી વચ્ચે ઇમોશનલ સંબંધો બંધાયા, પણ અફેર જેવું કંઇ નથી.

તમારી આગામી ફિલ્મો કઇ છે?

મારી એક ફિલ્મ `કબીર સિંહ’ જૂનમાં રીલિઝ થશે. એમાં મારી સાથે કિયારા અડવાણી છે. એના ડિરેક્ટર સંદીપ રેડ્ડી બંદા છે. આ ઉપરાંત, ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ કરી રહ્યો છું. બીજી પણ અનેક ફિલ્મો છે, જે હજી ફાઇનલ થવાની બાકી છે.

Loading

Spread the love

Leave a Comment