આજકાલ બિલ્ડિંગ્સનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે, જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવા સંજોગોમાં આપણને છાંયડો આપે તેવા વિવિધ ઘટાદાર વૃક્ષો તો જાણે સાવ લુપ્ત જ થઇ રહ્યાં છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરમાં જ આ વૃક્ષો ઉગાડી શકો છો

દિવસે દિવસે શહેરોમાં કોંક્રીટના જંગલ વિસ્તરી રહ્યાં છે અને મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સને લીધે ગ્રીનરી ઓછી થઇ રહી છે. આટલું ઓછું હોય તેમ, મહાનગરોમાં વિકસી રહેલા નવા નવા ક્ષેત્રોની વાત કરીએ, તો ત્યાં વિશાળ વૃક્ષો તો સાવ જ ઓછા જોવા મળે છે. તદુપરાંત, થોડા વર્ષો પહેલાં ઘરની બહાર કે પછી પાછળના ભાગમાં લોન અને વૃક્ષ-છોડ જોવા મળતા હતા તેના બદલે ગાર્ડનિંગનો લોકોનો શોખ હવે ફ્લેટની બાલકની પૂરતો જ સીમિત થઇ ગયો છે. ખાસ વાત તો એ છે કે આપણે પહેલાં જે સિઝનલ ફૂલો અને સુંદર પાંદડાંવાળા છોડ અને વૃક્ષો બગીચામાં કે વાડામાં ઊગાડતાં હતાં, જેવાં કે, આંબો, પીપળો, વડે વગેરે વૃક્ષો પણ લોકો હવે પોતાની બાલ્કનીમાં જ નહીં, બલકે નાના એવા કૂંડામાં ઊગાડવા લાગ્યાં છે.

આ વાંચીને તમને નવાઇ લાગી ને કે ભલા એક ફ્લેટની નાની એવી બાલ્કનીમાં બલકે નાનકડાં કૂંડામાં આવા વૃક્ષો કેવી રીતે ઊગે? પણ આ વાસ્તવિકતા છે. તમે બોન્સાઇ કલા વિશે તો સાંભળ્યું હશે. બોન્સાઇ એ ખરેખર તો જાપાનીઝ કલા છે, જેમાં આવા મોટા વૃક્ષોને પણ છોડની માફક કાપકૂપ કરીને તેને સુંદર અને આકર્ષક રીતે ઉગાડવામાં આવે છે. વર્ષો જૂની આ કલા મૂળ જાપાનની પણ આપણા દેશમાં આવા મોટા વૃક્ષોના મૂળિયાં મોટા ખડકને કારણે કુદરતી રીતે જ નાનાં થઇ જતાં હતાં. સમય જતાં ઘરમાં જ વિવિધ વૃક્ષોને બોન્સાઇ રૂપે વિકસાવવાની કલાએ લોકોના શોખનું સ્વરૂપ ધારણ કર્યું અને બગીચામાં કે વાડીમાં ઊગતાં આ મોટા વૃક્ષો વાડી કે ગાર્ડનમાંથી ડ્રોઇંગરૂમમાં પહોંચી ગયાં.

બોન્સાઇ દ્વારા છોડને આકર્ષક અને અનેકવિધ રૂપ આપી શકાય છે. જ્યારે અનેક પ્રકારના બોન્સાઇને એકસાથે ગોઠવવામાં આવે ત્યારે તો એ ભાગની સુંદરતા જોવા જેવી હોય છે. એટલું જ નહીં, આ બોન્સાઇની એક લાક્ષણિકતા એ છે કે નાનકડાં છોડ જેવા આંબા, ચંપા, વગેરે વૃક્ષોને ફળ અને ફૂલ બંને આવે છે. હા, તફાવત થોડો ગણો તો એટલો જ કે તેનો આકાર મૂળ મોટા વૃક્ષોના ફળ કે ફૂલોના કદની સરખામણીએ નાનો હોય છે. તમે પણ ઘરની સજાવટ બોન્સાઇ દ્વારા કરી શકો છો. બાલ્કની કે ડ્રોઇંગરૂમના એકાદ ખૂણામાં આના દ્વારા અનેરી સજાવટ બોન્સાઇ દ્વારા કરી શકો છો.

બોન્સાઇ દેખાવમાં અત્યંત સુંદર અને આકર્ષક લાગે છે, પણ તેની સંભાળ રાખવા માટે કેટલીક ખાસ સાવધાની રાખવાની જરૂર હોય છે. આ ખાસ સાવધાની કઇ રીતે રાખવી તે જાણીએઃ

– બોન્સાઇ માટે તમે વિવિધ છોડ કે વૃક્ષોનો ઉપયોગ કરી શકો છો. આમાં કેટલાક મુખ્ય વૃક્ષ-છોડ છે – પીપળો, વડ, જામફળી, ફાઇક્સ, ચીલ, એરોકેરિયા, આંબો, લીંબુડી, નારંગી, બોરડી, ચમેલી, લીમડો વગેરે.

– બોન્સાઇ બનાવવા માટે રોપાના કટિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. જેમ કે સૌથી ઉપરની કળીઓને તોડવામાં આવે છે. પાતળી ડાળીઓને અલગ રાખવા ઉપરાંત જાડી ડાળીઓને પણ કાપવામાં આવે છે.

– બોન્સાઇ તૈયાર કરવા માટેની સરળ રીત એ છે કે એક નાનકડા ડબ્બાના તળિયે અને કિનારીએ કાણાં પાડી દો. તેમાં માટી અને જરૂર પૂરતું ખાતર ભરવાની સાથે તમને ગમતો છોડ અથવા વૃક્ષનો નાનકડો રોપો લગાવો. છોડ રોપ્યા પછી લગભગ એકથી દોઢ વર્ષમાં તેના મૂળિયાં ડબ્બામાંથી બહાર નીકળવા લાગે ત્યારે તેને કાપતાં રહો. જો બોન્સાઇ છોડની ડાળીને તમને ગમતો આકાર આપવા ઈચ્છતાં હો તો એને તાર કે દોરીથી બાંધી શકો છો.

– છોડ બે વર્ષનો થઇ જાય ત્યારે એને ડબ્બામાંથી બીજા કૂંડામાં રોપો. બીજા કૂંડામાં રોપતી વખતે તેના મૂળિયાંને કાપવાનાં નથી તે ધ્યાન રાખવું. આમ કરવાથી તેના મૂળિયામાં લાંબા સમય સુધી ભેજ જળવાઇ રહેશે.

– સામાન્ય રીતે બોન્સાઇ ઉછેરવા માટે છીછરા કૂંડાનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. બોન્સાઇ માટે ખાસ કરીને છ ઇંચનું ઊંડાણ ધરાવતાં કૂંડાં માપસરના માનવામાં આવે છે. આ કૂંડાને તમે ચોરસ અથવા ત્રિકોણ કે ગોળ એમ તમને ગમતાં આકારના પસંદ કરી શકો છો.

– બોન્સાઇના કૂંડામાં માટીનું પ્રમાણ ઓછું રાખવું જોઇએ. એટલું જ નહીં, તેના વધતાં મૂળિયાંને ધ્યાન રાખીને સમયાંતરે કટિંગ કરતાં રહેવું. હા, કૂંડામાં પડેલાં સૂકા પાન તરત જ કાઢી નાખવા જેથી તેમાં કચરો ન થાય અને તેની સુંદરતા જળવાઇ રહે.

– બોન્સાઇને પાણી પણ પ્રમાણસર અને યોગ્ય રીતે રેડો. જેમ કે, શિયાળામાં ત્રણ દિવસે એક વાર પાણી રેડો તો ચાલે, જ્યારે ઉનાળામાં એક દિવસના અંતરે અથવા તો સવારના સમયે રોજ પાણી રેડી શકાય છે. આ ઉપરાંત, મહિનામાં એકાદ વાર ખાતર અને અઠવાડિયે એક વાર તેની માટીને ઉપર-તળે કરી જરૂર લાગે તો થોડું ખાતર નાખવું જેથી છોડ સ્વસ્થ રહે.

આમ, તમે ઇચ્છો તો તમારી જાતે તમારા ઘરમાં જ તમને ગમતી જગ્યાએ તમારો મનગમતા વૃક્ષને બોન્સાઇરૂપે તૈયાર કરી શકો છો. જો તે તૈયાર કરવામાં લાગતાં વધારે સમય સુધી રાહ જોવાની તમારી તૈયારી ન હોય તો નર્સરીમાં આવા બોન્સાઇ આજકાલ મળે છે, તેને ખરીદીને ઘરે લાવી તેનાથી ઘરની સજાવટ કરી શકો છો.

 

 

Loading

Spread the love

Leave a Comment