દરેક દાંમ્પત્યજીવનમાં જો મિઠાસ જળવાઇ રહેતી હોય તો તે સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. જીવનસાથી સાથેના અતૂટ પ્રેમના આધારે સંબંધ ટકી રહે છે. તેમ છતાય ઘણીવાર દાંમ્પત્ય જીવનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે નાની નાની બાબતોને પણ ભૂલી જઇએ છીએ. આપણે આપણા વ્યવહારથી અજાણતા જ સંબંધમાં ગૂંચવણો ઊભી કરી દઇએ છીએ અને સંબંધમાં નિરસતા લાવી દઇએ છીએ. કોઇપણ સંબંધ સંપૂર્ણ હોતો નથી. દરેક સંબંધને સતત સાચવતા અને સિંચતા રહેવો પડે છે. જે રીતે આપણે આપણા ઘરને સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ જેથી સ્વાસ્થ્ય સારું રહે, તે જ રીતે સંબંધને હેલ્ધી બનાવી રાખવા માટે તમારા તરફથી ખાસ પ્રયત્ન થવો જોઇએ.

સમય બદલાય તે જ રીતે સંબંધમાં પણ અનુભવ અને જવાબદારીઓ વધતી જોવા મળે છે. તમારા બે વ્યક્તિમાં ઘણીબધી બાબતો સમાન હોઇ શકે છે પણ એકવાત ક્યારેય જ ભૂલવી કે તમે બે જણા બે અલગ શરીરની માલિકી ધરાવો છો. તેમાં તમારા બંનેના પોતાના લક્ષ્ય છે, તમારી પોતાની કેટલીક ઇચ્છાઓ છે, જેને તમે પૂરી કરવા ઇચ્છો છો. ઘણીવાર પતિ-પત્ની આ બધી બાબતોને જોઇ શકતા નથી અને તેનાથી જ મતભેદ થવાની શરૂઆત થાય છે.

શરૂઆતમાં તમે એકબીજાને જેટલો સમય આપતા હતા તેટલો સમય હવે આપી શકતા ન હો, પણ તેનાથી તમને એકબીજાની ચિંતા નથી તેવો અર્થ ક્યારેય કરવો નહીં. તમે એકવાત સ્વાકારી લીધી છે કે હવે તમારે સંબંધ બનાવવા માટે કોઇ પ્રયત્ન કરવાનો નથી. તમે એકબીજાની સાથે એક સંબંધથી જોડાઇ ગયા છો, તેને તમે સંપૂર્ણ માનો છો. પણ આ વાત ખોટી છે. જો તમારે તમારા સંબંધને અને તેની સુંદરતા અને મધુરતાને જાળવી રાખવો હોય તો તેના માટે પણ પ્રયત્ન કરતા રહેવા પડશે. સંબંધમાં મિઠાસ ભેળવવા અને સંપૂર્ણ બનાવવા કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી પડશે.

આળસ

આળસ દરેક રીતે માણસનો દુશ્મન ગણાય છે. તેના કારણે તમે તમારા લક્ષ્યને પૂરું કરી શકતા નથી. ફક્ત કરીયરમાં જ નહીં સંબંધ માટે પણ આળસ બાધારૂપ બની રહે છે. સમયની સાથે દાંમ્પત્ય જીવનમાં પરિપક્વતા આવે છે. તમે એકબીજા સાથે જેટલો વધારે સમય વિતાવો છો તેટલા જ નિશ્ચિંત બનતા જાઓ છો. જીવનસાથીને તમારા વ્યવહારથી પ્રભઆવિત કરવાની ઇચ્છા પણ ઓછી થવા લાગે છે, કારણકે તમને વિશ્વાસ થઇ જાય છે કે તમે બંને એકબીજાને પૂરતો પ્રેમ કરો છો. તમારો સંબંધ ઔપચારિકતાથી વિશેષ બની ગયો છે. નિશ્વિંતતાનો આ જ ભાવ તમારા સંબંધની દરેક પળને વધારે સારી બનતી અટકાવી દે છે. પ્રયત્ન કરતા અટકાવી દે છે. જેના કારણે સમય જતા તમને એકબીજાથી કંટાળો આવવા લાગે છે. જીવનસાથી માટે કઇક સરપ્રાઇઝ કે પોતાનામાં કોઇ નવો ચેન્જ (લુક ચેન્જ) લાવવાના પ્રયત્નો કરતા રહેવા જોઇએ.

ઉપાય

જો તમારો સંબંધ પર આળસની અસર થવા લાગી હોય તો હવે સમય આવી ગયો છે કે તમે બંને સક્રિય બની જાઓ. તમે એવું કઇક કરો જેથી તમારા સાથીને લાગે કે તમે આજે પણ તેમના માટે ક્રેઝી છો. સાથે જ તેમને જાણવાનો ચાન્સ આપો કે તમને શું પસંદ છે અને તમારી તેમની પાસેથી શું અપેક્ષાઓ છે. ફરવાના સ્થળો શોધો, જ્યાં ફેમીલી સાથે ગયા હો છતાંય એકબીજા સાથે એન્જોય કરી શકો. બંનેને રસ હોય તેવા શોખ અપનાવો. આ શોખને સાથે મળીને પૂરો કરો. તેના માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી, જો તમે બંને તમારા સંબંધને નવી ઊર્જા પૂરી પાડવા માગતા હો તો નાની નાની વસ્તુઓ દ્વારા પણ આનંદ પ્રાપ્ત કરી શકાય છે.

