ગેંગ ઓફ વાસેપૂર પાર્ટ 1-2, એક થી ડાયન, ડી-ડે, દેઠ ઇશ્કિયા, બદલાપુર, હાઇવે, જોલી એલએલબી 2 જેવી અનેક ફિલ્મોમાં અલગ પાત્રમાં જોવા મળેલી હુમા કુરેશી ફરીથી નવા જ પાત્રમાં ફિલ્મ પાર્ટીશન 1947માં જોવા મળવાની છે. આ એક હિસ્ટોરીકલ ડ્રામા ફિલ્મ છે, જેના માટે તેને ખાસ પસંદ કરવામાં આવી છે. ફિલ્મ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં બની છે. તે પોતાની આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મને લઇને તેની સાથે કરવામાં આવેલી કેટલીક રૂબરૂ વાતચિતના અંશો.
આ ફિલ્મ તારા માટે કેટલી અલગ અને પડકારરૂપ રહી.
પાર્ટીશન ઉપર ફિલ્મ બની છે, તેથી મારા માટે તે અલગ તો છે. મને લાગે છે કે આ વર્ષે આવી ફિલ્મ આવે તે જરૂરી પણ છે. હાલમાં જ આપણા દેશને આઝાદ થયાને 70 વર્ષ પૂર્ણ થયા છે. ઘણા લાંબા સમયથી આ વિષયને લઇને કોઇ ફિલ્મ બની નહોતી. આપણી અત્યારની જે યંગ જનરેશન છે કે બહારના કોઇપણ દેશની અત્યારની જનરેશનને પાર્ટીશન વિશેની વધારે માહિતી નથી. હું પોતે માનું છું કે જ્યાં સુધી તમે તમારા ભૂતકાળને સારી રીતે સમજશો નહીં તો તમારું ભવિષ્ય ક્યારેય સારું થઇ શકશે નહીં. દરેક ભારતીયે પોતાના દેશના ભૂતકાળ વિશે જાણવું જ જોઇએ તેવું હું પણ માનું છું. આપણી આઝાદી માટે તે સમયે લોકોએ કેટલી તકલીફો સહન કરી છે, તે જાણવું જરૂરી છે.
પાર્ટીશનની સત્યઘટનાને ફિલ્મમાં દેખાડી છે કે થોડું સ્ટોરીને મોડીફાય પણ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં બે બાબતો જોવા મળશે. જેમાં થોડીક ઇતિહાસની સત્યઘટનાઓ છે. જેમાં અંગ્રેજોએ ભારતમાં જે કર્યું અને જે છેલ્લા વોઇસરોય માઉન્ટબેટન હતા તેમણે શું ભૂમિકા ભજવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક સિક્રેટ ડોક્યુમેન્ટ્સ બ્રીટીશ સરકારે થોડા સમય પહેલા ડિક્લાસિફાઇડ કર્યા હતા. જે વિન્સન ચર્ચિલ તેમના પ્રાઇમિનિસ્ટર હતા તેમના સમયમાં થયું. તે ડોક્યુમેન્ટ્સ દ્વારા નવી જાણકારી મળી. ફિલ્મના રીચર્સમાં પણ તે ઉપયોગી બન્યા અને ખબર પડી કે ખરેખર પાર્ટીશન ક્યા કારણોસર થયું હતું. આપણને જે ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે બહારથી પણ જે જાણકારી મળે છે, તે સિવાય પણ એક સત્ય છે કે બ્રિટીશરોએ શા માટે ભારતના બે ભાગલા પાડ્યા હતા. તેની પાછળનો તેમનો સાચો હેતુ શો હતો. જે આ ફિલ્મ દ્વારા ખબર પડી જશે. જ્યારે તમને તે હકીકત ખબર પડશે તો ખૂબ જ આઘાત લાગશે. આ વાત દરેકે જાણવી ખૂબ જરૂરી છે કારણકે હાલમાં જે પરિસ્થિતી છે, તેનું મૂળ તે સમયે જે પાર્ટીશન થયું તે જવાબદાર છે. આપણે તે સમયના તે મુદ્દાને સમજવો જરૂરી છે.
બીજી વાત એ પણ કે થોડું ફિક્શન પાર્ટ પણ છે કારણકે ફિલ્મમાં લવ સ્ટોરી છે. એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમને કારણે દેશમાં શું ચાલી રહ્યું છે, લોકોની વચ્ચે શું ચાલે છે, તે જોવા મળશે. દરેક પ્રકારના દર્દને તમે આ પ્રેમમાં જોઇ શકશો કારણકે પાર્ટીશન વખતે ફક્ત કાગળ ઉપર એક લીટી દોરી દેવામાં નહોતી આવી. તે સમયે લોકોના ઘરો, દુકાનો, સોસાયટીઓ અને દિલોની વચ્ચે તે ખેંચવામાં આવી હતી, જેના કેટલાક પૂરાવા આજેપણ મળે છે.
આ ફિલ્મની લવસ્ટોરીમાં શું અલગ હશે. તમારા પાત્ર વિશે થોડું જણાવો.
ભારતમાં ઘણીબધી આ પ્રકારની લવસ્ટોરી સ્ક્રીન પર અને રીયલ લાઇફમાં જોવા મળે જ છે. આ લવસ્ટોરી ખાસ એટલા માટે છે કે તે પાર્ટીશન પર આધારીત છે. અલગ ધર્મના હોવું કહેવું સરળ નથી હોતું. દરેક લવસ્ટોરીના પોતાના મુદ્દાઓ હોય છે. મારું પાત્ર આલીયાનું છે અને તે માઉન્ટબેટનને ત્યાં એક ટ્રાન્સલેટર છે. તે મુસ્લિમ હોવા છતાંય એજ્યુકેટેડ છે અને સારું અંગ્રેજી બોલી શકે છે. જે યુવકને તે પ્રેમ કરે છે તે હિંદુ હોય છે અને માઉન્ટબેનન સાહેબનો વેલે હોય છે. આલીયાના જીવનમાં અલગ તકલીફો હોય છે. તેના પિતા એક ફ્રિડમ ફાઇટર હોય છે. જ્યારે પાર્ટીશન થાય ત્યારે તેના માટે ખૂબ મુશ્કેલી ઊભી થાય છે.
ફિલ્મ માટે ખાસ કોઇ તૈયારીઓ કે રીસર્ચ કરવું પડ્યું હતું.
હા, કારણકે ફિલ્મ વાઇસરોય હાઉસ અંગ્રેજીમાં છે અને હિન્દીમાં પણ પાર્ટીશન 1947ના નામથી રિલીઝ થઇ રહી છે. તેનો જે અંગ્રેજી પાર્ટ હતો તે થોડો મુશ્કેલ રહ્યો કારણકે તે સમયના લોકો એક ચોક્કસ પ્રકારની પદ્ધતિથી અંગ્રેજી બોલતા હતા. તેના માટે ઘણાબધા યુટ્યુબ વિડીયોઝ જોયા. વિજ્યાલક્ષ્મી પંડિય, સરોજીની નાયડુ જે રીતે વાત કરતા તે વિડીયોઝ જોયા.
ફિલ્મ બાદ એવી કઇ બાબતો તમને જાણવા મળી જે અત્યાર સુધી નહોતી જાણી.
ઘણીબધી વાતો અને માહીતી છે. નેશનલ અકાયબમાં ડોક્યુમેન્ટ્સ આજેપણ છે. જો કોઇને તેમાં રસ હોય તો તે જઇને જોઇ શકે. સુરીન્દરસિંહ નરીલાની એક પુસ્તક છે શેડો ઓફ ધ ગ્રેટ ગેમ અને બીજી પુસ્તક ફ્રિડમ એટ મિડનાઇટ. આ ફિલ્મનું ઘણુબધુ રીસર્ચ આ બંને પુસ્તકો પર આધારિત રહ્યું છે. તે સિવાય ગુરીન્દરે સાત વર્ષ સુધી આ ફિલ્મ પર રીસર્ચ કર્યું છે.
તમને હંમેશા અનુભવી ડિરેક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે.
મને તક મળી તે મારા માટે સારી વાત છે. વિશાલ સાથે એક થી ડાયન પછી મને બીજીવાર કામ કરવાની તક મળી હતી. અનુરાગે પણ મને તેની બંને ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર 1 અને 2માં તક આપી છે. દેઢ ઇશ્કિયામાં અભિષેક ચોબે સાથે તક મળી. બદલાપુરમાં શ્રીરામ રાધવન અને જોલીમાં સુભાષ કપૂર સાથે કામ કરી ચૂકી છું. આ ફિલ્મ પાર્ટીશન 1947 માં હું ગુરીન્દર ચડ્ડા સાથે કામ કરી રહી છું. હું પોતે પણ પાત્રની પ્રશંસા કરવામાં માનું છું. હું ક્યારેય સાઇડ રોલ પસંદ કરતી નથી. મને જે તક મળી તેમાં મને મારા પાત્ર પસંદ પડ્યા અને તમે મને જોઇ છે. બાકી તો બધી નસીબની વાત છે.
મેધા પંડ્યા ભટ્ટ