આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ આર્મી ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે, ત્યારે યામી ગૌતમ પણ આમાં ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ વિકી ડોનરથી આયુષ્યમાન ખુરાના સાથે યામી ગૌતમે બોલિવૂડમાં અભિનય સફર શરૂ કરી હતી. આ ફિલ્મને સારી સફળતા મળી હતી. તે પછી એ અનેક નાના-મોટાં બજેટની ફિલ્મોમાં જોવા મળી અને જોતજોતામાં યામીની કરિયરના સાત વર્ષ થઇ ગયાં. ગયા વર્ષે એ શાહિદ કપૂર અભિનીત ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં એક વકીલની ભૂમિકામાં જોવા મળી હતી. હવે યામી ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં જોવા મળશે. આ ફિલ્મમાં એ એક ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા અદા કરી રહી છે, લીડ રોલમાં વિક્કી કૌશલ છે. ફિલ્મ નવા ડિરેક્ટર આદિત્ય ધરેએ ડિરેક્ટ કરી છે. તાજેતરમાં ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક અંગે યામી ગૌતમ સાથે વાત થઇ. એ વાતચીતના કેટલાક મહત્વના અંશ અત્રે પ્રસ્તુત છેઃ પોતાના રોલની તૈયારી માટે એણે શું કર્યું. આર્મી સાથે એ કેટલી કનેક્ટેડ છે અને અત્યાર સુધીની કરિયરને કઇ રીતે જુએ છે. જાણીએ, યામી ગૌતમ પાસેથી.

2018નું વર્ષ પૂરું થઇ ગયું. કરિયરની રીતે એને કઇ રીતે જુઓ છો?

2018માં મારી એક જ ફિલ્મ `બત્તી ગુલ મીટર ચાલુ’ રિલીઝ થઇ. આ ફિલ્મમાં મેં એક વકીલની ભૂમિકા ભજવી હતી. મારું આ પાત્ર સાચે જ પડકારજનક હતું. ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર જેવા સારા કલાકારો પણ હતા અને તેમની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો. હવે 2019માં હું ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં છું, આ ફિલ્મ મારા માટે ખાસ છે.

ફિલ્મ `ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સત્ય ઘટના પર આધારિત છે. એમાં તમારો રોલ શું છે અને એ માટે તમારે કેટલી તૈયારીઓ કરવી પડી?

રાઇટર આદિત્ય ધરની ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે. હા, આ ફિલ્મ સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. એના વિશે કોઇ જાણતું નથી. મેં ફિલ્મમાં એક ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા અદા કરી છે. આ ભૂમિકા માટે મારે મારી બોડી લેંગ્વેજ, બોલવાની રીત, હાવ-ભાવ પર ઘણું કામ કરવું પડ્યું. મારી ઇચ્છા તો એનએસએ અજિત ડોભાલજીને મળવાની હતી, એમના અનુભવો વિશે જાણવા માગતી હતી, પણ કોઇ કારણસર એમને મળી ન શકી.

ફિલ્મમાં વિક્કી કૌશલ લીડ રોલમાં છે. એની સાથેનો વર્કિંગ એક્સપીરિયન્સ કેવો રહ્યો?

વિક્કી કૌશલ ખૂબ ગંભીર માણસ છે અને ગજબનો એક્ટર પણ છે. ફિલ્મના દરેક ઇમોશનને એણે પોતાના અભિનય દ્વારા અત્યંત સુંદર રીતે વ્યક્ત કર્યા છે. એ કો-એક્ટર તરીકે તો ઘણો સારો છે, સાથે જ પોતાના સહ કલાકારોને મોટિવેટ પણ કરે છે, મદદની જરૂર હોય તો મદદ પણ કરે છે.

રાઇટરમાંથી ડિરેક્ટર બનેલા આદિત્ય ધર વિશે શું કહેવું છે?

આદિત્ય ધરને હું પહેલી વાર મળી ત્યારે એમનામાં મને જોરદાર આત્મવિશ્વાસ જણાયો. એ મને એકદમ પ્રોફેશનલ લાગ્યા. ફિલ્મની વાર્તા પર એમણે ઘણુબધુ કામ કર્યું છે. ફિલ્મ `ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જોઇને કોઇ એવું નહીં કહી શકે કે આ નવા ડિરેક્ટર છે.

આ ફિલ્મ `ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સૈન્યના સાહસની વાત જણાવે છે. વાસ્તવિક જીવનમાં તમે સેનાને કેટલો સહયોગ આપો છે?

મેં આર્મી માટે શું કર્યું છે અથવા હું સામાજિક સેવા કે કામગીરી કરું છું કે નહીં, તેના વિશે દુનિયાને જણાવવાનું મને જરૂરી નથી લાગતું. ભારતીય સેનાને હું કાયમ સહયોગ આપું છું અને ભવિષ્યમાં પણ આપતી રહીશ. મારા મનમાં આપણી સેનાના જવાનો માટે એક અલગ સ્થાન છે.

જ્યારે કોઇ ફિલ્મ કરવાનું સ્વીકારો છો ત્યારે તેને પસંદ કરવાનો ક્રાઇટેરિયા શું હોય છે?

હું માત્ર મારી ફિલ્મોની સંખ્યા વધારવા માટે ફિલ્મ નથી સ્વીકારતી. ખૂબ સમજી-વિચારીને સાઇન કરું છું. દરેક જોનરની ફિલ્મોમાં પ્રેક્ષકોને જોવા મળું છું, દરેક પ્રકારની એક્ટિંગ કરું છું. ફિલ્મ `કાબિલ’માં મેં એક પ્રજ્ઞાચક્ષુ યુવતીની ભૂમિકા અદા કરી હતી, તો ફિલ્મ `બત્તી ગુલ મીટર ચાલુ’માં વકીલનો રોલ કર્યો હતો. હવે `ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં ઇન્ટેલિજન્સ ઓફિસર બની છું. આ રીતે અલગ અલગ પ્રકારના રોલ કરી રહી છું, જેથી મારી કોઇ એક પ્રકારની ઇમેજ બંધાઇને ન રહી જાય.

તમારી કરિયર અંગે સંતુષ્ટ છો?

મારી એક્ટિંગની કરિયરમાં ચડાવ-ઉતાર ઘણા આવ્યા છે. શરૂઆતમાં જ મને સફળતા મળી ગઇ હતી. તે પછી નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખ્યો. જોકે બંને સ્થિતિમાં હું સામાન્ય જ રહી. ખરેખર કહું તો મેં સફળતા-નિષ્ફળતાને પચાવી લેતાં શીખી લીધું છે.

 

Loading

Spread the love

Leave a Comment