તાપસી પન્નુએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ફિલ્મ ‘પિંક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’ અને ‘બદલા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો પરચમ દેખાડી ચૂકી છે.  હવે તે એવી ફિલ્મો કરવા ઇચ્છે છે કે જેના વિષય અને પાત્ર અલગ હોય, જેમાં તેનો રોલ પણ ચેલેન્જીંગ હોય. હાલમાં તાપસી પોતાની તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ને લઇને ચર્ચામાં છે, જે હિન્દીમાં પણ ડબ હશે. જોકે આ ઉપરાંત હિન્દીમાં આ વર્ષે તેની ફિલ્મ ‘તડકા’, ‘મિશન મંગલ’, ‘સાંડ કી આંખ’,  અને તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ રીલીઝ થશે. તાપસીએ તમિલમાં તો ઠીક પણ બોલિવૂડમાં પણ પોતાની એક અલગ ઇમેજ બનાવી લીધી છે. તાપસી સાથે થયેલી તેની કરીયર અને ફિલ્મને લઇને ટેલિફોનિક વાતચિત.

તમારા કરીયરનો ટર્નિંગ પોઇન્ટ ક્યો ગણો છો.

મારી કરિયરનો સૌથી મોટો પહેલો ટર્નિંગ પોઇન્ટ સાઉથની ફિલ્મનો રહ્યો હતો. તે સમયે મને સ્ટાર ધનુષ સાથે તમિલ ભાષાની મોટા બજેટની ફિલ્મ ‘આદુકલમ’ મળી હતી. જો મને આ ફિલ્મ ન મળી હોત તો હું એક્ટીંગને મારી કરિયર ન બનાવી શકી હોત. તે પહેલા એક્ટ્રેસ બનવાની મને ઇચ્છા નહોતી. તે પછી મારા જીવનમાં બીજો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે મને હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દૂર’ મળી. તે વખતે મને ખૂબ આનંદ થયો હતો કે મને કોઇપણ પ્લાનિંગ કે તૈયારી વિના બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઇ. તે પછી સૌથી મોટો બોલિવૂડમાં ટર્નિંગ પોઇન્ટ ‘પિંક’ ફિલ્મનો રહ્યો. જોકે હું ‘બેબી’ અને ‘પિંક’માંથી કોને લેન્ડમાર્ક ગણુ તે બાબતને લઇને હું કન્ફ્યૂઝ્ડ છું. ‘બેબી’માં મારા 10 મિનિટના પાત્રને પણ લોકોએ ખૂબ વખાણ્યું હતું. જેના કારણે મને ‘નામ શબાના’ ફિલ્મ મળી હતી. ફિલ્મ ‘પિંક’ આવતાની સાથે જ લોકોને લાગ્યું કે તાપસી તો ખૂબ સારી કલાકારા છે. તેથી આ બધા જ ટર્નિંગ પોઇન્ટ રહ્યા. મને એવું લાગે છે કે 2019 મારા માટે મારી કરિયરનું બેસ્ટ યર સાબિત થશે કારણકે આ વર્ષે ફિલ્મ ‘ગેમ ઓવર’ સિવાય બીજી પણ ઘણી સારી ફિલ્મો રીલીઝ થવાની છે.

શું સાઉથમાં તમને ક્યારેય ‘પિંક’ કે ‘મુલ્ક’ જેવી ફિલ્મો મળી હતી.

મળી પણ નથી અને મને મળવી મુશ્કેલ હતી. એવું નથી કે ત્યાં અલગ પ્રકારના વિષયની ફિલ્મો બનતી નથી પણ મને તે મળતી નહોતી. તેનું કારણ ભાષાનો પ્રોબ્લેમ હતો. તેલુગુ કે તમિલ મારી ભાષા નથી. હું ઉત્તર ભારતીય પંજાબી યુવતી છું. સાઉથના ફિલ્મમેકર્સના મનમાં આ વાત રહે છે. તેથી તે લોકો મને ચેલેન્જીંગ રોલ આપતા નહોતા. તેમને લાગતું હતું કે આ પ્રકારના પાત્ર હું કરી શકીશ કે નહીં.  તે ઉપરાંત પણ મને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કોઇ જ ફરિયાદ નથી.

તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ને લઇને ખૂબ ચર્ચા છે, તો તે વિશે જણાવો.

