ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંદીપ પટેલનું નામ લેતા જ નજર સમક્ષ શ્રેષ્ઠ ડિરેક્ટરનું એક ઉદાહરણ ખડુ થઇ જાય છે. એક દાયકાના સમય બાદ ફરીથી તેઓ એક ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યા છે, જેનું નામ ‘લવની ભવાઇ’ છે. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સફળ અને લોકપ્રિય એવા ચહેરાઓને આપણે જોઇ શકીશું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઇ સંપૂર્ણ કલાકાર કહી શકાય તો તે પ્રતિક ગાંધી છે. જે આ ફિલ્મમાં જોવા મળશે. સાથે જ ગુજરાતી દર્શકો અને ખાસ કરીને યુવાવર્ગનો ચહીતો મલ્હાર ઠાકર પણ આ ફિલ્મમાં છે. તેથી કહીશ શકાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સંદીપ પટેલ એક નવો જ વળાંક લઇને આવી રહ્યા છે. સાથે જ સચીન-જીગરનું સંગીત આકર્ષણ ઊભુ કરી રહ્યું છે. ફિલ્મ માટેની કેટલીક બાબતો નોંધનીય છે. પહેલું કે તેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બે લોકપ્રિય અને ટેલેન્ટેડ ચહેરાઓ પ્રતિક ગાંધી અને મલ્હાર ઠાકરને પોતાની ફિલ્મ લવની ભવાઇમાં સાથે લીધા છે. બીજુ કે પ્રણય ત્રિકોણ પરની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. જેની વાર્તા આજના યુવાનોને જકડીને રાખે તે પ્રકારની છે. ત્રીજુ કે સંદીપ પટેલ વર્ષો પછી ફરીથી ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે.
સંદીપ પટેલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમણે નાટકમાં નાના રોલ ભજવવાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સ્ટેજ પર આર્ટીસ્ટ તરીકે થોડો સમય કામ કર્યા બાદ તેમણે એક શોર્ટ ફિલ્મ ‘આશ્રિત’ બનાવી. તે પછી ધારાવાહિકો બનાવવા પાછળ વળ્યા. તેથી જ તો ગુજરાતી ધારાવાહીક ‘મોટી બા’, ‘ગોરસ’, ‘સગપણ એક ઊખાણુ’ અને ‘નિહારીકા’ ની સફળતા તેમને ફાળે જાય છે. 1999માં તેમણે વર્ષા અડાલજાની એક નવલકથા પરથી ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ નામની ફિલ્મ બનાવી હતી. 2005માં તેમણે ‘ગગો કે દાડાનો પૈણું પૈણું’ કરતો નામની ફિલ્મ બનાવી હતી.
અર્બન ગુજરાતી ફિલ્મોમાં તેમની આ પ્રથમ ફિલ્મ છે તેમ કહીયે તો જરાપણ ખોટું નથી. જોકે હું તો માનું છું કે ફિલ્મો ક્યારેય ગામડાની કે શહેરની, ગુજરાતી કે અર્બન ગુજરાતી હોતી નથી. વ્યક્તિ જ સમય અને સ્થળ પ્રમાણે બદલાતા હોય છે. તો ચાલો જાણીયે કે એક દાયકા પછી સંદીપજી આપણને તેમની ફિલ્મ દ્વારા અર્બન દર્શકોને શું નવું આપવા જઇ રહ્યા છે.
‘લવની ભવાઇ’ ફિલ્મનો વિષય કઇ રીતે મળ્યો. ફિલ્મ વિશે થોડું જણાવો.
આજના સમયના લોકો યંગસ્ટર્સને ખૂબ અલગ રીતે જોતા હોય છે. અત્યારના છોકરાઓ વિશે લોકો એવું માને છે કે તેમને ખૂબ ઝડપથી પ્રેમ થઇ જાય છે, ઝડપથી તેઓ છૂટા પણ પડી જાય છે. અત્યારનો યુવાવર્ગ ખૂબ જ ફોરવર્ડ છે, તેવું લોકો માનતા થઇ ગયા છે. પણ આજનો કોઇપણ યુવાન કે યુવતી કોઇ એક રિલેશનશીપમાં બંધાય તો તેમાંથી છૂટા પડતા તેમને સહજ જેટલું દુખ તો થતું જ હોય છે. તેમને તકલીફ થતી હોય છે. આ બધા કારણો સુધી પહોંચવાનો પ્રયત્ન કોઇ કરતું જ નથી. મારે બહારની લાગણીઓને જ દર્શાવે તે પ્રકારની કોઇ લવસ્ટોરી ફિલ્મ બનાવવી નહોતી.
