મિલિંદ સોમણ એક ફેમસ મોડલ અને બોલિવૂડ અભિનેતા છે. સાથે જ લોકોમાં ફિટનેસ માટે અવેરનેસ લાવવા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. તેમને આર્યન મેન અને અલ્ટ્રાથોનનું આલ્ફામેનનું બિરુદ પણ પ્રાપ્ત થયેલ છે. હાલમાં મિલિંદ ફોર મોર શોટ્સ પ્લીઝ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. તે એક્ટિંગ અને મોડલિંગની સાથે દેશમાં ફિટનેસ અવેરનેસ પર પણ કાર્ય કરી રહ્યા છે. જેને લઇને મેરેથોન દોડનું આયોજન કરતા રહે છે. હાલમાં જ તેમની સાથે થયેલી રૂબરૂ વાતચિત…

તમે જ્યારે દોડાની શરૂઆત કરી ત્યારે તેની પાછળનો હેતુ શો હતો?

જાગૃતિ માટે. આપણા દેશમાં લોકોને કોઇ બાબત માટે જાગૃત કરવા હોય તો તે માટે કોઇએ કંઇ શરૂઆત કરવી જોઇએ. મેં જે શરૂઆત કરી કેન્સર- બ્રેસ્ટ કેન્સર અંગે અવેરનેસ લાવવા માટે કરી. વાસ્તવમાં, મારી એક મિત્રે બ્રેસ્ટ કેન્સર થયું હતું. એ અત્યારે સર્વાઇવ થઇ ગઇ છે, પણ એની ઇચ્છા હતી કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. એને થતું હતું કે હું કેવી રીતે બોલું, લોકોને કઇ રીતે જણાવું? એણે મને વાત કરી અને મને સાથ આપવાનું જણાવ્યું અને મને લાગ્યું કે આ કામ કરવા જેવું છે. મેં લોકોમાં બ્રેસ્ટ કેન્સર માટે જાગૃતિ આવે તે માટે શરૂઆત કરી. તમે જો દોડનારા લોકો પ્રત્યે ધ્યાન આપ્યું હશે, તો તમને ખ્યાલ આવશે કે આપણા દેશમાં સૌથી વધુ લોકો મેરેથોનમાં દોડે છે. આપણા દેશમાં દોડનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકાની વાત કરું તો આજે ત્યાં 30 લાખ લોકો દોડે છે. જે ત્યાંની વસ્તીના દસ ટકા છે. આપણે ત્યાં એટલી બધી સંખ્યા તો નથી, છતાં હવે રનિંગ કોમ્યુનિટીની સંખ્યા વધી રહી છે. મેં દોડવાનું શરૂ કર્યું અને પછી તો મને આદત પડી ગઇ. હું આજે પણ દોડું છું. અડધો કલાક રોજ દોડું છું.

ફિટ રહેવા માટે શું કરવું જોઇએ?

ફિટ રહેવા માટેની વાત કરું તો, હું ટ્રેનર કે કોચ નથી, છતાં એટલું કહીશ કે જ્યારે લોકો દોડવાનું શરૂ કરે છે અથવા કોઇ પણ કામ કરવા ઇચ્છે છે ત્યારે તેની શરૂઆત કરે છે અને જ્યારે બીજા લોકો તેમને જુએ છે, ત્યારે તેઓ તેમનાથી પ્રેરાય છે. જો આપણા દેશના દરેક નાગરિક માત્ર પોતાના જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તો આપણા દેશની ઉત્પાદકતા સો ગણી, બસો ગણી પાંચસો ગણી વધશે. હોસ્પિટલ્સમાં ઘટાડો થશે, ડોક્ટર્સની વધારે જરૂર નહીં પડે. આખા વર્ષમાં આપણે વીસ-ત્રીસ દિવસ તો બીમાર થઇએ જ છીએ. શરદી-તાવ કંઇ પણ હોય, એ ઘટી જશે કેમ કે એક વાર તમે સ્વાસ્થ્યની સંભાળ લેવાનું શરૂ કરો છો. તમે જ કહો, પહેલાના જમાનામાં આવું ક્યાં કંઇ થતું હતું. આજે આપણે ટેક્નોલોજી પર એટલા આધારિત થઇ ગયા છીએ કે આપણે ઘણું ગુમાવીએ છીએ. આપણે જે કરવાનું હોય છે, તે નથી કરી શકતા. પહેલાં આપણે અનેક ફોન નંબર મનમાં યાદ રાખી શકતા હતા. અત્યારે કોઇને પૂછો, એક પણ ફોન નંબર યાદ નથી રહેતો.

ફિટનેસ માટે શું કહેવું છે?

ફિટનેસ માટે તમે કેટલું દોડો છો એ મહત્વનું નથી. મારા મતે ફિટનેસનો અર્થ એ છે કે જીવનમાં જે પણ કરી શકીએ છીએ તે પોઝિટિવ છે કે નહીં તે જરૂરી છે. જેનાથી આપણને પણ લાભ થાય અને અન્યને પણ લાભ થાય. હું નિયમિત જીમમાં જતો નથી. એવું લાગે કે મારી પાસે સમય છે અને જિમ નજીકમાં જ છે, તો હું જાઉં છું, પણ રૂટિન નથી. ડાયેટ પણ મેં ક્યારેય ફોલો નથી કર્યો. કઇ વસ્તુ કેટલી ખાવી જોઇએ મેં એના પર ધ્યાન રાખ્યું છે. ઘણી વાર આપણને નવું ખાવાનો શોખ હોય છે, પણ આ શોખ પર નિયંત્રણ રાખવું જોઇએ. હું દિવસમાં ત્રણ મિનિટ એક્સરસાઇઝ કરું છું. એટલો સમય તો સૌની પાસે હોય છે. હું ત્રણ મિનિટથી વધારે એક્સરસાઇઝ નથી કરતો. ત્રણ મિનિટમાં હું પ્લાઇંગ કરું છું, એક મિનિટમાં પ્લાઇંગ કરું છું. બીજી મિનિટમાં પુશઅપ્સ કરું છું. જેટલા મારાથી થઇ શકે એટલા હું એક મિનિટમાં 65 પુશઅપ્સ કરું છું અને ત્રીજી મિનિટમાં બર્કિશ. આમ ત્રણ મિનિટમાં તમે ઘણી પ્રગતિ કરી શકો છો.

રનિંગમાં તમે શું કરો છો?  

રનિંગ હું એટલે કરું છું કેમ કે મને દોડવાનું ગમે છે. હું એક્સરસાઇઝ માટે દોડતો નથી. જ્યારે મને જેટલો સમય મળે છે એટલું દોડું છું, ક્યારેક મને અડધો કલાક મળે તો અડધો કલાક દોડું છું. બે કલાક મળે તો બે કલાક દોડું છું. ગયા સ્વતંત્રતા દિવસે મેં 73 કિલોમીટર રનિંગ કર્યું હતું. એ મને ગમે છે એ મારો શોખ છે. એમાં પણ મેં કહ્યું એમ શોખ પર પણ નિયંત્રણ હોવું જોઇએ. જેમ કે ઘણા લોકો ખૂબ જ એક્સરસાઇઝ કરે છે. તે ઘણી વાર સ્વાસ્થ્ય માટે સારી નથી. બેલેન્સ રાખવું જરૂરી છે. કેટલી એક્સરસાઇઝ હેલ્થ માટે સારી છે, તે મુજબ કરવી જોઇએ. તમારું જો કોઇ ગોલ હોય તો તમે એક્સરસાઇઝ કરી શકો છો, પણ જો તમે નોર્મલ એક્સરસાઇઝ કરતાં હો, ફિટનેસ જાળવવા માટે તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે.

તમે કોઇ સપ્લિમેન્ટ્સ લો છો?  

ના, ક્યારેય નહીં. કોઇ સપ્લિમેન્ટ્સ નથી લેતો.

આજકાલની જનરેશન થોડા મહિના કસરત કરે છે, પણ પછી નિયમિત નથી રહેતા. તો એ માટે તમે શું કહેશો?

હું એ જ કહીશ કે તમે સ્વસ્થ અને ફિટ રહેવા ઇચ્છો છો, તો નિયમિતતા ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ શરૂ કર્યાં પછી શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ બ્રેક લેવો સારો નથી. માનસિક સ્વસ્થતા સૌથી વધુ મહત્વની છે. આપણા શરીરમાં આપણું મન નબળી બાબત છે. કેમ કે આપણા મનમાં નિયમિતતા નથી. આપણું શરીર તો કંઇ પણ કરી શકે છે, પણ મન પાસે જે ધાર્યું હોય તે તમારે કરવું જોઇએ. મન પર તમારું નિયંત્રણ હોવું જોઇએ. જો તમારા મનમાં ઇચ્છા હોય તો આપણું શરીર કંઇ પણ કરી શકે છે, પણ જો મન જ નહીં ઇચ્છે તો તમે જીવનમાં શું કરી શકશો. આથી શિસ્ત અને મેન્ટલ ફિટનેસ હોવા ખૂબ જરૂરી છે. તમે મેન્ટલી ફિટ હશો તો ફિઝિકલી ફિટ રહેવાના જ છો. મન જાણે છે કે શરીરને ફિટ રાખવું જરૂરી છે. હું મારી જ વાત કરું. હું સત્તરેક વર્ષ પહેલાં સિગારેટ પીતો હતો. છ-સાત વર્ષ ખૂબ સિગારેટ ફૂંકતો હતો. પણ તે આપોઆપ છૂટી ગઇ. કઇ રીતે તેનો મને પણ ખ્યાલ નથી.

