પીઢ અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવન સોની સબ પર આગામી શો આદત સે મજબૂર સાથે ટેલિવિઝન પર અભિનય જગતમાં પાછા આવી રહ્યા છે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં તેમણે પોતાના પાત્રની ઝલખ દેખાડી છે. ઘણા સમય પછી તે ફરીથી ટેલિવિઝનના પડદે પાછા ફરી રહ્યા છે. આદત સે મજબૂર સિરિયલમાં તે સિટી ચક્કર નામે મેગેઝીન ચલાવતા પ્રકાશનગૃહના માલિક  છે. તેમનું પાત્ર બહુ જ ધારદાર છે, જે એકસાથે ઘણાં બધાં કામ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ આદતના લીધે એકેય કામ પૂરું કરી શકતા નથી. તેમને કર્મચારીઓને ખડે પગે રાખવાનું ગમે છે. અનંત મહાદેવન રિયાના અંકલ તરીકે જોવા મળશે. રિયા કંપનીમાં ફીચર રાઈટર તરીકે જોડાય છે. રિયા ભત્રીજી હોવાથી અને કંપનીની માલિક પણ હોવાથી હંમેશાં તેની તરફેણ કરે છે. અનંત મહાદેવન શોમાં તેની આ ભૂમિકા વિશે વાતચિતમાં જણાવે છે.

તમે આદત સે મજબૂર જેવો કોમેડી શો શા માટે પસંદ કર્યો?

હું ટેલિવિઝનથી કોઈ ઈરાદાથી દૂર રહ્યો નહોતો. મેં 1983માં ભારતીય ટેલિવિઝન પર કારકિર્દી શરૂ કરી હતી. મેં સઈ પરાંજપે, હૃષિકેશ મુખરજી અને ગુલઝાર જેવા ફિલ્મ નિર્માતાઓ જોડે કામ કર્યું છે. તેમણે સિરિયલો બનાવીને નવો પ્રવાહ શરૂ કર્યો હતો. તેમણે ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યાં હતાં, જેનું અનુકરણ કરવાનું મુશ્કેલ છે. આ પછી મેં 1990માં ટેલિવિઝન પર દિગ્દર્શન શરૂ કર્યું ત્યારે અભિનેતા તરીકે મને કશું રોમાંચિત જણાયું નથી. આખરે આટલાં વર્ષ પછી દિગ્દર્શક ધરમપાલે મને આદત સે મજબૂર માટે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે આ ભૂમિકામાં હું બરોબર બંધબેસું છું. બધુ મારી તરફેણમાં હતું અને દેખીતી રીતે જ લાંબા સમય પછી હું પણ કમબેક કરવા માગતો હતો. આથી મેં આ શો લઈ લીધો.

તમારા પાત્ર વિશે જણાવો?

શ્રી તુતીજા પ્રકાશન ગૃહનો બોસ છે અને તેણે પ્રથમવાર જ નોકરીમાં જોડાયેલા યુવાનો પાસે કામ લેવાનું છે. જોકે આ યુવાનોને શું કરવું છે તે પોતે જાણતા નથી એ મોટી સમસ્યા છે. આથી મારે કામમાં અલગ અલગ પાત્રોને હાથ ધરવાનાં છે. આ હાસ્યસભર સંજોગો ઊભા થાય તેને જ્યારે તમે સ્ક્રીન પર જોશો ત્યારે તમને બહુ મજા આવશે.

બોલીવૂડ અને મરાઠી ફિલ્મોદ્યોગમાં સફળ કારકિર્દી પછી ફરી ટીવી શોનો હિસ્સો બનવાનું કેવું લાગે છે?

મેં ટેલિવિઝન અને થિયેટર સાથે મારી કારકિર્દી શરૂ કરી હતી. આ માધ્યમ ભલે નાનું છે પરંતુ આજે ઘરે ઘરે તમને સરળતાથી લોકપ્રિયતા મળી જાય છે. દર્શકો તમારી સાથે ઝડપથી કનેક્ટ થઇ જાય છે. થિયેટર, ટેલિવિઝન અને ફિલ્મનાં પોતાનાં નિશ્ચિત પરિપ્રેક્ષ્ય છે. હું હંમેશાં ફિલ્મ જીવન કરતાં વિશાળ અને ટીવી જીવન કરતાં નાનું અને થિયેટર અસલ જીવન હોવાનું માનતો આવ્યો છું. આથી મેં સતીશ શાહ, ફારુક શેખ જેવા મોટા કલાકારો સાથે ઘણી બધી સિરિયલો કર્યા પછી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવ્યું. મને મારી ફિલ્મ માટે 3 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે અને ઓફ બીટ સિનેમા બનાવવાનું ચાલુ રાખ્યું છે. આમ છતાં મને ક્યાંક દિગ્દર્શનમાંથી વિરામ લેવાની ઈચ્છા હતી. દિગ્દર્શન મોટી જવાબદારી છે અને મને સારો બ્રેક જોઈતો હતો ત્યારે જ મારી પાસે આદત સે મજબૂરની ઓફર આવી. મારે માટે બધું જ સારી રીતે ચાલ્યું અને ટેલિવિઝન પર અભિનય સાથે કમબેક કરવાનો આ જ યોગ્ય મોકો હતો.

