તહેવારોની શરૂઆત થતા જ ઉત્સાહ અને ઉમંગ પોતાની સાથે મોજ-મસ્તી તો લાવે જ છે, સાથે જ મનમાં એવી આશાઓ પણ ઉત્પન્ન કરે છે કે પોતાનું ઘર એવી રીતે સજાવીએ કે તહેવારોમાં મળવા આવનારા લોકો સજાવટને જોતા જ રહી જાય. જોકે ઘરના લુકને બદલવાનું આપણા પાસે સૌથી સારું બહાનું તહેવાર છે. દર વખતે ઘરને સંપૂર્ણ ચેન્જ કરવું કે આખુ ઘર નવા અવતારમાં ફેરવી નાખવું પણ જરૂરી નથી. તહેવારના સમયે કેટલીક મહત્વની બાબતોમાં કે સાજ-સજાવટમાં ફેરફાર કરશો તો ઘર આપોઆપ જ દીપી ઊઠશે. તો પછી ચાલો તહેવારોની શરૂઆતમાં જ ઇઝી, સિમ્પલ અને લો બજેટ એવા ફેસ્ટિવ હોમ ડેકોર વિશે થોડું જાણી લઇએ અને ઘરને એકદમ પરફેક્ટ લુક આપી દઇએ.
ડેકોર યોર રૂમ્સ
ડ્રોઇંગરૂમમાં સોફાસેટની બાજુની જગ્યા મોટાભાગે ખાલી જ જોવા મળે છે. તે જગ્યા માટે માટીનો એક મોટો વાસ લઇ આવો. તેના ઉપર ગોલ્ડ, સિલ્વર,બ્રોન્સ અથવા કોપર કલર કરી લો અને તેમાં 5-6 ફૂટના પાતળા સિલ્વર કલરના બામ્બૂ રાખો. આ ખૂબ જ આર્ટિસ્ટીક લાગશે. દરવાજા પર જે ગલગોટાની ફૂલની માળા હોય તે ફૂલ સૂકાઇ જતા તેને ફેંકશો નહીં, પરંતુ તે ફૂલને અલગ અલગ કરી લો. પછી બજારમાં મળતા સ્પ્રે પેઇંટ લઇ આવો. વ્હાઇટ-રેડ અથવા વ્હાઇટ-પર્પલ કરીને તેને કાંચના બાઉલમાં કે બરણીમાં સજાવટમાં મૂકી શકો છો. તેના પર ફ્લોરોસેંટ કલર પણ કરી શકાય છે. કલર કરતી વખતે હાથમાં ગ્લોવ્સ પહેરવા ભૂલશો નહીં.
તહેવારના સમયમાં ફૂલોને ક્યારેય ભૂલી શકાતા નથી. સજાવટમાં ફૂલોનું હંમેશાથી જ એક ખાસ ભૂમિકા અને અગત્યતા રહેલી છે. તે ફક્ત તાજગીનો જ અનુભવ નથી કરાવતા પરંતુ એક સૂધીંગ લુક પણ આપે છે. બજારમાંથી તાજા અલગ અલગ પ્રકારના ફૂલો લઇ આવો અને બાસ્કેટમાં તેને સરખી રીતે ગોઠવીને સેન્ટર ટેબલ કે ફોનના કોર્નર ટેબલ પાસે પણ રાખી શકો છો. ઘરમાં કલરના આર્ટિસ્ટીક યૂઝથી પણ ઘરને ડિફરન્ટ લુક આપી શકાય છે. જો તમે ઇચ્છો જો સિલિંગ ફેનને પણ સ્પ્રે કલર કરીને આર્ટિસ્ટીક લુક આપી શકો છો.
કેન્ડલ લાઇટ્સ અને લેમ્પ્સ
દિવાળીમાં દિવડાઓનું મહત્વ તો હોય જ છે. પણ હવે તો દિવડાની સાથે કેન્ડલ્સ અને લેમ્પથી પણ ઘરને સજાવો. માર્કેટમાં અલગ અલગ પ્રકારના શેઇપ અને ડિઝાઇનની કલરફુલ અને સેંટેડ કેન્ડલ્સ મળે છે અને સાથે જ હવે તો નાની અને મોટી દરેક સાઇઝના લેમ્પ્સ પણ મળે છે. દિવડાઓની હારમાળાવાળા લેમ્પ્સ પણ લોકો વધારે પસંદ કરતા હોય છે. તેનાથી ઘરને સજાવો. સેંટેડ કેન્ડલ્સની ભીની સુગંધથી ઘર પણ મહેંકી ઊઠશે. આ ફ્લોટીંગ કેન્ડલ્સની સાથે ફુલોની પણ સજાવટ કરો. તેનાથી ફ્રેશ અને બ્રાઇટ લુક મળશે. ઘરમાં લાઇટ્સની જો જૂની સળીઓ હોય તો તેને ફેંકવાને બદલે તેમાં કંઇક એક્સપરીમેન્ટ કરીને સજાવટમાં ઉપયોગમાં લઇ શકાય છે. થોડા દિવડા કે કેન્ડલ્સ કે પછી લેમ્પ્સથી સજાવટ કરો પણ સજાવટ દિપી ઊઠે તેવી કરો. ઘરના કે બહાર ગેલેરીના કોઇ એક ખૂણામાં દિવાની કે કેન્ડલ્સની રંગોળી પણ કરી શકાય. ફૂલોની રંગોળી કરીને તેમાં દિવા કે કેન્ડલ્સ ડિઝાઇન પ્રમાણે ગોઠવી શકાય. ઘરના ખૂણામાં જો મોટો ફ્લાવર વાસ હોય તો ત્યાં નાનકડી સિરિઝ વડે લાઇટીંગ કરી શકાય. આવી સજાવટ દ્વારા તમારી સજાવટ લોકોના ધ્યાનમાં તરત આવશે.
કુશન મેકઓવર
કુશનથી ઘરને ફ્રેશ અને કલરફુલ લુક આપો. ડિફરન્ટ લુક માટે રાઉન્ડ, ટ્રી શેઇપ, ફ્લોરલ, એનિમલ જેવા શેઇપના કુશન ઘરની સજાવટમાં લો. વેલવેટ કે ફરના કુશન પણ ક્લાસી લુક આપશે. તેનાથી ઘરને શોફ્ટ વોર્મ લુક મળી રહે છે.
મેધા પંડ્યા ભટ્ટ