તમે આયર્નમેન કહેવાવ છો?

હા, મેં આયર્નમેન કર્યું છે, આલ્ફામેન કર્યું છે. દિલ્હીથી મુંબઇ દોડ્યો છું. અમદાવાદ-મુંબઇ દોડ્યો છું. એ હું ત્રણ વાર દોડ્યો છું. હજી મારે ઘણી બાબતો કરવાની બાકી છે.

રનિંગ કરવાથી તમારામાં શું ફરક જણાયો?

મેં પાંત્રીસ વર્ષની વયે રનિંગની શરૂઆત કરી હતી. અત્યારે તે વાતને સત્તર વર્ષ થયા. આ ઉંમરે આવું કરવું જરૂરી નથી. મારી માતા એંસી વર્ષની વયે પણ દોડે છે. ગયા વર્ષે પણ એ એકસો પચાસ કિલોમીડર દોડી હતી. એંસી વર્ષે પણ એ આમ કરી શકે છે.

અલ્ટ્રામેનિક ટ્રાન્સફર્મ હોય છે તે શું છે?  

અલ્ટ્રામેનિક ટ્રાન્સફર્મમાં એનું અંતર છે. દસ કિલોમીટર સ્વિમિંગ, ચારસો ત્રીસ કિલોમીટર સાઇક્લિંગ અને ચોર્યાસી કિલોમીટર રનિંગ. આ ત્રણ દિવસમાં કરવાનું હોય છે. હમણાં મેં તે કર્યું. પાછો આવ્યો ત્યારે લોકોએ કહ્યું અરે વાહ, તમે અલ્ટ્રામેન કર્યું. કઇ રીતે કર્યું. આયર્નમેન વર્ષમાં દોઢ લાખ લોકો કરે છે. અલ્ટ્રામેન નેવું લોકો કરે છે. વર્ષમાં દોઢ લાખ લોકો આયર્નમેન બને છે. અલ્ટ્રામેન વિશે લોકો વિચારી પણ શકતા નથી. મારા પહેલાં જે માણસે અલ્ટ્રામેન કર્યું, ત્યારે એ માણસ સડસઠ વર્ષનો હતો અને તેથી પણ વિશેષ એનો એક પગ નહોતો, છતાં એણે અલ્ટ્રામેન કર્યું. જો એ આ ઉંમરે આ સ્થિતિમાં કરી શકે તો તમે તો પિસ્તાલીસ વર્ષના છો, તમે કેમ ન કરી શકો. લોકો ક્યારેય પોતાની ક્ષમતા અંગે કલ્પના જ નથી કરતા.

તમારા ફેન્સને કોઇ ટિપ્સ આપશો?

મારે એક જ ટિપ આપવાની છે કે તમે જે કંઇ પણ કરતાં હો તે ધીરેથી શરૂ કરો. એમાં કૂદી પડવાની જરૂર નથી. પહેલાં એક કિ.મી. કરો, પછી બે પછી પાંચ. એમ ધીરે ધીરે વધારો. મારી વાત કરું તો હું ખુલ્લા પગે દોડું છું. હું ક્યારેય શૂઝ નથી પહેરતો. પહેલાં સાત-આઠ વર્ષ હું શૂઝ પહેરીને દોડતો હતો, પણ પછી ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું. એક કિ.મી. દોડ્યો અને મને ઘણું સારું લાગ્યું. પહેલાં 2011માં હું અમદાવાદથી મુંબઇ દોડ્યો હતો, છતાં મેરેથોન કરવામાં મને દોઢ વર્ષ લાગ્યું., એક બાબત છે કે કંઇ પણ શીખ્યા વિના જોખમ ન લેવું જોઇએ. શરીર એક વાર તૈયાર થવું જોઇએ. સ્નાયુઓ ઝડપથી તૈયાર થતા નથી. એના માટે ખૂબ ધીરજ રાખવી જોઇએ। એટલા ઝડપથી ન દોડો કે હાંફી જાવ.

તમે ખુલ્લા પગે દોડો છો, તો અત્યારે તમે મેરેથોન કે રનિંગ કરો છો, તે ખુલ્લા પગે જ કરો છો?

હા, છેલ્લા નવેક વર્ષથી મેં શૂઝ પહેરવાનું છોડી દીધું છે. જે સ્થળે તાપમાન એકદમ ઓછું હોય તો શૂઝ પહેરું છું.

Loading

Spread the love

Leave a Comment