પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં એક એવા પાત્રને જોશો જે એકલો જ ફિલ્મને લઇને ચાલશે. સાચી ઘટનાને આધારે લખાયેલી વાર્તાને માનસ શાહે પોતાના પાત્ર દ્વારા જીવંત બનાવી દીધી છે. તેની એક્ટિંગ અને તેનું પાત્ર એન્ગ્રી યંગ મેનની ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી થઇ હોય તેવું સ્પષ્ટપણે દર્શાવે છે.

બોલિવૂડ ફિલ્મોમાં જે રીતે સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર પોતાની ફિલ્મોમાં કેન્દ્રસ્થાને રહે છે. તેમના પર જ ફિલ્મનો ભાર રહે છે અને આખી ફિલ્મ આ કલાકારો જ ચલાવે છે. તે જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી જ એક ફિલ્મ અને તેનો કલાકાર જોવા મળશે. કમિટમેન્ટ નામની એક ફિલ્મ આવી રહી છે અને તેનો હિરો માનસ શાહ છે, જે ફિલ્મની સ્ટોરીને લઇને ચાલી રહ્યો છે. આખી ફિલ્મમાં માનસ કેન્દ્ર સ્થાને છે. માનસ શાહ ટેલિવિઝનનો ખૂબ જાણીતો ચહેરો છે. જેણે અનેક ટેલિવિઝન સિરિયલો જેવીકે ગુલાલ, હમારી દેવરાની, સ્માઇલ પ્લીઝ સ્માઇલ પ્લીઝ, અમિતા કા અમિત, દફા 420, ઉમ્મીદ નયી સુબહ કી, યમ હૈ હમ માં કામ કર્યું છે. હાલમાં માનસ સોની ટીવી પર આવતી સિરિયલ મહાબલી હનુમાનમાં ઇન્દ્રદેવના પાત્રમાં જોવા મળી રહ્યો છે. મૂળ અમદાવાદનો માનસ શાહ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાની કરિયરની શરૂઆત કરી રહ્યો છે. તેની પહેલી ગુજરાતી ફિલ્મનું નામ છે કમિટમેન્ટ. માનસના કુટુંબમાં કોઇ પણ એક્ટિંગ કરીયર સાથે જોડાયેલું નથી. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનાર માનસ સાથે તેની કરિયર અને ગુજરાતી ફિલ્મોમાં તેની એન્ટ્રી અંગે થયેલી વાતચિત.

  1. માનસ એક્ટિંગને કરીયર તરીકે પસંદ ક્યારે અને કેવી રીતે કર્યું.

મારું મૂળ વતન અમદાવાદ જ છે અને મારા કરિયરની શરૂઆત મેં અહીંથી જ એક ગૃહમંત્રી નામનો ગેમ શો કરીને કરી હતી. તે પછી મને પહેલો શો સ્ટાર પ્લસનો મળ્યો. છેલ્લા સાત આઠ વર્ષથી હું ટેલિવિઝનમાં સતત કાર્યરત છું.

  1. મુંબઇ ગયા પછી કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી.

હું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડમાથી નથી કે મારી પાછળ કોઇ ગોડફાધર નહોતા એટલે ઘણા ઓડિશન આપવા પડે તે સ્વાભાવિક હતું. જેમાંથી નસીબના લીધે કોઇ સારો પ્રોજેક્ટ મળી જાય. શરૂઆતની સ્ટ્રગલમાં મેં ત્રણથી ચાર હજાર ઓડિશન્સ આપ્યા હતા. તે પછી મારી મહેનત સફળ થઇ.

  1. કઇ રીતે સિરિયલ્સમાં બ્રેક મળી ગયો. કઇ કઇ સિરિયલ્સમાં કામ કર્યું.

મને સૌથી પહેલો સ્ટાર પ્લસનો ખૂબ લોકપ્રિય શો હમારી દેવરાની ત્યારબાદ ગુલાલ અને પછી લાઇફ ઓકેનો સ્માઇલ પ્લીઝ શો મળ્યો. સોની ટીવી પરના અમિતા કા અમિતમાં પણ હું હતો. ડીડી નેશનલ પર ઉમ્મીદ સિરિયલમાં કામ કર્યું. હાલમાં સોની ટીવી પર એક પૌરાણિક શો મહાબલિ હનુમાન ચાલી રહ્યો છે, તેમાં હું ઇન્દ્ર દેવનું પાત્ર ભજવી રહ્યો છું.

  1. ગુજરાતી ફિલ્મ કેવી રીતે મળી.

મને ઘણા સમયથી ઇચ્છા હતી કે કોઇ સારી સ્ક્રિપ્ટ કે રોલ મળે તો ગુજરાતી ફિલ્મ કરવી છે. તેવામાં મને કમિટમેન્ટની ઓફર આવી. મને લાગ્યું કે આ સ્ક્રિપ્ટ કદાચ મારા માટે જ બની છે. ખૂબ સરસ રીતે લખાઇ છે. શૂટ પણ સારી રીતે થઇ છે. આ રીતે મારી પહેલી ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી થઇ રહી છે.