તમિલ ફિલ્મ ‘કંચના 2’ કર્યા પછી ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી મેં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એન્ટ્રી કરી છે. તમિલ ફિલ્મોના લોકપ્રિય ડિરેક્ટર્સ અશ્વિની કૃષ્ણનને મને આ ફિલ્મ માટે યોગ્ય સમજી. ‘ગેમ ઓવર’ એક સુપર નેચરલ ફિલ્મ છે, જેને હિન્દીમાં ડબ કરીને રીલીઝ કરવામાં આવશે. હિન્દી ડબિંગ મેં જાતે જ કર્યું છે. આ ફિલ્મની વાર્તામાં ઘણા લેયર્સ જોવા મળશે. આ પહેલા મેં 2015માં સુપર નેચરલ ફિલ્મ ‘કંચના 2’ કરી હતી. આ વખતે વધારે ગંભીરતા જોવા મળશે.

ફિલ્મના પાત્ર વિશે શું કહેશો.

આ ફિલ્મમાં મારું પાત્ર નેક્ટોફોબિક એટલે કે અંધકારથી ડરતી અને હંમેશા ચિંતા કરતી યુવતીનું છે. તેના જીવનમાં બનેલી એક ઘટના બાદ તે વ્હીલચેર પર બેસી રહે છે. તેના કારણે તે અમુક સમય પછી ઇન્ટ્રોવર્ટ થઇ જાય છે. અચાનક તેનું જીવન બદલાઇ જાય છે. તે પછી ફિલ્મની વાર્તા ખૂબ રોમાંચક બને છે. ફિલ્મમાં વ્હીલચેર પર બેઠેલી હોવા છતાંય હું એક્શન કરતી જોવા મળીશ.

દર્શકો તમને ગંભીર પાત્રમાં વધારે પસંદ કરે છે, તેવું લાગે છે.

મને આ વાત ગમી કે લોકો મને ગંભીરતાથી લઇ રહ્યા છે. હું ફિલ્મોમાં ટાઇમપાસ કરવા માટે આવી નથી. હું કઇક વ્યવસ્થિત કામ કરવા માટે આવી છું. જો હું કોમેડી કરીશ તો તે પણ કઇક વ્યવસ્થિત પ્રકારની હશે, જે જોવા લાયક હોય. હું એકનું એક પાત્ર કરીશ નહીં કે જોનર પસંદ કરીશ નહીં. હું પોતાને રીપીટ કરવામાં માનતી નથી.

તો કેવા પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા છે.

ચેલેન્જીંગ રોલ કરવાની ઇચ્છા છે. હું કંઇક અલગ પ્રકારના વિષયોવાળી ફિલ્મો કરવા માંગુ છું. તેથી એવું ન સમજવું કે હું એવી ફિલ્મો કરવા ઇચ્છું છું કે જે બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકે. જો ફિલ્મોને કમાણી નહીં થાય તો બીજી ફિલ્મો કેવી રીતે બનશે. હું એવી ફિલ્મોનો પણ ભાગ બનવા ઇચ્છું છું કે જેને દર્શકો પસંદ કરે અને તે બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી શકે.

બાયોપિક ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે, તો કોઇ બાયોપિક કરવાની ઇચ્છા ખરી.

હા, જરૂર કરવાની ઇચ્છા છે. મને તો બાયોપિક ફિલ્મો જોવી પણ ગમે છે. સત્યઘટનાથી વધારે સારી વાર્તા કોઇ હોઇ જ ન શકે. મને સ્પોર્ટ્સમાં વધારે રસ છે, તો હું પોતે ઇચ્છીશ કે મને સ્પોર્ટ્સ પર બનતી કોઇ બાયોપિક ફિલ્મ માટે પસંદ કરવામાં આવે.

હવે પછી કઇ ફિલ્મો આવવાની છે.

‘ગેમ ઓવર’ પછી એક ફિલ્મ ‘તડકા’ કરી છે. જે 2011ની સફળ મલયાલમ ફિલ્મ ‘સોલ્ટ એન પિપર’નું હિન્દી રીમેક છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું ડિરેક્શન પ્રકાશ રાજે કર્યું છે. તેમાં મારી સાથે નાના પાટેકર, અલી ફઝલ, શ્રિયા સરન અને લિલેટ દુબે છે. તે પછી ફિલ્મ ‘સાંડ કી આંખ’માં મે 82 વર્ષની પ્રકાશી તોમારનું પાત્ર ભજવ્યું છે. જગન શક્તિ ડાયરેક્ટેડ ફિલ્મ ‘મંગલ મિશન’માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન જેવા કલાકાર છે. હું આ ફિલ્મનો એક ભાગ છું. ખૂબ ખુશ છું.

Loading

Spread the love

Leave a Comment