નવાઝુદ્દીન સિદ્દીકીને અને ફિલ્મમાં તેના પાત્રને દરેક વર્ગ પસંદ કરે છે. ગેંગ ઓફ વાસેપુર અને તેની સિક્વલ ફિલ્મથી દર્શકોના મનમાં પોતાની ઊંડી છબી છોડનાર નવાઝુદ્દીન માટે કહાની ફિલ્મ બેસ્ટ રહી હતી. જોકે બદલાપુર, બજરંગી ભાઇજાન, માંજી, લંચબોક્સ, ફ્રેકી અલી, હરામખોર, રઇસ, બાબુમોસાય બંદૂકબાઝ, જેવી ફિલ્મોમાં પણ સારા અને અલગ પાત્રની છબી તેમણે છોડી છે. ઉત્તર પ્રદેશના એક નાનકડા જીલ્લાના વતની અને ખેડૂત પિતાના પુત્ર છે. જીવનમાં અને એક્ટિંગ કરિયરમાં ખૂબ જ સંધર્ષ કર્યો. હરિદ્વારની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી થોડા સમય માટે એક પેટ્રાકેમિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે બરોડામાં તેણે નોકરી કરી. ત્યારપછી દિલ્હી ગયા અને ત્યાં દોઢ વર્ષ નાટકો જોયા કારણકે તે એક થિયેટરમાં ચોકીદારી તરીકે કામ કરતા હતા, ત્યાં તેઓ સાક્ષી થિયેટર ગ્રુપ સાથે સંકળાયા અને મનોજ બાજપેયી અને સૌરભ શુક્લા જેવા કલાકારો સાથે કામ કર્યુ. પછી તો લખનૌમાં થિયેટરની ટ્રેનિંગ લીધી, દિલ્હીમાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી પણ સફળતા મેળવી. આ રીતે તેમણે પોતાની સફરની શરૂઆત કરી.
જોકે નવાઝુદ્દીન માટે એક વાત કહી શકાય કે કરીયરની શરૂઆતની સીડી ચઢવાની શરૂઆત તેમણે કરી અને એક પછી એક પગથિયા ચડીને તે ધીમે ધીમે આગળ વધતા જ જઇ રહ્યા છે. સરફરોશથી તેમને બોલિવૂડમાં એન્ટ્રી મળી અને ત્યારબાદ જુદી જુદી અનેક ફિલ્મોમાં કોઇકમાં વેઇટર, ડેકોઇટ ઇન્ફોમર, ફાર્મર, છલ્લા જેવા અનેક પાત્રો ભજવ્યા. જે કદાચ કોઇને યાદ પણ નહીં હોય. જ્યારે તેમના પાત્રને અને તેમને લોકો દેવ ડી, પીપલી લાઇવ, પાનસિંગ તોમર, કહાની જેવી ફિલ્મોથી ઓળખવા લાગ્યા. કદાચ તેમના આ જ નાના નાના રોલથી તેમણે ગેંગ ઓફ વાસેપુર અને ગેંગ ઓફ વાસેપુર-2 અને તલાશ જેવી ફિલ્મોમાં સારો રોલ મળ્યો. આજે તેમની મહેનત દરેક દર્શક જોઇ રહ્યા છે અને વખાણી પણ રહ્યા છે.
નવાઝુદ્દીન સિદ્દીકીની કરીયરની ગાડી હવે ફુલ સ્પીડમાં છે, ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તે પહેલા કદાચ એવા કલાકાર હશે જે તેની કરીયરમાં બીજી બાયોપિક ફિલ્મ કરી રહ્યા છે. માંજી – ધ માઉન્ટેન મેન તેમની પહેલી બાયોપિક હતી અને હવે વીસમી સદીના લેખકના જીવન પર આધારીત ફિલ્મ મન્ટો તેમની બીજી બાયોપિક ફિલ્મ છે. તેમની કરિયર ફરીથી એકવાર નવો વળાંક લેશે તેવું લાગી રહ્યું છે. નવાઝુદ્દીન સાથે વાતચિત દરમિયાન તેમનામાં સતત સફળતાની ઝલક જોવા મળતી હતી.
મન્ટો ફિલ્મ વિશે જણાવો અને તે પાત્ર તમને વ્યક્તિગત રીતે કેટલી અસર કરી ગયું.
મન્ટોની વાર્તા હું થિયેટર કરતો ત્યારથી કરતો આવ્યો છું. જોકે તેના વિશે મને વધારે જાણકારી નહોતી. તેમનું વ્યક્તિગત જીવન, પાત્ર, વર્તન, તેમના જીવનનો ગ્રાફ કેવો રહ્યો હતો તે અંગે મને વધારે માહિતી નહોતી. તે તમામ બાબત નંદિતાએ મને જણાવી. નંદિતાએ પાંચ વર્ષ સુધી તેના પર રીસર્ચ કર્યું છે. તેમની દિકરીઓને પણ તે મળી હતી. તેનાથી બને તેટલો મન્ટો વિશે તેમણે જાણવાનો પ્રયત્ન કર્યો. જેના કારણે એક કલાકાર તરીકે મારી માટે મન્ટોનું પાત્ર ભજવવું ખૂબ જ સરળ બની ગયું હતું. મન્ટોના લખાણથી આજના સમયના કોઇપણ લોકો પ્રભાવિત થઇ શકે છે. તેમના જીવનમાં એક વાત ખૂબ જ મહત્વની હતી કે તેમણે હંમેશા સત્યને જ વળગી રહીને કાર્ય કર્યું. સત્યને જ પ્રમોટ કર્યું. તેમની વાર્તાઓ અને જીવનમાં પણ તે જોવા મળશે. તેમની પાસે એક હિંમત હતી તે કે સમયે પણ તેમણે સત્યતાને છોડી નહોતી. સોસાયટીની હિપોક્રેસીને તેમણે વેરવિખેર કરી નાખી હતી. તેમની તે બાબતો મને વધારે પ્રભાવિત કરી ગઇ.
મન્ટો સત્યવાદી વ્યક્તિત્વ હતું. આજના સમય માટે આ ફિલ્મ કેટલી મહત્વની છે.
ખૂબ જ જરૂરી છે. હું પોલિટીક્સના પોઇન્ટ ઓફ વ્યૂમાં જવા માગતો નથી. જોકે સોસાયટીની વાત કરું તો સોસાયટીની જે હિપોક્રેસી છે, તેમણે જે પ્રકારનો મુખોટો પહેરી રાખ્યો છે, તે ઊતારવાની જરૂર છે. લોકો બોલે છે, જૂદું અને ઇચ્છે છે જૂદુ, સમાજમાં આ જે બાબતો છે, તેમાં સુધારાની જરૂર છે. આપણી પોતાની જ પહેલી જવાબદારી છે, બીજાને તો પછી કહીશું પણ પહેલા પોતાનામાં જ સુધારો લાવવાની જરૂર છે. આપણી પોતાની જવાબદારી છે કે આપણે કેટલું સાચુ બોલી શકીયે છીએ. જેટલું ઇચ્છીયે છીએ તેટલું બોલી શકીયે છીએ કે નહીં, તે ખૂબ જરૂરી છે.
આ પ્રકારની વાર્તાની અસર તમારા પોતાના પર થાય છે.
હું જ્યારે આ પ્રકારની સ્ટોરી પર કામ કરું ત્યારે હું બીજાનું નહીં પણ પોતે કેટલું સાચું બોલી રહ્યો છું તે પહેલા જોઉં છું. હું પોતાને વધારે મહત્વ આપવાનું પસંદ કરું છું.
અંગત જીવનમાં ક્યારેય સાચું બોલવું કે ન બોલવું જેવી ગડમથલ ઊભી થઇ છે.
