જીવનનો આધાર સંબંધો અને વિચારો પર રહેલો છે. જ્યારે આ બંને બાબતો ડગમગવા લાગે ત્યારે દરેક વસ્તુમાં નેગેટીવીટી જોવા મળે છે. બે વ્યક્તિના સંબંધમાં ઊભી થતી આ નેગેટીવીટી તમારા સંબંધને ખાટા અને તીખા બનાવવાની શરૂઆત કરી દે છે. નાની નાની બાબતો પર ગુસ્સો કરવો, પોતાના માટે કોઇને સમય નથી, તેવા સતત વિચારો આવવા, દરેક વ્યક્તિ અને બાબતને નેગેટીવ રીતે લેવી તમને માનસિક રોગનો ભોગ બનાવવા તરફ ધકેલે છે.

સુંદર જીવન છે, તો તેને આનંદથી જીવવું દરેકની ફરજ છે. અનેક લોકોની ફરિયાદો સાંભળવા મળે છે કે તેણે મને મારા જન્મદિવસ પર ફોન ન કર્યો, જ્યારે મારે જરૂર હોય ત્યારે તે મારી સાથે હોતો કે હોતી નથી, કોઇ મારી ફિલીગ્સને સમજતું નથી. મારા માટે કોઇની પાસે સમય નથી, મને સારી ગીફ્ટ પણ ન આપી. આવી બધી એક્સપેક્ટેશન સામેવાળાના નહીં તમારા પોતાના મનને જ રોગી બનાવી દેશે.

આપણે આપણી આજુબાજુ એવી ઘણી વ્યક્તિને જોઇએ છીએ કે જે નાની નાની બાબતોને લઇને ફરીયાદો કરતા રહે છે. તેનાથી તેમના ઘરમાં તો સંબંધ બગડે જ છે, સાથે જ આજુબાજુના લોકો સાથે પણ તેમના સંબંધ સારા હોતા નથી. તેના માટે પણ તેઓ હંમેશા બીજાને જ દોષી માને છે.

તમારા જીવનનો સાચો અને યોગ્ય પથ જીવનસાથી સાથે સુમેળ સાધીને રહેવાનો અને એકબીજાના વિચારોને સમજીને રહેવાનો છે. જીવનમાં કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. દરેકમાં કંઇકને કઇક ખામી હોય છે. બંનેએ બંનેના ફક્ત સદૂગુણો જ નહીં પણ દુર્ગુણો સાથે એકબીજાનો સ્વીકાર કરવાનો હોય છે. તેમાં જો તમે પછી નાની નાની વાતોને ફરીયાદો બનાવીને રજૂ કરો તો સામેવાળી વ્યક્તિને તમારા પ્રત્યે લાગણી કે માન રહેતું નથી. પતિ પોતાના ઓફીસ સમય દરમિયાન જો ફોન ઊપાડી ન શકે કે દિવસ દરમિયાન પત્ની સાથે વાત ન કરે તો પત્નીની ફરીયાદોનો ટોપલો સાંજે પતિના માથે ઢળી પડે છે.

કોઇપણ વ્યક્તિને તમે તમારી રીતે રહેવા માટે ક્યારેય મજબૂર કરી શકો નહીં, પછી તે વ્યક્તિ પત્ની હોય કે પતિ. બંનેને પોતાના વિચારો, વ્યક્તિત્વ અને એક અલગ ઓળખ છે. તેના પર પરાણે પોતાનો સિક્કો મારવની ભૂલ ક્યારેય કરવી નહીં. તમે બીજાને સુધારવા માટે સતત પ્રયત્ન કરતા રહો છો, પણ સૌથી પહેલા તો તમારે પોતાની અંદર ડોકીયું કરીને જોવાની જરૂર છે, કે શું આપણે બીજાને સુધારવા પાત્ર છીએ. તમને તમારો જવાબ જાતે જ મળી જશે. બીજાને દોષ દેતા પહેલા કે બીજા પ્રત્યે નેગેટીવીટી ઊભી કરતા પહેલા પોતાની જાતને અરીસા સામે ઊભી રાખીને પૂછજો કે હું જે બાબતોની આશા સામેવાળી વ્યક્તિ પાસેથી રાખું છું તેમાં ક્યારેય પોતે ખરી ઊતરી શકીશ.

તમે કોઇપણ વસ્તુની આશા ક્યારે રાખી શકો જ્યારે તમે એટલું કરીને દેખાડ્યું હોય. જો પતિ માટે તમે તેમની મનપસંદ કોઇ એક બાબતને સ્વીકારીને જીવો તો તેમના મનમાં માન જરૂર જાગશે. પણ હા બાબત કઇ પસંદ કરો છો, તે નક્કી કરવી મુશ્કેલ છે. પણ તેની બાબતો સ્વીકારીને તેમને પણ પોતાની બાબતો પરાણે સ્વીકારવા ફરજ પાડવી નહીં.

વ્યક્તિના વિચારો અને માનસિકતા નાનપણમાં મળેલા વાતાવરણથી કે પછી તેના મિત્રોનાગ્રુપના કારણે બદલાતી હોય છે. જેમનું ઘરનું વાતાવરણ આનંદિત હોય, તેવા લોકો દરેક સંબંધને ખૂબ જ કુશળતાથી નિભાવે છે. જેમના ઘરનું વાતાવરણ હંમેશા તણાવવાળું રહ્યું હોય, તેમના બાળકો હંમેશા બીજાની ભૂલો કાઢતા જ શીખે છે, તેવા બાળકો ભવિષ્યમાં સંબંધને સહજતાથી નિભાવી શકતા નથી.

જે લોકો પરફેક્શનિસ્ટ હોય છે, તે ફક્ત પોતાના કામમાં જ નહીં પણ બીજા લોકોમાં પણ કંઇક પરફેક્શનને શોધતા રહે છે. જેના કારણે તેમને બીજામાં પણ ખામી દેખાતી રહે છે. પોતાના કોઇપણ સંબંધને સારો બનાવવામાં આવા લોકો ક્યારેય પોતાની તરફથી પહેલ કરતા નથી. ઘણીવાર તો નાની નાની બાબતોને કારણે સારા સંબંધોને પણ બગાડી નાખે છે. હંમેશા બીજામાં ખામીઓ શોધીને તેમનાથી દૂર થનાર વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તે એકદમ એકલો પડી જાય છે. આવા લોકોના સંબંધો સહજ રહી શકતા નથી. તેમના દાંમ્પત્યજીવન અને પ્રોફેશનલ લાઇફ, દરેક સ્થળે તેમને લોકોમાં કંઇકને કઇક ખામી દેખાય છે. જેના કારણે સામેવાળી વ્યક્તિ સાથે તેમનું વર્તન નારાજગીવાળું રહે છે. મનમાં જે નેગેટીવીટી ઘર કરી ગઇ હોય છે, તેની સામાજીક સંબંધો પર ખૂબ ખરાબ અસર પડે છે. સ્વભાવ ચિડીયો બની જાય છે, જેના કારણે મિત્રો અને સંબંધીઓ પણ તેમનાથી દૂર થઇ જાય છે.

જો તમને લાગતું હોય કે તમારી અંદર કેટલીક ખરાબ આદતો કે નેગેટીવીટી વધારે પ્રમાણમાં છે, તો તેના માટે સંકોચ પામવાની કે શરમમાં મૂકાવાની કોઇ જરૂર નથી. દરેક વ્યક્તિમાં ખૂબીઓની સાથે ખામીઓ પણ હોય જ છે. જો વિચારોમાં પોઝીટીવીટીનો ડોઝ વધારી દેશો તો તેમાં સરળતાથી ફેરફાર લાવી શકાય છે. દરેક સંબંધને સારી રીતે નિભાવવો તે પણ એક કળા છે અને તેના માટે બીજાની નાની નાની બાબતોને નજરઅંદાજ કરવું જરૂરી છે. જો તમને કોઇની વાત સાંભળીને દુખ થયું હોય તો તેની વાત ભૂલીને નવી રીતથી સંબંધ સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. કોઇકવાર પોતાની જાતને બીજાની જગ્યાએ મૂકીને વિચારી જુઓ. આવું વિચારવાથી તમારા વર્તન અને વિચારોમાં ફેરફાર લાવવો વધારે સરળ બની જશે. સંબંધને મજબૂત બનાવવા માટે લાગણીશીલતાની સાથે સમજણ પણ જરૂરી હોય છે. જેથી તમારું વર્તન હંમેશા સંતુલનમાં રહે તે ખાસ ધ્યાન રાખવું.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment