સ્ટારભારત પર પહેલા નોન ફિક્શન શો ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન શરૂ થવા જઇ રહ્યો છે. આ શોમાં હાસ્યના રોલરકોસ્ટર પર દર્શકો સવારી કરતા જોવા મળશે. આ શો આજ પહેલા આવેલા કોમેડી શોઝ કરતા અલગ છે. જેમાં જાણીતા કોમેડિયન સુનિલ ગ્રોવરને પસંદ કરવામાં આવ્યા છે. કપિલ શર્મા સાથેની લડાઇને લઇને લાઇમલાઇટમાં આવેલ સુનિલ ગ્રોવરે ત્યારબાદ કપિલ શર્મા સાથે શો કર્યો નથી. તો શો વિશે સુનિલ ગ્રોવર વિશે થયેલી વાતચિત.

— શો વિશે જણાવો.

સ્ટાર ભારત પર ટૂંક સમયમાં જ ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન નામનો શો આવી રહ્યો છે. જો એક લાઈનમાં કહું તો બોલિવૂડ તમારી સુધી ખુબ જ સારી અને નજીક રીતે આવી રહ્યું છે. આ શો બોલિવૂડ સાથે જીવે છે અને શ્વાસ લે છે. આ શોમાં કાલ્પનિક સ્થિતિઓની એક પાગલ દુનિયા જોવા મળશે. જે તમને હસાવી હસાવીને થકવી દેશે.

— એવી કઈ વસ્તુ છે જે આ શોમાં જોવા મળશે.

હું ડોન નું પાત્ર ભજવી રહ્યો છું. ડોન બોલે તો આપ કો બારા મૂલ્કો કી પુલીસ યાદ આયેગી, પણ મારું પાત્ર ખૂબ અલગ છે. તેની વિશેષતાઓ અલગ છે અને દર્શકોને મારો નવો અવતાર જોવા મળશે. હાલમાં હું એટલું જ જણાવી શકું છું કે આ શો પહેલા કરતા પણ વધારે મનોરંજક સાબિત થશે.

— આ શો બીજા કોમેડી શો કરતા કઈ રીતે અલગ છે.

આ શોને સૌથી અલગ બનાવનાર શબ્દ બોલીવુડ છે. અમારા શોનું નામ ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન જ તેની પોતાની ઓળખ દર્શાવી રહ્યું છે. આ શો તમને એટલું બધું હસાવશે, જે તમે પહેલા ક્યારેય હસ્યા નહી હો. આવા અનેક શો છે જેમાં બોલિવૂડમાં અભિનય એક ભાગ રૂપે જોવા મળે છે પરંતુ આ શો દર્શકો માટે બોલિવૂડ લઈને આવશે. આ પહેલો નોનફિક્શન શો છે જે લોકો રોજ જોઈ શકશે. તમે દર સોમવારથી શુક્રવાર સુધી એક કલાક અમારી સાથે હસી શકશો.

— કોવિડ 19ના કારણે ઘણું બધું નુકસાન થયું છે શું આ ચેનલના શોમાં તમારી ફી મા કોઇ પ્રકારનું નુકસાન થયું છે.

હું આ વિશે તમને જરૂર જણાવીશ. સ્ટાર ભારતને આ શોની બાબતમાં કોઈ અસર થઈ નથી તેઓ નુકસાનને ધ્યાન પર ન લેતા શો માટે વધારે મહત્વનું કામ કરી રહ્યા છે. હું કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક નથી કે વેક્શિન બનાવીશ. હું એક કોમેડિયન છું અને લોકો ને હસાવી શકું છું અને હાલમાં હું એ જ કરવા ઈચ્છું છું. હું તમને એક વાત જણાવું કે આ શોમાં મારી જે પણ કમાણી થશે, તે નિશ્ચિતરૂપે જેને મહામારીની અસર થઇ છે, તેવા લોકોને આપવામાં આવશે.

— કોમેડી શો માટેના તમારા વિચારો જણાવો.

હું માનું છું કે કોમેડી શો એક આશીર્વાદ છે કારણ કે તે આપણા બધાના ચહેરા પર હાસ્ય લાવે છે. આ એક્ટ્રેસ બસ્ટર છે, જે આખા પરિવારને એક સાથે જોડીને રાખે છે અને એક સાથે હસાવે છે. એક કોમેડિયન હોવાના કારણે હું પોતાને ખુશનસીબ માનું છું, કે આવી પરિસ્થિતિમાં પણ હું લોકોને ખુશ કરી શકું છું. જે લોકો કોમેડી શો સાથે જોડાયેલા છે, તેઓ એક આદર્શ કાર્ય કરી રહ્યા છે, જેને અત્યારના સમયમાં શોધવું મુશ્કેલ છે.

— તમારા પાત્રની કઈ ખાસ વાત છે, જેના માટે તમે હા પાડી.

આ પ્રકારનો શો સમયની જરૂરિયાત છે. જ્યારે હું કહું છું કે આ સમય પ્રમાણે ની જરૂરિયાત છે તો તેનો અર્થ એ કે લોકોને કંઈક એવું આપવું જોઈએ જ્યાં તેઓ ખુશ રહે અને સ્ટ્રેસથી દૂર રહે. હાસ્ય વહેંચવાના વિશ્વાસ સાથે મને આ શો માટે હા કહેવામાં કોઈ જ તકલીફ થઈ નથી. આ શોમાં હું એક ભાઈ કે ડોન નું પાત્ર ભજવી રહ્યો છું. આ ડોન તમને ડરાવશે નહીં, પણ તમને તેનાથી તેની સાથે પ્રેમ થઇ જશે. દર્શકો મને બીજીવાર ફક્ત જોશે જ નહીં, પણ તેમનો પ્રેમ પણ મને આપશે.

— તમે દરેક પાત્રના ઊંડાણ સુધી જાઓ છો, કઈ રીતે કરી શકો છો.

એક કલાકાર તરીકે હું મારા દરેક પાત્રને સો ટકા આપવામાં વિશ્વાસ રાખું છું. હું મારા પાત્ર માટે પરફેક્ટ બનવા કોઈ પણ હદ સુધી જઈ શકું છું, કારણકે તો જ હું મારા દર્શકો સાથે જોડાઈ શકીશ. મારા માટે દર્શકો સાથે જોડાવવું સૌથી મહત્વની વસ્તુઓમાંનું એક છે. હું મારા દર્શકો અને પ્રશંસકોને ધન્યવાદ કહેવા માંગીશ કે તેમણે મને મારા દરેક પાત્રમાં પસંદ કર્યો છે, અને મારી મુસાફરીમાં મારી સાથે જોડાઇ રહ્યા છે. દરેક કલાકાર સખત મહેનત કરીને તેમના પાત્રમાં ઊંડા ઊતરી શકે છે, પરંતુ તેના માટે દર્શકોની તમને સ્વીકારવાની લાગણી અને પ્રેમ સૌથી મહત્વના હોય છે.

— આ શો માટે કેવી તૈયારીઓ કરી છે.

હું મારા પાત્રને સમજવાની તૈયારી કરી રહ્યો છું. મને ખરા અર્થમાં મારા પાત્રનો સ્કેચ ખૂબ ગમ્યો છે. સ્ક્રિપ્ટ વાંચીને લાગ્યું કે આ પાત્ર મારા માટે જ બન્યું છે. હું પોતાને ખૂબ સમય આપી રહ્યો છું જેથી આ પાત્રમાં હું પોતાને સારી રીતે ભજવી શકું અને તેને મજબૂત બનાવી શકું. જેથી દર્શકો તેને જોઈને તેની સાથે જોડાઇ શકે.

— ટેલિવિઝનમાં પાછા ફરવું કેવું લાગી રહ્યું છે.

ટેલિવિઝન મારું પહેલું ઘર છે. અહીંથી જ મારી શરૂઆત થઇ હતી. આ મારી કરિયરનું મૂળ છે. મેં ક્યારેય એવું કહ્યું નથી કે હું ટેલિવિઝન શો નહીં કરું. મારા માટે કમબેક કરતા ઘરે આવવા જેવું વધારે છે.

— પોસ્ટ લોકડાઉન શૂટ પર આવ્યા પછી કેવું લાગે છે.

નિશ્ચિતરૂપે ઘણું બધું બદલાઈ ગયું છે અને આ એક સત્ય હકીકત છે. જેને આપણે સ્વીકારી રહ્યા છીએ. સૌથી પહેલાં તો શૂટિંગ પર પાછા ફરીને ખુબ જ સારું લાગી રહ્યું છે. કેમેરાની સામે રહેવું એ મારા જેવા કલાકારને આનંદ આપે છે. સરકાર દ્વારા આપવામાં આવેલ દરેક આદેશનું પાલન કરી રહ્યા છીએ. સ્વચ્છતાથી લઈને માસ્ક પહેરવું અને લોકોથી દૂર રહીને કામ કરવા જેવી દરેક પ્રકારની સાવધાની રાખી રહ્યા છીએ.

— હાલમાં તમે અન્ય કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો.

અત્યારે તો મારું ફોકસ ફક્ત ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન પર છે. ભવિષ્ય માટેની હાલમાં કોઇ યોજના નથી.

— કપિલ શર્મા સાથે મિત્રતા કેવી છે.

અમારા બંને વચ્ચે એકબીજાને લઈને કોઈ મતભેદ નથી. સમય બદલાઈ ગયો છે. વસ્તુઓ પણ બદલાઈ ગઈ છે. અમે બંને એ અમારા રસ્તા શોધી લીધા છે અને એના પર કામ કરી રહ્યા છીએ. જે અમારા દર્શકોને ખુશ કરી શકે છે. હા, અમે ક્યારેક ક્યારેક કેટલીક મહત્વની બાબતો પર વાત કરતા હોઈએ છીએ.

— તમે અને કપિલ શર્મા એક વેબ સીરીઝ લઈને એક સાથે જોવા મળવાનો છો. શું એ સાચી વાત છે.

કપિલ અને હું અમે બંને અમારા જીવનમાં સારું કામ કરી રહ્યા છીએ. હાલમાં તો એવી કોઇ વેબ સીરીઝ નથી કે અમે તેના માટે હા પાડી હોય. જ્યારે પણ આવું કંઈક હશે ત્યારે અમે અમારા દર્શકોને તે વિશે જરૂરથી જાણકારી આપીશું.

Loading

Spread the love

Leave a Comment