મોનસૂનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ઘરના દરેક ખૂણામાં અને ઘરમાં ક્યાય ભેજ ન જમા થાય અને કોઇ વસ્તુને નુકસાન ન થાય તે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત છે. તેમાં પણ ખાસ કરીને ફર્નીચર, કિચન અને બાથરૂમમાં સ્વચ્છતા જાળવી રાખવી મહત્વની બની જાય છે. ઘરમાં સજાવટમાં ગોઠવેલી વસ્તુઓમાં ફૂગ થઇ જાય કે ભેજના કારણે લીલ જામી જાય તેવું ન થાય અને વસ્તુ બગડે નહીં તે માટે ખાસ કાળજી રાખવી જોઇએ. સૌથી વધુ ફેરફાર મોનસૂનમાં જ કરવાનો સમય આવે છે કારણકે આ ઋતુમાં ઘરની દરેક સજાવટની અને ઉપયોગની વસ્તુઓની કાળજી રાખવી જરૂરી નહીં પણ ફરજીયાત બની જાય છે. જો યોગ્ય સમયે યોગ્ય પ્રકારની કાળજી રાખવામાં ન આવે તો નુકસાન થવાની સાથે ગમતી વસ્તુ બગડી શકે છે. તેના માટે મોનસૂન પહેલા અને પછી ઘરમાં ફેરફાર કરવો તે હોમડેકોરનો બેઝીક રૂલ્સ ગણાય છે.
જો તમારા ઘરના સોફામાં ફૂગ જેવું લાગે તો થોડા હૂંફાળા પાણીમાં લિક્વીડ એન્ટીસેપ્ટીક ભેળવીને મુલાયમ કાપડ લઇને તેમાં બોળીને તે જગ્યાને ઘસીને સાફ કરો. વરસાદમાં કાપડના કર્ટન્સના બદલે રોલિંગ બ્લાઇન્ડ પ્લાસ્ટિકના ફોલ્ડિંગ કર્ટનનો ખાસ ઉપયોગ કરો. ઘરમાં વુડન ફર્નીચર હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું. બહારનું વાતેવરણ તો ભેજવાળું હોય જ છે. એટલે ઘરના વુડન ફર્નીચર પર ક્યારેક પાણી ન પડે અને ભીના કપડાં સૂકવવાની ભૂલ કરવી નહીં. ભેજવાળા વાતાવરણમાં વુડનની વસ્તુઓમાં ફુગ લાગતા વાર લાગતી નથી અને ફર્નીચર ઝડપથી બગડવા લાગે છે.
તમે તમારા વોર્ડરોબમાં લીમડાના પાન રાખી શકો છો. જેનાથી સિલ્વર ફીશની અસર કપડા પર થતી નથી. વરસાદની ઋતુમાં આ એક સામાન્ય તકલીફ દરેક ઘરમાં જોવા મળે છે. તમે તમારા બેડના નીચેના ભાગમાં પણ લીમડાના પાન કે મેટ્રેસની નીચે પણ તેને ગોઠવી શકો છો. દર અઠવાડિયે પાન બદલી નાખવા. મોનસૂનમાં જે ચાદર ધોઇ હોય તો તેને વાળીને ગોઢવતી વખતે વચ્ચેના ભાગમાં કપૂરની ગોળીઓ મૂકી રાખવી. જેથી ભેજ દૂર થવાની સાથે ભેજની સ્મેલ પણ દૂર થઇ જશે. વોર્ડરોબમાં પણ કપૂરની ગોળી મૂકો તેનાથી ભેજ દૂર થઇ જાય છે અને કપડાને રક્ષણ પણ મળી રહે છે. કપડાં વચ્ચે થોડા લવિંગ પણ મૂકી શકો છો, તેનાથી પણ વ્હાઇટ ફીશની તકલીફ ઊભી થતી નથી. વોર્ડરોબ અને અલમારી દિવાલથી થોડી દૂર રાખો કારણકે મોનસૂનમાં તેમાં સીલન પડી શકે છે.
મોનસૂનમાં વોટર લીકેજ સૌથી મોટી સમયસ્યા છે, તેનાથી સારામાં સારું ઘરનું ડેકોરેશન પણ વેરવિખેર થઇ જાય છે. તેમાં પણ વળી જો ઘરમાં ઊધઇની તકલીફ હોય તો તે ચોમાસા દરમિયાન વધારે મુશ્કેલી ઊભી કરે છે. તેના માટે તમારે પ્રોફેશનલ્સને બોલાવીને એકવાર ચેક કરાવી ઊધઇની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઇએ.
જો ઘરમાં હાર્ડવુડ ફ્લોર હોય તો તે વોટરપ્રુફ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરાવી લો. જો તમારા ઘરમાં કરાવેલું વુડન ફ્લોર વોટરપ્રુફ ન હોય તો તેના માટે વેક્સ ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ રહેશે. વેક્સ વુડનને ભેજથી બચાવવામાં મદદરૂપ બની રહેશે.
વોલ ટુ વોલ કાર્પેટ હોય કે ફ્લોર કાર્પેટ હોય તેને રેગ્યુલરલી વેક્યુમ કરાવતા રહો. તેમાં ભેજ કે ફુગ લાગશે નહીં. તે સિવાય વધારે પ્રમાણમાં ભીના હોય તેવા કપડાંને ઘરમાં લાંબો સમય સૂકવવા નહીં. હવે તો મશીનમાં કપડાં વધારે સૂકાઇ ગયેલા હોય છે. તેથી કલાક કે બે ત્રણ કલાકમાં પંખા નીચે રાખવાથી પણ તે કોરા પડી જાય છે. ડ્રોઇંગરૂમમાં ક્યારેય કપડાં સૂકવવા નહીં. કપડાંના ભેજની સ્મેલ ઘરનું વાતાવરણ બગાડી શકે છે. બેડરૂમ કે બાથરૂમમાં થઇ શકે તો તેની વ્યવસ્થા કરવી.
બાથરૂમ માટે પણ એરફ્રેશનર હંમેશા રાખવાની કાળજી લો. રોજ ફિનાઇલથી બાથરૂમ ધોવાની સાથે તેને કપડાંથી કોરો પણ કરવો, જેથી બાથરૂમમાં પાણી જમા ન થાય અને ભેજને કારણે કોઇ દુર્ધટના ન બને. બને તો સાબુદાની, શાવર, નળ તે તમામ વસ્તુઓને કપડાંથી સાફ કરવાની ટેવ રાખવી જેથી ભેજ સતત તે દરેક જગ્યાએ જમા ન રહે અને લીલ કે કાટ થવાની ચિંતા ટાળી શકાય.
મેધા પંડ્યા ભટ્ટ