આજકાલ અક્ષયકુમાર જે ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે, તેમાંની મોટા ભાગની સામાજિક-રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલી હોય છે. એમની ફિલ્મોમાં દેશ કે સમાજ સાથે સંકળાયેલો કોઇ મહત્વનો મુદ્દો અવશ્ય હોય છે. આ વખતે એમની ફિલ્મ `કેસરી દ્વારા એ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપી રહ્યા છે, જે આજના વાતાવરણના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ફિલ્મોમાં ભારતીય સૈનિકોની શૌર્યગાથા દર્શાવવામાં આવી છે, જે બતાવે છે કે જો જોશ અને હિંમત હોય તો દુશ્મનની સેનામાં હજારો સૈનિકોની સંખ્યા કેમ ન હોય, તેમને પરાસ્ત કરી શકાય છે. પોતાની દરેક ફિલ્મમાં એક નવો વિષય, નવા જ પ્રકારની વાર્તા લઇને સ્ક્રીન પર જોવા મળતા અક્ષયકુમારની ફિલ્મ `કેસરી એકદમ અલગ પ્રકારની ફિલ્મ છે. અનુરાગ સિંહે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મ અઢારમી સદીના અંતમાં થયેલા પ્રખ્યાત સારાગઢી યુદ્ધ પર આધારિત છે, જેમાં ભરપૂર દેશભક્તિ વ્યક્ત થાય છે. ફિલ્મ `કેસરી સંબંધિત સવાલો અંગે

ફિલ્મની વાર્તા, લાક્ષણિકતાઓ અને તેમાં પોતાના પાત્ર વિશે અક્ષયકુમાર જણાવી રહ્યા છે.

— તમારી ફિલ્મ `કેસરી રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મની ખાસિયત શું છે?

ફિલ્મ `કેસરી બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે. આની મુખ્ય વાર્તા કઇ રીતે માત્ર એકવીસ શીખ સૈનિકોની રેજીમેન્ટ દસ હજાર અફઘાન સૈનિકોનો સામનો કરે છે તે અંગેની છે. ઘણા લોકોને એ વાતની જાણ નથી કે દુનિયામાં થયેલા સૌથી મોટા યુદ્ધોમાં સારાગઢીના આ યુદ્ધનો પણ સમાવેશ થાય છે. આથી મને તો લાગે છે કે આ ફિલ્મ સ્કૂલોમાં પણ દર્શાવવી જોઇએ, જેથી આપણા બાળકો આપણા ભારતીય ઇતિહાસની શૌર્યગાથા વિશે સારી રીતે જાણી શકે.

— આ ઐતિહાસિક કથાની કઇ બાબતથી તમે સૌથી વધારે પ્રભાવિત થયા?

આ યુદ્ધ 12 સપ્ટેમ્બર 1897ના રોજ સવારે સાડા નવ વાગ્યે શરૂ થયું હતું. જેમણે હુમલો કર્યો હતો, તેમનું અનુમાન એવું હતું કે અડધા કલાકમાં એટલે કે દસ વાગતાં સુધીમાં તો યુદ્ધનો અંત આવી જશે. જોકે આક્રમણ કરનારાઓ સાથે માત્ર એકવીસ ભારતીય સૈનિકોએ જબરદસ્ત યુદ્ધ કર્યું અને તે સાંજના સાડા છ વાગ્યા સુધી ચાલ્યું. દેશભક્તિનું જોશ જેમના મનમાં હશે, તેમના તો આ લડાઇની વાસ્તવિકતા જાણીને રુવાંડા ઊભા થઇ જશે. હા, મને પણ આની વાર્તાનો પહેલા ખ્યાલ નહોતો, પણ જ્યારે આની જાણ થઇ ત્યારે મેં આના પર ફિલ્મ નિર્માણનો નિર્ણય કરી લીધો.

— તમે ફિલ્મમાં ઇશર સિંહનું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર અદા કરવા માટે તમે કેવી અને કેટલી તૈયારી કરી?