વાદ-વિવાદ

કોઇપણ વિષય પર ચર્ચા કરવામાં કંઇજ ખોટું નથી., પણ પદ્ધતિ કઇ છે, તે ખૂબ મહત્વ ધરાવે છે. ચર્ચા ફક્ત સામાન્ય વાત જ નથી, પણ મહત્વપૂર્ણ પણ છે કારણકે ચર્ચા જ તમને બંનેને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. કોઇ પણ મુદ્દાના પક્ષમાં કે વિરોધમાં ખૂબ જ દૃઢતાપૂર્ણ પોતાના વિચારોને રજૂ કરવામાં આવે તો તે વાદ-વિવાદનો આધાર બની જાય છે. તેના દ્વારા તમે કોઇપણ વિષય પરના પોતાના વિચારોની ભિન્નતાને સમજી શકો છો અને તેના વિષયની જાણકારીનો ઉપયોગ કરીને એકબીજાને વધારે સારી રીતે સમજી શકો છો. આ રીતે એકબીજાના વિચારોનું સન્માન કરી શકશો. જોકે આપણે હંમેશા ચર્ચાને નકારાત્મક રીતે જ લઇ લઇએ છીએ. જ્યાં સુધી તમે સમજી શકો કે તેના દ્વારા કેવી રીતે હકારાત્મક પરિણામ સુધી પહોંચી શકાય ત્યાં સુધીમાં તો તમારી ચર્ચાએ લડાઇ-ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય છે. સમજદારીથી કોઇ નિર્ણય પર પહોંચવાને બદલે એક-બીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન થવા લાગે છે.

ઉપાય

સૌથી પહેલા મનમાં એક ગાંઠ બાંધી લો કે ચર્ચા કરવી કે થવી તે કોઇ ખોટી બાબત નથી. આ વાતને જ્યાં સુધી સ્પષ્ટ રીતે ન સમજી લો ત્યાં સુધી મનમાં યાદ કરતા રહો. જેથી બીજીવાર ક્યારેય પણ સાથી સાથે ચર્ચા કરો તો તેને લડાઇનું સ્વરૂપ આપવાના બદલે હકારાત્મક પરિણામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી શકો. કોઇપણ વિષય પર એકબીજા સાથે વાતચિત કરતા ક્યારેય સંકો અનુભવશો નહીં. ખુલ્લા મન સાથે કરાયેલી ચર્ચા ઘણી મુશ્કેલીઓનો ઉકેલ લાવે છે. ચર્ચા કરતી વખતે હંમેશા એકવાતનું ધ્યાન રાખો કે તમારી ચર્ચા વિષયને લઇને હોવી જોઇએ, તેના દ્વારા એકબીજા પર દોષારોપણ કરવાનો પ્રયત્ન થવો જોઇએ નહીં.

નજરઅંદાજ કરશો નહીં

મુશ્કેલી જાણતા હોવા છતાંય અજાણ્યા બની રહેવું તે સમસ્યાનું સમાધાન નથી. આપણામાંથી મોટાભાગના લોકો મનમાં એકવાત લઇને ફરતા રહે છે કે બધુ બરોબર જ ચાલી રહ્યું છે અને જો કોઇ મુશ્કેલી હશે , તો એની જાતે જ તેનું સમાધાન પણ થઇ જશે. આ વસ્તુ મુશ્કેલીઓથી મોઢું ફેરવી લેવાની વૃત્તિ દર્શાવે છે. દરેક સંબંધમાં ક્યારેક ને ક્યારેક કોઇકને કોઇ મુશ્કેલી ઊભી થાય છે, જે આપણને તકલીફ પહોંચાડે છે. તેને ભૂલી જઇને તમે થોડો સમય તકલીફથી દૂર રહી શકો છો, પણ તમે વર્તન દ્વારા પરિસ્થિતિને વધારે બગાડી નાખો છો. અહીં મુશ્કેલીને નજરઅંદાજ કરવાથી તે પૂરી નથી થઇ જતી પણ વધે છે, એક સમય એવો આવે છે કે સંબંધ તૂટી જવા સુધી પહોંચી જાય છે. આ પરિસ્થિતિને દૂર કરી શકાય છે, પણ તેના માટે બંને સાથીએ સ્થિતિનો સ્વીકાર કરવો જરૂરી છે.

ઉપાય

તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરો છો, તે વાતને સમજો અને તેનો સ્વીકાર કરો. જોકે તે ઉપરાંત પણ તમારા સંબંધમાં કેટલીક તકલીફો હોઇ શકે છે. મતભેદ થાય એટલે તેનો અર્થ એ નથી કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા નથી. જો કોઇ તકલીફ ઊભી થાય તો તે અંગે સાથી સાથે વાતચિત કરો. જો તમે પરિસ્થિતિ સામે મોં ફેરવી લેશો તો તમે એકબીજાથી દૂર થવા લાગશો. એકવાત યાદ રાખો કે કોઇપણ તકલીફ એકલહાથે દૂર થઇ શકતી નથી તેના માટે તમારે બંનેએ મળીને પ્રયત્ન કરવો પડશે. જો તમે ઇચ્છતા હો કે તમારા દાંમ્પત્યજીવનમાં આનંદ જળવાઇ રહે તો ક્યારેય ખોટો દેખાડો કરવો નહીં કે દરેક વસ્તુ વ્યવસ્થિત ચાલી રહી છે. સંબંધમાં શરતો હોતી નથી. દરેક સંબંધમાં સારી બાબતો હોય છે, તો સાથે કેટલીક ઊણપ પણ છૂપાયેલી હોય છે. બંનેનો સ્વીકાર કરીને પરિસ્થિતિઓને પ્રેમથી અનુકૂળતા પ્રમાણએ સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહેવું.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment