ફિલ્મ `માંઝીઃ ધ માઉન્ટન મેન’ અને `મન્ટો’ પછી નવાઝુદ્દીને વધુ એક બાયોપિક `ઠાકરે’માં ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના રાજકારણી નેતા રહી ચૂકેલા બાળાસાહેબ ઠાકરે પર આધારિત છે.  જોકે ઘણા સમયથી બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલગ અલગ ક્ષેત્રની પ્રખ્યાત હસ્તીઓના જીવન પર ફિલ્મો બની રહી છે. રાજકારણી હોય એવા લોકો પર પણ ફિલ્મો બની રહેવાની યાદી લાંબી છે. એવામાં શિવસેના (પોલિટિકલ પાર્ટી) પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ `ઠાકરે’ હાલમાં ચર્ચામાં છે. આમાં બાળાસાહેબનો રોલ નવાઝુદ્દીને ભજવ્યો છે. ફિલ્મ સંજય રાઉતે પ્રોડ્યુસર કરી છે અને અભિજીત પાનસે ડિરેક્ટર છે. 23 જાન્યુઆરીએ બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ હોવાથી આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થઇ. નવાઝુદ્દીન પણ આ ફિલ્મનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહ્યા છે. એમની ભૂમિકા ભજવવાનું નવાઝુદ્દીન માટે કેટલું મુશ્કેલ રહ્યું? આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એ બાળાસાહેબને કેટલા સમજી શક્યા? સતત બાયોપિક ફિલ્મોમાં અભિનય કરવાને કારણે એમને બાયોપિક કિંગ કહેવામાં આવે છે, તેના વિશે એ શું કહે છે? ફિલ્મ `ઠાકરે’ અને કરિયર અંગેની કેટલીક વાતચીત, નવાઝુદ્દીન સાથે…

બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય નેતા હતા. એવામાં તેમનું પાત્ર સ્ક્રીન પર અદા કરવાનું કેટલું મુશ્કેલ હતું?

બાળાસાહેબ ઠાકરે લોકોના નેતા હતા, તેઓ ક્યારેય ઇલેક્શન લડ્યા નહોતા, ન તો એમને કોઇ પદ કે હોદ્દાની લાલસા હતી. એ 82 વર્ષ સુધી લોકો સમક્ષ રહ્યા, લોકોના મન પર રાજ કર્યું. આવા લોકપ્રિય નેતાની દરેક વાત, એમની વાતચીત કરવાની શૈલી, એમની ટેવ વગેરે પબ્લિક માટે જાણવા જેવી હોય છે. આથી મારા માટે બાળાસાહેબની ભૂમિકા ભજવવાનું પડકારજનક હતું. જોકે ફિલ્મના ટીઝર અને ટ્રેલરને જે રીતે રીસ્પોન્સ મળ્યો અને ફિલ્મને પણ જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી હું ખુશ છું. જો બાળાસાહેબના પાત્રને થોડાઘણા અંશે પણ નિભાવવામાં સફળ નીવડ્યો તો મારી જાતને ધન્ય માનીશ.

બાળાસાહેબની ભૂમિકા અદા કરવા માટે કેવી તૈયારીઓ કરવી પડી?

ફિલ્મ `ઠાકરે’ની ઓફર મને સંજય રાઉત તરફથી મળી હતી. મારા માટે બાળાસાહેબને જાણવા-સમજવા રાઉતજીની નજરે જ શક્ય હતું. બાળાસાહેબ સાથે રાઉતજીએ પચીસ વર્ષથી વધારે સમય પસાર કર્યો છે. એ સામના અખબારના કાર્યકારી સંપાદક પણ છે. મને રાઉતજીએ બાળાસાહેબના પાત્રની ઝીણામાં ઝીણી વિગતો જણાવી. તે સાથે બાળાસાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે પણ મારી મુલાકાત થઇ. એમની સાથે વાતો કરીને પણ મેં બાળાસાહેબ અંગે ઘણું જાણ્યું. ઉદ્ધવજી સાથે હું તેમના નિવાસ સ્થાન માતોશ્રી પર પણ ગયો. મને ઉદ્ધવજી બાળાસાહેબના રૂમમાં લઇ ગયાં. ત્યાં હું થોડી વાર બેઠો. મેં એમના રૂમનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું કે રૂમ એકદમ સાદગીભર્યો હતો. એમનો પલંગ પણ સાદો, ઓછી હાઇટ ધરાવતો હતો. રૂમમાં એક નાનકડો કબાટ હતો. ક્યાંય કિંમતી ફર્નિચર નહોતું. પલંગની બાજુમાં એક ફૂટના અંતરે એમની એલાર્મ ઘડિયાળ પડી હતી. જે આજે પણ એ રાખતા હતા એમ જ રાખવામાં આવી છે. દેશના રાજકારણમાં બાળાસાહેબનું નામ ખૂબ લોકપ્રિય છે, પણ ઘરમાં તો એ એક સામાન્ય માણસની જેમ જ રહેતા હતા. તે  પારિવારિક માણસ હતા. એમને કલા અને ફિલ્મો પ્રત્યે આકર્ષણ હતું અને કલાકારો માટે એમના મનમાં આદરભાવ હતો. ખરેખર, એ એકદમ ડાઉન-ટુ-અર્થ માણસ હતા.

