લગ્ન બે વ્યક્તિના મનથી જોડાયેલો સંબંધ છે, પણ જ્યારે મન પહેલા કોઇની સાથે મળી ગયું હોય અને પછી જીવન કોઇ બીજાની સાથે જીવવાની સ્થિતી ઊભી થાય ત્યારે ખૂબ કઠીન પરિસ્થિતી ઊભી થતી હોય છે. મોટાભાગે યુવતીઓ સાથે આ બાબત વધારે પ્રમાણમાં બનતી જોવા મળે છે. મન ક્યાંક બીજે મળેલું હોય અને લગ્ન કોઇ બીજા સાથે થઇ જતા હોય. તેવામાં મનને મજબૂત તો કરવું જ પડે છે પણ સાથે જ,  જે વ્યક્તિ સાથે હવે જીવન જીવવાનું છે, તેની સાથે કઇ રીતે ધીમે ધીમે જીવન વિતાવવું અને પ્રેમથી આ સંબંધને જોડી રાખવો તે પણ યુવતીના હાથની વાત છે.

નવપરિણીતા વિચારતી હોય છે કે પ્રેમી વધુ પ્રેમ કરે છે. આ વિચાર આધાર વિનાનો છે. પ્રેમી મોટાભાગે પ્રેમિકાનો પ્રેમ, વિશ્વાસ અને તન મેળવવાની ઈચ્છા રાખતો હોય છે અને જાતજાતની પ્રેમની વાતો કરે છે. જેમાં શારીરિક સંબંધ લગ્ન પહેલાં થઈ ગયો હોય છે તેને કાયમ રાખવા માટે ભાવુક વાતો કરે છે. જેને કારણે પ્રેમિકા લાગણીમાં આવી તાબે થઈ જાય છે. લગ્ન પછી પણ પ્રેમી સાથે પ્રેમ જાળવી રાખવો એમાં ખતરો હોય છે. કહેવત છે ને કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે.’ એ કદી છૂપું રહેતું નથી. જો આની સહેજ ગંધ સાસરામાં અથવા પતિને આવશે તો કુટુંબ તૂડી પડવાની શક્યતા રહે છે. સાથોસાથ તમારાં માબાપની સ્થિતિ શરમજનક બની રહેશે.

પ્રેમી-પ્રેમિકા થોડા સમય માટે મળે છે અને એ ક્ષણો અમર અને ખુશહાલ બનાવવા માટે પ્રયાસ કરે છે. એકબીજા સામે સારા બતાવવાની હોડ ચાલે છે. એટલે એવું વિચારવું કે પ્રેમી પતિથી સારો હોય છે એ વાતમાં દમ નથી કારણ કે પતિ સમક્ષ તમે ખુલ્લી કિતાબ જેવાં છો તથા તમારી પ્રત્યેક ગતિ વિધિ અને ઊણપની તેને જાણ છે. પરિણામે બંનેમાં અંતર તો હશે જ એટલે પતિના વ્યવહારથી પરેશાન થવાની જરૂર નથી. પતિ પાસે એટલો સમય પણ નથી હોતો કે તે તમારી સામે બેસીને મધુર વાતો કરે અથવા તમારા વાળમાં આંગળી ફેરવી ચાંદતારાની વાત કરે. દરેક પળનો સાથી પતિ જ છે, તો આ વાતને મનમાં બાંધી લેવી જોઇએ. તે તમારી સાથે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક જીવન જીવે છે. જીવનના સુખદુખમાં તે તમારી સાથે હશે, જ્યારે પ્રેમી તમને મુશ્કેલીમાં મૂકીને ભાગી પણ શકે છે.

સુખી દામ્પત્ય માટે પ્રેમની આપ-લે અને પ્રદર્શન જરૂરી બની ગયું છે. પતિ જો પત્નીની ભાવના અને આનંદને સમજે છે અને પ્રેમ દર્શાવે છે તો આ દામ્પત્ય સંબંધ પ્રેમમય, ઉષ્માભર્યો અને સરસતાથી ભરાઈ જશે અને પત્ની જાતે પતિમાં પોતાના પ્રેમીને મેળવી લેશે. પત્નીઓ હંમેશાં પ્રેમ અને ભાવનાઓને શારીરિક સંબંધો કરતાં વધુ મહત્વ આપે છે.

તુલના કરનારી પત્ની માટે એ અગત્યનું છે કે જે ટેવ, વ્યવહાર વગેરે પ્રેમીમાં પસંદ કરે છે તે તેણે જાતે સંયમ અને પ્રેમપૂર્વક પતિમાં જગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રેમી પાછળ ભાગવું જોઈએ નહીં. જો પ્રેમી પરિણીત હોય છે તો તેના સંસાર પર સંકટ આવી પડે તેવી શક્યતા રહે છે.  શારીરિક સુખ અને સંતોષનો સીધો સંબંધ મન અને સંવેદના સાથે હોય છે. જો તમે કોઈને મનથી ચાહો છો તો તેની ખામીને દૂર કરવાનો પ્રયાસ કરો. તેને જાગૃત કરી તમારા મનને અનુકૂળ બનાવો. આ તમારો અંગત મામલો છે. તેની સાથે ભરપૂર સુખનો અનુભવ કરો. એ જ તમારી તૃપ્તિ અને સંતોષનું કારણ બનશે.

નવા સંબંધીઓનું સન્માન કરતા શીખવું જોઇએ. જ્યાં સુધી પતિ દ્વારા પત્નીના સંબંધીઓને સન્માન આપવાની વાત છે તો તે વિશે પતિને પ્રેમથી સમજાવશો કે લગ્ન એ બે કુટુંબનું મિલન છે. એમને સમજાવો કે જે રીતે હું તમારાં માતાપિતા અને સંબંધીઓને સન્માન આપું છું, પોતાના ગણી સત્કાર કરું છું તો તમે પણ મારા સંબંધીઓને યોગ્ય સત્કાર કરી પ્રેમ આપો. કામની સાથે પતિની એ ફરજ છે કે તે પણ ઘરે પત્નીને સાથસહકાર આપે. જો મમ્મી અને પત્ની વચ્ચે ખેંચાતાણી ચાલતી હોય તો પતિએ બંનેને શાંતિથી સમજાવવા જોઈએ. પત્ની તમારી અર્ધાંગિની બની ચૂકી છે એટલે ઘરનાં મહત્વના નિર્ણયોમાં મમ્મી સાથે તેની પણ સલાહ પતિએ લેવી જોઈએ. જો પતિ કોઈ ગેરસમજના દબાણમાં હોય તો પત્નીએ વસ્તુસ્થિતિ સમજીને ક્લેશ ન કરતાં ક્લેશને રોકી દેવો જોઈએ.

તેથી લગ્નની સફળતા અને દામ્પત્ય સુખની પરિકલ્પના ત્યારે જ પૂરી થઈ શકે છે જ્યારે પત્ની ભૂતકાળને ભુલી પૂર્ણરૂપે પતિને સમર્પિત રહે. પોતાના અસ્મિતા, વિવેક, સહચાર અને મર્યાદાને ધ્યાનમાં રાખી પતિને માત્ર તનથી નહીં પરંતુ મનથી પણ સમર્પિત રહે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment