બોલિવૂડની અભિનેત્રીઓની ફિટનેસ જોઇને ખરેખર આપણામાંથી ઘણાને તેમની ઇર્ષા આવે છે. ઘણી યુવતીઓ હશે જે તેમના જેવું ફિગર, ફિટનેસ અને બ્યૂટી મેળવવા માટે પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં તમારી ફેવરિટ હિરોઇન પોતાની ફિટનેસ, ફિગર અને બ્યૂટી જાળવવા માટે શું ધ્યાન રાખે છે એ આજે આપણે પણ જાણી લઇએ તો એકદમ એમનાં જેવાં ન બની શકીએ, પણ એમનાં જેવી ફિટનેસ, ફિગર અને બ્યૂટી થોડીઘણી તો પ્રાપ્ત કરી શકીએ.

  1. વિદ્યા બાલન

વિદ્યા બાલને તેની ફિલ્મ માટે બાર કિલો વજન વધાર્યા પછી તે ફરી ઘટાડ્યું હતું. એ નિયમિત રીતે ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ લે છે, ખોરાકમાં થોડા ઘણા ફેરફાર અને જિમમાં વર્કઆઉટ કરવાથી એણે પોતાનું વજન ઘટાડીને ફિટનેસ પ્રાપ્ત કરી છે. વિદ્યા શાકાહાર લેવાનું વધારે પસંદ કરે છે અને ચોકલેટ્સ તથા મસાલા ચા પ્રસંગોપાત લે છે. મેંદાનો ઉપયોગ કરવાને બદલે તે મલ્ટિગ્રેઇન બ્રેડનો ઉપયોગ કરવાનું પ્રીફર કરે છે.

  1. દીપિકા પદુકોણ

તે તેની બ્યૂટી માટે આજની યંગ જનરેશનની ફેવરિટ છે. પિતાની માફક દીપિકા પણ બેડમિન્ટન પ્લેયર છે અને તેનું કહેવું છે, હું નિયમિત રીતે એક્સરસાઇઝ કરું છું, યોગ કરું છું, પૌષ્ટિક ભોજન લેવાની સાથે પોઝિટિવ થિન્કિંગ ધરાવું છું, જેના લીધે મારી સુંદરતા વધારે નિખરી ઊઠે છે. દીપિકા રોજ સવારે અડધા કલાક માટે ચાલવા જાય છે. એ જણાવે છે કે, જ્યારે એનો મૂડ સારો ન હોય ત્યારે ડાન્સ જેવી બેસ્ટ એક્સરસાઇઝ અન્ય કોઇ નથી. તે કહે છે કે ભલે તમને વારંવાર ભૂખ લાગતી હોય, ખાવામાં વાંધો નથી, પણ નિયમિત રીતે બબ્બે કલાકના અંતરે થોડું થોડું ખાવાનું રાખો. તે સાથે દીપિકા હાર્ડકોર એડવેન્ચરની પણ શોખીન છે. તમને જાણીને નવાઇ લાગશે કે એ સર્ટિફાઇડ સ્કૂબા ડાઇવર છે.

  1. સોનમ કપૂર

સોનમ પણ એક એવી અભિનેત્રી છે, જે એની સુંદરતા અને ફિટનેસ માટે ઘણાની ફેવરિટ છે. સોનમે પોતાની પહેલી ફિલ્મ પછી 35 કિલો વજન ઘટાડ્યું હતું. તેની રોજિંદી કસરતમાં એ દરરોજ કાર્ડિયો કરે છે, ડાન્સ કરે છે, અઠવાડિયામાં બે દિવસ ભૂલ્યા વિના એક્સરસાઇઝ કરવાની સાથે તે યોગ, સ્વિમિંગ અને સ્ક્વોશ રમે છે. કોઇ પણ વસ્તુ ખાવામાં તે ના નથી કહેતી, પણ દર બે કલાકે ડ્રાય ફ્રૂટ્સ ખાય છે, જેથી શરીરને જરૂરી પ્રોટીન અને વિટામિન મળી રહે. દિવસ દરમિયાન જ્યૂસ તેમ જ પુષ્કળ પાણી પીએ છે. જેથી તેનું એનર્જી લેવલ જળવાઇ રહે. એ પોતાના ખોરાકમાં નોનવેજ, વધારે પડતું મીઠું અને ખાંડ ખાવાનું ટાળે છે.

  1. અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ગમે એટલી વ્યસ્ત હોવા છતાં કસરત કરવામાં બાંધછોડ ક્યારેય નથી કરતી. એને યોગ કરવાનું વધારે ગમે છે તેની સાથે જોગિંગ અને ડાન્સ કરવાનું પણ તેને પસંદ છે. એ જંકફૂડ ખાવાનું ટાળે છે અને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ-ચાર લિટર પાણી તો તે આરામથી પી જાય છે.

  1. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા સીધોસાદો અને સંતુલિત આહાર લે છે. દર બે કલાકે કંઇk ને કંઇ ખાતી રહેતી પીસીના આહારમાં લીલાં શાકભાજી અને ફળો ભરપૂર હોય છે. તે વધારે પડતો ઓઇલી ખોરાક ટાળે છે. અઠવાડિયામાં ચાર દિવસ એ નિયમિત રીતે કસરત કરે છે અને યોગ પણ કરે છે.

  1. કેટરીના કૈફ

કેટરીના કૈફની કસરતમાં યોગ, સ્વિમિંગ, સાઇક્લિંગ, જોગિંગ અને જિમમાં નિયમિત જવાનો સમાવેશ થાય છે.  એ સમયસર યોગ્ય ખોરાક પૂરતા પ્રમાણમાં ખાય છે અને તળેલા ખાદ્યપદાર્થો ખાવાનું ટાળે છે. બને ત્યાં સુધી ઓછા કાર્બ્સ ધરાવતો આહાર પ્રિયંકાનો પ્રિય છે. તે પણ દિવસ દરમિયાન વધારે પાણી પીવાનો આગ્રહ રાખે છે.

  1. શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર નાની હતી ત્યારે સ્કૂલમાંથી જ સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાં સક્રિય રહેતી. એ માને છે કે ફિટનેસ એટલે માત્ર વજન ઘટાડવું એમ નહીં, પરંતુ તમને તમારી જાત માટે અને લાઇફસ્ટાઇલ માટે જ્યારે સારી ફીલિંગ જાગે તે અસલી ફિટનેસ છે. એ અઠવાડિયામાં ત્રણ દિવસ જિમમાં જાય છે અને ચારથી પાંચ દિવસ એના રૂમમાં નિયમિત એક કલાક ડાન્સ પણ કરે છે. દિવસ દરમિયાન થોડો થોડો છતાં સંતુલિત આહાર લે છે અને જંકફૂડ, વધારે પડતી ચરબી અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા એવા ખોરાકથી દૂર રહેવામાં માને છે. એ મોટા ભાગે શાકાહારી ખોરાક પસંદ કરે છે.

  1. આલિયા ભટ્ટ

શરૂઆતમાં ગોળમટોળ દેખાતી આલિયા ભટ્ટે માત્ર ત્રણ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું હતું. એ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધારે પ્રોટીન ધરાવતા આહારમાં દહીં, ઓટ્સ, સલાડ્સ અને તાજા ફળને વધારે મહત્વ આપે છે. જંકફૂડ, મેંદા, ખાંડ જેવા પદાર્થોથી દૂર રહેનારી આલિયા અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જિમમાં જઇને રનિંગ, વેઇટ ટ્રેનિંગ, સાઇક્લિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ કરે છે. ફ્રેશ રહેવા અને સ્ટ્રેસ ઘટાડવા એ યોગ પણ કરે છે.

  1. ઐશ્વર્યા રાય બચ્ચન

હવે બચ્ચનબહુ ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો દિકરી આરાધ્યાના જન્મ પહેલાં એનું જે વજન વધ્યું હતું તે એણે નિયમિત યોગ અને સંતુલિત આહાર દ્વારા ઘટાડી દીધું છે અને પોતાની કમનીય કાયાને ફરી હતી એવી જ કમનીય બનાવી દીધી છે. ઐશ્વર્યા પણ જંકફૂડ, ચરબીયુક્ત અને તળેલાં તેમ જ મરી-મસાલાયુક્ત ખાદ્યપદાર્થોથી દૂર રહેવામાં માને છે અને તેનું ચુસ્તપણે પાલન કરે છે. એ બાફેલા શાકભાજી, તાજાં ફળો વધારે પસંદ કરે છે અને સફેદ ભાતને બદલે બ્રાઉન રાઇસ ખાવાનું વધારે પ્રીફર કરે છે. એ પણ અન્ય અભિનેત્રીઓની માફક દિવસ દરમિયાન સમયાંતરે થોડું થોડું ખાય છે.

  1. કાજોલ

ચુલબુલી કાજોલે માત્ર પાંચ જ મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું હતુ અને ફરીથી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું. તેને કસરત કરવાનું ગમે છે. રોજ ઓછામાં ઓછા સવા કલાક માટે એ કસરત કરે છે અને તેમાં એન્ડ્યોરન્સ ટ્રેનિંગ, યોગ, લિફ્ટ્સ અને સ્ક્વેટ્સનો સમાવેશ થાય છે. એ 200-300 પુશઅપ્સ સહેલાઇથી કરે છે અને સાથે જ વેસ્ટર્ન ડાન્સનો આનંદ પણ એટલો જ માણે છે. હા, એ પોતાના ડાયેટ પ્લાનને ચુસ્તપણે વળગી રહે છે અને પ્રોટીનથી ભરપૂર ઓછા કાર્બોહાઇડ્રેટ્સયુક્ત આહાર લે છે. કાજોલ ક્યારેય સ્મોકિંગ કે ડ્રિન્કિંગ કરતી નથી.

આમ, બોલિવૂડની આ તમામ અભિનેત્રીઓમાંથી તમારી ફેવરિટ ઐશ્વર્યા હોય કે દીપિકા કે પછી આલિયા – એમના જેવાં ફિટનેસ, ફિગર અને બ્યૂટી મેળવવાની તમારી આંતરિક ઇચ્છાને તમે પણ પૂર્ણ કરી શકો છો, તેમની માફક જ કસરત અને ડાયેટના પ્રોપર પ્લાનિંગ દ્વારા. સો… ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ સ્ટાર્ટ ઇન ન્યૂ યર.

 

Loading

Spread the love

Leave a Comment