ઇન્ટિરીયરની દુનિયામાં જેટલી નવીનતા જોવા મળે તેટલી ઓછી છે. લોકોને નવીનતા પસંદ છે. વ્યક્તિ પોતે જેમ પોતાનામાં અમુક સમય પછી મેકઓવર કરાવીને નવો લુક મેળવવાનું પસંદ કરે છે, તે જ રીતે પોતે જે ઘરમાં રહેતો હોય તે ઘરને પણ થોડા વર્ષોમાં નવીન લુક આપી અલગ બનાવવાનો પ્રયત્ન કરે છે. આપણને હવે આપણી સાથે આપણા આજુબાજુના વાતાવરણમાં પણ અને રહેઠાણમાં પણ પરિવર્તન ગમે છે. તો તેની શરૂઆત ઘરથી જ કરી શકાય. હોમ ડેકોરમાં નવીનતા આવતી જ રહે છે. હવે તેમાં પણ એક નવી પદ્ધતિનો સમાવેશ થયો છે. ઘરને ડેકોર કરવામાં કસ્ટમાઇઝ્ડ ડેકોરેશન લોકો કરાવી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની અંગત પસંદને અનુરૂપ અલગ પ્રકારની ડિઝાઇન અને સ્ટાઇલ કરાવી શકે છે. આ તેનો સૌથી મોટો ફાયદો છે.

એકસરખી ડિઝાઇન હતી પસંદગીમાં

પહેલા લોકો કોઇના ઘરમાં સોફાની ડિઝાઇન કે પડદાની સ્ટાઇલ જુવે અને તેમને પસંદ પડી જાય તો પોતાના ઘર માટે જ તે પ્રકારની ડિઝાઇન કરાવી લેતા હતા, જેના પરિણામે મોટાભાગના લોકોમાં ઘરમાં એક સરખી ખુરશીઓ, સફેદ ગ્લાસવાળા ટેબલ, પડદાની ડિઝાઇનો, એક જ શેઇપના સોફા કે વોશબેસીન પણ એકસરખા જોવા મળતા હતા. કોઇપણ એવી વસ્તુ નહોતી કે તમે તેમાં થોડો પણ ચેન્જ શોધી શકો.

સૌથી અલગ ડિઝાઇન પહેલી પસંદ

આજનો સમય અને લોકોના વિચારો બદલાયા છે. જ્યાં એકસમયેના લોકોને એકસરખી પસંદગીની વસ્તુઓનો ક્રેઝ રહેતો હતો, ત્યાં હવે આજના લોકો સૌથી અલગ વસ્તુઓ પર જ પોતાની પહેલી પસંદગી ઊતારે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરમાં જે ડેકોરેટીવ કે ડિઝાઇનર વસ્તુઓ કે ડિઝાઇન હોય તે બીજાના ઘર કરતા અલગ હોવી જોઇએ. એટલે જ તો લોકો શોધી શોધીને અને દરેક પ્રકારની ઝીટવટને ધ્યાનમાં રાખીને ઘરના દરેક ખૂણાને ડિઝાઇન કરાવે છે.

કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન શું છે

ડિઝાઇનિંગના પ્રકારોમાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો અને નવીન ફેરફારો જોવા મળે છે. દરેક વ્યક્તિ જ્યારે ઘરમાં ડિઝાઇન કરાવે છે, ત્યારે ઘરને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની ડિઝાઇન  કરાવવી તેના પર ધ્યાન આપે છે. ક્સટમાઇઝ્ડ ડિઝાઇન બધા કરતા અલગ એટલા માટે છે કે તે ઘરની સાથે સાથે વ્યક્તિની જરૂરીયાત પ્રમાણેનું ડિઝાઇનિંગ છે. જ્યારે ઘરમાં યૂઝ કરનારા વ્યક્તિઓની જરૂરીયાતોની સાથે સાથે ઘરની દરેક જગ્યા એટલે કે રૂમ, કિચન, બાથરૂમ અને બાલકની જેવા સ્થલોને ધ્યાનમાં રાખીને સજાવટ કરવામાં આવે છે. તેને કસ્ટમાઇઝ્ડ ડિઝાઇનિંગ કહેવામાં આવે છે.

કેવી રીતે થાય છે ડિઝાઇન

સજાવટમાં દરેક વસ્તુની જરૂરીયાત, રંગ, શેઇપ, ફેબ્રિક, મટિરીયલ, ડિઝાઇનિંગ વગેરે એકબીજા સાથે તાલમેલ ધરાવતી હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પછી તે સોફા, કુશન, દિવાલ, સિલિંગ, કર્ટન્સ કે પછી એક્સેસરીઝ જ કેમ ન હોય. કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરીયરમાં જુદી – જુદી ડિઝાઇનના પદાર્થોનો પ્રયોગ કરવામાં આવે છે અને પછી તેને તે સ્થળનો ઉપયોગ કરનાર વ્યક્તિની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી તેની સાથે તાલમેલ ગોઠવીને તૈયાર કરવામાં આવે છે. આ ડિઝાઇનને ખાસ કરીને એવા પ્રકારનો લુક આપવામાં આવે છે, જેનાથી તેમાં રહેનારા વ્યક્તિની અંગત છાપ ઉપસીને જોઇ શકાય છે. આ પ્રકારની ડિઝાઇનથી આખા ઘરને બદલી શકાય છે.

ખાસ ઉપયોગી વસ્તુઓ

ગ્લાસનો ઉપયોગ એક આલીશાન લુક અને સારી ઇમેજનો પરિચય આપે છે. તે સિવાય લેધરના ઉપયોગની સાથેનું વુડ ફર્નીચર ગરમાહટનો અનુભવ કરાવે છે. જે ફર્નિચર લોકો વિન્ટરમાં વધારે પસંદ કરે છે. આ પ્રકારની ડિઝાઇનમાં ઘણાબધા ઓપ્શન મળી રહે છે. તમે ઇચ્છો તો તેને મોર્ડન લુક આપી શકો છો અથવા તો ટ્રેડિશનલ લુકને પણ ક્રિએટ કરી શકો છો.

સ્ટાઇલની સાથે સાથે આજના ડિફરન્ટ ટ્રેન્ડ અને ઘરને એક ડિફરન્ટ અને જરૂરીયાતના હિસાબ મુજબ નવો લુક આપવા માટે ડિઝાઇનના અગણિત ઓપ્શનમાં હવે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન ઇન્ટિરીયરની ફેશનમાં આવી ગયું છે. તો તમે ક્યારે તમારા હોમને કસ્ટમાઇઝ્ડ ડેકોર કરાવી રહ્યા છો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment