શેતાન નું ટ્રેલર જોયા પછીની ઈફેક્ટ
મગજમાં રિમેક ફિલ્મોનો રાફડો ફાટી ગયો
ઓરીજનલ એ ઓરીજનલ, ફર્સ્ટ કોપી ક્યારેક જ ગમે
હું ગુજરાતી ફિલ્મ વશના વશમાં તો નથી આવી શકી પરંતુ તે ફિલ્મના દરેક કલાકારોના અને ખાસ કરીને ગ્રે શેડ નહીં પરંતુ સંપૂર્ણ નેગેટિવ રોલમાં જોવા મળેલ હિતેન કુમારની Hiten Kumaar એક્ટિંગના વશમાં જરૂર આવી હતી. આ ફિલ્મને જોઈને, દર્શકો પણ ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકારોના એક્ટિંગના વશમાં આવી શકે.
ગુજરાતી ફિલ્મ વશ પરથી બનેલી હિન્દી ફિલ્મ શેતાનનું ટ્રેલર જોયા પછી પહેલો વિચાર એવો આવ્યો કે શા માટે ફક્ત જાનકી બોડીવાલાને જ આ હિન્દી રિમેકમાં સિલેક્ટ કરવામાં આવી ? ધાર્યું હોત તો દરેક કલાકારની પસંદગી થઈ શકી હોત. (જ્યારે ફિલ્મ હિન્દીમાં બની રહી છે તેવું સાંભળવા મળ્યું ત્યારે હિન્દી રિમેક માટે જાનકી બોડીવાલાના પાત્રમાં મને એવું લાગ્યું હતું કે રૂકુલ પ્રીત, ઈશિતા દત્તા અથવા કિયારા અડવાનીમાંથી કોઈ એક આ પાત્રને ન્યાય આપી શકે.) શેતાનનું ટ્રેલર જોયા પછી જાનકી બોડીવાલાએ તેની એક્ટિંગમાં વધારે ઇમ્પ્રુવ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. (ગુજરાતી ફિલ્મ વશમાં મને એક વસ્તુ ખૂટતી જોવા મળી હતી. હવે હિન્દી રિમેક શેતાનમાં તેને આવરી લેવામાં આવી છે કે નહીં તે ફિલ્મ જોયા પછી જરૂરથી લખીશ)
ઓરીજનલ ફિલ્મ જોયા પછી, કલાકારોની એક્ટિંગ જોયા પછી, તેમના પાત્રના ઊંડાણને જોયા પછી, રિમેક ફિલ્મ બની હોય તો તે જોવાની મજા ઓછી થઈ જતી હોય છે અને તેનું કારણ પાત્રોની જે કમ્પેરીઝન થાય છે, તે ક્યાંક ને ક્યાંક ફિલ્મને પાછી પાડે છે. જોકે હિન્દીમાં અજય દેવગન અને આર. માધવન પહેલીવાર આવી વિષય વાર્તા સાથે આવ્યા છે. તો દર્શકો તરફથી તેમને કેટલા વધાવી લેવામાં આવે છે, તેની પણ રાહ જોવી રહી.
અજય દેવગનને ફિલ્મ સિંઘમમાં જોયો ત્યારે તેની એક્ટિંગ અને ફિલ્મની વાર્તાના કારણે ગમ્યો હતો પરંતુ તે સમયે મને આખી ફિલ્મમાં અજય દેવગન કરતાં સાઉથના કલાકાર પ્રકાશ રાજની એક્ટિંગ વધારે ગમી હતી. જ્યારે હિન્દી સિંઘમ જેના પરથી બની હતી તે સાઉથની ફિલ્મ સિંઘમ જોઈ તો સાઉથના કલાકાર સૂર્યાની એક્ટિંગ જોયા પછી હવે અજય દેવગન ગમતો નથી. આવું જ દ્રશ્યમ ફિલ્મ જોઈ તે વખતે થયું હતું. ઓરીજનલ સાઉથની દ્રશ્યમ જોયા પછીની રિમેકમાં અજય દેવગન ક્યારેય ગમ્યો જ નથી. કદાચ એટલે જ દ્રશ્યમ પાર્ટ થ્રી સાઉથની તમામ ભાષાઓમાં અને હિન્દીમાં બનેલી ફિલ્મ એક સાથે જ રિલીઝ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સાઉથના કલાકારો ઓરીજનલ ફિલ્મમાં ખરેખર તેમની એક્ટિંગના કારણે અલગ જ તરી આવે છે અને તેમને જોયા પછી સમજાય છે કે તેમની એક્ટિંગના તોલે હિન્દી કલાકારો આવી શકે તેમ નથી. બોલીવુડના કેટલાક જાણીતા કલાકારો સાઉથની ફિલ્મોની રિમેકના કારણે જ સફળ થયા છે. પછી તે સલમાન ખાન હોય રણબીર કપૂર હોય કે પછી અક્ષય, અજય કે વરુણ ધવન હોય. (લીસ્ટ આનાથી પણ વધારે લાંબુ છે, તેથી દરેક માહિતી અહીં મૂકવી શક્ય નથી)
અક્ષય કુમાર પણ સાઉથના કલાકાર રવિ તેજાની ફિલ્મોની રિમેક પરથી કેટલીક હિન્દી ફિલ્મો કરીને છેલ્લા કેટલાક વર્ષોથી સફળતા મેળવી રહ્યો છે. ભૂલભૂલૈયા હોય કે રાવડી રાઠોડ ઓરીજનલ જોયા પછી રિમેક ગમતી નથી. જો તમે રવિ તેજાની ફિલ્મ જુઓ તો તમને અક્ષય કુમાર ગમશે નહીં.
અહીં એક જ પ્રશ્ન થાય છે કે શું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી વાર્તાઓ કે સ્ક્રિપ્ટ નથી? 80 – 90 પહેલાના દાયકાઓમાં કેટલી સુંદર ફિલ્મો બનતી હતી. મધુબાલા, નુતન, વૈજન્તીમાલા, વહીદા રહેમાન, શર્મિલા ટાગોર, શબાના આઝમી, સ્મિતા પાટીલ, જયા બચ્ચન, હેમામાલીની, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, દેવાનંદ, રાજ કપૂર, કિશોરકુમાર, દિલીપકુમાર, ફિરોઝ ખાન, અમોલ પાલેકર, ઉત્પલદત્ત, રાજકુમાર, શશી કપૂર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, મહેમુદ, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા કેટ કેટલાય કલાકારોએ પોતાના બ્લેક એન્ડ વાઈટ સ્ક્રીનના સમયમાં દર્શકોને કેટલું સુંદર મનોરંજન પીરસ્યું છે. (ઘણા કલાકારોના નામ યાદ ન આવ્યા હોય તેથી લખ્યા નથી)
હવે તો ઘણા બધા બોલીવુડ કલાકારો સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળે છે. જેમાં તમને એક વાત ખાસ જોવા મળશે કે તેઓ જે પ્રકારના રોલ કે એક્ટિંગ બોલીવુડમાં કરે છે, તેના કરતાં સાઉથની ફિલ્મોમાં તે લોકો અલગ જ પ્રકારના રોલમા દેખાય છે. તો કેટલાક કલાકારો એવા પણ છે કે જેમને બોલીવુડમાં સારા રોલ મળ્યા નથી પરંતુ સાઉથમાં જઈને તેમણે પોતાની એક ઓળખ સ્થાપિત કરી છે.
જોકે હવે તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા પણ સુધરી ગયા છે. તેમને એક વાતનો ખ્યાલ આવી ગયો છે કે તેમની રિમેક ફિલ્મો બનાવી બનાવીને બોલીવુડના કલાકારો સુપરસ્ટાર બની ગયા છે. તેથી જ હવે જે પણ સાઉથની ફિલ્મો બને છે તે હિન્દી ભાષામાં પણ ડબિંગ થઈને જ રજૂ થવા લાગી છે.
જ્યારે તમે ઓરીજનલ ફિલ્મ જુઓ અને તેના કલાકારોની એક્ટિંગ જુઓ ત્યારે તે પાત્ર કરતાં બેસ્ટ કોઈ લાગતું જ નથી, પરંતુ રીમેકમાં સો ટકા સંપૂર્ણ આપી દેવું એ શક્ય બનતું નથી. કેટલાક કલાકારો તો સો ટકા આપે છે પરંતુ દર્શકો તેમને 100 એ 100 ટકાની દ્રષ્ટિએ સ્વીકારી શકતા નથી. જે રીતે મરાઠી ફિલ્મ સૈરાટ પરથી હિન્દી ફિલ્મ ધડક બની હતી, તે સૌને ગમી તો હતી પરંતુ સૈરાટ જેટલી લોકપ્રિયતા તે મેળવી શકી નહોતી. હા, બોક્સ ઓફિસ પર કદાચ કલેક્શન થોડું વધારે કર્યું હોય પરંતુ દર્શકોના મન પર કલાકારો જે ખરેખર છાપ છોડી જાય છે તે અલગ જ હોય છે.
જાનવી કપૂરની એક ફિલ્મ ગુડ લક જેરી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાઉથની ફિલ્મ કોલામાવું કોકિલા પરથી બની હતી. જે રીતે મરાઠી ફિલ્મ સૈરાટે સફળતા મેળવી, તે જ રીતે સાઉથની આ ફિલ્મે પણ સફળતા મેળવી હતી, પરંતુ તેની હિન્દી રિમેક એટલી લોકપ્રિય થઈ શકી નહોતી. ( જેને ગુડ લક જેરી ફિલ્મ ન ગમી હોય તે આ સાઉથની આ ફિલ્મ zee5 પર જોઈ શકે છે)
અહીં એક વાત જરૂરથી કહીશ કે સાઉથની વિક્રમ વેદામાં મને આર. માધવન અને વિજય સેતુપતિની જોડી કરતા તેની હિન્દી રિમેક બનેલી ફિલ્મમાં રિતિક રોશન અને સૈફ અલી ખાનની જોડી વધારે ગમી હતી.
ખાસ નોંધ – આટલું લખ્યા પછી રિમેક ફિલ્મોની બધી જ માહિતી લખવા જેટલું લાંબુ લખાણ લખવાનો સમય નથી, તેથી બુદ્ધિજીવીઓએ પોતાનું જ્ઞાન દર્શાવીને ફિલ્મોના નામ, કલાકારોના નામ મેસેજમાં લખવા નહીં. અહીં મેં મારા વિચારો રજૂ કર્યા છે. તમારા વિચારો આવકાર્ય છે પણ ખોટી ચર્ચા કરવી નહીં.