આ ફિલ્મ પ્રણય ત્રિકોણ છે, અને ફિલ્મની વાર્તા પ્રમાણે ત્રણ એવા પાત્રોની પસંદગી કરી છે, જે એકબીજાથી એકદમ અલગ હોય. એક લોકપ્રિય આર.જે છે, પગભર બનેલી યુવતી છે. એક એન્જિનિયર યુવક છે. જે પોળમાં રહેતો હોય છે. ડાઉન ટુ અર્થ મિડલક્લાસ યુવક છે. બીજો યુવક એન્ટરપ્રેન્યોર છે. રીચ છે. સફળ બિઝનેસમેન છે. આ ત્રણ અલગ ફિલ્ડના છે અને કઇ રીતે આ ફિલ્મની વાર્તામાં ભેગા થાય છે, તેમની વચ્ચે ક્યા પ્રકારના તાણાવાણા લાગ્યા તે મુખ્ય વાર્તા છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સફળ કલાકારોને તમે સાથે લઇને આવી રહ્યા છો. તો કઇ રીતે તેમની પસંદગી કરી અને બંને સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.
બંને સાથે કામ કરવાનું ખૂબ જ સરળ રહ્યું, કારણકે બંને સ્ક્રિપ્ટ પસંદ કરવામાં ખૂબ જ ચૂઝી વ્યક્તિ છે. હું તે બંનેને અલગ અલગ મળ્યો હતો. પહેલા મલ્હારને મળ્યો હતો કારણકે સાગરનું જે પાત્ર છે, તે મલ્હાર જ કરી શકે તેમ હતો. જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હતી ત્યારે આ પાત્ર માટે મલ્હાર જ યોગ્ય લાગ્યો હતો. એક ફિલ્મમેકર્સની આ પ્રોસેસ છે. મલ્હારને તે રોલ સંભળાવ્યો અને તેણે હા પાડી. તે વખતે તેને કહ્યું કે, આ ફિલ્મમાં બીજો હિરો પણ છે. આ સિંગલ હિરોવાળી ફિલ્મ નથી. તે વખતે તેણે આદિત્યનો રોલ પણ મહત્વનો છે, તેવું કહ્યું હતું. પ્રતિકને આ ફિલ્મ માટે બોમ્બેથી અહીં બોલાવ્યા હતા. તે પણ સ્ક્રિપ્ટની બાબતમાં રોલ પસંદગીમાં ખૂબ જ ચૂઝી છે. સારી વાર્તા ન હોય તો તરત જ ના પાડી દેતા હોય છે.
હું પહેલીવાર જ ફિલ્મ બનાવી રહ્યો છું તે રીતે બધાને મળી રહ્યો હતો. પ્રતિકને પણ સ્ટોરી અને તેમનું આદિત્યનું પાત્ર ખૂબ ગમ્યું. તે સાથે સચીન-જીગર પણ આ ફિલ્મમાં જોડાયા. મારે જેટલા સાથે પણ કામ કરવાનું હતું તે દરેક વાર્તા, નરેશન સાંભળે પછી જ નક્કી કરતા હોય તેવા અને ખાસ પસંદગી ધરાવતા લોકો હતા. બંને મોટા એક્ટર્સ, લોકપ્રિયતા મેળવી રહેલા કલાકારો, જે આજની જનરેશનના આઇડલ છે અને સારી ટીમ મારી સાથે હતી તેનો ખૂબ જ આનંદ હતો. આ તમામ પ્રોસેસમાંથી પસાર થઇને એક ફિલ્મ લઇને આવ્યો છું. તેનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે. હવે દર્શકોનો પ્રતિસાદ પણ સારો મળી રહે તેવી આશા છે.
બોલિવૂડમાં સૂરજ બડજાત્યા એક દાયકા પછી પ્રેમ રતન ધન પાયો લાવ્યા અને તમે ‘લવની ભવાઇ’ લઇને આવી રહ્યા છો. કેટલી સફળતાની આશા હોય તેવું લાગે છે.
સૂરજજી મારા ખૂબ પસંદગીના ફિલ્મ મેકર્સમાના એક છે. તેમની ફિલ્મોમાં એક લાગણીનો ભાવ તમને ખાસ જોવા મળશે જે મારી આ ફિલ્મમાં પણ છે. એક પારીવારીક ફિલ્મ તેઓ બનાવે છે અને મારી ફિલ્મમાં પણ પરીવાર સાથેની વાત તમે જોઇ શકશો. જોકે મારી ફિલ્મ લવસ્ટોરી પર આધારીત છે. હું મારા માટે એમ કહી શકું કે બાર વર્ષે બાવો બોલ્યો જેવું મારી સાથે થયું છે. મેં મારી છેલ્લી ફિલ્મ 2005માં ગગો કે દાડાનું પૈણું પૈણું કરતો હતો બનાવી હતી. જોકે તે વખતનો દર્શક વર્ગ જૂદો જ હતો. હવેનો જૂદો છે. જોકે તેની પણ મજા છે. અત્યારના જનરેશનની સાથે, ટેક્નિશિયન્સની સાથે કામ કરવાનો ઉત્સાહ અલગ છે.
તમે પોતે ઘણા વર્ષોથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, તો કેવો ફેરફાર જોયો છે અને હજી કેટલો સુધારો કરવાની જરૂર લાગે છે.
ઘણીબધી સારી ફિલ્મ બનશે અને ઘણાબધા સારા ફિલ્મમેકર્સ આવી રહ્યા છે. જે ફિલ્મો બની રહી છે, તેમાં લોકો સારી ફિલ્મ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોઇનાથી સારી ફિલ્મ ન બની શકી હોય કે કંઇક ભૂલ થઇ હોય પણ તેનો પ્રયત્ન તો સારી ફિલ્મ બનાવવાનો જ રહ્યો હોય છે. તો થોડી ધીરજ રાખીશુ તો ઘણા એવા ફિલ્મમેકર્સ છે, જે ઘણી સારી ફિલ્મો લઇને આવી રહ્યા છે. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારી ફેમીલી છે, તેથી મને તેનો આનંદ જ છે. આવતા બે ચાર વર્ષોમાં તો ખૂબ સારી ફિલ્મો બનીને આવી રહી છે.
અનુભવી વ્યક્તિ ફિલ્મ બનાવે અને નવો નિશાળીયો ફિલ્મ બનાવે તેમાં ફરક હોય તેવું માનો છો.
જ્યારે કોઇ એક વાર્તા હાથમાં આવે ત્યારે ગમે તેટલો અનુભવ હોય તો પણ ફિલ્મ મેકર્સ માટે તે નવી જ બાબત હોય છે. તે તેના માટે પહેલેથી જ શરૂઆત હોય છે. નવા હોય કે અનુભવી ફિલ્મ મેકર્સ હોય ફિલ્મમાં સારી કે ખરાબ વસ્તુ જ બનતી હોય છે. ઘણીવાર કોઇ સ્ક્રિપ્ટ ખરાબ હોય અને ફિલ્મ બની જતી હોય છે. મૂળમાં તો સ્ક્રિપ્ટ ઉપર કામ થવું જોઇએ તેવું મારું માનવું છે. જે હાલની પરિસ્થિતીમાં ઘણુ ઓછું થતું જોવા મળી રહ્યું છે.
એક આર. જે. ની દુનિયા કે જેને લોકોએ ફક્ત સાંભળી જ છે, તેને પડદા પર લાવવાનો વિચાર અને અનુભવ કેવો રહ્યો.
સ્ટુડીયોમાં કામ કરવાની ખૂબ જ મજા પડી. આર.જે.ની લાઇફને લખવા માટે મિતાલી અને નેહલે ખૂબ મહેનત કરી. બંને રેડીયો સાથે સંકળાયેલા લોકો છે. આર.જેની દુનિયા, સેલિબ્રીટી તરીકેની ઇમેજ, તેમની જવાબદારીની વાત આ ફિલ્મમાં કહી છે. કેવી રીતે તે આ લવ ટ્રાઇંગલમાં આવી જાય છે તે વાત છે. તે જોવાની લોકોને ખૂબ મજા આવશે.
તમે ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છો. આરતીજી પ્રોડ્યુસર છે અને આરોહી એક્ટીંગ કરી રહી છે. ઘર જેવું વાતાવરણ સેટ પર જોવા મળ્યું હતું.
ના, જરાય નહીં. મારું તો આખુ ફેમીલી પહેલેથી જ નાટકો અને ફિલ્મો સાથે જ સંકળાયેલું રહ્યું છે. તેથી અમારે ત્યાં આ બાબત ખૂબ કોમન રહી છે. સેટ ઉપર જ્યારે હોઉં ત્યારે બધા જ મારા ફેમીલી જેવા બની જતા હોય છે. વળી, આરતી તો ખૂબ સ્ટ્રીક્ટ પ્રોડ્યુસર છે. આરોહી કામ પૂરતી જ વાત કરે તેવી છે. તેના વતી કદાચ મલ્હાર કે પ્રતીક મને પ્રશ્નો પૂછતા હતા તેવું રહેતું. ફક્ત કામ પૂરતી જ વાત થતી.
એક ડિરેક્ટર તરીકે અને એક પિતા તરીકે આરોહી માટે શું કહેવા માગશો.
પિતા તરીકે ખૂબ આનંદ થાય છે કે તે તેની બીજી ગુજરાતી ફિલ્મ કરી રહી છે. એક ડિરેક્ટર તરીકે કહીશ કે, તેની જે નેચરલ પરર્ફોમન્સ કરવાની શક્તિ છે તેને તેણે ઓળખવી પડશે. તેણે તે ઓળખીને સમજવું પડશે કે તે મહેનત કરે તો ખૂબ સારી કલાકારા બનશે. તેનામાં શક્તિઓ છે, તે તેણે ઓળખવી પડશે.
મેધા પંડ્યા ભટ્ટ