મોહન કપૂરનું નામ એન્કરીંગની દુનિયામાં સૌથી મોખરાનું છે. ટેલિવિઝનમાં પહેલા વહેલા સૌથી સફળ રહેલા સાપસીડી શોમાં એન્કર તરીકે નામના તેમણે મેળવી હતી. બોલિવૂડ અને ટેલિવૂડ બંને જગ્યાએ સતત સફળ રહેનાર મોહન કપૂરે ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક્ટીંગની દુનિયામાં પણ સફળતા મેળવશે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એડર્વટાઇઝીંગ કંપની દ્વારા કરી હતી. અચાનક એક્ટીંગની દુનિયામાં ઝંપલાવનાર મોહન કપૂર સાથે તેમના જીવન, સંઘર્ષ અને સફળતાની વાતો થઇ. મનમૂકીને વાત કરવાની અને વાત સાંભળવાની મજા મોહન કપૂર સાથે આવી.
સફળતાની સાચી વ્યાખ્યા તમારા મતે શું છે.
હું 1989માં સફળતાની શોધમાં નીકળ્યો અને મારા કરિયરની શરૂઆત મેં એડર્વટાઇઝીંગ કંપનીથી કરી. તે સમયે મારી સાથે ક્રિએટીવ કામ કરનાર મારી એક કલીગે મને બીજી કંપનીમાં શીફ્ટ કર્યો. તે કંપનીમાં એક વ્યક્તિએ મને એક ગેમ શો હોસ્ટ કરવાની ઓફર કરી. તે ઓફર સાપસિડી શો માટેની હતી. મારું નસીબ અને ઉપરવાળાની મહેરબાની હતી કે તે શો ખૂબ જ પોપ્યુલર થયો હતો. તેનું કારણ એ હતું કે તે સમયે આ પ્રકારનો બીજો કોઇ શો નહોતો. દુનિયામાં બીજો કોઇ શો એવો નહોતો એટલે ખૂબ નામના મળી હતી.
સફળ એન્કર બનવાનો અનુભવ કેવો રહ્યો હતો.
તે સમયે એન્કર તરીકે ફક્ત હું એક જ હતો. દૂરદર્શન એકમાત્ર જ હતું. સાપસીડી શો દ્વારા સેટેલાઇટ ટીવી ઝીટીવીનું આગમન કર્યું હતું. તે સમયે બે વર્ષ આ શો હોસ્ટ કર્યા બાદ મેં નક્કી કર્યું કે હવે હું એડર્વટાઇઝીંગ છોડીને એક્ટીંગ ફિલ્ડમાં જ આગળ વધીશ. તે સમયે એકમાત્ર એન્કર હોવાના કારણે મને વધારે સફળતા મળી તે કહેવું ખોટું નથી અને આજે તો દરેક શોમાં ટીવી કલાકાર કે ફિલ્મ કલાકાર એન્કર તરીકે જોવા મળે છે.
આ ફિલ્ડમાં આવ્યા પહેલા એક્ટીંગનો કોઇ અનુભવ હતો.
સ્કુલ અને કોલેજમાં મેં ઘણીવાર થિયેટર કર્યું હતું, ડિરેક્ટ પણ કર્યું હતું પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આ ફિલ્ડમાં આગળ વધવું જોઇએ. નાનપણથી એક્ટીંગનો શોખ હતો. મિમીક્રી કરવાનું કે ગીત ગાવાનું હોય તો હું હંમેશા તૈયાર રહેતો. પણ મારા નાનપણથી છૂપાયેલા ટેલેન્ટને હું પોતે જ ઓળખી નહોતો શક્યો.
એડર્વટાઇઝીંગમાં જવાનું કેવી રીતે નક્કી કર્યું હતું.
આજના સમયમાં તમને આગળ વધવા માટે સ્કોપ મળી રહે છે. મારા સમયે બહું ઓછા વિકલ્પો હતા. તેથી મે આ ફિલ્ડ પસંદ કર્યું હતું. વળી, મારા ફ્રેન્ડ્સ મને કહેતા કે તને પાર્ટીઝ ખૂબ પસંદ છે અને છોકરીઓ ગમે છે એટલે તું આ ફિલ્ડ જ પસંદ કર. આ રીતે મેં તે ફિલ્ડ પસંદ કર્યું હતું. પછી છ મહિનામાં મને સમજાયું કે કામ કરવું ખૂબ મુશ્કેલ છે એટલે હું સિરિયસલી એડર્વટાઇઝીંગમાં કામ કરવા લાગ્યો.
એક્ટીંગમાં એન્ટ્રી થઇ તે શરૂઆતનો સમય કેવો રહ્યો હતો.
95 સુધી મેં જોબ કરી. આજે પણ લોકો મને પૂછે છે કે એક્ટીંગ કેવી રીતે કરી તો મારો એક જ જવાબ હોય છે કે મેં કઇ જ કર્યું નથી, થઇ ગઇ છે. મેં મારી લાઇફમાં એવું જ વિચાર્યું હતું કે કોઇપણ માણસ ટેબલ પર બેસીને નોકરી જ કરી શકે છે. મને પણ એવું જ હતું કે મારે આજ કરવાનું હતું. જોકે મને મનમાં ક્યાંકને ક્યાંક કોઇ બાબત ખટકી રહી હતી. તે બાબત સાપસીડી કર્યા પછી બહાર નીકળીને આવી. મને થયું કે આ જ મારા માટે સારું છે અને મારે આ જ કરવું છે. પછી મેં મારી જોબ છોડીને જ્યારે ફૂલ ટાઇમ એક્ટીંગમાં એન્ટ્રી કરી તો ક્યારેક કેટલી હિટ્સ, તો કેટલીક મીસીઝ, કેટલીક સારી તો કેટલીક ઠીક સિરિયલ્સ મને મળી. કેટલીક ફિલ્મ્સ પણ મળી. હું પહેલેથી થોડો બુદ્ધુ વ્યક્તિ રહ્યો એટલે કેવી રીતે એપ્રોચ કરવાનું તે મને ખબર જ નહોતી. કેવી રીતે રોલ પસંદ કરવો, કામ કેવી રીતે મેળવવું. કોઇ મને અપ્રોચ કરે, તો હા પાડી દેતો. આ રીતે કામ કરતો ગયો અને મને તેમાં મજા આવતી ગઇ.
એક્ટીંગમાંથી રાઇટર, ડાયરેક્શન તે તરફ કેવી રીતે જવાનું થયું.
જ્યારે એક્ટીંગ ફિલ્ડમાં હતો ત્યારે સ્ક્રીપ્ટ તૈયાર ન હોય એટલે શૂટીંગ માટે ઘણીવાર બેસી રહેતો. દિવસે શૂટ કરવાનું હોય અને રાત્રે ટેલિકાસ્ટ હોય. તે સિવાય ક્યારેક એવું પણ થયું કે થિયેટર કરેલું છે તેથી મેં મારા પાત્ર અંગેનું રીસર્ચ કર્યું નથી. તો કોઇ કહેતું કે આ બધુ છોડો આ ટીવી છે. તે સમયે મને થોડો કંટાળો આવવા લાગ્યો. તે સમયે મને કોઇકે કહ્યું હતું કે તમે વાતો સારી કરી લો છો તો તમે લખવાનું પણ શરૂ કરો. મે એવો જવાબ આપ્યો હતો કે મને બક્ષી દો. મને ફોર્સ કરવામાં આવ્યો તો મે ટ્રાય કરી. મને થ્રીલર, સસપેન્સ એ જોનર વધારે પસંદ એટલે મેં એક થ્રીલર સ્ટોરી લખી અને તેને ડીરેક્ટ પણ મેં જ કરી, તેને રાપા એવોર્ડ પણ મળ્યો. તે પછી મને લાગ્યું કે આ પ્રવૃત્તિ પણ ચાલુ રાખવા જેવી છે. તેથી તે પણ શરૂ કર્યું. આઠ-દસ વર્ષ એક્ટીંગ છોડીને ફક્ત લખવાનું અને ડિરેક્સનનું જ કામ કર્યું. પછી તો ચેનલ જોઇન કરી, પ્રોડક્સન હાઉસીસ જોઇન કર્યા. એક સમય એવો આવ્યો 2007-08માં કે ફિલ્મમાં નવી લહેર જોવા મળી હતી. મને વિચાર આવ્યો કે હવે તમે નાના બજેટની ફિલ્મો પણ કરી શકો છો. તેમાં રોલ પણ મળી જાય છે. તો તે પણ કર્યા. તે સમયે મેં ટીવીમાં ધ્યાન આપ્યું નહીં.
ફરીથી ટીવીમાં આવવાનું કેવું લાગે છે.
પાંચ-છ વર્ષ થયા પછી હું ફરીથી એક્ટીંગમાં આવ્યો છું. કમબેક કર્યા પછી મેં પહેલો શો અમૃતમંથન કર્યો હતો અને તે સિવાય એપિસોડિક રોલ મળે તો કરતો રહું છું. ત્યારબાદ આશુતોષ ગોવારીકરની એવરેસ્ટ સિરિયલ આવી હતી અને તરત જ હવે મને મનમર્ઝીયા મળી. હાલમાં સાવિત્રી દેવી કોલેજ અને હોસ્પિટલ મળી જેનાથી ખુશ છું અને નસીબદાર છું.
તમારા મનની પોતાની મરજી શું છે.
2009માં હું સાઉથ આફ્રીકામાં શૂટ કરવા માટે ગયો હતો અને ત્યાં પહાડો ખૂબ હતા. મારી સાથે જે ચેનલનો વ્યક્તિ હતો તે પહાડોના ફોટો ખૂબ લેતો હતો. તેણે મને તેના લેપટોપમાં તે ફોટોઝ દેખાડ્યા હતા અને કહ્યું હતું કે પહાડોને નજીકથી સમજવાનો પ્રયત્ન કરશો તો પાગલ થઇ જશો. મારી સાથે બન્યું પણ એવું કે મુંબઇ પાછો આવ્યો ને પછી પહેલી વિન્ટરમાં નવેમ્બર મહિનામાં દેવભૂમિ ઉત્તરાખંડની રોડ ટૂર કરી અને હું ત્યાના બરફીલા પહાડો જોઇને ખરેખર આશ્ચર્યચકિત થઇ ગયો. મને જ્તયારે ક મળતી તો હું ચાર-પાંચ દિવસ માટે પહાડોમાં ફરવા માટે ઉપડી જતો. હવે છેલ્લા બે વર્ષથી હું તે મજા માણી શક્યો નથી. મારી મનની આ મરજી હું ફરીથી પૂરી કરવા માંગું છું. કેટલીક બાધાઓ અને કામ મને અટકાવે છે. ઘણાબધા પૈસા કમાઇની હું પહાડોમાં રહેવા માંગુ છું. ત્યાં એક વૃદ્ધાશ્રમ ખોલવા માંગુ છું અને તે સિવાય એનિમલફાર્મ પણ બનાવવા માંગુ છું.
તમારા સમયના અને અત્યારના શોમાં શો તફાવત લાગે છે.
પાંચ વર્ષ પહેલા જે પણ શોની શરૂઆત થઇ તે દરેકના માટે મને સૌથી પહેલા ફોન કોલ્સ આવ્યા છે. કારણકે તેમના મનમાં મારી છબી પહેલી હતી. હાલમાં વાતાવરણ બદલાયું છે. માર્કેટીંગ વધી ગયું છે. અમારા સમયમાં હોમમેડ શો બનતા હતા. લોકો કહેતા કે સાપસીડી ભારતીય કોન્સેપ્ટનો શો છે. તે સમયના દરેક શો જેવા કે તોલમોલ કે બોલ, એક મિનિટ અને અન્ય શોઝ, તે બધા જ ઇન્ડિયન ઓરીજનલ શોઝ હતા. વર્ષો વીતી ગયા છે અને હવે લોકો ફોર્મેટીક શો વિદેશમાંથી ખરીદે છે. તેમાં કેબીસી છે, ઝલખ દીખલા જા છે. તેના માટે લાયસન્સ ફી ભરવી પડે છે. તે લોકો કહે કે તેના માટે મોહન કપૂરને લાવો તો શું હું ન કરી શકું. હું કદાચ કરી પણ શકું, પણ જો અમિતાબ કે શાહરૂખને શોમાં હોસ્ટ તરીકે લઇ આવે તો શોમાં રેટીંગ વધારે જ મળવાના છે, તો પછી શા માટે મોહન કપૂરને લાવે. જ્યાં દસ કરોડ ખર્ચ કર્યો હોય ત્યાં પાંચ કરોડ વધારે ખર્ચ કરવામાં પ્રોડ્યુસરને વાંધો નથી. આ બધું હવે માર્કેટીંગ થઇ ગયું છે. લોકો એમ કહે છે કે મારો સમય પૂરો થઇ ગયો છે. હું એવું નથી માનતો. અમિતાબ એક્ટર છે અને શો હોસ્ટ કરે છે, તે લોકો માટે નવાઇની વાત છે પણ લોકો એમ નથી વિચારતા કે હું હોસ્ટમાંથી એક સફળ એક્ટર બની ગયો છું.
મેધા પંડ્યા ભટ્ટ