ગીતા કપૂર ફિલ્મી દુનિયાની ખૂબ  જ જાણીતી કોરીયોગ્રાફર છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ડાન્સના રીયાલીટી શોમાં જજ તરીકે જોવા મળે છે. હાલમાં તેઓ સોની ટીવી પરના શો ઇન્ડિયા કે મસ્ત કલન્દરમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયા કે મસ્ત કલંદરનો હિસ્સો બનવાથી કેવું લાગે છે?

હું રોમાંચિત છું. આ રેગ્યુલર ફોર્મેટ નથી, મંચ પર જે થઈ રહ્યું હોય તેના વિશે હંમેશાં ગંભીર હોઉં છું. આ મોજમસ્તી છે અને મનોરંજન પૂરો પાડતો શો છે. આથી હું પેટ પકડીને હસવા માટે ઉત્સુક છું. મારા માટે આનંદિત થવા જેવી બાબત છે કે આવા શોનો એક ભાગ હું પણ છું.

તમે ભૂતકાળમાં ઘણા બધા અલગ અલગ શો જજ કર્યા છે. આ શો કઈ રીતે અલગ છે?

આ અત્યંત અલગ શો છે, કારણ કે મેં હમણાં સુધી જે પણ શો જજ કર્યા છે તે ડાન્સ આધારિત હતા. તેમાં ગંભીરતા સંકળાયેલી હતી, કારણ કે તમારું જજમેન્ટ કોઈકની કારકિર્દી, જીવન અને સપનાંને બનાવી અથવા તોડી શકે છે. અહીં ચુકાદો ગંભીર નથી છતાં તે એવા લોકોને તક આપે છે, જેમની પર અન્ય લોકો હંમેશાં હસતા રહ્યા છે અને તેમને ગંભીરતાથી લીધા નથી. મને શો વિશેનું આ પાસું બહુ ગમી ગયું છે. શોની સંકલ્પના લોકો કાંઈક અનોખું કરીને મનોરંજન કઈ રીતે કરે છે અને પોતાનું મનોરંજન કઈ રીતે કરે છે તેની પર આધારિત છે. આ થોડું ટ્રિકી છે. મને આશા છે કે પેટ પકડાવીને તેઓ મને હસાવશે. મને એવી પણ આશા છે કે મારા સાથી જજ મિકા સાથે મને સારો અનુભવ રહેશે. આવું અગાઉ ક્યારેય થયું નથી. મેં અગાઉ સુમીત જોડે કામ કર્યું છે. મને લાગે છે કે આ શો રોમાંચક બની રહેશે.

શું આ શો માટે હા કહેવાનું કોઈ ચોક્કસ કારણ છે?

મેં આ પ્રોડક્શન હાઉસ અને તેમની ટીમ સાથે લગભગ બધા શો કર્યા છે અને ભૂતકાળમાં અમારા પ્રોજેક્ટ હેડ નિકુલ જોડે પણ કામ કર્યું છે. બધા જ હંમેશાં ડાન્સ શો માટે મને જજ તરીકે જોતા આવ્યા છે. તે મને ઓફ – કેમેરા મોજમસ્તી કરનારી વ્યક્તિ તરીકે જુએ છે અને અમે ઓન કેમેરા મોજમસ્તી કરીએ તે સમય આવી ગયો છે. આથી આ શો સાથે હું દર્શકોને તેમના મનથી હસવાની તક આપવા અને ઉત્તમ સમય અને મનોરંજીત થવાનો મોકો આપવા માગું છું. આ શો લેવાનું મુખ્ય કારણ છે. વળી, રિયાલિટી ટીવીના આ અનોખા પ્રકાર સાથે અખતરો પણ કરવા માગું છું.

શોમાં અતરંગી ટેલેન્ટ્સ પ્રદર્શિત થશે. શું તમારી પાસે કોઈ અતરંગી ટેલેન્ટ છે?

મને એવું લાગે છે કે આ શો થકી મારી અમુક અતરંગી ટેલેન્ટ બહાર આવશે. જોકે મેં તે શોધવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે છેલ્લાં 9 વર્ષમાં મેં ટીવી કર્યું છે તે એક પ્રતિભા પર આધારિત હતું, જે મારી અંદર છે તે ડાન્સ છે. મારી પાસે બીજી કોઈ ટેલેન્ટ નથી એવું માનું છું. (જોરજોરથી હસે છે)

જજ કરવાના તમારા માપદંડ શું છે? શું તમે સ્પર્ધકોમાં ક્યા ખાસ ગુણને જોઇને જજ કરશો?

હું પ્રવાહ સાથે જાઉં છું. હું કોઈ ચોક્કસ માપદંડ રાખવાની નથી, કારણ કે મેં અગાઉ જજ કર્યો હોય તેવો આ શો નથી અને મેં અગાઉ કર્યું પણ નથી. આથી આમાં કોઈ નિશ્ચિત શૈલી સાથે હું ફ્લોર પર જવાની છું એવું કહેવાનું યોગ્ય નથી. અમે હજુ ફ્લોર પર ગયાં નથી તેથી હું મંચ પર શું થશે તે જોવા ઉત્સુક છું અને ત્યાર પછી જેવું આવશે તેવું ઝીલીશ.

તમે આજકાલ ટેલિવિઝન પર વધુ જોવા મળો છો ત્યારે બોલીવૂડ હજુ પણ તમારો પ્રથમ પ્રેમ છે?

તમે જાણો છો કે મેં રિયાલિટી શો કરવાનું શરૂ કર્યું ત્યારથી બોલીવૂડ સાથે મારો પ્રથમ પ્રેમ 8 વર્ષ પૂર્વે અટક્યો છે. હું બાળકોને મેન્ટર કરતી હતી, તેમનું કોરિયોગ્રાફિંગ કરતી હતી અને તેમને ઓન-બોર્ડ લાવતી હતી, જેમાં મારો બહુ સમય ગયો છે. આથી મને લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે ત્યાં સુધી તેઓ મને ટેલિવિઝન પર બોલાવતા રહેશે. જો તેઓ નહીં બોલાવે તો વાપસ વહી ડાન્સ.

શું અન્ય ટેલેન્ટ શો કરતાં ડાન્સ રિયાલિટી શોને તમે વધુ અગ્રતા આપો છો?

હું લોકોનું મનોરંજન કરતા બધા શોને અગ્રતા આપું છે. અમે મનોરંજનના કાર્યક્રમમાં છીએ, આથી ડાન્સ શો હોય કે ગમે તે લોકોનું ધ્યાન દોરે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ શો તમારું મનોરંજન કરે અને સાંજે તમારા પરિવાર સાથે તમને બેસાડે તે સારો છે, કારણ કે આજકાલ તેની બહુ ખોટ સાલે છે. જો કોઈ પણ શો તે કરી શકે તો હું માનું છું કે હું તેનો હિસ્સો બનવા માગીશ. આવું વધુ થવું જોઈએ.

 

Loading

Spread the love

Leave a Comment