  1. કમિટમેન્ટ ફિલ્મમાં તારા પાત્ર અને ફિલ્મ વિશે થોડું જણાવ.

કમિટમેન્ટ સ્ટોરી રાજ મહેતાની છે. તેની સ્ટોરી એક એમ.આર.ની છે. જે ખૂબ જ પ્રામણિક અને હાર્ડવર્કિંગ છે. પોતાનું કામ ખૂબ જ નિષ્ઠાથી કરે છે. તે મહેનતથી આગળ વધનાર વ્યક્તિ છે. તે સફળ થતો જાય છે. તે જે કંપનીમાં જોબ કરે છે, ત્યાં તેના નામનો ઉપયોગ કરીને તેની કંપની વાળા જ બહુ મોટું ફ્રોડ કરે છે જેમાં અનેક લોકોના જીવ જોખમમાં મૂકાઇ જાય છે. તેને દુખ થાય છે અને તે એક લડત ઉપાડે છે. કરપ્શન સામે તે એકલો અહિંસાના માર્ગે લડત આપે છે.

  1. ફિલ્મ કર્યા પછી રીયલ લાઇફમાં બનતી ઘટનાઓ અંગે શું કહેશો.

આ ફિલ્મ રીયલ ઘટના પરથી જ બની છે. આપણે ન્યૂઝ પેપર અને ટીવીમાં જોતા હોઇએ છીએ કે નકલી દવાઓના કૌભાંડ પકડાયા, એક્સપાયરી ડેટવાળી દવાઓના કારણે લોકોના જીવ જતા રહ્યા. જ્યારે આ પાત્રને હું જીવ્યો ત્યારે મને સમજાયુ કે ખરેખર આ હદે જો થાય ત્યારે જે તે વ્યક્તિ પર શું વિતતી હોય છે, તે હવે હું પોતે ફિલ કરી શકું છું.

  1. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે ટેલિવિઝનના ઘણા કલાકારો આવી રહ્યા છે. કોઇ સ્પર્ધા જેવું લાગે છે.

દરેક ફિલ્ડમાં સ્પર્ધા તો તમને જોવા મળે જ છે. સારા કલાકારો ટેલિવિઝન અને ફિલ્મ્સમાંથી ગુજરાતી ફિલ્મ તરફ વળી રહ્યા છે, તે ઘણી સારી બાબત છે. તેના પરથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી હોત તેવું માની શકાય છે. જે દરેક માટે સારી બાબત છે. જે રીતે સાઉથની ઇન્ડસ્ટ્રી, નોર્થની પંજાબી ઇન્ડસ્ટ્રી, ઇસ્ટમાં બેંગોલ ઇન્ડસ્ટ્રી પણ હિટ છે. તેવી રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તો ઘણા લોકોને કામ મળશે. હું માનું છું ત્યાં સુધી અંતે તો લોકોના પરર્ફોમન્સને કારણે જ તે ટકી શકે છે. ઇન્ડસ્ટ્રીમાં લાગવગથી કદાચ કોઇ ફિલ્મ કરી લે પણ અહીં આગળ એ જ વધી શકે છે, જેનામાં ટેલેન્ટ હોય છે.

  1. હિન્દી ટેલિવિઝન અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વચ્ચે શો ફરક લાગે છે.

મુંબઇ શહેરની જે ઇન્ડસ્ટ્રી છે, તેમાં ફિલ્મ અને ટીવી બંને આવી જાય છે. ત્યાંના લોકોની કામ કરવાની જે ધગશ છે, તે બધા કરતા વધારે છે. આખા ભારતની દરેક ઇન્ડસ્ટ્રી કરતા મુંબઇના લોકો વધારે પ્રોફેશનલ, કામ પ્રત્યે વધારે સજાગ, વધારે ક્રિએટીવીટી સાથે કામ કરે છે. તે લોકો દિવસ રાત એક જ વાતને વિચારીને ચાલે છે.

  1. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી કેટલા સુધારાની જરૂર લાગે છે.

આપણે ત્યાં લોકોમાં હજી વિઝનનો પ્રોબ્લેમ છે. અહીં લોકો ચોવીસ કલાક કામ કરવા માટે હજી તૈયાર નથી. જેમ કામ વધશે તેમ અહીં પણ તે બાબત જોવા મળશે.

  1. અવનારા પ્રોજેક્ટ અંગે થોડું જણાવ.

ઝી ગ્રુપનો એક શો છે, જે કદાચ એન્ડ ટીવી પર જોવા મળશે, તેનું નામ કમાલ પટેલ ધમાલ પટેલ છે. તે સિવાય સબ ટીવીનો એક શો કરી રહ્યો છું. એક બોલિવૂડ ફિલ્મની વાત ચાલી રહી છે. તે અંગે હાલમાં કઇપણ જણાવી શકુ તેમ નથી. તે સિવાય અન્ય એક ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું જેનું શૂટીંગ નવેમ્બર મહિનાથી શરૂ થઇ રહ્યું છે.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment