દિવાળીનું વાતાવરણ હવે ચારેતરફ જોવા મળે છે. દિવાળી ખૂબ જ મહત્વનો તહેવાર છે અને દરેક વ્યક્તિ તેને પોતાના કુટુંબ સાથે ઉજવવા ઉચ્છતો હોય છે. ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહીં બોલિવૂડ, ટેલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ પોતાની દરેક દિવાળીને ખૂબ જ યાદગાર બનાવતા હોય છે. જોકે દિવાળી તો દરેકનો મનગમતો તહેવાર છે અને આ તહેવાર સાથે કેટકેટલીય યાદો પણ જોડાયેલી હોય છે. તો આજે જાણીયે કે ઇન્ડસ્ટ્રીના કલાકારો માટે દિવાળીની કઇ યાદ વધારે મહત્વની છે.
ફ્રેડી દારૂવાલા (ફિલ્મ કલાકાર)
બોલિવૂડમાં ફિલ્મ હોલી ડે અને કમાન્ડો તેમજ ફોર્સ 2થી લોકપ્રિય થયેલા એક્ટર ફ્રેડી દારૂવાલાને દિવાળીના સમયમાં તેમની મમ્મીના હાથનું ફરસાણ અને મીઠાઇ ખૂબ જ ભાવે છે. દિવાળીના તહેવાર વિશેની પોતાની યાદ વિશે તે કહે છે કે, શાળામાં વેકેશન પડવાની ઉત્સુકતા હંમેશા રહેતી, ઘરના ચોકમાં રંગોળી પૂરવી, ધનતેરસના દિવસે સોનું કે ચાંદીની ખરીદી કરવી, કાળી ચૌદસમાં ચાર રસ્તા પર માટલું મૂકવું જેને અડી શકાય નહીં કે ફોડી શકાય નહીં, દિવાળીના દિવસે મોડે સુધી જાગીને ફટાકડા ફોડવાના, નવા વર્ષના દિવસે સવારમાં ઊઠીને સૌથી પહેલા સબરસ (મીઠુ)ની કરીદી કરવી આ બધી વાતો નાનપણથી મારામાં વણાઇ ગઇ છે. મને દિવાળીમાં દિવા મૂકવા સૌથી વધારે ગમે છે. તે સિવાય આખા વર્ષ દરમિયાન તમે ન ખાતા હો તેવા મમ્મીના હાથના અને તે જ સમયે બનતી વાનગીઓમાં ઘૂઘરા, મઠીયા, શક્કરપારા, ગાંઠીયા મને ખૂબ જ ભાવે છે. દિવાળીના સમયની એક વાત હું જીવનમાં ક્યારેય ભૂલી શકુ એમ નથી કે દિવાળી આવે તે પહેલા મારી મમ્મી હંમેશા મારી પાસે ઘરનું માળીયું સાફ કરાવતી હતી. મારી જેવા ઘણા ગુજરાતી યુવાનો હશે, જેમણે મમ્મીના કહેવાથી પોતાના ઘરનું માળીયું સાફ કર્યું હશે.
એશા કંસારા (ટીવી કલાકાર)
હિન્દી સિરિયલો મુક્તિ બંધન અને મેરી ભાભી સિરિયલમાં લીડ રોલ કરી લોકપ્રિય થનારી અને ગુજરાતી ફિલ્મ દુનિયાદારીનો જાણીતો ચહેરો એશા છેલ્લા કેટલાય સમયથી મુંબઇમાં સેટ થયેલી છે. દિવાળીની પોતાની યાદ વિશે તે કહે છે કે, હું ગર વર્ષે ફેમીલી સાથે દિવાળી મનાવી શકું તેવો પ્રયત્ન કરતી હોઉં છું. મને આજે પણ એ દિવસ યાદ છે કે જ્યારે મારી મુંબઇમાં પહેલી દિવાળી હતી તે સમયે હું ત્યાં એકલી હતી. મારા ત્યાંના મિત્રોએ મને મારું ઘર સજાવવામાં ખૂબ જ હેલ્પ કરી હતી અને ફેમીલીની જેમ અમે બધાએ દિવાળી સેલિબ્રેટ કરી હતી. દિવાળીમાં જ્યારે પણ ઘરે હોઉં ત્યારે પૂજીવિધી અને કુટુંબ અને સગાસંબંધીઓ સાથે પાર્ટી અને ડિનરનો પ્રોગ્રામ થતો રહે છે. મારા પપ્પાને તે જ સમયે પાંચ દિવસની રજા હોય છે, તેથી અમે ક્યાંક બહાર પણ ફરવા જઇએ છીએ. ગયા વર્ષે અમે ફોરેન ટૂર કરી હતી. જોકે આ વર્ષે ફરીથી હું દિવાળી પર એકલી છું કારણકે હું એકલી ફોરેન ટૂર કરી રહી છું.