હું જ્યારે મારા અંગત જીવનમાં, મારી આજુબાજુ કે મિત્રોમાં મારા વિશે વિચારું છું કે હું કેટલો મેન્યુપ્લેટીવ છું. હું વધારે વિચારતો નથી પણ હું આ બધી બાબતો પર ખાસ ફોકસ કરું છું. મારી દુનિયા ખૂબ નાની છે. તેમાં હું કેટલો ખુશ છું, પ્રામાણિક છું, કેટલો નથી. કેટલું વધારે કવરઅપ કરવાનું છે. ફક્ત આટલું જ વિચારું છું. તમે જો તમારી જાતને શોધવાનો અને સમજવાનો પ્રયત્ન કરો તો તેનાથી વધારે ઊંડાણ કોઇ બાબતમાં હોતું નથી.
નવાઝુદ્દીન એક સાયન્સ ગ્રેજ્યુએટ અને ખેડૂત પિતાના પુત્ર એક્ટિંગ તરફ કઇ રીતે વળ્યા તે જણાવશો.
હરિદ્વારની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી થોડા સમય માટે એક પેટ્રાકેમિકલ કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરી. ત્યારપછી દિલ્હી ગયો અને ત્યાં દોઢ વર્ષ નાટકો જોયા કારણકે હું એક થિયેટરમાં ચોકીદારી કરતો હતો. ત્યાં સાક્ષી થિયેટર ગ્રુપ સાથે સંકળાયો અને મનોજ બાજપેયી અને સૌરભ શુક્લા જેવા કલાકારો સાથે કામ કર્યુ. પછી તો લખનૌમાં થિયેટરની ટ્રેનિંગ લીધી, દિલ્હીમાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી પણ સફળતા મેળવી. આ રીતે મારી સફર શરૂ થઇ હતી.
તમે સિરિયલોમાં પણ ટ્રાય કરી હતી.
હા, હું જ્યારે મુંબઇ આવ્યો ત્યારે મેં ટેલિવિઝનમાં પ્રયત્નો કર્યા હતા, પણ એ કહેવામાં મને શરમ નહી લાગે કે મને તેમાં જરાપણ સફળતા મળી નહી.
તો પછી નવાઝુદ્દીન ફિલ્મોમાં કેવી રીતે આવ્યા.
મને 1999 આમિરખાનની ફિલ્મ સરફરોશમાં એક નાનકડો રોલ ભજવવાની તક મળી હતી. પછી 2003માં ઇરફાન ખાન સાથે ધ બાયપાસ નામની શોર્ટ ફિલ્મ પણ કરી. 2007માં મને બ્લેક ફ્રાઇડેમાં પાવર ફુલ રોલ કરવાની તક મળી અને ત્યારબાદની મારી ફિલ્મો જોઇ જ રહ્યા છો.
તો તમે એ જણાવો કે બ્લેક ફ્રાઇડેથી મન્ટો સુધીની તમારી સફર કેવી રહી.
ખૂબ જ ઉતાર ચઢાવવાળી રહી છે. ખૂબ મહેનત કરી છે અને એટલે જ કદાચ ભગવાનની મહેરબાનીથી હવે દરેક વસ્તુ સારી થઇ રહી છે. જે ઇચ્છતો હતો તે થઇ રહ્યું છે.
ફિલ્મોમાં નાના રોલથી લઇને લીડ રોલ સુધીની મહેનત વિશે જણાવશો.
સરફરોશથી મને એન્ટ્રી મળી અને ત્યારબાદ જુદી જુદી અનેક ફિલ્મોમાં કોઇકમાં વેઇટર, ડેકોઇટ ઇન્ફોમર, ફાર્મર, છલ્લા જેવા અનેક પાત્રો ભજવ્યા. જે કદાચ કોઇને યાદ પણ નહીં હોય. જ્યારે મારા પાત્રને અને મને લોકો દેવ ડી, પીપીલી લાઇવ, પાનસિંગ તોમર, કહાની જેવી ફિલ્મોથી ઓળખવા લાગ્યા. કદાચ મારા આ જ નાના નાના રોલથી મને ગેંગ ઓફ વાસેપુર અને ગેંગ ઓફ વાસેપુર-2 અને તલાશ જેવી ફિલ્મોમાં સારો રોલ મળ્યો. આજે મારી મહેનત માત્ર હું જ નહીં પણ તમે પણ જોઇ છે. જેના કારણે હવે હું લીડ રોલ પણ કરી રહ્યો છું.
નવાઝ આજે તમે સફળતાના એ શિખર પર છો, જ્યાં ફિલ્મમાં તારા પાત્રને લોકો પસંદ કરી રહ્યા છે, તમને સ્ટ્રોંગ રોલની ઓફર થઇ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ન હોવા છતાંય આટલી સફળતા અંગે શું કહેશો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ન હોવાના કારણે મહેનત ખૂબ કરવી પડે છે પણ ઇન્ડસ્ટ્રીમાં એક પ્લસ પોઇન્ટ છે કે લોકો જેમ જેમ તમારા કામને જોતા જાય છે, તેમ તેને વખાણે પણ છે અને એક સમય એવો આવે છે કે તમને જોઇતી તક મળી જાય છે. ત્યારે અવું લાગે છે કામના કારણે રીસપેક્ટ મળે છે અને કામના કારણે કામ મળતું રહે છે.
જૂના દિવસોને કેવી રીતે યાદ કરે છે.
હું જૂના દિવસોને હંમેશા મારી આંખની સામે રાખું છું. હું મારી જે સ્થિતી હતી તે ક્યારેય ભૂલતો નથી.
જ્યારે કોઇ બાયોપિક બને છે, ત્યારે તેમાં માનસિક રીતે ખૂબ તૈયારીઓ કરવી પડે છે.
તકલીફ ઘણી પડી છે. માંજી ફિલ્મમાં એક ટાસ્ક હતો, એક વ્યક્તિ 22 વર્ષ સુધી એક જ કામ કરતો રહે છે. તે પોતાની પત્નીને કેટલો પ્રેમ કરતો હશે. હું માનું છું કે શાહજહાં કરતા પણ તેનો પ્રેમ વધારે ગાઢ હતો. શાહજહાં પાસે તો પૈસો હતો ને તેણે જે મહેલ બનાવ્યો તે કારીગરો પાસે બનાવડાવ્યો હતો. જ્યારે માંજીએ ફિઝીકલી પોતાને તેમાં ઇન્વોલ કર્યો. લાગણી બંનેને હતી. પહાડ તોડવો તે પણ કોઇ તાજમહેલ બનાવવા કરતા ઓછું કામ નહોતું. આપણા દેશમાં ખાસ કરીને જે સામાન્ય વ્યક્તિ હોય છે, તેની પ્રેમકહાનીને લોકો વધારે મહત્વ આપતા નથી પણ રાજા-રજવાડાના પ્રેમને સારી રીતે રજૂ કરાય છે.
મન્ટોની વાત કરું તો તે એક જાણીતા છતા લોકોની આંખે ચડેલા લેખક હતા. તેના વિચારો સત્યવાદી હતા. તે વ્યક્તિ સત્યવાદી હતો. તે જે પણ કઇ કહેતા કે લખતા તે દરેક સામાન્ય વ્યક્તિના વિચારો છે. તે જાહેર કરી દેતા હતા અને લોકો જાહેર કરી શકતા નથી. મારા માટે આવા બાયોપિક પાત્રમાં પૂરેપૂરા ડૂબવું સહેલું છે પણ તેમાંથી બહાર નીકળવું ખૂબ અધરું છે.
મેધા પંડ્યા ભટ્ટ