વાસ્તુશાસ્ત્ર એવી બાબત છે, જેનો તમે થોડો ખ્યાલ રાખો તો તમારા ઘર કે ઓફિસમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરી શકો છો અથવા ઓછી તો કરી જ શકો છો. આના માટે કેટલાક ઉપાયો અપનાવીને તમે ઘર કે ઓફિસમાં હકારાત્મક ઊર્જા લાવીને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકો છો.
આજકાલ મહિલાઓ જોબ તો કરવા લાગી છે, પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય છે જે ઘરથી દૂર ઓફિસના સ્થળે જઇને કામ કરવાને બદલે ઘરે રહીને જ કામ કરવાનું વધારે પસંદ કરે છે. આમ પણ અત્યારે જવલ્લે જ કોઇ એવી મહિલા જોવા મળશે જેને કમ્પ્યુટર કે ઇન્ટરનેટનો ખ્યાલ ન હોય અથવા ઘણી મહિલાઓ ડોક્ટર કે વકીલાતનો વ્યવસાય પણ કરતી હોય છે. જોકે ઘરે જ ઓફિસ બનાવીને કામ કરવાનો ટ્રેન્ડ આજકાલ વધારે પ્રચલિત બની રહ્યો છે. જેમાં સરળતા તો રહે છે, પણ કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ પણ વધે છે. જો તમે પણ ઘરે જ ઓફિસ બનાવીને કામ કરવા ઇચ્છતાં હો, તો તમારે વાસ્તુશાસ્સ્ત્ર સંબંધિત કેટલાક મૂળભૂત નિયમોનો અવશ્ય ખ્યાલ રાખવો જરૂરી છે. એ નિયમો વિશે જાણીએ.
- તમે જો ઘરમાં જ ઓફિસ બનાવી હોય તો તે તમારા ઘરના અથવા ફ્લેટની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા નૈઋત્ય ખૂણામાં હોવી જોઇએ.
- અન્ય વિકલ્પ એ છે કે તમે દક્ષિણ દિશામાં બનેલા ઘરના કોઇ પણ રૂમમાં તમારી ઓફિસ બનાવી શકો છો.
- આ ઉપરાંત, પશ્ચિમ દિશામાં આવેલા રૂમને પણ છેલ્લા ઓપ્શન તરીકે ઓફિસ બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.
- જો તમે સમાજસેવા કરવાના હેતુસર ઘરમાં જ ઓફિસ બનાવતાં હો, તો એકદમ પૂર્વ અથવા એકદમ ઉત્તર દિશામાં કોઇ પણ હિસ્સામાં બનેલા રૂમને ઓફિસ તરીકે ઉપયોગમાં લઇ શકો છો.
- જો તમે ઘરે રહીને જ ઓફિસનું તમામ સંચાલન કરતાં તો જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફાઇલ્સ, કમ્પ્યુટર વગેરે તમારા બેડરૂમમાં ક્યારેય ન રાખો. એના નકારાત્મક પ્રભાવથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.
- જો તમે ડોક્ટર કે વકીલ હો, તો એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે તમારા પેશન્ટ અથવા ક્લાયન્ટ્સના રીપોર્ટ્સ, તેમની ફાઇલ્સ, વિવિધ પ્રકારના કેસના ડોક્યુમેન્ટ્સ ક્યારેય તમારા બેડરૂમમાં ન રાખવા.
- જો તમને આખા ઘરમાં આ બધું મૂકવા માટેની કોઇ વ્યવસ્થિત જગ્યા ન મળે તો તમારા ઘરના ડ્રોઇંગરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ટેબલ-ખુરશી ગોઠવીને પણ કામ કરી શકો છો.
- એ પણ ધ્યાન રાખો કે તમે જ્યારે તમારી ઓફિસમાં બેઠાં હો ત્યારે તમારો ચહેરો ઉત્તર દિશા તરફ રહેવો જોઇએ. જ્યારે મુખ્ય ટેબલ તમારી સામે અને સાઇડ ટેબલ અથવા રેક તમારી ડાબી તરફ હોય.
- અન્ય ઓપ્શન એ છે કે તમે તમારા ટેબલને એવી રીતે પણ રાખી શકો કે જ્યારે તમે ખુરશી પર બેસો ત્યારે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ રહો, જોકે આવી સ્થિતિમાં તમારા ટેબલ સાથેનું સાઇડ ટેબલ, રેક અથવા કબાટને તમારી જમણી તરફ રાખો.
- કોઇ પણ સ્થિતિમાં તમારું કમ્પ્યુટર અથવા લેપટોપ સાઇડ ટેબલ પર ન રાખવું. તેને કાયમ મુખ્ય ટેબલ પર જ મૂકવું જેથી કમ્પ્યુટર પર કામ કરતી વખતે તમારો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ રહે.
- ઓફિસની દીવાલો કે કર્ટન્સ માટે કાયમ લાઇટ કલર્સ જે સોબર અને સિમ્પલ લાગે તેનો જ ઉપયોગ કરો. ઓફિસમાં વધારે પડતા બ્રાઇટ કલર્સથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
- ઓફિસની છતમાં કોઇ બીમ કે લોખંડ અથવા લાકડાંનો સળિયો અથવા બીમ હોય તો તેના પર ફોલ્સ સીલિંગ અવશ્ય કરાવી લો. ઓફિસમાં બેઠક વ્યવસ્થા એવી રીતે રાખો કે તમારી ખુરશી તેની એકદમ નીચે ન આવે.
- ઓફિસમાં કલાત્મક અને રંગબેરંગી કર્ટન્સનો ઉપયોગ કરી શકો છો. તે સાથે જ સોફા, ફર્નિચર, ડેકોરેશનની વસ્તુઓમાં બને ત્યાં સુધી કાળા રંગનો વધારે ઉપયોગ ન થયો હોય તેનો ખ્યાલ રાખવો.
- ઓફિસમાં બેસો ત્યારે તમારી પીઠ પાછળ બારી અથવા બારણું ન હોવાં જોઇએ.
- ઇન્ટીરિયર ડેકોરેશનમાં લાફિંગ બુદ્ધાની મધ્યમ કદની મૂર્તિ એવી રીતે ગોઠવો કે ઓફિસમાં પ્રવેશતાં જ તમારી અને ક્લાયન્ટની નજર સીધી એ મૂર્તિ પર જાય. આનાથી તમારા અને ક્લાયન્ટ પર પોઝિટિવ ઇમ્પ્રેશન પડશે.
- ટેબલ પર ક્યારેય મેટલના પેપર વેટ્સનો ઉપયોગ ન કરવો. તેના બદલે કાચ અથવા લાકડાંમાંથી બનાવેલા પેપર વેટ્સનો ઉપયોગ કરો કેમ કે મેટલ આપણા શરીરની ઊર્જાને શોષીને ક્ષીણ કરી દે છે.
- ઓફિસની પૂર્વોત્તર દિશામાં પૂર્વ તરફ લક્ષ્મી-ગણેશજીની નાની એવી મૂર્તિ અથવા ફોટોફ્રેમ લગાવો.
- ઓફિસનું બારણું કાયમ અંદરની તરફ ખૂલવું જોઇએ જેથી ઓફિસમાં કાયમ પોઝિટિવ એનર્જી જળવાઇ રહે,