બાળાસાહેબનું ભાષણ સાંભળવું એ સારો અનુભવ રહેતો હતો. એમના જેવી સ્પીચ આપવા માટે શું કર્યું?

2017માં મને ફિલ્મ `ઠાકરે’ ઓફર થઇ હતી. જોકે હું તો બાળાસાહેબના ભાષણ 2012થી સાંભળતો રહ્યો છું. અફસોસ એક જ વાતનો છે કે મને ક્યારેય એમને મળવાનો મોકો ન મળ્યો. અમે ફિલ્મમાં એમની પોલિટિકલ ઇમેજથી અલગ પર્સનલ લાઇફને, સ્પેસને આવરી લીધી છે. હું માનસિક, શારીરિક રીતે બાળાસાહેબને જેટલા અપનાવી શકતો હતો, એટલા અપનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન પબ્લિકને વાસ્તવિક લાગે, મિમિક્રી નહીં, એનો પણ ખૂબ ખ્યાલ રાખ્યો છે. એમની માફક સ્પીચ આપવા માટે ખૂબ તૈયારી કરી.

ફિલ્મમાં તમારા માટે સૌથી મુશ્કેલ સીન કયો હતો?

ઠાકરેસાહેબ પર એમના ભાષણો માટે અનેક કેસ થયા હતા, પણ એ ડર્યા નહીં. એ જનતાને જે વાત કહેવાની હોય તે કોઇ પણ પ્રકારના સંકોચ વિના કહેતા રહ્યા. એમના પર જ્યારે કોર્ટ કેસ થયા હતા, એ સીન ફિલ્માવવાનું મારા માટે પડકારરૂપ હતું. એ સીન ચાલીસ મિનિટનો છે જે એક જ સમયે શૂટ કરવાનો હતો, પણ ઓન સ્ક્રીન આને ટુકડાઓમાં દર્શાવાયો છે.

બાળાસાહેબના લુકને અપનાવવા માટે શું કર્યું?

મારા કપાળ પર વાળનો એક પેચ લગાવવામાં આવ્યો, કેમ કે બાળાસાહેબની હેરસ્ટાઇલ કરતાં મારી હેરસ્ટાઇલ અલગ છે. પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે મારા નાકને બાળાસાહેબ જેવું બનાવ્યું.

તમને હવે લોકો બાયોપિક કિંગ કહેવા લાગ્યા છે. કેવું લાગે છે?

જો મને બાયોપિક કિંગ માનવામાં આવતો હોય તો આ વાતને હું કોમ્પ્લિમેન્ટ ગણીશ. જોકે હું મારી જાતને બાયોપિક કિંગ નથી માનતો. `મન્ટો’, `ઠાકરે’ અને `માંઝીઃ ધ માઉન્ટન મેન’ જેવી ફિલ્મ કરવી એ એક કલાકાર તરીકે મારા માટે ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો, પણ મેં ગેંગસ્ટર, પોલીસ ઓફિસર જેવા પાત્રો પણ સારી રીતે અદા કર્યા છે. હું મારી કોઇ ઇમેજ બાંધવા નથી ઇચ્છતો. હું પાત્રની લંબાઇ નહીં, તેમાં કેટલું ઊંડાણ છે તે માપું છું.

Loading

Spread the love

Leave a Comment