આજકાલ ઘર તો એટલા નાનાં બની ગયાં છે, ઘરના કમ્પાઉન્ડમાં વિશાળ બગીચો હોવો એ તો ધનાઢ્ય લોકોને જ પોસાય એ વાત સાથે તો તમે પણ સંમત થશો. વળી, અત્યારની જિંદગી પણ એટલી દોડધામભરી બની ગઇ છે કે ગાર્ડનિંગ માટે પૂરતો સમય ફાળવવાનું પણ લગભગ અશક્ય છે. એવામાં તમે તમારા ફ્લેટની નાની એવી બાલકનીને પણ સુંદર બગીચામાં પરિવર્તિત કરી શકો છો. ધ્યાન શું રાખવાનું છે, તમારા ઘરના ગાર્ડનને લીલોછમ રાખવા? માત્ર અહીં જણાવ્યું છે, એટલું જ….
યોગ્ય છોડની પસંદગીઃ
તમે તમારા ઘરના ટેરેસ, છત, બાલકની ગાર્ડન અથવા લોન માટે એવા છોડની પસંદગી કરો જે આખું વર્ષ લીલાંછમ રહે અને તે પણ તેની વધારે કાળજી ન રાખી શકાય તો પણ એવા જ રહે. તમારા ઘર પાસેની કોઇ સારી નર્સરી અથવા લેન્ડસ્કેપિસ્ટની મદદ લઇને તમે આવા બારમાસી લીલાછમ રહે એવા વિવિધ છોડની પસંદગી કરી શકો છો.
રંગબેરંગી પ્લાન્ટર્સ (કૂંડાં)
પ્લાન્ટર્સ પણ તમારા ગાર્ડનને રંગીન બનાવે છે. જો તમે પસંદ કરેલા છોડના રંગ લાઇટ હોય તો તેના માટે બ્રાઇટ કલર્સના પ્લાન્ટર્સ એટલે કે કૂંડાં પસંદ કરો. રોઝમેરી ફર્ન્સ અથવા ડેકોરેટિવ ગ્રાસને રંગબેરંગી કૂંડામાં લગાવો અને બધાં કૂંડાંને તેનાં રંગના કોમ્બિનેશનની ગોઠવણ કરી કોઇ ખાસ જગ્યાએ ગોઠવી દો. આવા એક જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલાં કૂંડાં અતિથિઓનું ધ્યાન આકર્ષિત કરવાની સાથોસાથ તેનું વધારે સંભાળ રાખવાની જરૂર પણ નહીં પડે.
માત્ર તડકો જ નહીં, થોડો છાંયડો પણ જરૂરીઃ
પ્લાન્ટ્સને શેડની નીચે ગોઠવો. સતત તડકામાં રાખવાથી તે સુકાઇ જાય છે. કન્ટેનર્સમાં લગાવેલા છોડને ખાસ કરીને ઉનાળામાં વધારે પાણીની જરૂર પડતી હોય છે. તેથી છોડને ઠંડકભર્યાં અને છાંયડાવાળા સ્થાને ગોઠવો. આને તમે દીવાલ નજીક, રેલિંગની કિનારીએ અથવા પગથિયાં પર પણ ગોઠવી શકો છો. આ ઉપરાંત, તેને એક જગ્યાએ ગ્રૂપમાં પણ રાખી શકો છો. એક મોટા પ્લાન્ટવાળા કૂંડાંની આસપાસ નાનાં નાનાં છોડ હોય એવા કૂંડાં ગોઠવવાથી તેને નાનાં છોડને છાંયડો મળી રહે છે. એથી વારંવાર કૂંડાંમાં પાણી રેડવાની પણ જરૂર નથી પડતી.
લોનની કિનારીઃ
આજકાલ તો માર્કેટમાં રેડીમેડ એજ મળે છે, જેને તમે લોનની કિનારીએ લગાવી શકો છો. જો આમ ન કરવું હોય તો જૂની અથવા તૂટેલી ઇંટોને પણ ત્રાંસી અથવા તમને ગમતી ડિઝાઇનથી બોર્ડર બનાવી શકો છો. આમ કરવાથી માટી બાલકની કે ટેરેસમાં ફેલાતી નથી અને છોડને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળી રહે છે.
છોડને મળે પૂરતું પોષણઃ
માટી અને ખાતરનું પૂરતા પ્રમાણણાં મિશ્રણ કરી તેને કૂંડાંમાં ભરી પછી છોડ તેમાં રોપવાથી આખું વર્ષ છોડ લીલોછમ અને સ્વસ્થ રહે છે. એ માટે પહેલાં જ જોઇએ એટલી માટી લો અને તેમાં છાણ અથવા લીમડાનું ખાતર ભેળવો. એક વાર છોડને પૂરતું પોષણ મળી જાય તો પછી તે વધારે સારો ખીલશે. માટીને કૂંડાંની કિનારીએથી એકાદ-બે ઇંચ નીચે રાખો, જેથી છોડને પૂરતો ઓક્સિજન મળી રહે.
હેંગિંગ બાસ્કેટ્સ
આવાં હેંગિંગ બાસ્કેટ્સ અથવા પોટ્સને બાલકનીની છતની કિનારીએ લટકાવવાના હોવાથી તેના પર ગરમી અથવા સીધો તડકો આવતો નથી. આને થોડા થોડા સમયે પાણી રેડો. એમાં તમે બારમાસી ગ્રાસ અથવા વેલ લગાવી શકો છો, જે આવી હેંગિંગ બાસ્કેટ્સમાંથી નીચેની તરફ લટકતી રહીને તમારી બાલકનીની સુંદરતા વધારે છે.
ઇન્સ્ટન્ટ હેઝઃ
જો તમારા ઘરની લોન અથવા ગાર્ડન નાનો હોય તો તમે ટેરાકોટાના સિમ્પલ પોટ્સને પણ હારબંધ ગોઠવી શકો છો. તેનાથી તમારો ગાર્ડન ઓર મનમોહક લાગશે. ગાર્ડનના અલગ અલગ ભાગને વધારે આકર્ષક દર્શાવવા આવા કલાત્મક પોટ્સનો ઉપયોગ પણ કરી શકો છો.
પાણી પૂરતું રેડોઃ
જો તમારા ઘરમાં પૂરતું જગ્યા હોય ગાર્ડન માટેની તો તેમાં પાણી રેડવા માટે ઓટોમેટિક સીસ્ટમનો ઉપયોગ કરી શકો છો. આના માટે માર્કેટમાં અનેક એવી પ્રોડક્ટ્સ મળે છે, જેનાથી છોડને સમયસર અને જરૂર પૂરતું પાણી મળ્યા કરે છે. કૂંડાં માટે સેલ્ફ-વોટરિંગ પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં મળે છે. આ ઉપરાંત, તમે ગાર્ડનમાં નાનકડા ફાઉન્ટન એટલે કે ફુવારાનો ઉપયોગ પણ કરી શકો છો. ફાઉન્ટનની ચારે બાજુએ તમને ગમતા પ્લાન્ટ્સ લગાવો. ફાઉન્ટનથી છોડને પૂરતું પાણી મળ્યા કરશે અને તમારા ગાર્ડનની સુંદરતા ઓર નિખરી ઊઠશે. જો સિઝનલ ફૂલના છોડ રોપ્યા હશે તો તો ઓર આકર્ષક લાગશે.