મેં કહ્યું એમ, મને ફિલ્મના નિર્માણ પહેલાં આના વિશે વધારે જાણકારી નહોતી. આ યુદ્ધ વિશે ઇતિહાસમાં પણ ખાસ વધારે જાણકારી નથી. આથી નિર્દેશક અનુરાગ સિંહે તે સમયની વાતના આધારે જે કંઇ કહ્યું તે મુજબ તૈયારીઓ કરી. ઇશર સિંહ સાહસિક હતા, યુદ્ધમાં ત્રીસ કિલો વજનની તલવાર લઇને યુદ્ધ કરતા હતા. આથી મેં સ્વોર્ડ ફાઇટિંગની ટ્રેનિંગ લીધી. જોકે મારું માનવું છે કે જે વ્યક્તિ પોતાના માથા પર પાઘડી બાંધે છે, તેનામાં આપોઆપ એક પ્રકારની જવાબદારીનો અહેસાસ આવી જાય છે. જ્યારે યુદ્ધનું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે તીવ્ર ગરમીને કારણે ખૂબ મુશ્કેલી પડતી હતી. છતાં દરેક મુશ્કેલીનો સામનો કરીને અમે શૂટિંગ કર્યું.

— તમે પહેલી વાર પરિણીતિ ચોપરા સાથે ફિલ્મમાં અભિનય કર્યો છે. ફિલ્માં એનું પાત્ર કેવું છે? કો-સ્ટાર તરીકે એમની સાથે કામ કરવાનો તમને કેવો અનુભવ રહ્યો?

સંજોગોવશાત્ એવું બને છે કે મારી ફિલ્મોની હિરોઇને ભાગ્યે જ રિપીટ થાય છે, આવી સ્થિતિમાં દરેક આવનારી ફિલ્મમાં અલગ લીડિંગ હિરોઇન હોય છે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપરાએ મારી પત્નીની ભૂમિકા અદા કરી છે, એક એવી પત્ની જે પતિ માટે પ્રેરણારૂપ બને છે. પરિણીતિ સાથેનો અનુભવ ખૂબ સારો રહ્યો.

— તમને પાઘડી પહેરેલા જોઇને તમારા પરિવારનો પ્રતિભાવ કેવો હતો?  

મારી માતા મને પાઘડી પહેરેલો જોઇ ખૂબ ખુશ થયાં. અમે પંજાબી છીએ અને કોઇ પણ પંજાબી માટે સરદાર ઇશર સિંહનું પાત્ર અદા કરવાનું ગર્વની વાત છે. એમ તો મેં ફિલ્મ `સિંઘ ઇઝ કિંગમાં પણ સરદારનું પાત્ર ભજવ્યું છે, પણ આ વખતે મારી પુત્રી નિતારા મને પાઘડી પહેરેલો જોઇને આશ્ચર્યમાં ડૂબી ગઇ.

— થોડા દિવસ પહેલાં જ હોળીનો તહેવાર હતો. અક્ષયકુમાર માટે આ તહેવારનું કેટલું મહત્વ છે?

હોળીનો તહેવાર મને એક અલગ જ પ્રકારની ખુશી પ્રદાન કરે છે. હું છેલ્લા ત્રીસ વર્ષોથી મુંબઇમાં રહું છું, પણ હોળી વખતે જે મજા દિલ્હીમાં આવતી હતી, તે મુંબઇમાં નથી આવતી. દિલ્હીમાં તો દરેક ઘરમાં, દરેક મહોલ્લામાં હોળીના તહેવારની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલતી હતી. આજે જૂની દિલ્હીમાં કઇ રીતે હોળી ઉજવાય છે તે કહી શકું એમ નથી, પણ મારા નાનપણમાં હું ચાંદની ચોકમાં હોળીના રંગો જોઇને ખુશ થઇ જતો હતો. લોકોના ઘરમાં મીઠાઇઓ બનતી હતી. ફુગ્ગાઓમાં રંગીન પાણી ભરી અમે બધા બાળકો આવતાં-જતાં લોકો પર તે ફેંકતા હતા. હોલિકા દહનમાં પણ ખૂબ મજા આવતી હતી. લોકોના મનમાં રહેલી એકબીજા અંગેની ફરિયાદો, અંતર બધું દૂર થઇ જતું હતું. હોળી ઉજવવા તમામ ધર્મના લોકો સાથે આવતા હતા. આજે પણ હું દિલ્હીની હોળી મિસ કરું છું.

Loading

Spread the love

Leave a Comment