આ ભૂમિકાની તૈયારી માટે કોઈ પડકારો ઝીલવા પડ્યા?

દિગ્દર્શક ધરમપાલ ચાહતા હતા કે હું અલગ દેખાઉં અને અલગ રહું. તેમણે મારે માટે પોનીટેલ રાખી છે અને અમે તેને સ્વીકારી લીધું. મેં અગાઉ હાસ્યાસ્પદ ભૂમિકાઓ કરી છે, પરંતુ આ ભૂમિકા પડકારજનક છે. હું સામે આવતા કોઈ પણ પડકારોને ઝીલવામાં વિશ્વાસ રાખું છું. મેં અભિનેતા તરીકે ખૂલવાનું અને આ પાત્રની કોમિક બાજુ સાથે નાવીન્યતા અજમાવવાનું નક્કી કર્યું. કોમેડી બહુ જ જુવેનાઈલ છે અને અમે તેને અચૂક રીતે પિચ કર્યું છે. હું મારા પાત્રને ઢાળવા અને તેને ક્લાસિક અહેસાસ આપવા માગતો હતો.

પટકથાલેખક, અભિનેતા અને દિગ્દર્શક આ બધામાં વધુ રસપ્રદ શું લાગે છે?

આ ત્રણેય ક્ષેત્ર મારી બહુ નજીક છે અને મારા માટે મહત્ત્વપૂર્ણ છે. મારી સામે વાનગીઓનો થાળ મૂકીને તમને શું ભાવે છે એ પૂછવા જેવું તમે પૂછી રહ્યા છો. દિગ્દર્શનની વાત કરું તો મને તે ગમે છે, કારણ કે તેમાં લેખનથી સંપાદનથી નિર્માણથી સમન્વય સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે. આથી દિગ્દર્શનમાં તમને બધા સ્વાદ મળી જાય છે. લેખન અત્યંત ક્રિયાત્મક ક્ષેત્ર છે અને મને તે માટે અવકાશની જરૂર છે. મને લેખન ગમે છે, પરંતુ તે કરવા માટે અનુકૂળ મન હોવું જરૂરી છે. અભિનયની વાત કરું તો હું પાત્રો પસંદ કરતો નથી, પરંતુ પાત્રો મને પસંદ કરે છે. તે મને રોમાંચિત કરે છે અને અભિનય તરફ લઇ જાય છે.

તમારા યુવા સહ- કલાકારો સાથે તમારું સમીકરણ કેવું છે?

આ યુવાનો જોશીલા અને રોમાંચક છે. અમે અમારા સમયે જે હતા તેના કરતાં તેઓ વધુ આત્મવિશ્વાસુ અને જ્ઞાની છે. જોકે તેઓ વધુ પડતો આત્મવિશ્વાસ અને વધુ મહત્ત્વાકાંક્ષી છે તે મને ચિંતા કરાવે છે, કારણ કે તેઓ ઘણું બધું કરવા અધીરા હોય છે. આમ છતાં આ બાળકો બહુ સારા છે અને કામ પણ સારું કરી રહ્યા છે. તેઓ મને પણ યુવા હોવાનો અહેસાસ કરાવે છે અને તેથી મને તેમનો હિસ્સો બનવાનું ગમે છે. હું સેટ પર બધું જ જોઈ ચૂકેલા સિનિયર અભિનેતા તરીકે બેસી રહેવા માગતો નથી. મને તેમની સાથે મોજમસ્તી કરવાનું ગમે છે. આ રીતે હું તેમની જોડે સંપર્ક જાળવી રાખું છું, જે અમારી આગામી ફિલ્મમાં હું જરૂર લાભ લઈશ. યુનિટમાં આ લોકોને જોઉં છું ત્યારે દિગ્દર્શક તરીકે વૃદ્ધિ કરવામાં મને મદદ મળે છે.

 

  મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment