ચોમાસામાં તમે બીમાર ન થાવ તે માટે પોતાનું ખૂબ ધ્યાન રાખો છો, તે જ રીતે ઘરની પણ કાળજી રાખવી જરૂરી છે. વરસાદી સિઝન આવતાની સાથે જ ભેજ અને ઠંડકનું પ્રમાણ વધી જાય છે. વાતાવરણ સુંદર બની જાય છે. વરસાદના કારણે ઠંડકનો અનુભવ થાય છે પણ વરસાદી વાતાવરણમાં ઘર ખરાબ ન થાય તે માટે યોગ્ય પ્રકારની હોમ કેર કરવી પડે છે. ભેજના કારણે ઘરમાં જીવજંતુઓની તકલીફ ઊભી થાય છે. વરસાદી વાતાવરણમાં ઘરની યોગ્ય કાળજી જરૂરી છે. જેથી તમે કરાવેલું ઇન્ટિરીયર પણ મેઇન્ટેઇન રહી શકશે. વરસાદની અને ભેજની અસર ઘર પર ન પડે તે માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું તે જાણીયે.

ઘરનું સમારકામ

વરસાદ આવે તે પહેલા ઘરની દિવાલો અને છતમાં પડેલી તિરાડોનું સમારકામ કરાવી લેવું જોઇએ. તેમાં વોટરપ્રુફ કોટીંગ કરાવો. તેનાથી દિવાલોમાં પાણી ટપકવાનો પ્રોબ્લેમ રહેતો નથી. અગાશીના દરેક નાળા, રેઇન વોટર પાઇપમાં જમા થયેલી ધૂળ, માટી અને ગંદકીને પણ સાફ કરો. જેના કારણે પાણી અગાશીમાં જમા ન થાય અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે. ઘરના અંદરના ભાગમાં ક્રોસ વેન્ટિલેશન હોવું જરૂરી છે. જેનાથી હવામાં વધતા ભેજના કારણે ઘરની અંદર સીલ ન આવે. વરસાદના સમયમાં ઘરની બહારની દિવાલો પર પેઇન્ટ અથવા સફેદી કરાવવી નહીં. હવામાં ભેજનું પ્રમાણ હોવાના કારણે તે જલ્દી સૂકાતા નથી. તેના કારણે ઘરમાં ભેજ વધી જાય છે.

ફર્નીચર

વરસાદી વાતાવરણમાં ઘરના ફર્નીચરને દિવાલોથી થોડા દૂર રાખવા. જેનાથી દિવાલો પર લાગેલો ભેજ ફર્નીચરને અસર કરશે નહીં. લાકડાના શટર ભેજના કારણે ફૂલી જાય છે. તેમાં વેક્સ કે ઓઇલ લગાવીને રાખો. નવું વુડવર્ક કરાવવાથી બચવું. વરસાદી વાતાવરણમાં તમારા ફર્નીચરની સફાઇનું પૂરતું ધ્યાન રાખો. ભેજ સૂકાઇ જાય તે માટે કબાટમાં નેપ્થલીનની ગોળીઓ રાખવી. કારપેટ અને રગ્સને આ સિઝનમાં રોલ કરીને અલગ રાખી દો. જેથી ભેજના કારણે તે ખરાબ ન થઇ જાય. લાડકાના, નાયલોનના કે મેટલના ફર્નીચરને વરસાદમાં ભીના થાય તે રીતે માટે મૂકવા નહીં.

બાથરૂમ અને રસોડાની સફાઇ

ઘરમાં બાથરૂમ અને રસોડું એવી જગ્યા છે, જ્યાં સૌથી વધારે પાણીનો વપરાશ થતો હોય છે. હવામાં ભેજ વધવાના કારણે આ વાતાવરણમાં બેક્ટેરીયા બાથરૂમ અને રસોડામાં જલ્દીથી થતા હોય છે. તેથી આ જગ્યાઓને બને તેટલું કોરું રાખવાનો પ્રયત્ન કરો. અઠવાડીયામાં બે વાર તેના ફર્શને વ્યવસ્થિત રીતે સાફ કરો. રસોડામાં કુકીંગ ટોપ, ટોયલેટ સીટ, સ્વીચ, ટોવેલ રોલ અને દરવાજાના હેન્ડલને પણ વ્યવસ્થિત રીતે સાફ કરો. ઘરની અંદરના જ નહીં પણ આજુબાજુની જગ્યાને પણ સ્વચ્છ રાખો. ઘરની આજુબાજુ પાણી જમા ન થાય તે ધ્યાન રાખો.

 

Loading

Spread the love

Leave a Comment