અંશુલ ત્રિવેદી (ફિલ્મ-ટીવી કલાકાર)
ફિલ્મ રામલીલા અને રમૈયા વસ્તાવૈયા બાદ સંજય લીલા ભણસાલીની લોકપ્રિય ટીવી સિરિયલમાં પ્રમાદધનનું પાત્ર ભજવ્યા બાદ લોકપ્રિયતા મેળવી. બાલિકા વધુ, ઇશ્ક કા રંગ સફેદ અને હાલમાં ત્રિવેદીયા સિરિયલમાં લીડ રોલ ભજવનાર અંશુલ માટે દિવાળીના દિવસોમાં પૂજાવિધીનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે કહે છે કે, અમારા કુંટુંબમાં છેલ્લી છ પેઢીથી ખાસ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે, જે આજેપણ યથાવત છે. તેથી નાનપણથી જ મને આ વાત યાદ છે કે દિવાલીના સમયમાં અમારું આયકુ કુટુંબ અને સગાવહાલા સાથે જ હોય અને અમે બધા સરસ સમય સાથે વિતાવીએ. તેથી દિવાળી હંમેશા મારા માટે ખાસ બની જાય છે. હું આજેપણ દિવાળીના સમયમાં ઘરે જવાનો ખાસ આગ્રહ રાખુ છું કારણકે આ સમયને બધાની સાથે માણી શકું. દિવાળીએ મને એક ખૂબ મહત્વની બાબત શીખવાડી છે. હું 14 વર્ષનો હતો ત્યારે દિવાળીના સમયે સોસાયટીમાં ફટાકડા ફોડતો હતો. મારાથી દૂર એક ગરીબ છોકરો મને જોઇને ખુશ થઇ રહ્યો હતો. ફટાકડા હું ફોટતો હતો અને ખુશી તેને થતી હતી. મેં તેને મારી પાસે બોલાવ્યો અને અમે બંનેએ મળીને ખૂબ ફટાકડાં ફોડ્યા. તે દિવસથી મને સમજાયું કે ફટાકડા ફોટવાની ખુશી દરેક બાળકને હોય છે. હું દિવાળીના સમયમાં ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઇ આપું છું. ઘરની પૂજાની જેમ આ પણ મારો નિયમ બની ગયો છે.
રાજ જતાનીયા (ફિલ્મ-ટીવી કલાકાર)
બોલિવૂડ ફિલ્મ મુન્ના માઇકલમાં જોવા મળેલો અને હિન્દી સિરિયલો અને ગુજરાતી ફિલ્મોના એક્ટર રાજ જતાનીયાની દિવાળીની અનોખી યાદગીરી છે. રાજ કહે છે કે હું મારી દરેક દિવાળી ફેમીલી સાથે જ સેલિબ્રેટ કરું છું. આ વખતે પણ ફેમીલી સાથે જ ઉજવીશ. હું જ્યારે 10-12 વર્ષનો હતો ત્યારે મારા પિતાની આર્થિક પરિસ્થિતી સારી નહોતી. તે સમયે દિવાળી પર મારા એક મિત્રએ પિસ્તોલ ખરીદી હતી, તે મને ખૂબ ગમી હતી. દિવાળીના સમયે અમે બધા મિત્રો સાથે રમતા હતા તે સમયે પિસ્તોલવાળો ફ્રેન્ડ પણ રમવા માટે આવ્યો હતો. રમતા રમતા તેને ખબર ન પડે તે રીતે મે તેની પિસ્તોલ લઇ લીધી અને મારા ઘર પાસે આવેલા એક કૂવાની બાજુમાં છૂપાવી દીધી. તે પિસ્તોલ મારી પાસે જ રહે તે માટે મેં આવું કર્યું હતું. આ ઘટના પછી મારા ફ્રેન્ડના માતા-પિતાએ પિસ્તોલ ખૂબ શોધી અને અમને બધાને ધમકાવ્યા પણ ખરા પણ મારી સાથે બીજા બધાએ પિસ્તોલ લીધી નથી, તેમ જ જવાબ આપ્યો. તે સમયની દિવાળી તો ડરમાં નીકળી ગઇ અને પિસ્તોલ સંતાડ્યાની વાત મનમાંથી ભૂલાઇ ગઇ. ચાર વર્ષ પહેલાની દિવાળીના સમયે અચાનક મને આ બાળપણની વાત યાદ આવી. અમે જ્યાં રહેતા હતા, તે સ્થળે હું ગયો અને મે જે કૂવા પાસે પિસ્તોલ સંતાડી હતી, તે જગ્યાએ જોયું. માટીની નીચે તે સમયે પણ પિસ્તોલ મને મળી. તમે માનશો નહીં પણ પિસ્તોલ મને ટૂકડામાં પણ મળી ખરી. જે મિત્રની પિસ્તોલ મેં લઇ લીધી હતી, તે મિત્રના ઘરે જઇ મેં તેને તે બતાવી. અમે બંને ઘણા સમય સુધી હસતા રહ્યા. બાળપણની માસૂમિયતમાં કરેલી ભૂલ મને ખરેખર આજે ખૂબ હસાવે છે. હું મારા દર્શકો અને ચાહકોને આ દિવાળી પર ખાસ કહીશ કે દરેક જણ ખૂબ આનંદથી દિવાળીની ઉજવણી કરો.
મેધા પંડ્યા ભટ્ટ